રાણીની વાવ

રૂપિયા 100ની નવી નોટ પર શું સ્થાન મળ્યું , રાણીની વાવ તો એકદમ છવાઈ ગઈ. વાસ્તવિકતા એ છે કે ભારતીય સ્થાપત્યના અનેક નમૂના સામાન્ય ભારતથી અજાણ છે , એવું જ છે આ વાવનું  .


વર્ષો પૂર્વે પાટણની મુલાકાતે જવાનો પ્રસંગ બન્યો હતો ત્યારે જોયેલી વાવ અચાનક મન પર તાજી થઇ. સ્મૃતિ એકદમ તાજી તો નથી પણ થોડા ફોટોગ્રાફ્સ ને થોડી સંઘરાયેલી માહિતી સાથે બાકીનું કામ મિત્ર ગૂગલે કર્યું  .

સરસ્વતી નદીના ઇનારે આવેલી વાવ જોવા ગયા ત્યારે ત્યાં નદી હતી કે નહીં એ પણ યાદ નથી. 11મી સદીમાં નિર્માણ થયેલી વાવ વિષે નાનપણમાં ઘણું સાંભળ્યું હતું. ગુજરાત રાજ્યના અભ્યાસક્રમ પ્રમાણે પાંચમા ધોરણના ઇતિહાસના પુસ્તકના છેલ્લે પાને આ વાવનો ફોટો છપાયેલો હતો એ ઘણાંને યાદ હશે.2014માં UNESCO દ્વારા એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે 11મી સદીમાં એવી સ્થાપત્યકળા હતી જેના આધારે સાત સ્તરમાં વહેંચાયેલી આ મારુ ગુર્જર શૈલીની આ વાવમાં 500થી વધુ અલભ્ય એવી કોતરણીવાળા શિલ્પ હતા.

રાણીની વાવ , રાણકી વાવ નામે ઓળખાતી આ વાવ ચાલુક્ય સામ્રાજ્યના કાળમાં બંધાઈ હોવાનું મનાય છે. જૈન મુનિ મેરુ સુરીએ લખેલા ગ્રંથ પ્રબંધ ચિંતામણીમાં એનો ઉલ્લેખ મળે  છે. તે પ્રમાણે ભીમદેવ ( R.C* 1022 -1064), અને તેમની રાણી  ઉદયમતી દ્વારા આ વાવનું નિર્માણ થયું હતું, અલબત્ત ઇતિહાસ એ માટે બે ત્રણ વાતો ઉલ્લેખે છે. એ પ્રમાણે આ વાવ 2300 વર્ષ જૂની છે જે એક યા બીજા રાજવી દ્વારા જિર્ણોદ્ધાર પામતી રહી છે.બીજી એક વાત એવી પણ છે કે  એક તો ભીમદેવ સોલંકીના મૃત્યુ પછી એમની યાદમાં સ્મારકરૂપે  રાની ઉદયમતીએ વાવ બનાવવાનો નિર્ણય કર્યો હતો , અલબત્ત આ ગ્રંથ લગભગ 300 વર્ષ પછી લખાયો હોવાનું મનાય છે. 
જાજરમાન કહી શકાય એવી બુલંદ વાવ 64 મીટર લંબાઈ 20 મીટર પહોળાઈ 27 મીટર ઊંડાઈ ધરાવે છે. દરેક કોરિડોરમાં અનન્ય કહી શકાય એવા શિલ્પકલાના નમૂના છે. કદાચ એટલે જ તમામ વાવમાં શિરમોર લેખાય છે. અલબત્ત રાજસ્થાનની ચાંદ બાવડી ને દિલ્હીની રાજા અગ્રસેનની બાવડી પણ પોતાની મૌલિક છાપ ધરાવે છે.
શેષશાયી વિષ્ણુ, ઉપરાંત દસ અવતાર , કલ્કી, રામ, કૃષ્ણ, નરસિંહ, વામન, વરાહ અવતારના શિલ્પ છે સાથે સાથે નાગકન્યા, અપ્સરાની પણ કલાકૃતિઓ છે.
અમે જયારે મુલાકાત લીધી ત્યારે આ વાવ બહુ સારી હાલતમાં નહોતી ,જેવી આજે છે. ત્યારે જાણવા મળ્યું હતું કે છેલ્લા મજલે જ્યાં પાણી હોય ત્યાં એક ટનલ છે. જે તે વખતે તો પૂરાઈ ચુકી હતી. અત્યારે શું હાલ છે ખ્યાલ નથી પણ એ ટનલ એક ગુપ્ત રસ્તાની ગરજ સારવા બનાવાઈ હશે , એ રસ્તો જે પાટણની પાસે આવેલા સિધ્ધપુર સુધી જતો હતો. જૂના જમાનામાં આ પ્રકારના ભેદી માર્ગ બનાવવાનું ચલણ હતું જેથી યુદ્ધમાં પરાજિત થાય તો ભાગવા માટે એક વિકલ્પ ખુલ્લો રહે. 
બીજી એક રસપ્રદ વાત એ જાણવા મળી હતી કે કેટલાય સમય સુધી,લગભગ પચાસ સાંઠ વર્ષ પૂર્વે સરસ્વતીના પાણી આ વાવમાં પહોંચતા હોવાથી આજુબાજુમાં એવી ઔષધિ ઉગતી  રહેતી જેને કારણે એનો પાશ પાણીમાં ભળતો હોવાથી ભલભલા રોગ આ પાણીથી મટી જતા. અલબત્ત, આ વાત માત્ર સાંભળેલી છે એ વિષે કોઈ નક્કર પુરાવા કે સાબિતી નથી.

પીવાના પાણીની હાલાકી સદીઓ પુરાણી છે અને કહેવાય છે તેમ ત્રીજું વિશ્વયુદ્ધ પણ પાણી માટે જ થઇ શકે છે. એવા વોટર બોડીઝ ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વાવની તવારીખ પણ હેરત પમાડે છે. દિલ્હીની રાજા અગ્રસેનની બાવડી પણ એક એવો જ ઉત્તમ નમૂનો છે. એ વિષે ફરી કોઈકવાર.
રણકી વાવ , પછી અડાલજની વાવ, દાદાની વાવ , જયપુરની ચાંદ બાવડી, જે તમામ વાવમાં સૌથી ઊંડી મનાય છે. , બુંદીની રાની કી બાવડી , જોધપુરની બીરખા બાવડી , લખનૌની શાહી બાવડી , જોધપુરની તૂર જી કી બાવડી, આમેરનો પન્ના મીના કુંડ ઉપરાંત સુરતનું ગોપીચંદ તળાવ ...
પાણી માટે રચાયેલા સ્થાપત્યોની મુલાકાત લઈએ ત્યારે એ યુગમાં વિકસેલી નિર્માણ , સ્થાપત્યકલા વિષે અનુમાન લગાવી શકાય.
કાશ, મેડિકલ ટુરિઝમ પછી આ હેરિટેજ ટુરિઝમની ક્ષિતિજ વિકસે, માત્ર મહેલો ને જંગલો જ નહીં આપણા સ્થાપત્યોને અવ્વ્લ સ્થાન ટુરિસ્ટની યાદીમાં મળે.




ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen