અજંતા ગુફાઓ : જીવંત ચિત્રોની દુનિયા


અજંતા ઇલોરાની ટ્રીપ પ્લાન કરી હતી દિવાળી પછી. નવેમ્બર મહિનો આ ટ્રીપ માટે આદર્શ એ  હેતુથી કે વાતાવરણમાં ઠંડક હોય. ઉનાળામાં આ જગ્યાએ જવાનો વિચાર સુધ્ધાં ન કરી શકાય. ટેમ્પરેચર 40 થી 48 ડિગ્રી હોય અને એ વખતે ચાલીને ગુફાઓ જોવાનો પ્લાન અસહ્ય બની  રહે. 

મારો પ્લાન જાણ્યા પછી મિત્ર હેતલ દેસાઈએ મને મરાઠી ફિલ્મ અજીન્થા જોઈને જવાનો અનુરોધ કર્યો હતો. ત્યારે ખબર નહોતી કે આ ફિલ્મના છેડા ક્યાં જોડાવાના છે. 

અમારા ડ્રાઈવર ઉત્તમભાઉએ જણાવ્યું હતું એમ અમે સાતને ટકોરે હોટલ છોડી. ઔરંગાબાદથી અજંતા કેવ્સ છે 110 કિલોમીટરના અંતરે. આમ જોવા જાવ તો પહોંચતાં બે કલાકથી વધુ સમય ન લાગવો જોઈએ. પણ, જેવી સિટીની હદ છોડી કે સમજાયું કે શા માટે અજંતા પહોંચતા ત્રણથી સાડા ત્રણ કલાકનો સમય લાગે છે. 
આવી સુંદર, વર્લ્ડ કલાસ કહેવાય તેવી સાઈટ પર પહોંચવા માટે ઢંગનો રસ્તો નથી. 75 ટકા રસ્તો હજી બની રહ્યો છે.  આ સ્ટેટ્સ છેલ્લાં દસ વર્ષથી છે. જે સાઈટ પર આટલાં ટુરિસ્ટ આવતાં હોય , નેશનલ હાઇવે સાથે જોડાતો હોય એ સાવ ખસ્તેહાલ છે. 

અમે નીકળ્યા હતા આ વાત ગણતરીમાં લઈને. સાત વાગ્યે નીકળ્યા પછી મોડામાં મોડું દસ વાગ્યે પહોંચી જવાય તો ઠંડા પહોરે ગુફા જોવાનો કાર્યક્રમ થઇ શકે. બાકી શિયાળો તો વાતાવરણમાં જણાતો નહોતો. 

અજંતા કેવ્સ પહોંચવામાં થોડાં કિલોમીટર બાકી હતા ને ત્યાં જોયું કે વાહનોની કતાર લાગી ગઈ છે. પૂછપરછ કરતાં ખબર પડી કે અજંતા ઘાટમાં અકસ્માત થયો છે. ટ્રાફિક ન તો આગળ જઈ શકે છે ને સામી બાજુના વાહનો આવી શકે છે. જ્યાં સુધી અકસ્માતગ્રસ્ત સાઈટ પરથી વાહનો ન હટાવાય ટ્રાફિક શરુ થઇ શકે એવા કોઈ અણસાર  મળતાં નહોતા. એ માટે  ત્રણ કલાક પણ લાગી શકે કે તેથી વધુ પણ. ટૂંકમાં ત્રણ કલાકે જો ટ્રાફિક સામાન્ય થાય ને અજંતા પહોંચીએ તો ગુફાઓ જોવા માટે સમય જ હાથ પર ન રહે. 

હવે કરવું શું ?
 હોટલ પર પાછાં ફરવા સિવાય કોઈ વિકલ્પ દેખાતો નહોતો. પણ, એમાં એક સમસ્યા હતી . સમસ્યા એ હતી કે બીજે દિવસે અમારી સાંજની ફ્લાઇટ હતી. કયાં અજંતા જવું જ હોય તો ફલાઈટ રીશિડયુલ કરવી પડે. જે શક્ય નહોતું. ઘડીભર માટે લાગ્યું કે અજંતાના પ્લાન પર અમારે ચોકડી મુકવી પડશે. મન ગ્લાનિથી ભરાઈ ગયું હતું. પાછાં ફરી રહ્યા હતા ત્યારે વચ્ચે એક ચાની નાનકડી ટપરી પર ઉત્તમભાઉએ કાર રોકી. ચા પીને ઔરંગાબાદ પાછાં ફરવાનું હતું પણ ત્યાં બેઠેલા એક યુવકે ઉત્તમભાઈને રસ્તો સુઝાડ્યો. એ પોતે ગાઈડ હતો. એને પણ રોજની જેમ સાઈટ પર જવાનું હતું પણ ટ્રાફિક જામ હોવાથી અહીં બેઠો હતો. એની પાસે સુઝાવ હતો. 

એ સુઝાવ હતો કે અમે જો વ્યૂઇંગ ગેલેરી જઈને ત્યાંથી ઉતરવાનું શરુ કરીએ તો અજંતા કેવ્સ પહોંચી શકીએ. વ્યૂઇંગ પોઇન્ટ અજંતા કેવ્સના મુખ્ય પ્રવેશદ્વારથી લગભગ 8 કિલોમીટર દૂર છે. ત્યાં પહોંચીને નિર્ણય લેવો રહ્યો.
આ છે વ્યૂઇંગ ગેલેરી અને પાછળ રેડ સર્કલમાં દેખાય છે તે છે અજંતા કેવ્સ. જ્યાં પહોંચવા પગપાળાં બે હિલ્સ પાર કરવાની હતી. 


અને અમે પહોંચ્યા વ્યૂઇંગ ગેલેરી પર. ત્યાંથી દેખાતો હતો અજંતા કેવ્ઝનો અદભૂત નઝારો. જો તમે અજીન્થા ફિલ્મ જોઈ હોય તો શરૂઆતનો જે સીન છે અહીં ફિલ્માવાયો છે. એટલું જ નહીં આ એ જ જગ્યા છે જ્યાંથી સહુ પ્રથમવાર અજંતા કેવ્ઝના સગડ મળ્યા હતા. 

થયું હતું એવું કે ઈ.સ 1819માં જ્હોન સ્મિથ નામનો બ્રિટિશ ઓફિસર શિકાર પર ગયો હતો. તેને વાઘને જોયો પણ એ ચીલઝડપથી નીચે રહેલી ખીણમાં અદ્રશ્ય થઇ ગયો. વાઘને શોધવામાં જ્હોન સ્મિથને આ ગુફા મળી આવી. આ ફિલ્મ વિષે હું વાત કરી રહી હતી ત્યારે અમર ગાઈડ તરીકે આવેલા વિશાલ શિંદેએ પહેલીવાર મોઢું ખોલ્યું. ત્યારે જાણ થઇ કે એ અજિન્તા ફિલ્મમાં કિરદાર નિભાવી ચુક્યો છે. એ સાથે એને ફિલ્મમાં ઘણાં ઇનપુટ્સ ગાઈડ તરીકે  આપ્યા છે.

વિશાલનો અનુરોધ હતો કે અમારે વ્યૂઇંગ પોઈન્ટથી ઉતરીને અજંતા સુધી પહોંચવું. સાચી વાત તો એ હતી કે એ વિચાર જ અમને ડરાવનારો લાગ્યો હતો. 8 કિલોમીટર અંતર જંગલથી રસ્તે બીજાં બે કિલોમીટર વધુ ગણવાનું. 
રસ્તો જંગલમાં પગદંડી અને ક્યાંક ક્યાંક પાકાં પગથિયાં પણ છે. જે લોકો ટ્રેકિંગના રસિયા છે એ લોકો માટે આ રસ્તો અજાણ નથી. 

જો આ રૂટ ન લીધો હોત તો એક અનોખી થ્રિલથી વંચિત જરૂર રહી જાત. 
ચોમાસુ પૂરું થયાને સમય વીત્યો નહોતો એટલે જોવા મળી વાઘુર નદી ધોધ સ્વરૂપે


 અવઢવમાં સમય બગાડવાનો અર્થ નહોતો. નિર્ણય લેવાનો હતો. અભી નહીં તો કભી નહીં જેવો ઘાટ હતો. જો અજંતા જોવાની ચૂકાઈ જાય તો ફરી આ સંયોગ આવશે, આવશે કે નહીં એ સામે પ્રશ્નાર્થ હતો. એટલે વધુ વિચાર્યા વિના અમે નિર્ણય લીધો કે ઉતરીને અજંતા સુધી પહોંચવું. રસ્તો ખુલશે તો ઉત્તમભાઉ અમને મુખ્ય પ્રવેશદ્વાર પર મળશે. હવે  પ્રશ્ન એક સતાવતો હતો કે ધારો કે ટ્રાફિક ક્લીઅર ન થયો તો ? તો આ જ રસ્તે ચઢીને  આવવાનો વિકલ્પ ડરાવનારો હતો. એનો પણ રસ્તો વિશાલ પાસે હતો. અજંતા કેવ્ઝ પર ડોલીની સુવિધા છે. જે કદાચ મોંઘો વિકલ્પ છે પણ સુવિધાજનક છે. 


આખરે વધુ વિચાર કર્યા વિના અમે ઉતરવાનું શરુ કરી દીધું. અમે ગૂગલ મેપમાં જોયું તો વ્યૂઇંગ ગેલેરીથી અજંતા કેવ્ઝનું અંતર માત્ર સાડા ચાર કિલોમીટર હતું. વળી ઉતરવાનું હતું. વાતાવરણમાં ઠંડક હતી અને વોક ખરેખર રમણીય હતો. વનરાજીમાંથી સરી જતી કેડી , ક્યાંક ક્યાંક પગથિયાં , ક્યારેક ખડકાળ ને સપાટ રસ્તો. વચ્ચે આવતાં ધોધ ... જો અજંતા ઘાટમાં અકસ્માત ન થયો હોતે તો અમે આ રસ્તે આવત જ નહીં અને આ દ્રશ્યથી વંચિત જ રહી જાત.

ગૂગલ મેપ બતાડતો હતો અંતર સાડા ચાર કિલોમીટર પણ અંતર ઘણું લાબું લાગ્યું અમને. સૂર્યદેવ આકરા પાણીએ હતા. સતત ચાલવાથી ઠંડક તો ક્યારની ગાયબ થઇ ગઈ હતી. પાસે હતું એ પાણી પણ લગભગ પૂરું થઇ ગયું હતું. કેવ્ઝ તો સતત સામે જ દેખાતી હતી પણ અંતર ખૂટતું નહોતું. આખરે વાઘુર નદી જે ધોધરૂપે પડતી જોઈ હતી તે વહેતી દેખાઈ . એટલે કે મંઝીલ આવી ગઈ હતી. 

જે લોકો આ રસ્તે આવે છે એમને કેવ્ઝ સુધી પહોંચવા ફરી  ચઢવું પડે છે. અમે એ માટે તૈયાર હતા. અમારી સામે હતું અમારું ડેસ્ટિનેશન. સામે પથરાયેલો હતો કલાવૈભવ. 
લગભગ 26 ગુફાઓનો સમન્વય મુલાકાતીને એ વિશ્વમાં ખેંચી જાય જ્યાં કાળની કલ્પના કરવાની રહે. 

સહુથી મોટી વિશેષતા એ છે કે ASI દ્વારા સારી જાળવણી થઇ રહી છે. એનો સમયકાળ પણ ઇલોરાની ગુફાની જેમ ઈ.સ પૂર્વે 4થી શતાબ્દીથી ઈ.સ 450  ઉલ્લેખાય છે. એટલે કે લગભગ 800 વર્ષમાં આ ગુફાઓનો સુવર્ણકાળ હોવો જોઈએ. અજંતા કેવ્ઝ મોટાભાગે બૌદ્ધ કેવ્ઝ છે. ઈલોરામાં હિન્દૂ અને જૈન ગુફાઓ પણ છે અહીં માત્ર ને માત્ર બૌદ્ધ ગુફાઓ છે. જેનું નિર્માણ સાતવાહન રાજવીઓ દ્વારા કરાવાયું હોય તેમ મનાય છે. સાતવાહન પછી દક્ષિણના વાકાટક રાજવીઓ આ ગુફાઓનો નિભાવખર્ચ ઉઠાવતા હોવાનું મનાય છે. ઇલોરાની જેમ અજંતા પણ ટ્રેડ રૂટ નો હિસ્સો હતું. માત્ર રાજવીઓ જ નહીં પણ ટ્રેડર્સ અને અન્ય ધનપતિઓ પણ પોતપોતાની શક્તિ એમાં યોગદાન આપતા હોવાનો ઉલ્લેખ છે. 


એક વાત એ પણ છે કે ગુફાઓને જે રીતે નંબર આપવામાં આવ્યા છે તેને ઇતિહાસ સાથે કોઈ લેવાદેવા નથી. સિરિયલ નંબર માત્ર સિસ્ટમના ભાગરૂપે છે બાકી આ ગુફાઓનું નિર્માણ પણ સમયાંતરે થયું છે. 24 ગુફાઓ વિહાર છે અને 5 ચૈત્યગૃહ છે. નંબર 1, 2, 4, 16, 17 વધુ કલાત્મક અને જાજરમાન છે. 
જો કે અહીં કોઈ શિલાલેખ મળી આવ્યાનો ઉલ્લેખ થતો નથી છતાં મળતી નિશાનીઓને આધારે મનાય છે કે વાકાટક રાજવી હરિષેણ આ ગુફાના સંરક્ષક રહ્યા હશે. 

ગુફાઓમાં નકશીકામ પણ ઉત્કૃષ્ટ છે. હોલ જેને મહાકક્ષ લેખાય છે તેની 40 ફૂટ લાંબી અને 20 ફૂટ પહોળી દીવાલો ચૈત્યને આગવી ગરિમા આપે છે. 


મહત્વનું પાસું છે ગુફાઓની કારીગીરી. જે વિહાર છે તે સાદગીભર્યા છે પરંતુ ચૈત્ય લેખાય તેવા પ્રાર્થનાગૃહ અસાધારણ લાલિત્યપૂર્ણ પેઈન્ટિંગ્સ અને કોતરણીથી શોભે છે. જેમાં મુખ્યત્વે છે બૌદ્ધ ધર્મની જાતકકથાઓ. ભગવાન બુદ્ધ , બોધિસત્વો , ધારિણીઓ અને સાથે સાથે જનજીવન અને વન્યજીવન વિષે જે રીતે ચિત્રો છે તે કદાચ કોઈક પ્રકારના સહજીવનનો નિર્દેશ કરે છે. ગુફા નંબર 1, 2, 9, 10, 16 અને 17 વિશેષ છે. જેના ચિત્ર વિશ્વમાં ટેક્નિકની દ્રષ્ટિએ અવ્વલ લેખાય છે. એ સમયના પર્યાવરણ અને જીવસૃષ્ટિ ઉપરાંત ગૌતમ બુદ્ધ અને બૌધિસત્વોની પ્રેરણા જાતકગ્રંથોમાંથી લેવાઈ છે. જેમાં ક્યાંક ક્યાંક એવા લોકો દર્શાવાયા છે જે બાહરી મુલકના હોય શકે. આ ગુફા મહાયાન પ્રેરિત હતી એ પુરાવો આપે છે. 

ચિત્રોની શૈલીમાં ફ્રેસ્કો અને ટેમ્પરા શૈલી દેખાય છે. એટલે ચિત્ર બનવવા પૂર્વે પથ્થરની ઉપર સફાઈ કરી પ્રાઇમર કરવામાં આવતું હતું . જે સામાન્યરૂપે ઘાસ, પ્રાણીજ ચરબી ,ગુંદર અને મીણના લેપમાંથી તૈયાર કરવામાં આવતું હતું.  

ગુફા નંબર 17ના ચિત્રને ચિત્રશાલા તરીકે ઉલ્લેખવામાં આવતી હતી. જેનું નિર્માણ વાકાટક રાજવી હરિષેણ દ્વારા કરાવાયું એવા ઉલ્લેખ મળે છે. જેમાં બુદ્ધના જન્મ ,જીવન, મહાભિનિષ્ક્રમણ , મહાપરિનિર્વાણની ઘટના આવરી લેવાઈ  છે. 

 અજંતાની ગુફાઓમાં બેમિસાલ ભીંતચિત્રો જળવાયેલા છે. અલબત્ત , હજારો વર્ષની થપાટ ખાઈને જીવંત લાગતાં આ ચિત્રોના રંગ હજી ચમકદાર રહ્યા છે કઈ રીતે એ વાત રહસ્યમય છે.

આ ગુફાઓ પહેલા હીનયાન પંથની હોય તેમ મનાતું હતું. પણ, એ મહાયાન સંપ્રદાયનો ભાગ હતી એમ સાબિત થઇ ગયું છે. સૌથી મોટો પુરાવો જ છે પેઈન્ટિંગ્સ . જે ગાંધાર સ્કૂલની દેણ છે. ગૌતમ બુદ્ધ પોતાની હયાતીમાં પોતાને ભગવાનનો દરજ્જો ન આપવો એવું વારંવાર કહી ગયા હોવા છતાં મહાયાન સંપ્રદાયે એમને ભગવાન માની પૂજવાનું શરુ કર્યું ને ઉદભવ થયો મૂર્તિનો. 

કનિષ્કના સમયમાં મહાયાન સંપ્રદાયના ઉદય સાથે ગાંધાર અને મથુરા જેવા વિદ્યાલય અસ્તિત્વમાં આવ્યા. હીનયાન બૌદ્ધ ધર્મની ઓલ્ડ સ્કૂલ કહેવાય છે તેમાં આવા શિલ્પ સ્થાપત્ય ,કલા અને સંરચના પર ભાર મુકવામાં આવતો નથી. એવું મનાતું હતું કે મહાયાન બૌદ્ધ ધર્મનો નવો ફાંટો હતો જેનો ઉદય ભારતમાં થયો પણ ફેલાવો ભારત બહાર ચીન,જાપાન,તિબેટ ,રશિયા ,વિયેતનામ કોરિયા જેવા દેશોમાં થયો હતો. 



અજંતા , ઈલોરાએ એ થિયરીમાં વધુ ઇનપુટ્સ મુખ્ય એ જ છે કે મહાયાન ભારતમાં પણ એટલો જ પ્રચલિત હતો. અજંતામાં બંને સેકટનો સમન્વય જોવાય છે એવો દાવો પણ થાય છે. મહાયાન અને હીનયાન બંનેના ચૈત્યગૃહ છે જે અનુક્રમે 9 અને 10 નંબરની ગુફામાં છે. 12,13,15 વિહાર છે. થોડી ગુફાઓ કામ શરુ થયાં પછી અચાનક અધૂરી મુકાઈ ગઈ હોય એમ લાગે છે. સૌથી મોટી વિહાર ગુફા છે 52 ફૂટની . કોઈક વિહાર અલંકૃત છે કોઈક બિલકુલ સાદા .જો કોઈ કોમન વાત હોય તો એ છે કે તમામ નાના નાના રૂમ ધરાવે છે. અમને જણાવાયું તે પ્રમાણે આ ભિક્ષુઓને રહેવા માટેની જગ્યા છે પણ , એ વાત ગળે ઉતરતી લાગી નહીં. એક માનવદેહ લંબાવી શકે એટલી જગ્યા નથી. શક્ય છે કે એ ધ્યાનમાં બેસવાની કે પછી સ્વાધ્યાયની જગ્યા હોય શકે. 
ગૌતમ બુદ્ધના નિવાૅણ પછીના સમયમાં  બૌદ્ધ ધર્મના અનુયાયીઓ વચ્ચે વૈચારિક અંતર વધવા લાગ્યું હતું. અજંતાની ગુફાઓને એક પ્રકારની મોનેસ્ટ્રી પણ લેખવામાં આવી છે. 

સાતમી સદીમાં ચીની પ્રવાસી હ્યુએન સાંગે એવી નોંધ કરી છે કે બૌદ્ધ દાર્શનિક , વિદ્વાનો , લેખકો અને કલાકારો અજંતાની ગુફાઓમાં રહેતા હતા. જેમનું કામ હતું બૌદ્ધ ધર્મના પ્રચાર માટેની પ્રવૃત્તિઓ કરવી. તે કાળમાં હિંદુઓએ જૈન ને બૌદ્ધ ધર્મ સામે મોરચા માંડ્યા હતા છતાં હિંદુ રાજવીઓ આ બૌદ્ધ સાધુઓને સહયોગ કરતા હતા. 

આ તો વાત થઇ જયારે આ ગુફાઓ ભિક્ષુઓથી ધમધમતી હતી. અચાનક જ તેમના આ કામ પર રોક લાગી ગઈ. એ માટે મત એવો છે કે સાતમી આઠમી સદીમાં વાકાટક રાજવી આ ભિક્ષુઓને રક્ષણ અને પોષણ આપતા હતા. અચાનક થયેલું એ રાજવંશનું પતન આ ગુફાઓના કાળનું  એકમાત્ર કારણ હોય શકે. પરંતુ એ સમયે આ ગુફાઓની જાહોજલાલી કલ્પી લેવાની રહે. 

આજે પણ જળવાયેલા ચિત્રોના રંગ જોવા જેવા છે. મોટાભાગે લાલ, મરુન , પીળો, લીલો અને કાળા રંગનો ઉપયોગ દેખાય છે. જે તમામ રંગ નૈસર્ગિક છે. આટલા વર્ષો સુધી જળવાયેલા રહ્યા છે એ માટે શું ઘટક મેળવ્યા હશે એ શોધનો વિષય છે. પ્રાણીજ ચરબી અને મધપૂડામાંથી મળતું મીણ પણ એમાં વપરાયું છે.  


અજંતાની ગુફાઓમાં ચિત્રો તો ખરાં જ પણ શિલ્પકલા પણ અદ્દભુત છે . ગુફા નંબર 26માં છે સ્લીપિંગ બુદ્ધ. જે ગૌતમ બુદ્ધની આખરી ઘડીઓ દર્શાવે છે. વિશ્વભરમાં આ મુદ્રાનું મહત્વ ઘણું છે. ચીનના બૌદ્ધ મંદિરો હોય કે થાઈલેન્ડના , અજંતામાં પણ આ નિર્વાણઘડી શિલામાં કોતરાઈ છે. ગૌતમ બુદ્ધ પોતાનો નશ્વર દેહત્યાગ કરીને પરમમાં વિલીન થાય તે ઘડીને બૌદ્ધ ધર્મમાં ખૂબ મહત્વ અપાયું છે. ગુફા નંબર 26માં એ  પ્રતિમા છે. 



અજંતા , ઈલોરા , કૈલાસ મંદિર આ સ્થાપત્ય અને કલાના એવા નમૂના છે જેને એક લેખની સીમામાં મર્યાદિત ન કરી શકાય. આ તો ફક્ત ટ્રેલર છે. પિક્ચર તો જાતે જઈને જોવું પડે. 






 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen