સ્લીપિંગ ડ્રેગોનને હલો તો કહેવું પડે ....

1969 ટાપુના સમૂહમાં ક્યા ટાપુ પર જવું ને શું કરવું ?
વિયેતનામ જવાનું થાય તો ખબર પડે કે આ દેશમાં સ્થિતિ નોર્થ કોરિયા સાઉથ કોરિયા જેવી છે. બિલકુલ વિરોધાભાસી ક્લચર , વિચારધારા, ખાણીપીણી  . જો એક કોઈ સામ્યતા હોય તો એ કે નોર્થ ને સાઉથ વિયેતનામ બંને પ્રજા પોતાની સરકાર માટે અતિશય નીચો મત ધરાવે છે  . સરકાર તમારે માટે શું કરે છે એવું વિચારવાને બદલે તમે સરકાર માટે શું કરો છે એવું લિંકનકથન આ પ્રજાએ સાંભળ્યું નથી. પણ, સાચી વાત છે , શું કામ સાંભળે ? એક સમયે ચીનમાં હતી તેવી સખ્ત સમાજવાદી વ્યવસ્થા સાઉથ વિયેતનામમાં છે. પણ નોર્થ  વિયેતનામ કદાચ એની પર પશ્ચિમી જગતની અને ખાસ કરીને સામ્યવાદમુક્ત ચીનનો પ્રભાવ વધુ છે. 
કદાચ એટલે જ વિયેતનામના હો ચી મીન  કરતાં હેનોઈમાં ટુરિસ્ટ વધુ દેખાય છે. 
હનોઈ આમ તો છે કોઈ કેપિટલ સીટી હોય એવું જ શુષ્ક ને ઠીક ઠીક પણ એના પેગોડા , ને બજાર પ્રમાણમાં ઘણાં સારા  . હેનોઈનું જો કોઈ મુખ્ય આકર્ષણ હોય તો એ છે હૅલોન્ગ બે કે પછી સ્થાનિક પ્રજાની જેમ ઉચ્ચાર કરવો હોય તો હા લોન્ગ બે , હા એકદમ લંબાવીને ગાતાં હોઈએ એમ બોલવાનો  . જો કે આ પ્રજાની ભાષા ,બોલી સાંભળીયે તો સામાન્ય વાતચીત પણ ગાયન ગાઈને કરતા હોય એવી રિધમિક લાગે  .
હેનોઈની વાત કરીયે તો સૌથી પહેલા વાત તો એના પેગોડાની કરવી પડે પણ અહીં તો વાત જલસાઘરની કરવી છે, આજે વાત મોજની ફરી ક્યારેક વાત પેગોડાની, અલબત્ત એ જોવામાં જલસો તો પડે પણ થાકીને ઠૂસ થઇ જવાય એમ પણ બને. 
આજે વાત કરવી છે હાલોન્ગ બે વિષે  . હાલોન્ગ બે જવા માટે પૂરા છ કલાક બસમાં પ્રવાસ કરવો પડે. હનોઈ શહેરથી લગભગ 180 કે 200 કિલોમીટર દૂર છે. જો કે સરસ રસ્તા , સારી બસ કે કાર હોય ને ફનલવિંગ ફ્રેન્ડ્ઝનો સાથ હોય તો કદાચ આ પ્રવાસ ક્યારે પૂરો થઇ જાય ખબર પણ ન પડે. 
હાલોન્ગ બે સ્થિત છે ગલ્ફ ઓફ તાન્ગકિયા , તંગકિયા કે તાકિન્યા (ઉચ્ચાર હજી સમજાયો નથી) વચ્ચે  . 100 કિલોમીટરની કોસ્ટલાઈન ને એરિયા લગભગ 1500 ચોરસ કિલોમીટર   .
હૅલોન્ગ ખરેખર તો હા લોન્ગ , જેનો અર્થ થાય છે સૂતેલો ડ્રેગોન , એ નામ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એ ભગવાન જાણે પણ એવું માની શકાય કે સમુદ્ર વચ્ચે , અખાતમાં જે રીતે ડુંગર ઉભા રહ્યા છે એ પરથી પણ આવ્યું હોય શકે. ને જોવાની ખૂબી એ છે કે આ બધા ડુંગર લાઇમ સ્ટોનના છે. જેની ઉપર ઘનઘોર જંગલ ઉગી ચુક્યા છે.  અલબત્ત આ બધી વાતો સાંભળેલી છે , વાંચેલી છે જેમાં બધે જો ને તો મુકાયા છે. મોટાભાગના ડુંગર વચ્ચેથી નાનકડી નૌકા , કાયાક પસાર થઇ શકે છે. પણ જો અડધા દિવસનો પ્રવાસ કરીને તમે ક્રુઝ પર ઓવરનાઈટ સ્ટે ન કરો તો વિઝીટ વ્યર્થ છે. 
અમને વસવસો રહી ગયો કે અમે એક જ રાતનો સ્ટે કર્યો  . જેમાં આઇલેન્ડ હૉપિંગ , કાયાકીન્ગ , પર્લ ફેક્ટરીની મુલાકાત ,એક આડવાત , પર્લ ફાર્મ એટલે કે મોટી માટે ઉછેરવામાં આવતા ઓઇસ્ટર નામના જીવની ખેતી અને મોતીને મેળવવા માટે થતી નિર્મમ હત્યા જોઈને મને નવાઈ એ વાતની લાગી કે જૈનો મોતીના વ્યાપારી કઈ રીતે હતા? એ વિષે એક આખો વિગતવાર પીસ  ટૂંક સમયમાં લખવો છે. એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ શેર કરવું છે , જે જોઈને ફક્ત દસ બહેનો હવે મોતી ન ખરીદવા એ પ્રણ લે તો સંતોષ થશે. સોરી, થોડા જ્યાદા હો ગયા.
કાશ્મીરમાં જ નહીં જ્યાં જ્યાં આવી ભૌગોલિક સ્થિતિ હોય ત્યાં સ્થાનિકો પોતાનો આર્થિક વ્યવહારનો રસ્તો કરી જ લે છે. ફળથી લઈ મોતીની માળા ને છીપ વેચવા તમારી ક્રુઝ સુધી આ સ્થાનિક કન્યા આવી પહોંચે  .






ડુંગરોની અંદર કોતરાયેલી ગુફાની અંદર ડોકિયું કરવા જેવું છે. વર્ષો પહેલા આવેલી એક પરવીન બાબીની એક બી ગ્રેડ ફિલ્મ  (નામ નથી યાદ આવતુંં)  એમાં ફિલ્માવેલા ગીતમાં આવતી લાવાથી બનેલી ગુફાને હાંસીપાત્ર ઠેરવે એવી અદભૂત ગુફા તો જોવા કાયાકમાં જવું પડે.


 મ્યુઝિકને ડાન્સ  ... કુકીંગ ક્લાસમાં વિયેતનામી વાનગી શીખવાનીદરિયામાં ધીંગામસ્તી ને એક ટાપુ પર હાઇકીંગ કરીને ઉપરથી આખા વ્યૂને માણવાનું ભગીરથ કામ પણ બાકી હતું   . આ બધું ચોવીસ કલાકમાં પતાવવાનું હતું ને સુપર લક્ઝુરિયસ ક્રુઝમાં ઉપર આસમાન ને સામે ફેલાયેલા અફાટ દરિયાની મોજ  જાકુઝીમાં સ્નાન કરતાં કરતાં માણવાની હતી. શું કરવું શું ન કરવું ? એક દિવસમાં આ બધું જ ? ને હા, ડિનર ટાઈમે લાઈવ મ્યુઝિક  પણ બાકી  ...
અમારો મત તો છે કે બે દિવસ તો જરૂરી છે  આ માટે . પણ જેવો સમય ને જેવું બજેટ  .
અમારી શિપના  કેપ્ટને જણાવ્યું તે પ્રમાણે કુલ 1969 નાનામોટા ટાપુઓ આ હાલોન્ગ બેમાં છે. એમાં કેટલાક જ ટુરિસ્ટ માટે ખુલ્લા છે બાકી પર વસ્તી છે સ્થાનિકોની ને અમુક તો માત્ર ને માત્ર વિવિધ જાતિના વાંદરા , હરણ , પોપટ , અને અનેકવિધ પક્ષીઓ માટે જ છે. 
આ આખો વિસ્તાર UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે આરક્ષિત છે. 
છેલ્લાં થોડા વર્ષોથી જ વિયેતનામે આ વિસ્તારને ટુરિસ્ટ માટે આકર્ષણ તરીકે ખુલ્લો મુક્યો છે.
 ટાપુઓ, ડુંગર અને દરિયો આ આખું વાતાવરણ જ જબરદસ્ત છે. એને વર્ણવા માટે શબ્દ કરતાં ફોટોગ્રાફ વધુ ન્યાય કરી શકે એમ છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen