આઝમા ફસાદ બક : ઔરંગઝેબ જાણતો હતો કે મુગલ સામ્રાજ્ય અસ્ત નક્કી છે જેના બીજ નાખનાર પોતે હતો

 

ઔરંગાબાદના મુખ્ય  ટુરિસ્ટ આકર્ષણો અમે જોઈ લીધા હતા. બાકી જો કંઈ રહેતું હોય તો તે હતું બીબી કા મકબરા . આઇટેનરીમાં એક સ્થળનું તો નામ જ ગાયબ હતું તે હતી આલમગીર ઔરંગઝેબની દરગાહ. ટુર શરુ કરતાં પૂર્વે વાંચી લીધું હતું કે બીબી કા મકબરા જોઈને મોટાભાગના ટૂરિસ્ટ્સને નિરાશા જ ઉપજે છે. ટ્રીપ એડવાઈઝર પર એવી જ કમેન્ટ્સ હતી. ને વાત સાચી પણ લાગી. આગ્રાનો તાજમહાલ  અને પછી તમે દખ્ખણના તાજ તરીકે લેખાતો બીબી કા મકબરા જોવા જાવ તો જે નિરાશા ઉપજે તેમાં વાંક તમારો હરગીઝ નથી. 

આગ્રાનો તાજ બનાવનાર હતો શાહજહાં , ઔરંગઝેબનો પિતા. જેને ઔરંગઝેબે જેલમાં નંખાવ્યો હતો. ઇતિહાસની આ તમામ વાતોથી સૌ વિદિત છે. કહાનીઓ તો એમ પણ કહે છે કે કટ્ટરપંથી ઔરંગઝેબનો પ્રથમ પ્રેમ કોઈ હિન્દૂ યુવતી હતી. જે પ્રેમકથા કોઈક કારણસર આગળ ચાલી નહીં. બીબીનો મકબરો જેને માટે બનાવાયો તે ઔરંગઝેબની પ્રથમ પત્ની દિલરસબાનુ પણ સાસુ મુમતાઝ મહેલની જેમ જ પ્રસુતિ દરમિયાન મરણ પામી હતી, પાંચ સંતાનો આપીને. પણ, ઔરંગઝેબને યુદ્ધ સિવાય કશું જામતું નહીં. એ જ તો વાત હતી કે જેને કારણે એને પિતા શાહજહાં ને ભાઈ દારા શિકોહ પર ધિક્કાર હતો. કલાપ્રેમી ,સહિષ્ણુ અને દિલ્હીના તખ્તનો ખરો વારસદાર દારા શિકોહને ઔરંગઝેબે મારી નંખાવ્યો ન હોત તો હિન્દુસ્તાનની તકદીર અને તવારીખ જુદી હોત.

દિલરસબાનુ સાથે નિકાહ થયેલા 1637માં. ઔરંગઝેબની પ્રિય પત્ની તરીકે માન  પામેલી દિલરસબાનુ ઔરંગઝેબને બાદશાહ બનતાં જોઈ ન શકી. એ ઈ.સ 1657માં પાંચમા સંતાનને જન્મ પછી થયેલી સમસ્યામાં મહિનામાં મરણ પામી . એક તરફ ઇતિહાસ લખે છે કે ઔરંગઝેબ ગમમાં ડૂબી ગયો ને તારીખ  તવારીખ કહે છે એ આ બધું છોડીને દિલ્હી પહોંચેલો ,કારણકે ત્યાં શાહજહાં પોતના પ્રથમ લાડકા પુત્ર દારા શિકોહને દિલ્હીનો તખ્ત સોંપવાની તૈયારીમાં હતો. કહેવાની જરૂર નથી કે બંને ભાઈઓમાં જમીન આસમાનનો વિરોધાભાસ હતો. દારા પ્રમાણમાં ધર્મસહિષ્ણુ હતો. ઔરંગઝેબ તાબડતોબ દિલ્હી પહોંચ્યો ને પિતાને કારાવાસમાં નાખ્યા. ભાઈઓને પણ અલગ અલગ કારાવાસમાં નાખ્યા. પણ, વાત અહીં પતતી નહોતી. દારા એનો મોટોભાઈ એનો ખરો સ્પર્ધક હતો. એની સાથે શું કરવું એનું પ્લાનિંગ ચાલુ હતું. 

એ બધું કરી પરવારીને 21 જુલાઈ 1658ના રોજ  ઔરંગઝેબ તખતેનશીન થયો. જેવો તખ્ત પર બેઠો કે ભાઈ દારાને બહાર કાઢ્યો ,ભિખારીના વસ્ત્રો પહેરાવી ને હાથી પર બેસાડી દિલ્હીમાં ફેરવ્યો. લોકોને  એ જતાવવા કે આ તમારો થનાર બાદશાહ  ? આ મારો ગુલામ છે. ને ફાઈનલી શિરચ્છેદ કરી દઈ દારાનું માથું મોટી તાસકમાં શાહજહાંને ભેટ મોકલ્યું હતું. 

આટલો ક્રૂર,કટ્ટર ને ધર્માંઘ ઔરંગઝેબ ઇતિહાસમાં લખ્યું છે તેમ પત્નીના અવસાનના દુઃખમાં ડૂબેલો હોતે તો સગાં પિતાને જેલમાં નાખીને સગાભાઇને ભિખારીના વસ્ત્ર પહેરાવી દિલ્હી ઘુમાવી શિરચ્છેદ કરતે? એને તો પોતે બાદશાહ બન્યો એની ખુશાલીમાં ન તો સિક્કા પડાવેલા , ન ખુતબા પઢવેલા. એનું મિશન એક જ હતું યુદ્ધ. એ પછી હિન્દૂ રાજાઓ સામે હોય, પિતા સામે હોય, ભાઈઓ સામે હોય. 

પિતા ને ભાઈને પતાવ્યા પછી થયું કે પોતાની સામે હવે કોઈ ખતરો નથી એટલે 1860માં  એને પત્ની માટે મકબરો બનાવવાનો વિચાર આવ્યો. પણ, એ ભૂલી ગયો કે જંગથી કોઈ ટકી શક્યું નથી. અકબર, જહાંગીર ને શાહજહાંએ પોતાના સમયમાં શાંતિ ને જાહોજલાલી જોઈ તેનું કારણ હિંદુઓ સાથે શાંતિથી રહેવામાં હતું. 

અકબર ભલે અભણ હતો ,છતાં વિઝનરી હતો એવું કહી શકાય. એને હિંદુઓ સાથે સંબંધ બાંધીને પોતાના કરી લીધા હતા. અકબરની માનીતી રાણી જેને ફિલ્મકારોએ જોધા નામ આપ્યું છે ,એ હરખાબાઇ જયપુરની હતી. રાજા ભારમલની દીકરી ને ભગવંતદાસની બેન. એના પેટે થયો જહાંગીર. મા હિન્દૂ હોય તો એ સ્વાભાવિકરીતે હિન્દૂ માટે સહિષ્ણુ હોય. એ જ રીતે જહાંગીરની પત્ની હતી જગત ગોસાઈ. જે જોધપુરની હતી , જોધા તો એ હતી. એટલે એનો દીકરો શાહજહાં એ પણ હિન્દૂ તરફ નરમ હોવાનો. પરંતુ  શાહજહાંની પત્ની હતી મુમતાઝ મહેલ (નૂરજહાંની ભત્રીજી) હિન્દૂ કનેક્શન ઝીરો. આ એક સૌથી મોટું કારણ છે ઔરંગઝેબની કટ્ટરતાનું. 

એક નાની ઉંમરમાં માતા ગુમાવેલી અને બીજું કે પિતા શાહજહાંને સૌથી પ્રિય હતો દારા શિકોહ ,એ બે કારણો માટે ઔરંગઝેબની પરવરીશ ધાર્મિક ઝનૂની મુલ્લાઓ અને લશ્કરી વડાઓ સાથે થઇ. બાકી હોય તેમ શાહજહાંને એને હંમેશ દક્ષિણમાં જ ઉલઝેલો રાખ્યો. દક્ષિણના જોરાવર રાજવીઓ સાથે લડી લડીને ઐરંગઝેબ પ્રેમ ભાઈચારો જેવી લાગણીથી અછૂત રહ્યો.

જંગ જંગ જંગનો નારો જપતાં રહેનાર પાસે ફોજ પાળવાની જરૂરિયાત ભારે મોટી હોય. ઔરંગઝેબ પાસે ફોજ જબરદસ્ત  હતી. સ્વાભવિક છે કે નિભાવખર્ચ પણ એવો જ તોતિંગ હોય. એટલે એને પોતાની પત્નીની યાદમાં મકબરાનું એલાન તો કર્યું પણ નાણાભીડ હતી. જો કે શશી થરૂર એમના પુસ્તક એન એરા ઓફ ડાર્કનેસ માં લખે છે કે ઈ.સ 1700ની સાલમાં ઔરંગઝેબ પાસે લગભગ 10 કરોડ બ્રિટિશ પાઉન્ડ જેટલી કિંમતનું ધન ટેક્સરૂપે એકઠું થયું હતું. અન્ય આવકો હતી 45 કરોડ પાઉન્ડ જે તેમના સમકાલીન એવા ફ્રાન્સના રાજવી લુઇ 15માથી દસગણી વધુ હતી. આ આવકો માત્રને માત્ર હિન્દૂ વેપારીઓ પર નાખેલા કરથી જમા થઇ હતી. આ શશી થરૂર લખે છે. 

 આ વાત તો ઈ.સ 1700 ની છે. ઈ.સ 1660માં એટલે કે દસ વર્ષ પૂર્વે એવી હાલત નહોતી. સતત ચાલતા યુદ્ધને નિભાવવા માટે નિયમિત આવક જોઈએ. એમાં પણ હિંદુઓને જોઈને ઔરંગઝેબને  ભૂત ભરાતું હતું. એ સમયે વ્યાપાર વાણિજ્યમાં હિંદુઓ આગળ પડતાં હતા. એ ઔરંગઝેબથી સહન ન થતું. અકબરના સમયમાં જજિયાવેરો કાઢી નંખાયો હતો. જજિયાવેરો એટલે મુસ્લિમ સિવાયના અન્યધર્મી પર વેરો. એ અકબર પહેલાના મુગલ શાસકોએ નાખ્યો હતો. અકબરે ઈ.સ 1579માં એ વેરો કાઢીને સમાન નાગરિકતાની વાત કરી. જહાંગીરે એ માન્ય રાખ્યું. શાહજહાંએ પણ યથાવત રાખ્યું પણ આ ધર્માન્ધ ઔરંગઝેબે 100 વર્ષ પછી. ઇતિહાસકાર દામોદર ગર્ગ નોંધે છે તેમ ઈ.સ 1679માં જજિયાવેરો લાગુ પાડ્યો. જેમાં હિંદુઓ જે પણ કોઈ વ્યાપારિક પ્રવૃત્તિ કરે 5% વેરો ચૂકવવાનો. મુસ્લિમ એ વેરામાંથી બાકાત. 

સૌથી મોટી બદનસીબી એ કે ઔરંગઝેબને ન તો કોઈ સારાં ગુરુઓ મળ્યા ન શિક્ષકો , ન સલાહકારો. એને મળ્યા એવા લોકો જે તેના ભય,માન્યતા અને વહેમને પોષતાં રહે. પરિણામે ઔરંગઝેબને શાંતિ જેવી કોઈ ચીજની જરૂર લાગી નહીં. હિન્દુસ્તાનના બાદશાહ બન્યા પછી પણ જે વિઝન આવવું જોઈએ એ વિકસ્યું નહીં. એના માટે બાદશાહ અને સેનાપતિ વચ્ચે કોઈ ફર્ક નહોતો. ઔરંગઝેબ સેનાપતિ સારો પણ એ ક્વોલિટી બાદશાહને ન ચાલે. એ બાદશાહ બન્યો જ નહીં. એક સેનાપતિની જેમ બધે પોતે જ ધસી જતો. 

એનું પરિણામ એવું આવ્યું કે અકબરના સમયમાં હતું તેથી વધુ સામ્રાજ્ય વિકસ્યું પણ સાથે સાથે બીજી સમસ્યા ઉદ્ભવી. એ જ્યાંથી જીતીને નીકળતો એ ભૂમિ પર મરાઠા કે અન્ય હિન્દૂ રાજાઓ કબ્જો કરી લેતા. મરાઠા ને અહોમ લોકોએ તો એને જપવા નથી દીધો. એટલે ઔરંગઝેબના ખજાના ખાલી જ રહેતા હોવાનું નોંધાય છે. એવી પરિસ્થિતિમાં ઔરંગઝેબે બીબીનું સ્મારક બનાવવા રૂ 7 લાખનું બજેટ રાખ્યું હતું. શાહજહાંને તાજ બનાવવા 3200 કરોડ ખર્ચ થયો હતો એવી નોંધ મળે છે. હવે સરખામણી કરી લેવાની રહી. 

બીબી કા મકબરામાં ઘણી જગ્યાએ આરસપહાણ વપરાયો છે. બાકીની ઇમારત લાલ અને સામાન્ય પથ્થરની બનેલી છે. એનો સ્થપતિ મુસ્લિમ હતો. પણ ઈજનેર હિન્દૂ હોવાને નાતે ઘણાં લોકો એને હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક લેખે છે પણ એ વાત બેબુનિયાદ જ નહીં હાસ્યાસ્પદ છે.


સાચું પૂછે તો અમને બીબી કા મકબરા જોઈને ભારે નિરાશા ઉપજી હતી. અમને બિલકુલ ખબર હતી કે આ તાજની નબળી નકલ છે પણ નબળી એટલે આટલી હદે કંગાળ એવું કલ્પ્યું નહોતું. ને જયારે અજંતા ઇલોરાની ગુફાનો ઠાઠ જોયો હોય ને કૈલાસ મંદિરની અજાયબી આંજી નાખ્યા હોય ત્યાં એવું ઈટ પથ્થર ગારાનું મકાન કઈ રીતે આંખને ગમે ?

ન એમાં કોઈ કલાકારીગીરીને અવકાશ છે કે કોઈ મોહકતા. ઔરંગઝેબ ખરેખર ટૂંકી દ્રષ્ટિનો શિકાર હોવો જોઈએ. કોઈ સરખામણીમાં ઉણાં ઉતરવા એવું પ્રયોજન કરે ?

આ પ્રશ્નનો જવાબ ઔરંગઝેબની કબર આપી જાય છે. 

બીબી કા મકબરા પછી અમે મુલાકાત લીધી ઔરંગઝેબના મકબરાની. અન્ય મુગલ રાજવીઓની કબર , સ્મારક કરતાં તદ્દન જુદી આ કબર છે. ઔરંગાબાદથી 24 કિલોમીટર ખુલ્દાબાદ નામના નાનકડાં કસ્બામાં બજારની વચ્ચોવચ એક મકબરો છે. 

3 માર્ચ 1707ના રોજ છઠ્ઠા મુગલે પૃથ્વી પરથી વિદાય લીધી અને એ સાથે એક યુગ સમાપ્ત થયો. એવું નહોતું કે મુગલો એક રાતમાં ગાયબ થઇ ગયા પણ એ  શાસક હતો જેને ઇતિહાસે યાદ રાખ્યો , અને બહાદુરશાહ ઝફર સાચુકલો છેલ્લો મુગલ. ઔરંગઝેબ સાથે મુગલોનો સુવર્ણકાળ સમાપ્ત થયો. જેનો અંદેશ ઔરંગઝેબને આવી  ગયો હતો.કદાચ પાછલી ઉંમરમાં એને પોતાની કરણી પર પસ્તાવો થયો હોય એમ પણ હોય શકે. 

આપણે પાઠ્યપુસ્તકોમાં ભણ્યા હતા એ જ વાત દરગાહ પર ધાર્મિક પાઠ કરી રહેલા લોકોએ કહ્યું કે ઔરંગઝેબ કદી રાજને પૈસે જીવતો નહોતો. એનું કામ હતું ટોપીઓ સીવવાનું .જે સીવીને રૂપિયા 4ની સિલક હતી. કુરાન લખીને વેચાણથી થોડાં પૈસા આવ્યા હતા. ઔરંગઝેબને પોતાના પૈસે જ આપકમાઈના પૈસે પોતાની કબર બનાવવી હતી. તે પણ પોતાના ધાર્મિક ગુરુ શેખ ઝૈનુદ્દીનના મકબરામાં. ઔરંગઝેબના પુત્રે પિતાની મરજી પ્રમાણે ત્યાં દફન કરી ને દરગાહ બનાવી. એ કબર આજે પણ ખુલ્લી છે. જેની પર નાનાં કોઈ છોડ ઉગ્યા હતા. પહેલા એ કબર ચારે તરફથી ખુલ્લી હતી. જેની આસપાસ  આરસ બેસાડવાનું કામ લોર્ડ કર્ઝ્ને કર્યું હતું. ને વળી ઉમેર્યું પણ ખરું કે સરકાર આ માટે કઈ કરતી નથી. 

આ શેખી સાંભળીને મારી મિત્રે તો પચાસની નોટ મૂકી પણ મને વિચાર આવ્યો કે  જે માણસે આખી જિંદગી બીજાના ધાર્મિક સ્થળો તોડી લૂંટી ને મસ્જિદો બનાવી હોય , બીજાના જાનમાલ મિલ્કત લુંટ્યા હોય ,જિંદગી તબાહ કરી નાખી હોય , ભાજીમૂળાની જેમ ગળા કાપી નાખ્યા હોય ,જેને પોતાના લોહીના સંબંધીઓને બેરહમીથી કાપી નાખ્યા હોય એ છેલ્લા કાળમાં પ્રાયશ્ચિત જેવી ભાવનાથી પીડાતો હશે ? કે પછી લોકો એને કિલિંગ મશીન તરીકે યાદ રાખવાને બદલે ટોપી સીવીને આપકમાઈ કરતો મોડેસ્ટ રાજવી તરીકે યાદ રાખે તેવી ગોઠવણ કરવા માંગતો હશે ?

આ વિચાર આવવાનું કારણ એટલું જ કે ઔરંગઝેબના આખરી શબ્દ હતા : આઝમા ફસાદ બક . એટલે કે મારા મરણ પછી બસ અંધાધૂંધી જ હશે. જેના બીજ અન્ય કોઈએ નહીં પણ એને પોતે જ વાવ્યા હતા. એટલું જ નહીં ઔરંગઝેબે લાંબી નોંધ પણ મૂકી હતી જે વાંચવાથી લાગે કે મરણપથારી પર પડેલા 88 વર્ષના બીમાર માણસને રહી રહીને પોતાની કરણી પર પસ્તાવો તો નક્કી થયો હોવો જોઈએ, અન્યથા એ એવું ન લખે કે ખુદા કોઈને બાદશાહ ન બનાવે. બાદશાહ બનનાર જીવ અભાગિયો હોય એ નક્કી જાણજો. 




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen