ફિર મિલોગે કભી... ઇસ બાત કા વાદા કર લો...

 

અમારી સવારી ચાલી નીકળી શ્રી નગર માટે. 

સામાન્યરીતે લોકો પહેલા શ્રી નગરમાં સ્ટે કરે ને પછી આગળ જાય. અમે વિપરીત આઇટેનરી ગોઠવી હતી. કારણ હતું શોપિંગ. એ વાત તો પછી  પણ પહેલા તો શ્રી નગરની વાત કરવી પડે. 

મુગલ બાદશાહ જહાંગીરને કાશ્મીર એટલું તો પસંદ હતું કે એનો ઈરાદો તો કાશ્મીરમાં જ રહેવાનો હતો. આમ તો સમર કેપિટલ હતું જ.  જહાંગીર મોટેભાગે ત્યાં જ પડ્યો પાથર્યો રહેતો. માદક વાતાવરણ અને અફીણનો નશો , એમ કહેવાય છે કે જહાંગીરના પાછલા વર્ષો ઐયાશીમાં જ ગુજર્યા. તેસમયે ખરેખર તો નૂરજહાંનો સિક્કા  પડતાં. એ રાજ કરતી હતી.

શ્રી નગરનું મૂળ નામ તો સૂર્યનગર, આ નામનો ઉલ્લેખ રાજતરંગિણી નામનો ગ્રંથ કરે છે. સંસ્કૃત લેખક કલ્હણે લખી છે. કારણ હતું હિન્દુ સામ્રાજ્ય. કસમીર એટલે કે શુદ્ધ પાણીનો પ્રદેશ.કાશ્મીરમાં મોટાભાગે નામ હિન્દૂ જોવા મળે. જે અપભ્રંશ થઈને આજે પણ ચાલે છે. એક બીજો ઉલ્લેખ મળે છે તે પ્રમાણે  બારામુલ્લા , મૂળ નામ વરાહ મૂળ એટલે કે વરાહના દાંત સાથે જોડાયેલી વાત . હવે બારામુલ્લા ચાલે છે. દલ લેકનું મૂળ નામ હતું મહાસરિત , જૂના સંસ્કૃત પુસ્તકોમાંથી આ નામ મળે છે. જ્યાં ઇસાબર નામનું નગર વસ્યું  હતું . દલની પૂર્વે બિરાજતી હતી માતા દુર્ગે ,જે આખી જગ્યાને સુરેશ્વરી  લેખાતી હતી.

આજે પણ શ્રીનગર છોડીને અનંતનાગ તરફ આગળ વાંધો તો ઘણાં માર્તન્ડ મંદિરો ભગ્ન અવસ્થામાં જોવા મળે.ગયે વખતે આ મંદિરોની મુલાકાત લીધી હતી પણ આ વખતે એ શક્ય ન બન્યું. અલબત્ત, એ મંદિરો હજી પણ ઉદ્ધારકની રાહ જોતા ઉભા જ હશે , જો એમનું જીર્ણોદ્ધાર થયો હોત તો સમાચારમાં છવાઈ જતે.

 જ્યાં કુદરતી સૌંદર્ય તો ખરું જ, સાથે સાથે વેપારવાણિજ્ય થાય છે એ શ્રી નગર. આ કારભાર જ જીવાદોરી છે. કશ્મીરના નાનાં ગામમાં રોજગારની ઝાઝી તક જ નથી. કારણ એટલું જ કે  નાનાં ગામની જીવાદોરી લાકડા કાપવા ને જંગલ ઉત્પાદન પછી કાર્પેટ વીવિંગ અને કાષ્ટકામ સુધી પૂરતી છે. પર્યટન કાશ્મીરની કાયાપલટ  કરી નાખી શકે પણ હજી સ્થિતિ થોડી અસમંજસમાં દેખાય છે. વર્ષો સુધી ઉગ્રવાદ આટલી હદે વકરી શક્યો એ પાછળનું એક મુખ્ય કારણ આ પણ ખરું. મોટાભાગના કાશ્મીરીઓ માનતા હતા કે જવાહર ટનલ પછી કોઈ રાજકારણીની નજર પહોંચતી નથી એટલે કોઈ વિકાસ થયો  નથી. કાશ્મીરમાં આજે પણ કાર્પેટ ઉદ્યોગ મોટાપાયે ચાલે છે. એની મેકિંગ એટલી અટપટી છે કે બે વાર સમજવાનો પ્રયત્ન કર્યા પછી પણ ન સમજાયું. છેલ્લે વિડિઓ રેકોર્ડિંગ કરી લીધું છે. જે લેખને અંતે લિંક શેર કરી છે. તમને સમજાય તો અમને પણ સમજાવજો. આ એક એવો હુન્નર છે જે  પેઢી દર પેઢી ચાલી આવે છે. હવેની નવી પેઢીને આ હુન્નરમાં રસ નથી . કારણ કે જેટલી મહેનત છે એટલું વળતર મળતું નથી. એવું જ તમામ ગ્રામોદ્યોગ ક્ષેત્રે છે. આ માટે સરકાર ચાહે તો એક વિશેષ પોર્ટફોલિયો મેનેજ કરી ને માર્કેટિંગ સુવિધા વિકસાવી શકે. જેથી રોજગારની તક ઉભી થાય ને સાથે હુન્નર ટકી રહે. 

 અમે ગુલમર્ગથી શ્રીનગરમાં પ્રવેશ કર્યો ને દલ લેકના દર્શન થયા. શ્રીનગર વસ્યું છે જેલમના કાંઠે પણ ફેમસ છે દલ લેકને કારણે. આ માત્ર એક લેક નથી. શ્રીનગરનું બીજું તળાવ છે અંચર એ પણ ખૂબસૂરત  છે પણ એને તો કોઈ પૂછતું નથી.

શ્રીનગરમાં અમે જયારે પ્રવેશ કર્યો ત્યારે કલ્પના કરી ન હતી તેવો ટ્રાફિક જોયો. અલબત્ત, મુંબઈ કે બેંગ્લોર જેવો નહિ પણ જ્યાં ટ્રાફિક જેવી કોઈ વાત જ ન હોય ત્યાં ટ્રાફિકજામમાં થોભવું પડે એ નવાઈ લાગી. સામે દલ લેકનો કોઈ ભાગ નજરે ચઢતો હતો. એકદમ સાંકડો ,જો એમાં બે ત્રણ શિકારા લાંગર્યા ન હોતે તો અમે એને કોઈ નાળું સમજી લેત. અમારી વેન આગળ વધી તેમ દલ લેકનો વ્યાપ વધતો ગયો. એ એના મૂળ સ્વરૂપમાં દેખાયું. દલ લેકની ગણના વિશ્વના મોટાં સરોવર પૈકી એકમાં થાય છે. 18 કિલોમીટર લાંબા આ સરોવરમાં રેસ્ટોરેશન કામ ચાલે છે . જેને જ્વેલ ઓફ કાશ્મીર કહે છે એ સરોવર એટલી હદે દૂષિત  થઇ ચૂક્યું છે કે તેમાં રહેલાં જળચર જીવના અસ્તિત્વ સામે પડકાર ઉભો થયો છે. 

એક સમય એવો હતો કે શિકારામાં રહેવું એક ટુરિસ્ટ અટ્રેક્શન હતું પણ આજે એ કોઈ હિસાબે પસંદગી પામે નહીં. હા, ઓછું જાણનારાં કે ટ્રાવેલએજન્ટના ભરોસે રહ્યા ને તમે શિકારા બુક કરી દો તો મજા સજામાં ફેરવાઈ જાય. એનું કારણ એ પણ છે કે ઘણી જગ્યાએ તો પાણી વાસ મારે છે. એટલું જ નહીં શિકારાની સંખ્યા દિનબદિન ઘટી રહી છે. એક તો ઓછા થતાં ટૂરિસ્ટ્સ ને સામે ભારે નિભાવખર્ચ. મોટાભાગના ટૂરિસ્ટ્સ હવે હોટેલમાં સ્ટે કરવાનું પસંદ કરે છે, મૂળ કારણ છે હાઇજીન. જે શિકારામાં ન જ મળે. ખાવાપીવાની એમની આદતો દરેક ટુરિસ્ટ પસંદ કરે એવું માની  લેવું મુશ્કેલ છે. એટલે 50 લાખથી 3 કરોડના ખર્ચે તૈયાર થનાર આ શિકારા દિનબદિન ઘટી રહ્યા છે. વળી થોડાં સમય પૂર્વે  જમ્મુ કાશ્મીર સરકારે નવા શિકારાના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો છે એવું પણ જાણવા  મળ્યું.

અમે તો વિચારી રાખ્યું હતું કે હોટેલ પહોંચી ફ્રેશ થઇ દલ લેકમાં સેર કરીશું. અને હા, ફોટોસેશન તો ખરું જ. પણ, અમારી આશા ઠગારી નીકળી. ડ્રાઈવર મીરે જણાવ્યું કે અમારે અત્યારે પહેલા જ સેર કરી લેવી કારણ કે હોટેલ દલ લેકથી ખાસ્સી દૂર હતી. 

અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ પણ નહોતો. એટલે ગોઠવાયા શિકારામાં. શિકારાવાળા બે કલાક માટે ભાડે મળે છે. ચાર ચીનાર સુધી જવું હોય તો વધુ કલાક જોઈએ. અમને ઈચ્છા તો ઘણી હતી પણ શિકારામાં ચાર ચીનાર પહોંચતા અને પરત આવતાં ત્રણ કલાક તો લાગશે જ એવું જાણીને ઈચ્છા પર ઠંડુ પાણી ફરી ગયું. 

જેવા શિકારમાં ગોઠવાયા કે આજુબાજુથી નાની નાની હોડીઓએ અમને ઘેરી લીધા. મોટાભાગના લોકો પાસે હતી કાશ્મીરમાં બનતી પથ્થરજડિત ચંકી જ્વેલેરી. જે તિબેટ કે  લદ્દાખ જાવ ત્યાં પણ જોવા મળે. અમને આવી ખરીદીમાં રસ નહોતો છતાં ત્યાંથી છૂટકારો  થતાં  અડધો કલાક લાગી ગયો. અમારા શિકારા હવે પાણીમાં ઝડપથી આગળ વધી રહ્યા હતા. પણ સાથે શરુ થઇ ગયું ફ્લોટિંગ બાઝાર. એ પણ જેવું તેવું નહીં એક વ્યવસ્થિત પ્લેટફોર્મ પર ઉભું કરેલું વોટર મોલ. જેમાં અમે વિઝીટ કર જમ્મુ એન્ડ કાશ્મીર પ્રમોશન સેન્ટરની.  અલબત્ત,એમાં મળતી શાલથી લઇ કાર્પેટ, સ્ટોલ થી લઇ ગરમ કપડાં  ખરેખર ઉત્તમ ક્વોલિટીવાળા હતા. અમારે ત્યાં કશું લેવું નથી, માત્ર પાંચ મિનિટમાં પાંચ ફરવાનું છે એવી તકેદારી એકમેકને કરી ને બધી મૈત્રિણીઓ અંદર ગઈ.કહેવાની જરૂર ખરી કે કેટલા કલાકે નીકળી ?

કોઈકે ચાર બાય છની કાર્પેટ ખરીદી ત્યાંથી જ મુંબઈ પાર્સલ કરી નાખી. આવી સેવા શ્રીનગરમાં લગભગ તમામ દુકાનદારો  પણ આપે છે. કોઈકે ઢગલાબંધ શાલ ખરીદી. મુંબઈમાં પડતી બે દિવસ ઠંડી માટે કોઈએ કાશ્મીરી એમ્બ્રોઇડરીવાળા લૉંગ કોટ ખરીદ્યા. જેને કશું ખરીદવું નહોતું એ પણ ચેપ લાગી હોય એમ રેડીમેડ  કાવાના ડબ્બા ખરીદીને રહ્યા. 

ટૂંકમાં અમારો સંઘ ચાર કલાક લેટ હતો. 

તો પણ મારે ને રચનાને કરવું હતું ફોટો શૂટ. બધાને ભૂખ તો લાગી હતી જવું હતું કિનારે જેથી જમવા જવાય , એટલીવારમાં એક નાવ પાસે આવી. તેમાં હતો કાશ્મીરી કલીનો ડ્રેસ અને સાથે ફોટોગ્રાફર. જેને જોઈ રચના તો એ શિકારામાં કૂદી પડી. પહેરેલાં કપડાં પર જ કાશ્મીરી ડ્રેસ ને દાગીના પહેરી લઇ જલ્દી જલ્દી ફોટો સેશન કર્યું પણ જોઈએ એવી મજા પડી નહીં.

હવે સમય હતો જમવાનો. દલ લેકની સામે ઘણી બધી હોટેલ છે. મોટાભાગની રેસિડેન્શ્યલ  ને રેસ્ટોરન્ટ્સ પણ છે. એમાંની એક એટલે નથ્થુ.એમાં તો ચાટનું આખું કાઉન્ટર હતું. પાણી પુરી , રગડા પેટીસ , દહીં ભલ્લા ને છોલે સમોસે. દરેક સિટીની કોઈ ખાસિયત તો હોય. પણ, આ નથ્થુ તો દિલ્હીની ખાસિયત ,એને અહીં પણ ભારે નામ જમાવ્યું છે. હોટેલ પર ફ્રેશનઅપ થઈને શ્રીનગરનો નઝારો જોવા નીકળ્યા. 

સૌથી મોટું આકર્ષણ છે ઇન્દિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડન . ઝબરવાન રેન્જની તળેટીમાં 30 હેક્ટરમાં પ્રસરેલો આ ગાર્ડન  સેકન્ડ (પહેલા સ્થાન પર નેધરલેન્ડનો કુકેન્હોફ છે) ને એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન છે. જેમાં 65થી વધુ જાતના ટ્યૂલિપ ઉગે છે. 2007માં ગુલાબ નબી આઝાદે એને પબ્લિક માટે ખુલ્લો મુક્યો ત્યારથી એ ફક્ત દેશના જ નહીં વિદેશના સહેલાણીઓને પણ આકર્ષે છે. ટ્યૂલિપ ફૂલની સીઝન છે માર્ચથી મે , એ પછી એ મેદાન લાગે. એટલે ત્યાં જવાનો અર્થ નહોતો એટલે અમે જૂના ને જાણીતાં ગાર્ડન તરફ પ્રયાણ કર્યું. 

મોટાભાગના ટુરિસ્ટ જે જોવા માંગે છે તે ચશ્મે શાહી ગાર્ડન , શાલીમાર , નિશાત.  આ ત્રણની વિઝીટ  કરાવીને ગાઈડ પરવારી જાય છે. આજે એ  ગાર્ડનની  કિંમત આપણને ખાસ ન લાગે. કારણકે આપણે 21મી સદીમાં જીવી રહ્યા  છીએ. ફક્ત વિચારો કે આજથી 400 વર્ષ પહેલા , કોઈ એક જમીનને ઉદ્યાન બનાવવી , જેની આસપાસ પાણી જ ન હોય તે કેવું કામ હશે ? 

ચશ્મે શાહી ગાર્ડન જે જહાંગીરે નહીં બલ્કે શાહજહાં એ પુત્ર દારા શિકોહ માટે નિર્માણ કરાવ્યો હતો. એ દારા શિકોહ રાજ કરતે તો હિન્દુસ્તાનનો ઇતિહાસ જૂદો હોત .

આજે તાજમાં કે કોઈ ફાઇવસ્ટાર હોટેલમાં તમારું સ્વાગત વોટર સ્ક્રીન કરે એની કોઈ નવાઈ નથી લગતી પણ ચશ્મે શાહીમાં , શાલિમારમાં 400 વર્ષ પૂર્વે આ વોટર સ્ક્રીનનું ઉદ્દભવવું  એ જ એક આશ્ચર્યકારક વાત નથી?  જે કાળમાં દરેકના ઘર સુધી પાણી લાવવું એક કામ હતું તે સમયે ફુવારાનો કન્સેપટ કેટલો ફેસિનેટિંગ હશે એ વિચારવું રહ્યું.

સૌથી પહેલા ગયા અમે ચશ્મે શાહી ગાર્ડન. ત્યાં સુધી વેન જેવું મોટું વાહન જઈ શકતું નથી. અમારા ડ્રાઈવરને આ વાતની જાણ હતી છતાંયે મોઢામાંથી બોલ્યો નહીં. મોટાભાગના ટ્રાવેલ એજન્ટ જયારે  પૂરતી ચોકસાઈ ન કરે ત્યારે એવું થાય. અમારા નસીબ પાધરાં હતા તે સેનાના જવાને અમને એની કારમાં લિફ્ટ આપી. 

ચશ્મેશાહી છે સુંદર પણ એમાં ફેસિનેટિંગ તત્વની ગેરહાજરી હતી. આ ગાર્ડન પણ જહાંગીરને નામે બોલે છે. પણ તેનું નિર્માણ જહાંગીરના પુત્ર શાહજહાંએ પોતાના લાડકા પુત્ર દારા શિકોહ માટે કરાવ્યું હતું. 

એ ગાર્ડનમાં ફુવારા સિવાય કોઈ વધુ આકર્ષણ નથી. 

એ પછી આવ્યો વારો શાલીમાર ગાર્ડનનો. 31 એકરમાં પથરાયેલા શાલીમાર ગાર્ડનની ખૂબી એ છે કે એને દલ લેક સાથે  વૉટર ચેનલ થી કનેક્ટ કરાયો છે. એનું નિર્માણ ઈ.સ 1619માં જહાંગીરે પોતાની સૌથી વધુ પ્રિય એવી નૂરજહાં માટે કરાવ્યું હતું. આજથી 400 વર્ષ પૂર્વે એ સ્થાપત્ય કલાનો નમૂનો તો હશે જ . એને માટે રોપાં ગુલમર્ગથી લવાયા હતા.  શાલીમાર, ચશ્મેશાહી અને નિશાત ત્રણે ગાર્ડન બન્યા છે પર્શિયન કન્સેપટ પર. આ વાત ઇતિહાસ અને ગાઈડ આપણને જણાવે ભણાવે છે . હકીકત એ છે કે થોડી વધુ નુક્તેચીની કરવાથી શાલીમાર ગાર્ડનની તવારીખ તો 2000 પૂર્વે પણ મળે છે. એન્શિયન્ટ હિસ્ટ્રી રેકોર્ડ્સ પ્રમાણે શાલિમારનો અર્થ થાય છે પ્રેમાલય. Abode of Love . 79 થી 139 A.D માં પ્રવરસેન દ્વિતીય નામના રાજવીએ નિર્માણ કરેલું .  તે સમયે એક નામી સંત હતા હરવન એમના માટે આ ઉદ્યાનનું નિર્માણ થયેલું. પણ આ વાતનો કોઈ ઉલ્લેખ કાશ્મીરી પ્રજાના કે ઇતિહાસમાં નથી. છે તો માત્ર ઉલ્લેખ કે આ જહાંગીરનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. 

જહાંગીરનો ડ્રીમ પ્રોજેક્ટ એવો શાલીમાર ગાર્ડન ,જેના મૂળ તો પ્રાચીન છે. 

અમને આ ઉદ્યાનમાં રસ નહોતો એમ તો નહીં પણ રોઝબલ જવું એવું મનમાં નક્કી કરેલું. 

જે લોકોએ જીસસ ક્રાઈસ્ટ વિષે જે થિયરીઓ વાંચી હશે એમને આ વિષયનો ખ્યાલ હશે. એક થિયરી પ્રમાણે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચઢાવી દેવામાં આવ્યા એ વાત તો વિદિત છે.એ પછી  બીજે દિવસે એ બોડી ગાયબ થઇ ગયેલું જણાયું. એમ મનાય છે કે જીસસ ત્યાંથી (ઇઝરાયલથી) ભાગીને કાશ્મીર આવ્યા હતા અને તેમને બાકીની જિંદગી અહીં પૂરી કરી. જે જગ્યાને રોઝબેલ શ્રાઈન લેખાય છે.

આ થિયરી અન્ય કોઈએ નહીં પણ  અહમેદિયા સંપ્રદાયના સ્થાપક મિર્ઝા ગુલામ અહેમદ કાદિયાની (1835-1908)દરમિયાન તેમના પુસ્તક મસીહા હિન્દુસ્તાનમાં પ્રગટ કરી હતી. એ પાછળનું લોજીક અને થિયરી બીજો વિવાદાસ્પદ મુદ્દો છે. પહેલા ઘણાં ફિરંગીઓ આ દરગાહની મુલાકાતે આવતા હતા. હવે ત્યાં ,ખાસ કરીને હોટેલના રિસેપ્શન  પર જ કોઈ માહિતી માંગે તો કહી દેવાય છે કે એ દરગાહને જીસસ સાથે કોઈ લેવાદેવા નથી. 

આ જગ્યા અમારી  હોટેલથી માત્ર 8 કિલોમીટર દૂર હતી પણ હોટેલના સ્ટાફ, ડ્રાઈવર જે રીતે ના પડી રહ્યા હતા એ જોઈને અમારી હિમ્મત ઓગળી ગઈ. જવું તો હઝરત બાલ પણ હતું , જે માટે સિક્યોરિટીનું બહાનું બતાડી અમારો ડ્રાઈવર રફુચક્કર થઇ ગયો. હિંમત પાણી થઇ ગઈ  એનું કારણ એકે એ પણ હતું કે જન્માષ્ટમી હતી. પહેલીવાર ધામધૂમથી ઉજવાઈ રહી હતી. સહુ જાણે છે કે જમ્મુમાં ભલે હિન્દુ વસ્તી વધુ હોય પણ કાશ્મીરમાં મુસ્લિમ વસ્તી વધુ છે.  થોડી આશંકા હતી કે ક્યાંક છમકલાં ન થઇ જાય. અલબત્ત, અમારો ડર સદંતર બેબુનિયાદ હોવાનું અમને બીજા પ્રવાસીઓ પાસે જાણવા મળ્યું. ડ્રાઈવરની કામચોરીને કારણે અમે આ બંને જગ્યા જોવાની જતી કરી એ હકીકત હતી. 

ડ્રાઈવર મીરે બતાવેલાં  જ ડરથી અમે શ્રી નગરના બજારમાં ન ગયા. બાકી શ્રી નગરનું બજાર પણ જોવા જેવી ચીજ છે. સૂકા મેવા ઉપરાંત કેસર ,બાસમતી ચાવલ અને ગુચ્છી માટે  પ્રખ્યાત.

અમારા સાથીઓ પાસે તો લાંબુ લિસ્ટ હતું. સૌથી મહત્વની ચીજ હોય તો તે હતી ગુચ્છી .

મેં તો જિંદગીમાં આ નામ સાંભળ્યું નહોતું. ચાખવાનો પ્રશ્ન જ નહોતો. ગુચ્છી પુલાવ એક ડેલિકસી છે. જે સામાન્યરીતે કાશ્મીરી દિલ્હી ને પંજાબી શ્રીમંત પરિવારમાં ખાસ દાવત તરીકે પીરસાય છે. કિંમત ?

દિલ્હીમાં રૂ 50,000 પ્રતિ કિલો. મુંબઈમાં જેવો ગ્રાહક એટલો દામ. સામાન્યરીતે એ મુંબઈમાં મળતી નથી. શોખીન લોકો દિલ્હી કે કાશ્મીરથી જ મંગાવે છે. મેં તો ક્યારેય ન જોયેલી ગુચ્છી વિષે એટલું સાંભળ્યું કે કુતુહલતાથી જોવાનું મન થઇ ગયું. 

આ ગુચ્છી એક જાતના મશરૂમ છે. જે માત્ર કાશ્મીર અને હિમાચલમાં ઉગે છે. મોટાભાગના જંગલોમાં ખાસ કરીને આ જ સીઝનમાં એ  ઉગી નીકળે. સ્થાનિક કાશ્મીરીઓ એ  ફરી ફરી ને શોધે અને એને ચૂંટી લે. એની ખાસિયત વળી એવી કે એ ખૂબ ઊંચાઈ પર જ ઉગે અને એકવાર જ્યાં ઉગે ત્યાં બીજીવાર હરગીઝ ન ઉગે. કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં કુટુંબ સીઝન દરમિયાન આ જ કામ કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મશહૂર થઇ છે એટલે પણ એના  દામ ખૂબ વધી ગયા છે. 

અમારા સાથીઓ તો મુંબઈથી અડ્રેસ લઈને આવ્યા હતા. બજારમાં ગયા વિના જ હોટેલ પર ગુચ્છી આવી ગઈ. કાશ્મીરના અખરોટ પણ ભારે વખણાય છે. પણ, મુંબઇનો ભાવ સાંભળીને ,વળી એર ફ્રેટ ચૂકવવાની વાત નરી મૂર્ખાઈ લાગી. જેને કેસર, અખરોટ, ગુચ્છી લેવાના હતા તેમના પાર્સલ હોટેલ પર જ આવી ગયા એટલે શ્રી નગરના બજારની સેર બાકી રહી ગઈ. 

પૃથ્વીના જન્નતની વિદાય લેવાની ઘડી પણ આવી ગઈ. પહેલીવાર એવું થયું કે હોમ સિકનેસ સેટ થાય એ પહેલાં અમે ઘર પહોંચી જવાના હતા. 

ઇન્ડિગોની ફ્લાઈટે ઉડાન પકડી. નીચે શ્રી નગર અમને હાથ હલાવીને બાય બાય  કહી રહ્યું હતું. ખરેખર કાશ્મીર એ કાશ્મીર છે એવું લાગી રહી હતું. હવે એનો વિન્ટર ચાર્મ જોવા આવવું જ રહ્યું એવું મનોમન નક્કી કરી લીધું. 

મનમાં રમી રહ્યું ...

ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર લો...

હમ સે એક ઔર મુલાકાત કા વાદા કર લો....

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen