કૈલાસ મંદિર : નિર્માણ કરાવનાર કોણ ? માનવી કે પછી કોઈ પરગ્રહવાસી ?


આખું મંદિર અંગ્રેજી U શેપમાં બન્યું છે. જે કઈ રીતે નિર્માણ પામ્યું તે વાત જ કોયડો છે. ઇમેજ : ગૂગલ 

તમને કોઈ વ્યક્તિ એવી મળી છે જેને ઇજિપ્તના પિરામિડ કે ગુમાયેલા એટ્લાંટિસ કે પછી બર્મ્યુડા ટ્રાયેન્ગલ વિશેના રહસ્ય જાણવા વિષે રસ ન પડ્યો હોય ? 
એવી જ એક મિસ્ટ્રી છે ઈલોરાનું કૈલાસ મંદિર. જે દેશી વિદેશીઓને માટે જબરું આકર્ષણ જન્માવે છે પણ ખબર નહીં કેમ આ મંદિર  કોણાર્કના સૂર્યમંદિર જેવી પ્રસિદ્ધિ મેળવી શકવામાં નાકામ રહ્યું છે. 

એ મંદિરની જાજરમાન રચના ન તો શબ્દોથી વર્ણવી શકાય ન પિક્ચરથી. એ માટે પોતાની આંખ જ જોઈએ. 
બે લાખ ટન વજનની એક શિલામાં કોતરાયેલું આ મંદિર વિશ્વમાં અજોડ તો ખરું જ ,પ્રાચીન સ્થાપત્યમાં પણ અજોડ છે. દુર્ભાગ્યની વાત એ છે કે વિશ્વની અજાયબીમાં તેને સ્થાન મળ્યું નથી. 

 આજે જયારે આપણે નેનો ટેક્નોલોજી સુધી પહોંચી ગયા છીએ ત્યારે પણ આ સ્થાપત્ય કઈ રીતે આકાર પામ્યું હશે તે કલ્પના હેરત પમાડે છે. 

એટલે સાચે પ્રશ્ન થાય કે આ મંદિરના નિર્માતા કોણ હશે  ? રાજવીઓ ? એટલે કે માણસજાતિ ? કે પછી પરગ્રહવાસીઓ ? 

એ પ્રશ્ન એટલા માટે થાય  કારણકે આ મંદિરમાં નથી વપરાયા પથ્થર , ઈંટ ,સિમેન્ટ ... આ મંદિર આખેઆખું એક અને માત્ર 100 ફૂટની ઊંચાઈ ધરાવતી એક જાયજેન્ટીક શિલામાં કોતરવામાં આવ્યું છે. તે પણ નાનું એવું એક મંદિર નહીં મહાકાય શિવાલય. ત્રણ માળનું જાજરમાન શિવાલય. શિખર , ગર્ભગૃહ, રંગમંડપ સાથે. 

એવું જાજરમાન મંદિર કેટલા સમયમાં બન્યું એ માટે પણ મતમતાંતર પ્રવર્તે છે. ક્યાંક એવું પણ લેખાય છે કે આ મંદિર 18 વર્ષમાં 783 AD માં તૈયાર થઇ ગયું હતું. જેનું નિર્માણ કરાવનાર હતા કૃષ્ણ રાજા પ્રથમ . બદામીના ચાલુક્યથી લઇ ઘણાં રાજવીઓને પરાસ્ત કરનાર શૂરવીર રાજવી તરીકે ઓળખ છે. જે એક શૈવભક્ત હતા . કૃષ્ણરાજ તરીકે પણ લેખાય છે. આ થિયરી સાથે મતમતાંતર તો છે પણ સ્વીકાર્ય રાખવા પાછળનું એક ઠોસ કારણ છે  મળી આવેલા બે એપીગ્રાફ્સ. જે ઇલોરાની સાઈટ પરથી કન્નડને મળતી આવે તેવી લિપિમાં આલેખાયેલા છે.  એમ કહેવાય છે કે રાજપૂત જેમાંથી ઉતરી આવ્યા તે આ વંશ છે રાષ્ટ્રકૂટ .  આ મૂળ દક્ષિણ ભારતીય રાજઘરાણું  છે. મંદિરની શૈલી  દ્રવિડિયન છે. આ પ્રકારના મંદિરો ખાસ કરીને દક્ષિણ ભારત શ્રીલંકા ,કૉમ્બોડિયાનું અંગકોરવાટ જેવા દેખાય છે. પણ, આ મંદિર 18 વર્ષમાં તૈયાર થયું હોય એ શક્ય નથી.  જો અઢાર વર્ષમાં આ મંદિર બનાવવું હોય તો દિવસરાત , વરસાદ ,ટાઢ તડકો ,તહેવાર કે યુદ્ધ  જોયા વિના , નક્શીકામ કળાકારીગીરી ભાગ બાજુએ રાખવા ઉપરાંત માત્ર છીણી હથોડી લઈને કારીગરો મંડી પડે તો પણ રોજના લગભગ 5 ટન પથ્થર હટાવવા પડે. એ આજના આધુનિક  સાથે પણ શક્ય નથી તો તે વખતે એ કઈ રીતે શક્ય  બન્યું હોય ?

આ સાથે બીજી પ્રચલિત કથા કહે છે કે મંદિરને સંપૂર્ણપણે બની રહેતાં સો વર્ષથી વધુ સમયગાળો લાગ્યો હતો. 

મંદિરના શિખર પર આ આકૃતિ શા માટે છે તેનું રહસ્ય અકબંધ છે. 

સૌથી મોટી ખેદની વાત એ છે કે આપણે સરેરાશ ભારતીયો ,ચઢી આવેલા આક્રમણકારીઓના નામ જાણીએ છીએ. પણ ભારતવર્ષની મહાન કહી શકાય એવી ગાથાના રાજવીઓના નામ સુધ્ધાં પરિચિત નથી. સાતવાહન, રાષ્ટ્રકૂટ, વાકાટક, શિલાહાર , કાલુચરી , ચૌલા ,ચાલુક્ય ,પાંડ્યા ,કાકતીયા ,ચેરા જેવા નામ સુધ્ધાંથી આજની પેઢી અજાણ છે. 

દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણરાજા પ્રથમ દ્વારા જો આ નિર્માણ હાથે ધરાયું હોય તો પણ તેમના શાસનકાળમાં પૂર્ણ ન થઇ શક્યું હોય. 

આ સાથે એક મશહૂર દંતકથા પણ પ્રચલિત છે .જે પ્રમાણે તો ઈલોરાનું મંદિર નિર્માણ કરાવનાર હતી એક રાણી. જેનું ન તો નામ મળે છે ન એ ક્યાંની , કોની રાણી હતી તેના સંદર્ભ.  આ પણ એક લોકભોગ્ય થિયરી પૈકીની એક છે. મતમતાંતર અનેક છે . કલ્પતરુ નામના ગ્રંથમાં લેખક કૃષ્ણ યજનાવલિ કહે છે તે પ્રમાણે રાજા ખૂબ બીમાર પડ્યા. રાણી શિવભક્ત હતી. તેને ભગવાન શિવની આરાધના  આદરી.એને માનતા લીધી કે રાજા સાજાનરવા થઇ જાય તો પોતે એક શિવમંદિરનું નિર્માણ કરાવશે. એટલું જ નહીં ,જ્યાં સુધી મંદિર નિર્માણ ન થાય અને દર્શન ન કરે ત્યાં સુધી અન્નનો ત્યાગ. 

આ આખી વાત  વિસ્મયકારક છે પણ પ્રચલિત છે. 

રાજા સારા થયા ને શિવમંદિરનું કામ હાથે ધર્યું. મુસીબત એ હતી કે ભવ્ય શિવમંદિર નિર્માણ કરતા તો વર્ષો લાગે ને રાણીએ તો અન્નનો ત્યાગ કરવાની ભીષ્મપ્રતિજ્ઞા લઇ લીધી હતી. મંદિરનું નિર્માણ ત્યારે જ કહેવાય જયારે એનું શિખર બને. જે તો સૌથી છેલ્લે આવે. ગમે તેવી ટેક્નોલોજી હોય વર્ષો તો નીકળી જ જાય. 

વાયકા તો એવી છે કે તેથી રાજાએ સ્થપતિને બોલાવીને હુકમ કર્યો એ પ્રમાણે આ મંદિર નીચેથી ઉપર નહીં પણ ઉપરથી નીચે બનાવવામાં આવ્યું છે. જેથી શિખરને જોઈને રાણી પોતાની માનતા પૂરી થયેલી માનીને અનશન છોડી શકે. 

અલબત્ત, આ દંતકથા છે. સત્ય હોય એવું લાગતું નથી. વાસ્તવિકતા એ છે આખું મંદિર એક લાવાકૃત  શિલામાં કંડારાયેલું  છે. એ વાત આર્કિયોલોજિસ્ટ્સ માને છે કે મંદિર નીચેથી ઉપર નહીં બલ્કે ઉપરથી નીચે બનાવાયું હશે. બે લાખ ટન , ક્યાંક ચાર લાખ લેખાય છે , વજનની શિલામાં ત્રણ માળનું મંદિર નિર્માણ કરવું એ ખરેખર અજાયબી છે. આકાર છે વિમાન કે સ્પેસશીપ જેવો. 

 મંદિર નિર્માણ સદીઓ ચાલે એ તો સમજી શકાય પણ કોઈ પણ પ્રકારના પ્લાન વિના ? આ કોઈ સામાન્ય નિર્માણ તો હતું નહીં. ઉપરથી નીચે શિલા કોતરતાં જઈને ત્રણ માળનું મંદિર તૈયાર કરવાનું , એમાં પણ  ગર્ભગૃહ,મંડપથી લઇ સ્તંભ અને શિલ્પોથી સજાવવાનું . આ માટે જે પણ કોઈ સ્થપતિ હોય એને પોતાના મનમાં એક રૂપરેખા તૈયાર કરી હોય એ માન્યું પણ એ વ્યક્તિ સો વર્ષ તો ન જીવી હોય. એ માટે ઓછામાં ઓછી ત્રણથી ચાર પેઢીએ કામ કર્યું હોય ત્યારે આ વાત બને. તો પછી આ નિર્માણકાર કોણ હોય શકે ? 


મંદિર એ નીચેથી જુઓ તો આ જટિલતા ખ્યાલ નહીં આવે. એ માટે બાજુ પરની ટેકરી પર ચઢીને જોવું વધુ બહેતર છે.  આ કદાચ પ્રતિબંધિત હશે એવું ત્યાં બાંધેલી દોરીઓ ને કારણે લાગ્યું અને ગાઈડે પણ કહ્યું, છતાં એ અમને ઉપર સુધી લઇ ગયો. 

ઉપર ઉભા રહીને જુઓ તો જ આ સ્થાપત્યને સર્વાંગપણે જોઈ શકાય . તો જ ખ્યાલ આવે કે શું ભવ્ય મંદિર હશે. ઘોડાની નાળ હોય તેવા આકારની જગ્યામાં મંદિર ઉભું છે. જો તમે નીચેથી જ નિહાળો તો તમને એ એક ભવ્ય મંદિર લાગે પણ એ જ વાત ઉપર જઈને જુવો તો મત ફેરવવો પડે. ઉપરથી જોઈને લાગે કે ખરેખર આ ભગીરથ કામ માણસજાતનું ન જ હોય શકે. કે પછી જો માણસજાતિ દ્વારા નિર્માણ થયું હોય તો એ જમાના સ્થાપત્યકલા કેટલી એડવાન્સ્ડ હશે તેનો અંદાજ ન લગાવી શકાય. અમુક વિદ્વાનોનો મત એવો છે કે જો આજના સંસાધનો અને ટેક્નિકલ જાણકારી પ્રમાણે એવું મંદિર બનાવવું હોય તો પણ એમાં વર્ષોના વર્ષ લાગે કારણકે પથ્થરને જે રીતે તરાશવામાં આવ્યો છે એ કામ ભારે જટિલ અને સમય માંગી લે તેવું છે. 



એક વિહંગાવલોકન . ઉપરથી મંદિરની રચના સ્પષ્ટ જણાય છે. જો શિલાઓને કોતરીને આ નિર્માણ થયું હોય તો અંદર એકમેક સાથે મંડપને જોડતાં પુલ , સ્તંભ , ટનલ કઈ રીતે પ્લાન થયા હશે ? આ માત્ર છીણી હથોડાથી કરી શકાય ?કે પછી આ સભ્યતા પાસે કોઈ અલૌકિક ઓજાર હશે ?



એક બીજી થિયરી પ્રમાણે  276 ફૂટ લાંબા,154 ફૂટ પહોળા ને 90 ફૂટ ઊંચા મંદિરને તૈયાર થતા 18 નહીં પૂરાં 150 વર્ષ લાગ્યા હતા. એક પેઢી નહીં બલ્કે દસ પેઢી  સુધી આ નિર્માણકામ અવિરત ચાલતું રહ્યું. જે માટે લગભગ 7000 કે તેથી વધુ કારીગરો તેમાં જોતરાયા હતા. રાજવીઓની દસ પેઢી બદલાઈ ગઈ તેમ નિર્માણ દરમિયાન કારીગરો અને સ્થપતિઓની પણ દસ પેઢી બદલાઈ ગઈ હતી. એમ પણ મનાય છે કે કોણાર્ક મંદિરની જેમ અહીં પણ ક્યારેય પૂજા અર્ચના થઇ નથી. આજે પણ મંદિર છે પણ અપૂજ. 

મંદિરમાં વૉટર હાર્વેસ્ટીંગ ચેનલ , ડ્રેનેજ જેવી બે ફૂટ ડાયામીટરની ચેનલો જાય છે. એ ક્યાં પુરી થાય છે એ પણ એક કોયડો છે.

ત્રીજી થિયરી છે કે કૈલાશ મંદિર હમ્પીના વિરૂપક્ષ મંદિરની જોડ છે. આ વાત ઉલ્લેખનીય એટલે લાગે છે કે હમ્પીનું વિરૂપક્ષ  આ જ સમયકાળમાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું લેખાય છે. નિર્માણ કરાવનાર હતી રાણી લોકમહાદેવી . મંદિર નિર્માણ કરાવવાનું કારણ હતું પતિનો ભવ્ય વિજય. રાજા વિક્રમાદિત્યએ  કાંચીપુરમના પલ્લવ રાજાને યુદ્ધ માં હરાવ્યો એની ખુશાલીમાં રાણીએ મંદિર બનાવ્યું હતું. 

શક્યતા એ છે કે સમયકાળ, શિવાલય અને રાણી આ ત્રણ પાસાંને કારણે કૈલાસ મંદિર રાણીએ નિર્માણ કરાવ્યાની થિયરીને વેગ મળ્યો હોય. 

મંદિરની નીચે લગભગ બે ફૂટ પહોળી ટનલો પણ છે એવો દાવો થાય છે. અલબત્ત, આ ટનલ ક્યાં છે ક્યાં જાય છે એ વિષે કોઈ માહિતી નથી. પણ, જો આ લાંબી ટનલ ખોદી કઈ રીતે હશે એવો પ્રશ્ન થાય તો તેનો તાળો પણ મળતો નથી, કારણકે એમાં માણસ પ્રવેશી શકે તેવી કોઈ સંભાવના જ નથી. આવી બધી વાતો મંદિરનું રહસ્ય વધુ ગહેરૂં બનાવે છે. 

મંદિરના ગર્ભગૃહ,ગોપુરમ,મંડપની શૈલીઓ પણ એકમેકથી થોડી જુદી છે. પહેલી નજરે દ્રવિડન સ્થાપત્ય લાગે  ભિન્ન શૈલીઓ આપણને માનવ મજબૂર કરે છે કે ભલે એપીગ્રાફ કૃષ્ણરાજા પ્રથમનો ઉલ્લેખ કરે પણ આ મંદિર કોઈ એક રાજાએ નિર્માણ કરી દીધું હોય એ વાત વધુ પડતી છે. એક પુરાવો તો એ છે કે કૃષ્ણારાજા પ્રથમનું મૃત્યુ 774 CE માં થઇ ચૂક્યું હતું. એ પછી પણ આવનાર રાજવીઓએ પોતપોતાની રીતે મંદિરના નિર્માણમાં યોગદાન આપ્યું હોવું જોઈએ તેવી થિયરી પણ છે. 

શક્યતા એવી પણ નકારી ન શકાય કે આ મંદિર જૂના કાળથી હોય, કૃષ્ણરાજાએ તેનો જિર્ણોધ્ધર કરીને પોતાના નામની તકતીઓ મુકાવી હોય જે આજે આપણને એપીગ્રાફ્સ તરીકે મળે છે. 


આ છે શિવાલય પણ એમાં વૈશ્યપંથી માટે પણ આવકાર છે. ગોપુરમની ડાબી બાજુએ શૈવ મૂર્તિઓ છે. શિવપાર્વતીના વિવાહથી લઇ અનેક પ્રસંગો કંડારાયા છે. જમણી બાજુએ લક્ષ્મી વિષ્ણુ સાયુજ્ય છે. એક સમય એવો હતો જયારે શૈવ અને વૈશ્યો વચ્ચે જબરો ગજગ્રાહ પ્રવર્તતો હતો. ત્યારે અન્ય  ધર્મની ઉપસ્થિતિ ભારતમાં  નહોતી. મુસ્લિમ ધર્મનો તો ઉદય પણ થયો નહોતો .જૈન અને બૌદ્ધ ધર્મ નવા હતા. એમની સામે પણ ઘણો વિરોધ હતો. તે છતાં કૈલાસ  મંદિરમાં વિષ્ણુ લક્ષ્મી , બ્રહ્મા, સરસ્વતીનું સ્થાન છે.

એક શિલ્પ છે રાવણનું. રાવણ પોતાના બળથી કૈલાસને હચમચાવવાનો પ્રયત્ન કરતો કંડારાયો છે. 

આ પછી સેંકડો વર્ષ પછી જયારે મુસ્લિમ આક્રમણકારો આવ્યા અને જે મંદિરોની બેહાલી શરુ થઇ તેમાં આ મંદિર ચમત્કારિક  રીતે બચી ગયું છે. એટલું જ નહીં , આખા ભારતમાં હિન્દૂ જૈન મંદિર પર માતેલા સાંઢની જેમ તૂટી પાડનાર મુગલ બાદશાહ ઔરંગઝેબની કર્મભૂમિથી આ જગ્યા માંડ 34 કિલોમીટર દૂર હતી તો ઔરંગઝેબે આ મંદિરને કેમ ન તોડી પાડ્યું ? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. 

એનો જવાબ પણ છે. હકીકતે ઐરંગઝેબે પ્રયત્ન તો પૂરા જોરથી કર્યો હતો. ઔરંગઝેબે એક હજાર માણસોને પૂરા ત્રણ વર્ષ સુધી આ મંદિરને તોડવા કામે લગાડ્યા હતા. પણ, મંદિર બન્યું છે શિલામાંથી . એને તોડવામાં ઔરંગઝેબનું ઘમંડ તૂટી ગયું પણ મંદિર ન તૂટ્યું. હા, મંદિર અને ગુફાઓની ઘણી મૂર્તિઓ ખંડિત છે. એ આજે પણ મુસ્લિમ શાસકોની બર્બરતા બયાન કરે છે . 

એવું મનાય છે કે હિમાલયમાં આવેલા કૈલાસ  માનસરોવરની પ્રતિકૃતિ એટલે આ  મંદિર. પ્રશ્ન એ છે કે માઉન્ટ કૈલાસ પર આજ સુધી , આટલા નવા સરસંધાન સાથે માણસ પહોંચી નથી શક્યો ત્યારે હજારો વર્ષ પૂર્વે તેની પ્રતિકૃતિ વિષે વિચાર કઈ રીતે ઉદ્ભવ્યો હશે ?

કૈલાસ મંદિર માટે ઇતિહાસવિદો અને આર્કિટેક્ટ્સ કરતા જુદો મત પેરાનોર્મલ વિજ્ઞાનમાં માનતા વિશેષજ્ઞોનો છે. એ લોકોનો મત એવો છે કે આ મંદિર કોઈ પરગ્રહવાસીઓ નિર્માણ કર્યું હશે . જેની હાજરી ઉપરથી જોઈ શકાય છે. શિખર પર વર્તુળાકારે રખાયેલા સિંહાકૃતિ કોઈક પ્રકારે દિશાનિર્દેશ કરે છે. 

માઉન્ટ કૈલાસ સુધી તો મિલારપ્પા સિવાય કોઈ પહોંચી શક્યું નથી. પહોંચી શકવાનું નથી તો પછી આ કૈલાસની પ્રતિકૃતિ જોઈને સંતોષ માની લેવો શું ખોટો ?



ક્રમશ:



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen