મુંબઈનો શિરમોર તાજ એટલે !
બે દિવસ પહેલા મળેલા વિક્ટોરિયા ટર્મિનસના ફોટોગ્રાફસે ફરી જીદ કરીને બ્લોગ કરવા મજબૂર કરી દીધી .
આમ તો કોઈ પૂછે કે જન્મભૂમિ કે કર્મભૂમિમાંથી પસંદ કરવાનું આવે તો કોની પસંદગી થાય ?
સામાન્યરીતે જન્મભૂમિ ,પણ મને એ પ્રશ્ન થાય તો કર્મભૂમિ મુંબઈ જીતી જાય.
હા, શક્ય છે કે કદાચ કાલે કર્મભૂમિ કે વસવાટ કોઈ અન્ય ભૂમિ હશે તો પણ મુંબઈ તો અવ્વલ સ્થાને જ રહેશે. આવું કૈંક છે મુંબઈમાં , જેના પ્રેમમાં એકવાર પડી જવાય તો કેદમાંથી નીકળવું મુશ્કેલ છે..એનું કારણ છે મુંબઇનો અસબાબ .એમાં પછી ફોર્ટનાં ઓર્નામેન્ટલ બિલ્ડીંગ્સ હોય કે પછી મરીનડ્રાઈવના ટ્રાઇપોડસ . ભગવાન ભૂલ પડે તેવું ભુલેશ્વર હોય કે પછી વિદેશોની બરોબરી કરે તેવું પેલેડિયમ , મુંબઈ એટલે મુંબઈ.
હા, તો વાત મૂળ હતી વી ટીની હવે સી એસ ટી , છત્રપતિ શિવાજી ટર્મિનસ, એક સમયનું બોરીબંદર. વિક્ટોરિયા ટર્મિનસ .
ઇ.સ 1832માં શરૂઆત થઇ રેલવેની, ઈંગ્લેન્ડમાં. સ્વાભાવિક છે એક શરૂઆત થઇ એટલે હિંદુસ્તાનમાં તો રેલવે આવવાની જ હતી. એમાં પણ આટલો જંગી દેશ , અને વધતી જતી વાણિજ્યની તક.
જો કે મુંબઈ માટે ઇંગ્લેન્ડમાં બહુ બેહૂદી વાતો થતી. કાળા , અભણ, ગામડિયાનો દેશ, સાપ અને મદારીનો દેશ, જાદૂ ટોના ને ગંદકીનો દેશ તેમાં જ્યાં મચ્છર અને માંદગી વેલકમ ગિફ્ટ તરીકે મળે એવું મુંબઈ, જ્યાં પીવાના પાણી કુવામાંથી આવતા ને એ પાણી પીધા પછી વાળાનો રોગ થઇ જતો એવું માંદગીની જાજમ ધરાવતું શહેર . અંગ્રેજોમાં એવું કહેવાતું કે જે ઓફિસરનું પોસ્ટિંગ ઇન્ડિયા થતું એને સારી છોકરી લગ્ન માટે મેળવી મુશ્કેલ થઇ જતી. કોઈ મેડમને આ મચ્છરીયા મુંબઈમાં રહેવું ગમતું નહોતું . આ પોસ્ટિંગ એટલે કાળાપાણીની સજા. અલબત્ત , એને શહેરનો દરજ્જો પ્રાપ્ત જ નહોતો થયો.તે છતાં સાહસિકોના ધાડાં આવવાના ચાલુ હતા.
એ સમયે આ તમામ સંયોગને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ બેરોનેટ બનેલા સર જમશેદજી જીજીભોય અને નાના શંકર શેઠે મળીને ઈ.સ 1844માં બ્રિટિશ સરકકારને રેલવે અંગે વિચારણા કરવા વિષે પત્ર મોકલ્યો.એ પછીના વર્ષે કર્નલ ઝ્રવિસના પ્રમુખપદ હેઠળ ટાઉનહૉલમાં નાગરિકોની એક જાહેર સભા બોલાવવામાં આવી.
ઇસ 1445માં 19 એપ્રિલ , ટાઉનહૉલમાં રેલવે લાઈન નાખવી જોઈએ કે નહીં એ વિષે ફરી ચર્ચાઓ થઇ,મોટાભાગના નાગરિકોએ આ વાત હર્ષભેર વધાવી તો એ સમાચાર વાંચીને અમુક લોકોએ ધરતી રસાતાળ અંશે એવી અવળવાણી ઉચ્ચારી.આખરે ધ ઇંગ્લેન્ડ રેલવે એસોસિયેશન સ્થાપવાનો નિર્ણય થયો જેનો ઉદ્દેશ હતો મુખ્યત્વે તો માલસામાન , પેસેન્જર પણ ખરા પણ ગાય ભેંસ જેવા ઢોર, ટપાલ લઈને બેઉ દિશામાં ટ્રેન દોડાવવી .
આ યોજના હાજી વિચારાધીન હતી ત્યાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ શેર હોલ્ડરોએ ગ્રેટ ઇન્ડિયા પેનિન્શ્યુલા રેલવે કંપની સ્થાપી, ઇસ 1850ના ફેબ્રુઆરીમાં સર્વે પૂરો થયો અને મુંબઈથી થાણે 34 કિલોમીટર રેલવે નાખવી એવી યોજના થઇ.જેનો કોન્ટ્રેક્ટ એક અંગ્રેજને અપાયો હતો.
ભારતમાં સૌ પ્રથમ સ્ટીમ એન્જીન આવ્યું 1952માં ત્યારે નવી નવાઈનું એન્જીન જોવા ભીડ ઉમટી હતી.
એ જર્નીની વાત પણ ક્યારેક પણ અત્યારે તો વિક્ટોરિયા ટર્મિનસની વાત ચાલે છે.


વીટી સ્ટેશનને બનાવતા પૂરા દસ વર્ષ લાગ્યા એવું નોંધાયેલું છે પણ જો એકવાર આ સ્ટેશન ફરીને જોશો તો આ સમયગાળો અતિશય નાનો લાગશે. કલાકારીગીરીનો એક ઉત્તમ નમૂનો એક દાયકામાં તૈયાર થઈ જાય એ વાત નવાઈ પમાડે એવી છે.
આ આર્કિટેક્ટે મુંબઈને જે યોગદાન આપ્યું છે એની તો ક્યાંય વાત જ નથી થતી. મોટાભાગના લોકોને તો એમનું નામ પણ નથી ખબર. એ વિષે ફરી કોઈકવાર. પણ , વિક્ટોરિયન ગોથિક નિર્માણશૈલીથી બનેલું વી ટી સ્ટેશન એકવાર ફક્ત આરામથી સમય લઈને જોવા જાઓ. જલસો ન પડે તો પ્લેટફોર્મ ટિકિટના પૈસા અમારી પાસે વસૂલ કરી લેજો .
Comments
Post a Comment