ઔરંગાબાદ ડાયરી


🔴 લોકો, એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રહેનાર લોકોએ અજંટા ઈલોરા ગુફા ન જોઈ હોય એવું બને જ નહીં. કારણ એટલું કે આજથી ચાર પાંચ દાયકા પૂર્વે વિદેશ ફરવા જવાનું ચલણ નહોતું. એ સમયે પ્રવાસ એટલે આબુ દેલવાડાના દહેરાં કે પછી અજંતા ઈલોરા, બહુ ફોરવર્ડ લોકો ઠેઠ કાશ્મીર ફરવા જતાં એમ કહેવાતું. શાળા કે કોલેજની ટ્રીપ પણ આ જ સ્થળો પર જતી. કોઈકવાર દક્ષિણ ભારતના ભવ્ય મંદિર પર પણ પસંદગી ઉતરે . છતાં મોટેભાગે પર્યટનનું સ્થળ ખાસ દૂર ન હોય તે પહેલી પસંદ રહેતું. એટલે મને કોઈ એવી વ્યક્તિ નહોતી મળી જેને આ ગુફાઓ ન જોઈ હોય. 

વર્ષો પૂર્વે સ્કૂલમાં ભણતાં હતા ત્યારે અમારી સ્કૂલમાંથી પણ અજંટા ઈલોરાના પ્રવાસનું આયોજન થયું હતું. તે વખતે હતા પ્રાઈમરી સ્કુલમાં. એટલે ઘરમાં પરિષદ ભરાઈ , આટલે દૂર કંઈ ફરવા જવાય ?  અલબત્ત, એમાં  વડીલોનો વાંક નહોતો.  તેમની ચિંતા અસ્થાને નહોતી. ઉંમર ખરેખર નાની હતી અને જો ત્યારે જોઈ પણ હોતે તો ડેલીએ હાથ દઈને આવવા જેવો ઘાટ થયો હોત . 

અજંતા ઈલોરા આ બે નામ મનના કોઈ ખૂણે ધરબાયેલાં રહ્યા. મુંબઈ પાસે માત્ર 400 કિલોમીટરના અંતરે છતાં આ ગુફાઓ જોવાની ઈચ્છાને પ્રાણવાયુ જ ન મળ્યો. જો  કોવિડ પ્રકરણ ન આવ્યું હોત તો ભારતના અમૂલ્ય વારસા જેવી આ ગુફાઓ બકેટ લિસ્ટમાં વણસ્પર્શી જ રહી જતે.

અજંતા ઈલોરા વર્લ્ડ હેરિટેજમાં મુકાયેલું નામ છે. મોટાભાગના લોકોએ સ્કૂલ કોલેજ કે પોતાની યુવાનીના દિવસોમાં આ ટ્રીપ કરી લીધી હોય છે. ને કેમ નહીં ? એ આ પ્રકારના ડેસ્ટિનેશન માટેની પ્રથમ જરૂરિયાત છે શારીરિક સજ્જતા. સાથે સાથે જો તમે દિવસના પાંચ સાત  કિલોમીટર ચાલી શકો તો જ આ ટ્રીપ કરવી. આ ત્યારે જ શક્ય બને જયારે જુવાનીનું જોર પગમાં હોય. સૌથી મહત્વની વાત કે આ સ્થાપત્યકલા અને ઇતિહાસમાં રસ હોય . 

અમારી આ ટ્રીપ કરવા માટે હું ચાર દાયકા લેટ હતી એવું કહું તો અતિશયોક્તિ નથી.  સામાન્ય સંજોગોમાં કદાચ આ ટ્રીપ ન ગોઠવાઈ હોત પણ કોવિડ કાળમાં આવેલા પ્રતિબંધ ભારતમાં ને ભારતમાં જ પ્રવાસ કરવો એવી કોઈ લાગણી જન્માવી ગયા છે. ને વળી વિદેશથી આવતી સખીનો અનુરોધ પણ હતો તેના પરિણામે આ સંયોગ થયો. 

મહારાષ્ટ્રમાં આવેલા ઔરંગાબાદનું મુંબઈથી  અંતર છે માત્ર 400 કિલોમીટર . બાય કાર જવું હોય તો પણ છ કલાક. જેને અષ્ટવિનાયક ગણપતિ  યાત્રા કરવાનું મન હોય તેમને માટે સોને પે સુહાગા. યાત્રાની યાત્રા ને પ્રવાસનો પ્રવાસ. પણ, અમારો વિચાર નહોતો કારણકે થાકવું નહોતું. ખબર હતી કે  કેવ્ઝ જોવામાં ભારે એનર્જીની જરૂર પડવાની છે. એટલે પસંદ કર્યો બીજો વિકલ્પ.

મુંબઈથી ઔરંગાબાદ જતી એક જ ડાયરેક્ટ ફ્લાઈટ અત્યારે છે. જે સાંજે પાંચ વાગે ઉપડીને 45 મિનિટમાં ત્યાં પહોંચાડી દે છે.  ઈન્ડિગો  એરલાઈન પોતાની પાબંદી માટે જાણીતી છે પણ, અમારી ફ્લાઇટ પૂરી એક કલાક લેટ હતી. શિયાળાના દિવસ હતા. ફ્લાઇટ લેન્ડ થઇ ત્યારે અંધારું જામી રહ્યું હતું. અમારી થયેલી વ્યવસ્થા પ્રમાણે ડ્રાઈવર ઉત્તમભાઉ  પ્લે કાર્ડ સાથે એરપોર્ટ પર હાજર હતા. સામાનમાં અમારી પાસે હતી એક કેબિન બેગ. એટલે નાના એરપોર્ટ પરથી અમે પાંચમી મિનિટે ટેક્સીમાં હતા. 

અંધારું ઘટ્ટ થઇ રહ્યું હતું. અમે સીધા અમારી હોટેલ પર આવીને ચેક ઈન કરીને રૂમમાં પહોંચ્યા ત્યારે માત્ર અડધો કલાક વીત્યો હતો. જયારે મુંબઈમાં એરપોર્ટ પર બહાર આવતાં અડધો કલાક લાગે ને ઘરે પહોંચતા બીજો કલાક કે દોઢ કલાક તે લોકો માટે 30 મિનિટમાં હોટેલ પર પહોંચી જવું કેવું સુખદ આશ્ચર્ય હોય !!

એ દિવસ તો હાથમાંથી નીકળી ગયો હતો એટલે અમારે શું કરવું વિચારવાનો પ્રશ્ન થઇ ગયો. અમે જે હોટેલમાં ઉતર્યા હતા એનો અસબાબ હટકે હતો. મુઘલ કાળમાં કોઈક અમીરજાદાની ભવ્ય કોઠી રહી હશે એવું સુપેરે જણાતું હતું. વિશાળ ગાર્ડન વચ્ચે મુઘલ શૈલીનું નિર્માણ 400 વર્ષ પૂર્વેના  ઔરંગાબાદની ઓળખ આપી રહી હતી. બાકી હતું એમ અમારા રૂમમાં પગ મૂકતાવેંત દિલ બાગ બાગ થઇ રહ્યું. રૂમમાં ગાર્ડન તરફ પડતો એક મોટો વરંડા ને એમાં મુકાયેલો હિંચકો. વળી વરંડા એટલો મોટો કે મન થાય એટલો મોટો હિંચકો 'ગાય' શકો. કહેવાની જરુર ખરી કે અમે તો પ્રવેશતા વેંત જ ત્યાં અડિંગો જમાવી દીધો. ઝૂલે મેં પવન કી આયી બહાર ....અમે લલકારવા તો માંડ્યું પણ ખ્યાલ આવ્યો કે બાજુના રૂમના વરંડામાં બેઠેલી વ્યક્તિ આ સાંભળી શકે છે. અડધા કલાક સુધી આ નિર્દોષ આનંદ માણી મન ધરાયું ત્યારે સમયનું ધ્યાન આવ્યું. તો પણ હજી સાત થવા આવ્યા હતા. 

હવે કરવું શું ?

વિચાર આવ્યો કે શહેરમાં લટાર મારીને જોઈએ તો ખરા કે મુઘલ બાદશાહ ઔરંગઝેબ આલમગીરના આ નગરમાં છે શું જેને કારણે એને આ દિલ્હી કરતાં વધુ પ્રિય હતું ?

મુંબઈમાં કોઈએ ટીપ આપી હતી કે શહેરનો અસલી મિજાજ જોવો હોય તો ગુલમંડી જજો. ઉત્તમ ભાઉને અમારા મનની વાત જણાવી .એ સાંભળીને એમના મનમાં ફાળ તો પડી પણ ચહેરા પર સ્વસ્થતા જાળવી રાખી કહ્યું , તાઈ, એ વિસ્તારમાં ગલી એટલી સાંકડી છે કે કાર તો જઈ ન શકે ,તમારે પગપાળાં જવું પડશે અને સમય  ઠીક નથી. એનો ઈશારો કોરોના સામે હતો. ગુલમંડીમાં ભીડ એવી ઉમટે છે જેવું દિવાળી સમયનું ભુલેશ્વર . 

 આ સાંભળ્યા પછી એ પ્લાન પર પણ ચોકડી મુકાઈ ગઈ. 

અમારી પાસે હવે એક માત્ર વિકલ્પ બચ્યો હતો, હોટેલ પહોંચી બુફે શરુ થવાની રાહ જોતા હિંચકે ઝુલવું કે પછી લોકલ ફૂડ ટ્રાય કરવું. બે ત્રણ નામ જાણવા મળ્યા એમાં એક નામ હતું થાળી રેસ્ટોરન્ટનું : ભોજ . તે પણ ગુજરાતી રાજસ્થાની થાળી. 

 વિચાર આવ્યો કે લંચ પણ મોડું કર્યું છે ને વળી મીઠાઈ ફરસાણ તો ખાવા નથી તો પછી જઈને કરવાનું શું ? 

પણ, ઉત્તમભાઉનો અનુરોધ ટાળવા જેવો ન લાગ્યો. એમને કહ્યું કે જે લોકો ઔરંગાબાદ આવે છે તે લોકો ભોજની મુલાકાત લીધા વિના જતાં નથી. એટલું પ્રખ્યાત છે. બાકી તમારી મરજી. 

કચવાતા મને એ વાત માનીને અમે ભોજ પર પહોંચ્યા. જે લોકો રોજ ગુજરાતી  થાળી ખાતાં હોય એ ઔરંગાબાદમાં થાળી જમવા જાય ? તે ઝુણખા ભાખર છોડીને ? પણ રેસ્ટોરન્ટ સામે જામેલી ભીડ જોઈને મન બદલાયું. કશુંક તો હશે તે વિના આટલી બધી લાઈન ?  લોકો ટેબલ મળે એ માટે રાહ જોઈને ઉભા હતા. અમે માત્ર બે વ્યક્તિ હોવાથી ટેબલ મળી ગયું. 

હવે શરુ થઇ રહ્યો હતો દિલધડક ભાગ. અમારી સામે હતી હતી સ્ટીલની થાળી ,જેનો ડાયામીટર હશે 50 સેન્ટિમીટર . જેમ સામાન્યપણે હોય તેમ નાની નાની વાડકી . શરુ થયો હલ્લો. પીરસાણીયાઓની કૂચ. ત્રણ મિસ્ટાન્ન ,ત્રણ ફરસાણ ,પાંચ શાક ,રોટલી ,ભાખરી, પુરી આઈટમ એટલી હતી કે ચમચી ચમચી ચાખો તો પણ 3000 કેલેરી થઇ જાય. અમારી થાળી જે રીતે પીસરસાતી હતી ત્યારે ખ્યાલ આવ્યો કે થાળીનો ભાવ તો પૂછ્યો જ નહોતો. ખાવું કંઈ નહીં ને આમ હજાર પંદરસો પાણીમાં જવાના. 



મેનેજરની જેમ પીરસાણીયા પર નજર રાખતા ભાઈને પૂછ્યું કે થાળીનો ભાવ શું છે ?

એમને ભાવ કહ્યો એ સાંભળીને માથું ચકરાઈ ગયું. આખી થાળીની કિંમત હતી રૂપિયા 330. અને હા ,તે પણ અનલિમિટેડ. 

મુંબઈમાં કોઈ સરસ ટી બારમાં જે ભાવમાં ચા મળે તે ભાવમાં ફૂલ થાળી. મુંબઈ અને મહાનગર સિવાયનું ભારત કેટલું ભિન્ન છે એનો એક ઉત્કૃષ્ટ નમૂનો. 

એ બધું તો ઠીક પણ સૌથી શ્રેષ્ઠ ,શિરમોર વાનગી હતી પીઠલું ભાખર. મહારાષ્ટ્રીયન શૈલીથી બનાવેલું બેસન સાથે તળેલાં મરચાં અને મોળી છાશ..એ સામે સીતાફળ બાસુંદી અને પુરણપોળી હારી ગયા. 

ટૂંકમાં 2500 કેલેરી પધરાવીને અમે હોટેલ તરફ પ્રયાણ કર્યું પણ એ પહેલા સવારનો કાર્યક્રમ ગોઠવવો જરૂરી હતો.

'તમે સવારના સાતના ટકોરે તૈયાર રહેજો. અજંતા જતાં અઢી ત્રણ કલાક લાગશે. ત્યાં બીજા બે ત્રણ કલાક અને પાછાં ફરતા ત્રણ કલાક એટલે દિવસ આખો જોઈશે. 

 અમને થયું કે આ કેવી વાત ? આટલું વહેલું ઉઠાશે નહીં ને વળી પાછા આવીને કરવાનું પણ શું છે ? 

અમે કહ્યું કે આટલું વહેલું નહીં બને, આપણે તો દસ વાગ્યે નીકળીશું. 

ઉત્તમભાઉ જમાનોનો ખાધેલ હશે . એને અમારી સાથે દલીલમાં ઉતારવાનું ટાળ્યું. પણ બીજી સવારે અમે બ્રેકફાસ્ટ મટે ગયા ત્યારે જોયું કે મોટાભાગના ટેબલ ખાલી. એવું કેમ ?

પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે અજંતા જવું હોય તો સવારે છ કે સાત વચ્ચે નીકળી જવું જોઈએ. મોટાભાગના ટુરિસ્ટ એમ જ કરે છે. એટલે ?

એટલે ઉત્તમભાઉ સાચા હતા અને અમે ખોટા. 

હવે દસ વાગ્યે નીકળી શકાય ?

રેસ્ટોરન્ટ મેનેજરે સલાહ આપી કે આજે માંડું થઇ ચૂક્યું છે. પહોંચશો તો પણ ગુફાઓ જોવા પૂરતો સમય  નહીં રહે. બહેતર વિકલ્પ એ છે કે આજે ઈલોરા જતાં રહો. 

અમારી પાસે  કોઈ વિકલ્પ નહોતો. બહાર આવ્યા તો પોર્ચમાં ઉત્તમભાઉ તૈયાર હતા. એ કંઈપણ કહે એ પહેલા જ અમે કહ્યું : આજ ઈલોરા જાયેંગે. 

કશું પણ બોલ્યા વિના ઉત્તમભાઉ માથું ધુણાવી પોતાની સીટમાં ગોઠવાઈ ગયા. 

એ બોલ્યા ભલે નહીં પણ મને જાણે સંભળાયું : આનું નામ તે વાર્યા ન વરે તે હાર્યા વરે.

ક્રમશ:

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen