પથ્થરમાં કોતરાયેલી કવિતા : નલિનીગુલ્મ
बिन पीयां या जाणियै, किसो गंगजळ नीर।
बिन जीयां या जाणियै, किसड़ो भोजन खीर।।
बिन जीयां या जाणियै, किसड़ो भोजन खीर।।
વિના પીએ કેમ જાણી શકાય કે ગંગાજળ શું છે ? વિના ખાધે કેમ કહી શકાય કે ખીર કેવી હોય છે ?
એ જ રીતે કહી શકાય કે રાણકપુર ન જોયું હોય તો સ્થાપત્ય શું છે ?
આજથી લગભગ છ સદી પૂર્વે એટલે કે 1437માં નિર્માણાધીન થયેલું રાણકપુરનું જૈન દહેરાસર આજે વિદેશી ટુરિસ્ટની મસ્ટ વૉચ લિસ્ટમાં મોખરે હોય છે.
એવું તો ખાસ શું છે આ દહેરાસરમાં ?

એક એવું સ્થાપત્ય જેનો આકાર છે,અવકાશયાન, એટલે કે સ્પેસશીપ જેવો. તે પણ સીધીસરળ સ્પેસશિપ નહીં ત્રિમંજ઼િલ અવકાશયાન જેવો. હેરત પમાડે એવી વાત છે , જયારે રોકેટ સાયન્સ ટેક્નોલોજીનો વિચાર સુધ્ધાં નહોતો વિકસ્યો એ સમયે આવી કલ્પના કરવી એ વાત જ ન માનવામાં આવે એવી છે. એ માટે આધાર હતો એક જૈન શ્રેષ્ઠિને આવેલા સ્વપ્નનો. નામ એનું ધરણ શાહ , તે જમાનામાં રાજસ્થાનમાં પ્રવર્તતા સિસોદિયા વંશના રાજવી રાણા કુંભાના દરબારી. જેણે અપભ્રંશ કરીને ઇતિહાસ ધના શાહ કે ધન્ના શાહ લેખે છે. અહીં એક આડવાત,આ રાણા કુંભા એટલે એના વંશજ મહારાણા પ્રતાપ .
ધરણ શાહને એક સ્વપ્ન આવ્યું જેમાં એક અદભૂત યાન દેખાયું . એ બન્યું ધરણ શાહની પ્રેરણા.ધન્ના શેઠ નામ પ્રમાણે ધનવાન હતા પણ આટલું ભવ્ય જિનાલય બનાવવું .... !! એ માટે રાણા કુંભા મદદે આવ્યા. રાણા કુંભ ચુસ્ત હિન્દૂ રાજવી, આજે જૈન હિન્દૂ વચ્ચે ઝાઝો ભેદ રહ્યો નથી બાકી એ સમયે જ્ઞાતિભેદ હતા. જૈન દહેરાસર માટેની જમીન હિન્દૂ રાજવીએ આપી છે. સોમ સુભાગ્ય ગ્રંથમાં આલેખાયેલ નોંધ પ્રમાણે 1437માં દહેરાસરનું ખાતમુર્હર્ત થયું ને ત્યાં સુધીમાં ધન્ના શેઠને મળી ગયો પોતાનું સ્વપ્ન પૂરું કરે એવો કાબેલ સ્થપતિ , નામ એનું દેપા , ક્યાંક એનો ઉલ્લેખ દીપા તરીકે પણ થયો છે. ધરણ શેઠના વિમાનનું નામ પણ સ્વપ્ને દેખાડેલું , નલિનીગુલ્મ , એટલે આજે આર્કિયોલોજી દસ્તાવેજોમાં આ નામ પણ જોવા મળે છે. બીજું એક નામ છે ત્રિલોક્ય દીપિકા .
1437માં શિલાન્યાસ થાવનો ઉલ્લેખ મળે છે સાથે સાથે 1497માં આ ઉલ્લેખ મળે છે. એટલે ચોક્કસ સમય કહેવો થોડું મુંઝવણભર્યું કામ છે પણ મુસ્લિમ વિરોધી રાણા કુંભાએ ધન્ના શેઠને જૈન દહેરાસર નિર્માણ માટે જમીન આપી છે એ વાત તવારીખે નોંધેલી છે.
અરવલ્લીની પહાડી વચ્ચે હરિયાળી ઘાટીમાં 48,000 ચોરસ ફૂટમાં પથરાયેલું આ સ્થાપત્ય કેટલા કારીગરોએ કઈ રીતે , કેવા સંજોગોમાં પૂર્ણ કર્યું એ ઉલ્લેખ મળતો નથી. કદાચ એટલે જ ઘણી બધી કિંવદંતીઓ આ સાથે જોડાયેલી છે. જેમ કે એનું નિર્માણ દેવોએ સ્વયં કર્યું કે એવી જ કોઈક અલૌકિક શક્તિઓએ કર્યું .
આવી વાર્તાઓ ઉદ્ભવવાનું કારણ છે દહેરાસરનું ભવ્ય સ્ટ્રક્ચર .
તમામ સ્તંભ એકમેકથી જૂદા તો છે જ પણ એથી વધુ અચરજ પમાડે એવી વાત હોય તો એ છે તેના રંગ. આ સ્થંભ આરસપહાણમાં કોતરાયેલા છે, જે અરવલ્લીની પર્વતમાળામાંથી જ મળી આવ્યો હશે એવું ન માનવાનું કારણ નથી. કોઈ સ્થંભનો રંગ છે ભૂખરો તો કોઈકનો ગુલાભી ઝાંયવાળો , કોઈક ભૂરાશ પડતો ભૂખરો ને કોઈક વળી સોનેરી . જોવાની ખૂબી એ છે કે સવારથી સાંજ સુધીમાં આ રંગ બદલાતા હોવાનું લોકોએ જોયું છે. અલબત્ત, આ વાત કેટલી સાચી છે અને કેટલી કાલ્પનિક એ વળી વિવાદનો વિષય છે. સૌથી મહત્વની વાત હોય તો દહેરાસરનું લે આઉટ . એક પણ ખૂણો એવો નથી જ્યાંથી મૂળનાયકની પ્રતિમાના દર્શન ન થાય. એક અનોખી સિદ્ધિ આ સ્થપતિએ રચી બતાડી છે.
દહેરાસરમાં ચારનો આંક પણ બખૂબીથી પ્રયોજાયો છે . ચાર દિશામાં પડતાં ચાર મુખ્ય દ્વાર, ચાર મંડપ , ચાર વિભાગ જ્યાંથી મૂળ નાયક સુધી પહોંચાય છે. મૂળનાયક છે આદિનાથ , ચાર આંકનું પ્રતિનિધિત્વ ઘણી બધી વાર દોહરાવાયેલું દેખાય છે. મૂર્તિની ચૌમુખ પ્રતિમા, સમવસરણ જેવું ચૌમુખ . મૂળનાયક આદિશ્વર ભગવાન સુધી પહોંચતા સુધીમાં આ તમામ વાતો ધ્યાન ખેંચવા પૂરતી છે. . જો તમે મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કરો તો તરત જ ધ્યાન ખેંચશે કે અનોખી આકૃતિ , જે છે અકીચક્ર નામનું તોરણ.
મુખ્ય ગૃહની છતમાં કોતરણીકામથી શોભતું કલ્પવૃક્ષ પણ જરા અજાયબીભર્યું છે. જે કહેવાય છે કલ્પવૃક્ષ પણ એનો આકાર કોઈ સ્ટાર ચાર્ટ જેવો છે.
કલાના સુંદર નમૂના જેવા આ દહેરાસરમાં પૂજાસેવા થતી હોય એમ લાગ્યું નહીં . એ વાત એને સામાન્ય મંદિર દહેરાસરથી અલગ પાડે છે.
એનું કારણ કદાચ ઇતિહાસમાં છુપાયેલું હોય શકે.
આ દહેરાસરનું નિર્માણ પૂરું થતા લગભગ પચાસ વર્ષ લાગ્યા હોવાનું જણાવ્યા છે. એ સમયે મુસ્લિમ આક્રમણકારીઓનું જોર ચરમસીમા પાર હતું . જે દહેરાસરને આટલી મહેનતથી , ચીવટથી , પ્રાણ રેડીને બનાવવામાં આવ્યું એને 50 જ વર્ષમાં મુસ્લિમ આક્રમણકારીઓની બર્બરતાનો સામનો કરવો પડ્યો અને એટલે આજે આ દહેરાસરમાં નીચે રહેલા ભોંયરામાં ઘણી પ્રતિમાજી દેખા દેશે . વર્ષો પૂર્વે આ ભાગ જાત્રાળુઓ માટે ખુલ્લો હતો હવે છે કે નહીં ખબર નથી.
આજથી 600 વર્ષ પૂર્વે રૂપિયા 99 લાખના ખર્ચે બનેલા દહેરાસરે માત્ર ગણતરીના દાયકામાં જ તારાજી જોવી પડી.
સમય હતો ઔરંગઝેબનો (1658-1707) . ધર્માન્ધ , બર્બર , સંગીત , લલિત કલાઓના આ દુશમન રાજવીએ રાણકપૂરના નલિનીગુલ્મને નેસ્તનાબૂદ કરી નાખ્યું . 20મી સદી સુધી આ દહેરાસર ગુમનામીના અંધારામાં ધરબાઈ રહ્યું હતું . એનું ભાગ્ય જાગવાનું હતું 1953માં , કસ્તુરભાઈ લાલભાઈની પેઢીએ એનો વહીવટ પોતાને હસ્તક લઇ જીર્ણોદ્ધાર કરાવી ભાવિકો માટે ખુલ્લું મૂક્યું .
આહે યાત્રાળુ તો ખરા જ પણ પર્યટકોની મેદની જામે છે ધન્ના શેઠના નલિનીગુલ્મ જોવાને માટે .
2009ની સાલમાં ભારત સરકારે એને દર્શનીય સ્થળમાં શામેલ કર્યું અને આજે હવે એ વિશ્વના 77 હેરિટેજ સ્થાનમાં ગણના પામે છે.
Great post and success for you..
ReplyDeleteKontraktor Pameran
Jasa Pembuatan Booth Pameran
Kontraktor Booth Pameran
Jasa Pembuatan Booth