કશ્મીર ડાયરી : કશ્મીર કોલિંગ ......
#Kashmir Diary #PinkiDalal
શ્રીનગરથી પહેલગામ જતો રસ્તો કેસર અને ડાંગરના ખેતરોમાં વચ્ચેથી પસાર થાય છે. એમ થાય કે આ રસ્તો પૂરો જ ન થાય..
ભારતીને પણ અંદાજ નહીં હોય કે હું પલક ઝપકાવ્યા વિના બીજી જ ક્ષણે હા પાડી દઈશ.
ને બની ગયો અમારો કશ્મીર પ્રોગ્રામ. જનાર હતા ભારતી અને તેની એક ફ્રેન્ડ , ત્રીજી હું. જો પાર્ટનર શોધું તો ચાર થઇ જાય.
મારે માટે મૂંઝવણ હતો છેલ્લી ઘડીએ કોને શોધવા જવું ? એટલે નક્કી કર્યું ચોથું કોઈ જોઈતું નથી. આપણે ત્રણ ઠીક છે. આ વાત થઇ સવારે અને બીજી સવારે ખબર પડી બીજા એક નહીં પાંચ મિત્રો થનગનતી ઉભી છે કાશ્મીર જવા માટે. એટલે અમારો સંઘ થયો કુલ 8 મૈત્રિણીઓનો.
કશ્મીર મારા માટે હંમેશ ડ્રીમ ડેસ્ટિનેશન રહ્યું છે. બાળક હતા ત્યારે હિન્દી ફિલ્મોમાં જોયેલા કશ્મીર કરતાં હજારગણું સુંદર હોવાની વાત તો 1996માં જયારે ઉગ્રવાદ ચરમસીમા પર હતો ત્યારે સમજાઈ.
સ્કૂલમાં હતા ત્યારે કશ્મીર જવાનો મોકો મળ્યો હતો પણ એ તો માત્ર ત્યાં હાથ લગાવી પાછા ફરવા જેવું હતું. ત્યારે હતું કે કશ્મીર ફરી તો આવવું જ રહ્યું.. પણ ક્યારેય મોકો જ ન મળ્યો. જયારે પત્રકાર તરીકે કશ્મીર કવર કરેલું ત્યારે એમાં કામ કરવાનું હતું , આપણાં જવાનોની શૌર્યગાથા સાંભળવાની હતી ત્યારે હિમનદીના પાણીમાં પગ ઝબોળવાની ઐયાશીને સ્થાન નહોતું. એટલે ફરી થયું કે કાશ્મીર ફરીવાર આવવું , મનભરીને માણી શકાય એ રીતે.
ને એ મોકો પણ આવ્યો ખરો. ભલે પૂરા પચ્ચીસ વર્ષે આવ્યો પણ આવ્યો.
આમ તો કાશ્મીરને સાંગોપાંગ જોવાનો મોકો મળ્યો હતો 1996માં . મિલિટન્સી ચરમ સીમા પર હતી. એ સમયે ડિફેન્સ મારી બીટ હતી. મુંબઈના પત્રકારો માટે ડિફેન્સ બીટ કોઈને એટલે મજાની નથી લગતી કારણકે મુંબઈમાં આર્મી ખાસ ઇવેન્ટ કરતું નથી. મોટાભાગની ઇવેન્ટ નેવીની હોય. અને સહુને ખબર છે કે ભારતીય સેનામાં સૌથી વધુ દબદબો આર્મીનો પછી એરફોર્સનો અને છેલ્લે નેવી આવે. એટલે મુંબઈમાં કોઈને ઝાઝો રસ ડિફેન્સ બીટમાં ન પડે સ્વાભાવિક છે. પણ, ટૂંકમાં એ બીટ કરવાનો ફાયદો એ થયેલો કે જયારે કોઈ કશ્મીર જવાનો વિચાર સ્વપ્નમાં ન કરે એવા સમયે આર્મી સાથે ચોપરમાં અમને છ પત્રકારોને કશ્મીર જોવા મળ્યું.
પણ , આ વાત અત્યારે અહીં કેમ ? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એનું કારણ એટલું જ કે 1996 માં જોયેલા કશ્મીર ને 2021 , પચીસ વર્ષમાં કશ્મીરની શકલ સૂરત ખાસ બદલાઈ નથી પણ આર્ટિકલ 370 ની નાબૂદીથી જનમાનસ અને પરિસ્થિતિ ઘણી બદલાઈ છે. જે શ્રીનગરમાં અમે જાળીવાળી વેન અને આર્મ્ડ જીપમાં ફર્યા હતા, જે સુમસામ માર્ગ પર કોઈ વસ્તી દેખાતી નહોતી ત્યાં આજે ટ્રાફિક જામ સાથે ટુરિસ્ટ અને હોટેલોમાં વૃદ્ધિ દેખાય છે. 96 માં દલ લેક પર વોક લેવો હતો , લશ્કરના જવાનોએ અમને તે કરવાથી રોક્યા હતા. 2021 માં એ જ દલ લેક પર ટુરિસ્ટનો જમાવડો હતો. એ પણ કોવિડ પછી હજી જયારે ટુરિઝમ જોઈએ એવી ગતિ નથી પકડી શક્યું ત્યારે ....
હા, તો અમારી 2021 કાશ્મીર સફર હતી ઓગસ્ટ મહિનામાં . એ ઋતુમાં જયારે કશ્મીરમાં વસંત ફૂલબહાર ખીલી હોય છે.
અમારી ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઇ ને રિશિડ્યુલ થઇ. ત્યારે થયો કે કાશ્મીર પહોંચીયે ત્યારે સાચું. ન જાણે કોઈ આપણને એરપોર્ટથી જ પાછા ઘરે મોકલી દે તો ?
પણ, એવો સમય ન આવ્યો. ફ્લાઇટ ઓન ટાઈમ હતી. ઈન્ડિગો એર લાઇન્સ બીફોર ટાઈમ લેન્ડ થવા જાણીતી છે. એટલે નિર્ધારિત સમય કરતાં દસ મિનિટ પહેલા લેન્ડ થઇ ગઈ.
અમને જાણવા મળ્યું કે જમ્મુ કાશ્મીરમાં કોવીડ કેસીસ નહિવત કે બિલકુલ નથી. પણ, એ માટે એરપોર્ટ પર કડક બંદોબસ્ત હતો. અમારે બેઉ વેક્સિનેશન થઇ ગયા હોવાના પ્રમાણપત્ર ઉપરાંત ભારત સરકાર દ્વારા અપાતાં ટ્રાવેલ વિઝા સિર્ટીફીકેટ બતાવવા ઉપરાંત એન્ટિજન ટેસ્ટ કરાવવાની હતી. જો કે એ બિલકુલ નિઃશુલ્ક હતી.
અમને એરપોર્ટ પર રિસીવ કરવા આવ્યો હતો અમારો ડ્રાઈવર કમ ગાઈડ મીર .
બાય ધ વે અમે જયારે મુંબઈમાં રહેલા અમારા ટ્રાવેલ એજન્ટ સાથે વાતો કરતા હતા ત્યારે એને અમને સાત દિવસ અમારી સાથે રહેનાર વેનનો ફોટો અમારા ગ્રુપ પર શેર કરી દીધો હતો. એમાં નજરે ચઢનાર ટેમ્પો ટ્રાવેલર જોઈને અમારા સાથી મધુ ગાંધી બગડ્યા. એમના ઓવર પ્રોટેકટિવ હસબન્ડને થયું કે વેન તો ભારે ખસ્તાહાલ દેખાય છે. એ રસ્તામાં બગડી જાય તો ?
એ ગડભાંજ ચાલી એટલે થોડી જ વારમાં ટ્રાવેલ એજન્ટે નવો ફોટો મુક્યો. મર્સિડીઝ બેન્ઝ વેનનો. હવે આ કાર તમને મળશે બસ? તે પણ નો મોર કોસ્ટ . તમે જે ચૂકવ્યા છે તે જ અમાઉન્ટમાં . બધી મૈત્રિણીઓ ખુશ ખુશ.
એરપોર્ટથી પાર્કિંગમાં લગેજ લઈને આવ્યા ત્યારે વેનના દીદાર થયા. એકદમ તો નહીં પણ પ્રમાણમાં ઓકે કહી શકાય તેવી ખસ્તાહાલ ટેમ્પો ટ્રાવેલર વેન અમારી રાહ જોતી ઉભી હતી. અમારા સહુના મોઢા આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા.
આખરે ડ્રાઈવરને પૂછી લેવું જરૂરી લાગ્યું : ભાઈ, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હુઈ હૈ કયા? મેં મારા મોબાઈલમાં ટ્રાવેલ એજન્ટે મોકલેલો ફોટોગ્રાફ બતાવ્યો. એમાં વેનના આગળના ભાગમાં મર્સિડીઝ બેન્ઝનો સ્ટાર ચમકતો હતો. .
અમારા ચહેરા પરના હાવભાવ મીર તરત કળી ગયો હોય એમ લાગ્યું. : મેડમ , આપ ખુદ હી દેખ લો. યે ફોટો હમારી હી વેન કા હૈ , આપ જો એ સિતારા કી બાત કર રહે હૈ વોહ ભી હૈ. એને મને આગળના ભાગમાં દોરી. એની વાત સાચી હતી, વેનના બોનેટ પર સિતારો લાગેલો હતો.
એટલે કે ટેમ્પો ટ્રાવેલર્સ પર મર્સીડીઝનો સિતારો. અમને તો આ જોઈને શું બોલવું એ જ ન સમજાયું. અમારા હાવભાવ પરથી એ સમજી તો શક્યો કે અમને જરા ગમ્યું તો નથી. એટલે એને ચોખવટ કરી દીધી.
'બાત યે હૈ કી પૂરે કશ્મીર મેં સબ યહી વેન હૈ ઔર સબ વેન પર યેહી સ્ટાર લગાયા હોતા હૈ. કયું કી યે ઓરિજિનલ સ્ટારવાલી મર્સીડીઝ તો બહોત મહેંગી આતી હૈ , પહાડો મેં થોડી ચલેગી ?'
અમારે તો એના લોજીક સાથે સહમત થયા વિના કોઈ છૂટકો પણ નહોતો. અમે કહ્યું સાચી વાત છે ભાઈ પણ , એસી તો ચલેગા કી નહિ ?
મીર પાસે એનો જવાબ પણ રેડી હતો : પહાડ મેં એસી કી ક્યા જરૂરત ? એસી કી જરૂર આપકે બમ્બઇ મેં હોતી હૈ.
જયારે આ વાત થતી હતી ત્યારે બપોર થઇ ગઈ હતી. સમય હતો દોઢ વાગ્યાનો. ટેમ્પરેચર હતું 27 ડિગ્રી.
ગરમી હતી પણ મુંબઈ જેવી નહીં. સહુને ભૂખ લાગી હતી. અમારે શ્રી નગરમાં રહેવાનું નહોતું , સીધા જવાનું હતું પહેલગામ .
શ્રીનગરથી પહેલગામ વચ્ચેનું અંતર છે માત્ર 75 કિલોમીટર . ડ્રાઇવર તમને 90 જ કહે. ચર્ચગેટથી કાંદિવલી અપડાઉન કરીએ એટલું જ. પણ ડ્રાઈવર મીર માટે એ મોટું અંતર હતું. આ જ ખૂબી છે મુંબઈની. મુંબઈગરાને 50 કિલોમીટર સુધી અંતર લાબું જ ન લાગે. અમને મુંબઈથી ટીપ મળેલી કે કૃષ્ણા ધાબામાં જ જમજો. અફલાતૂન ફૂડ છે. વળી એ રસ્તામાં જ પડશે એટલે અમે રૂખ કર્યો કૃષ્ણા ધાબાનો.
થોડા કિલોમીટર રસ્તો કાપ્યો કે કૃષ્ણાના દર્શન થયા.
અમે વિચાર્યું હતું તેથી તદ્દન વિરુદ્ધ એ તો કોઈ રેસ્ટોરન્ટ હતી , નામ હતું કૃષ્ણા ધાબા. પ્યોર વેજિટેરિયન એટલે અમને આ સૂચવ્યું હશે એમ લાગ્યું. વળી એના કાચ પર લાલ રંગે ચીતરેલું , ઈડલી , ડોસા , ગુજરાતી થાળી મળશે.
જાણે મુંબઈથી કોઈ ગુજરાતી થાળી ખાવા જ કોઈ કશ્મીર આવતું હોય ?
નાની એવી આ રેસ્ટોરન્ટમાં તો ભીડ ભીડ . અમને તો ભૂખે ચક્કર આવતા હતા, એટલે એની બાજુના ધાબામાં જમાવ્યું. દુકાન એટલે કે રેસ્ટોરન્ટ કૃષ્ણાથી અડધી હતી પણ ખાવાનું ટેસ્ટી હતું. જલસો પડી ગયો. ભૂખ્યા તો હતા જ . એમાં એકદમ તાજું સેલડ , મોળું દહીં ,તંદૂરી રોટી ,પનીર મટર , કાલી દાલ , કોરમા , બીજું પણ કંઈક હતું પણ શાકમાં તેલ તરે એના પ્રમાણમાં તેલમાં શાક તરતું હતું. આપણે દૂરથી જ નમસ્કાર કરી દીધા.
અલબત્ત એકંદરે બધું સારું હતું. હવે ક્યાંય થોભવાનું નહોતું , સીધા પહેલગામ .....

લીદ્દર નદીની સાથે સાથે.. આ શ્રી નગરને પણ પાણી પૂરું પાડે છે. દલ લેકનું પાણી પીવાલાયક નથી.
કેસરનો પાક ન લેવાય ત્યારે ડાંગર પણ મૉટે પાયે વવાય છે. કેસરના આજુબાજુ પેડી ફિલ્ડ એટલે કે ડાંગરના ખેતરો લહેરાતાં હતા. એકવાર બાલીની ટુરમાં આવી હરિયાળી જોઈ હોવાનું સ્મરણ તાજું થઇ ગયું.
આ તો વાત થઇ કેસર ને ડાંગરની પણ મૂળ એવા કશ્મીરી સફરજનના બગીચા શરુ થયા નહોતા.
બડગામ નામના જિલ્લાનું એક ગામ આવ્યું અને કાશ્મીરની અસલી ઝલક મળવી શરુ થઇ.
96માં બડગામ , સોપોર,બારામુલ્લા,અનંતનાગ કવર કરેલા ત્યારે ત્યાં રસ્તાઓ પર સુનકાર હતો. એક ચકલું નહોતું ફરકતું , જયારે અમારી વેન બડગામ જિલ્લાના એક ગામને ચીરતી પસાર થઇ ત્યારે મને પાકિસ્તાનમાં કરાચી પાસે થોડે દૂર રહેલા નાના ગામમાં કરેલી વિઝીટ યાદ આવી ગઈ. એ જ શૈલીના મકાનો. એ જ રીતનો માહોલ, નાનાં નાનાં ભીડભાડ ભરેલા મકાનો, દુકાનો અને બહાર લટકાવેલો ઘર ગૃહસ્થીનો સમાન , રસ્તા પર કાળા રંગના બેનરો જેમાં લાલ રંગે ઉર્દુમાં લખાયેલા સૂત્રો. મેં અનુરોધ કર્યો કે બે મિનિટ થોભીએ મારે એક બે પિક્ચર લેવા છે , પણ મીર તો જાણે સાંભળ્યું જ નથી એમ ડ્રાઈવ કરતો રહ્યો. કદાચ એ નહોતો ઈચ્છતો કે હું એ દ્રશ્ય કેમેરામાં કેદ કરું.
મારો ઈરાદો કાળા ફ્લેગના ફોટોગ્રાફ લેવાનો હતો. વાંચતા તો આવડે નહીં પણ કોઈક પાસે એ વંચાવી શકાય. પણ, મીરે તો ભીડમાં પણ ગાડી સ્પીડ એ કરી. મને કહ્યું કે એ તો મહોર્રમમાં એવું બધું લગાવાય.
જો કે એ વાત મને કંઈક ઉપજાવેલી લાગી.
સૌથી અજબ વાત તો એ હતી કે રસ્તા પર ભીડ હતી. દુકાનો પણ ખુલ્લી હતી પણ એક મહિલા નજરે ચઢતી નહોતી. સામાન્યપણે બજારમાં મહિલાઓ હોય એ દ્રશ્ય એકદમ સાહજિક છે. પણ અહીં તો સમ ખાવા પૂરતી બુરખાધારી કે અન્ય મહિલાઓ નજરે ચઢતી નહોતી.
બે ત્રણ મિનિટમાં તો ગામની મૂળ સડક પૂરી થઇ અને બાહરી બાજુ અમે આવી પહોંચ્યા. અમને જોઈતી હતી પાણીની ક્રેટ. એક નાની સરખી કેબિન જેવી દુકાન પાસે વેન પાર્ક કરી મીર વાતચીત કરી આવ્યો. પહેલીવાર કોઈ બુર્ખાનશીન મહિલા જણાઈ. નવાઈની વાત હતી કે એ પેલી દુકાનની માલિક હતી . અમે પાણીની ક્રેટ લઇ પૈસા ચૂકવ્યા અને આગળ વધ્યા.
હવે શરુ થઇ રહ્યા હતા એપલ ઓર્ચડ .
તમામ ટુરિસ્ટ હવે આ વાડીઓ પાસે સ્ટોપ કરે છે. લીલા સફરજન કશ્મીરી ખાસિયત છે. સ્વાદમાં ખટ્ટમીઠાં, ફરસાં અને રંગમાં લીલા કે પછી લાલ છાંટવાળા સફરજન કશ્મીરી , આપણે ત્યાં જે પૂરાં લાલ , ઘી જેવા ગરવાળા સફરજન મળે છે તે હિમાચલી. ખરેખર તો આપણે તાજાં સફરજનનો સ્વાદ જ નથી ચાખ્યો એમ કહી શકાય. આપણે ત્યાં જે મળે છે તે મહિનાથી છ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા ફળ હોય છે.
મીરે એવા જ કોઇક બગીચા પાસે વેન પાર્ક કરી. અમને થોડો સમય આપ્યો કે અમે ફોટો સેશન કરી શકીએ. ત્યાં સુધીમાં એપલ જ્યુસ આવી ગયો હતો. ન પાણી, ન સાકર. ન કોઈ પ્રિઝર્વેટિવ છતાં જ્યુસ એટલો મીઠો હતો જાણે શેરડીનો રસ હોય. આપણી નજર સામે જ જ્યુસ કાઢે એટલે એમાં કોઈ ભેળસેળ કરી હોય એવો વિચાર અસ્થાને હતો.
સફરજન આટલાં મીઠાં હોય ? બોમ્બેમાં તો નથી હોતા !! એક સ્વભાવિક ટકોરનો જવાબ મીરે પોતાની રીતે વાળ્યો, મેડમ ,આપકે વહાં મિલતે હૈ વો કશ્મીરી નહીં હિમાચલી સેબ હોતે હૈ. હમ તો છૂતે ભી નહિ , ફેંક દેતે હૈ...
મીરનો આ મિજાજ બીજી બેત્રણવાર જોવા મળ્યો હતો ,એટલે મન હતું છતાં કશ્મીરની પરિસ્થિતિ અને લોકોના મન જાણવાની ઈચ્છા પર બ્રેક મારી દીધી.
75 કિલોમીટરની જર્ની પૂરી થઇ અઢી કલાકે અને હવે અમે હતા પહેલગામમાં. અમારી સાથે સાથે ચાલી રહેલી લીડ્ડર નદી અમને હવે પોતાની ટેરીટરીમાં વેલકમ કરી રહી હતી.
અને અમે પહોંચ્યા અમારી હોટેલ પર. હિમાલયની ગોદમાં હોય એમ ગામથી દૂર એવી અમારી હોટેલના બહાર ગાર્ડનમાં રાખેલા ટેબલ પર ગોઠવાયા .
સાંજ થવાને વાર હતી પણ વાતાવરણમાં અજબ શાંતિ ,ઠંડક હતી. એમાં વળી ઉમેરાતી પાઈન ટ્રીની સ્વીટ શાર્પ રિફ્રેશિંગ મહેક.
અમે પૂછ્યું , ડ્રિન્ક મે ક્યા મિલેગા ?
હોટેલના માલિકનો દીકરો વાતોડિયો હતો, એકદમ નવા જમાનાનો. એને લાંબા સલવાર કુર્તા ને ટોપી નહોતા પહેર્યા , સ્માર્ટ સ્વેટ શર્ટ ને જીન્સમાં હતો. શ્રીનગરનો રહીશ કશ્મીર યુનિવર્સિટીથી એમબીએ કરતો હતો ને હોટેલ પણ મેનેજ કરતો હતો.
એ હસી પડતાં બોલ્યો, કાવા ,ચાઈ , હોટ ચોકલેટ .....
સાંભળીને નવાઈ લાગશે કે આખા કશ્મીરમાં ક્યાંય આલ્કોહોલ ઉપલબ્ધ નથી. શ્રી નગરમાં એક જ વાઈન શોપ છે જ્યાં આલ્કોહોલ મળે બાકી મોટાભાગની હોટેલમાં પણ આલ્કોહોલ ન મળે.
ડિટૉક્સિકેશન માટે જવું હોય તો કશ્મીર ધ બેસ્ટ.
જ્યાં કુદરત જ મદહોશ કરી નાખે એટલી જબરદસ્ત હોય તો આવા ફિતૂર કોણ ચાહે ?
જ્યાં કુદરત જ મદહોશ કરી નાખે એટલી જબરદસ્ત હોય તો આવા ફિતૂર કોણ ચાહે ?
ક્રમશ: .
Wonderful
ReplyDeleteThank u😊
Delete