ચાલો કાળો કોશી બોલાવે !!

એવું તો ભાગ્યે જ બને કે દિલ્હી ગયા હો ને ત્યાં તમામ આકર્ષણ જોવાનો મોકો મળે  . કારણ છે એક તો કામનું ભારણ ને બીજો દિલ્હીનો ટ્રાફિક  .
એ સમયે કોઈ માત્ર દિલ્હીફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવે તો કેવું લાગે?
અમે ગોઠવ્યો કારણ સાફ હતું  . જયારે જયારે દિલ્હી  જવાનું થયું છે ત્યારે એ વિઝીટ માત્ર એક કે બે દિવસની રહી છે. દિલ્હીમાં શું જોવાનું છે એવો પ્રશ્ન થાય તો લાલ કિલ્લા , હુમાયુનો મકબરો , કુતુબ  મિનાર કે નિઝામુદ્દીન પર ફુલસ્ટોપ ન મૂકી દેતાં  .

દિલ્હી હવે ચારે કોર એવું તો વિકસી ચૂક્યું છે કે દરેક દિશાના કોઈકને કોઈક ખૂણે આકર્ષણ તમારી રાહ જોતું હોય એમ પણ બને.

આજે વાત કરવી છે દિલ્હીની પાસે વિકસી ચૂકેલા ગુડગાઉંની , હવે ગુરુગ્રામ, આમ તો હરિયાણામાં ગણાય પણ દિલ્હીની કોખમાં બેઠેલું આ સબર્બ એક જમાનામાં અમીરોની પસંદગી નહોતું , છેલ્લાં દસ પંદર વર્ષથી જાયન્ટ બિલ્ડરોએ એને માયાપુરી બનાવી દીધું છે. જો કે પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ પણ હરિયાણામાં જ હતું ને !!
ગુરુગામના જૂનાને જાણીતાં મેનમેડ આકર્ષણોની વાત નથી કરવી , જેવા કે કિંગડમ ઓફ ડ્રીમઝ પણ આજે વાત કરવાની છે અતિશય કોરાણે મુકાઈ ગયેલી એક બર્ડ સેન્ચ્યુરીની  . નામ એનું સુલતાનપુર  . દિલ્હીથી લગભગ 50 કિલોમીટર ને ગુરુગ્રમથી માંડ દાસ બાર કી.મી દૂર આ બર્ડ સેન્ચ્યુરી પક્ષીપ્રેમીઓમાં જાણીતી છે પણ સામાન્ય લોકોની નજરથી ઓઝલ.

આ સુલતાનપુર કસ્બો તો જૂનો છે પણ જ્યાં સુધી મેટ્રો સાથે જોડવામાં નહોતું આવ્યું ત્યાં સુધી ખાસ નામ પણ જાણીતું નહોતું  . એટલે કદાચ આ સેન્ચ્યુરી બચી શકી છે. આમ તો છે ખાસ્સી જૂની , 1972માં બર્ડ રિઝર્વ તરીકે અસ્તિત્વમાં આવી ને 1989માં એને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવી. અભ્યારણ પણ કેવું ? 1.43 કી.મીના પરિઘમાં વિસ્તરેલું જેમાં 250થી વધુ જાતિના  પંખીઓ વિહરતા જોવા મળી શકે અને તેમાં પણ ખાસ કરીને શિયાળો એમની સીઝન હોય છે.

અમે પહોંચ્યા ત્યારે શિયાળાની અસર જણાવવી શરુ થઇ ચૂકી હતી પણ દિલ્હીની ખાસ કહેવાય એવી ચોસલા પડે તેવી ઠંડી જામી નહોતી  . એ ઠંડી શરુ થાય એટલે આગમનનો સમય થઇ દેશવિદેશથી ઉતરી આવતાં વિદેશી મહેમાનોનો  . સાઇબિરિયા , અફઘાનિસ્તાન , ટર્કી , રશિયા ને ઇસ્ટર્ન યુરોપથી આ પક્ષીઓના ધાડેધાડાં ઉતરી આવે.
અમે  પહોંચ્યા ત્યારે માત્ર સારસ, સાઇબેરીયન ક્રેનનું આગમન થઇ ચૂક્યું હતું બાકીનાની ફ્લાઇટ લેન્ડ થઈ નહોતી.


ચારે તરફ એક ખાસ જાતિના બાદશાહ ફરતા દેખાય તે હતા હુપુ , એક આફ્રિકન બર્ડ , જો કે હવે તો યુરોપ ને એશિયામાં પણ બધે જોવા મળે છે.  એના રંગ, ચાંચનો રંગ , માથે કલગી એને વિશિષ્ઠ બનાવે છે.
મૂળ આ માગાસ્કરનું પંખી એ દેશમાં જ ગાયબ થઇ ગયું છે પણ આપણે ત્યાં હજી ઘણી જગ્યાએ જોવા મળે છે.
શિયાળો હોય ઉનાળો કે ચોમાસુ , માઈગ્રેટરી બર્ડ્સને બાદ કરતા પણ વર્ષના બારે માસ પંખીઓ તો જોવા મળે છે જ તેનું કારણ છે પૂરતા પ્રમાણમાં પાણી  . લગભગ મોટાભાગના અભ્યારણમાં ઉનાળો ભારે દુષ્કર હોય છે. પાણીના સ્ત્રોત લગભગ સુકાઈ ગયા હોય , હોય તે પણ નહિવત એને કારણે આ મૂંગા જીવોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે પણ સુલતાનપુર અભયારણ્યમાં પાણીના અનેક સરોવર છે , એટલે વરસાદ પછી પાણીનો પુરવઠો પૂરતો હોય ને બાકી હોય તેમ હવે યમુનાનું પાણી વળાવાયું  છે જેથી બારેમાસ પાણી રહે.
એટલે સ્વાભાવિક છે પંખીઓનો અડ્ડો બારેમાસ રહે.

અહીં આવતા મહેમાનો ને કાયમી નાગરિકોના નામ જોઈને છક્ક થઇ જવાય  . 250 જાતિના પંખીઓનો મેળો જેવી તેવી વાત છે ? અલબત્ત, થોડા જંગલી જાનવરો પણ ખરા પણ પ્રમાણ નહિવત.
એક નજર આ મહેમાનો અને યજમાનો પર.
સ્થળાંતર કરીને આવનાર સારસ , ફ્લેમિંગો અને અન્ય થોડા પંખીઓ જેવા કે એગ્રેટ પેલીકન પેઇન્ટેડ સ્ટોર્ક વિષે તો આપણે ઘણા પિક્ચર્સ જોયા હશે પણ  અહીં વસતા સ્થાનિક પંખીઓ પણ જરાય ઉતરતાં નહીં  .
આ બધાના ગુજરાતી નામ શોધવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો ને એમાં જો કોઈ ભૂલ થાય તો માફ.
જેને આપણે વિદેશી મણિ લઈએ છીએ એ મોટાભાગના રૂપકડા પંખી ભારતીય છે. જેમકે spoonbill , ગુજરાતી નામ ચમચો , ચપટી ચાંચવાળો બગલો , કીલીચીયો એટલે કે little egret ,ગાજહંસ Grey leg Goose , ચીંગ બટર Rain Quail , જાંબલી શક્કરખોરો Purple Sunbird , જળકૂકડી Moorhen , ઢોંક ચાંચ કલકલિયો stroke billed Kingfisher , કાળો જળ કાગડો Indian Cormorant , પોપટ, બતક , દિવાળી ઘોડો White Wagtail , મુનિયા ,પીળક જેટલા ધ્યાનમાં રહ્યા ને જોવા મળ્યા એટલા નામ લખ્યા છે બાકી કુદરતે ખુલ્લે હાથે માહેર કરી હોય ત્યાં આ ભોળાં જીવ ન હોય એમ કેમ બને ?

વનરાજી ગીચ નથી પણ મનને ગમે તેવી છે, જ્યાં જુઓ ત્યાં સરોવર આ નેશનલ પાર્કની ખૂબી છે. ચાર વૉચ ટાવર પણ છે. એક પર ચઢીને અમે પાર્કનું નિરીક્ષણ કર્યું  . માઈલો સુધી કુદરતની કૃપા દેખાઈ  . ડો સલીમઅલીની ઘણી શોધમાં આ પાર્ક નિમિત્ત બન્યો છે તેમ મનાય છે. 



જો વિઝીટ કરવી હોય તો શ્રેષ્ઠ સમય છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી   .

એન્ટ્રી ફી છે ભારતીય માટે રૂપિયા 5 ને વિદેશી માટે રૂ 40 , કેમેરા લઇ જવો હોય તો રૂ 10 ને વિડીયો કેમેરા હોય તો રૂ 500. 
સમય : સવારના 6 થી સાંજે 4.30



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen