આમેર: સોનાર કિલ્લો

જયપુર જવાનું હોય ને ત્યાં આમેર ફોર્ટની મુલાકાત ન લેવાય તો શું થાય ? હીરો ઘોઘે જઈ આવ્યો એવો ઘાટ અમારે નહોતો કરવો એટલે આમેરની મુલાકાત  માટે જે થાય તે કરવા તૈયારી હતી. 
જયપુર લગ્નમાં મ્હાલવા તો જવાનું નહોતું  . કોન્ફરન્સ ને ઉતારો હતા  જયપુરથી 45 કિલોમીટર દૂર આવેલી હોટેલમાં  . આમેર કિલ્લાની મુલાકાતમાં હતા ગણતરીના કલાક, ગણીને કહેવું હોય તો ત્રણ કલાક  .એ મોકો ઝડપી લીધો થોડા કચવાટ સાથે, કચવાટ શેનો એ વાત છેલ્લે  .
જો કોઈને જોધા અકબર ફિલ્મમાંના થોડા સીન્સ યાદ હોય કે પછી બાજીરાવ મસ્તાનીમાં મસ્તાની બાજીરાવને પાનબીડું આપવા આવે છે , નૃત્યના સીન. એ બધા આમેરમાં ફિલ્માવેલા છે તેની પ્રતીતિ પ્રવેશ સાથે થઇ જાય.
પિન્ક સિટીના જાજરમાન અસ્તિત્વ સાથે મેળ ખાતો બાહુબલી કિલ્લો ને એની બજાર પણ. જયપુર શહેરથી 11 કિલોમીટર દૂર આ કિલ્લામાં જવા પૂર્વે વટાવ્યું ઝવેરી બજાર. આમેરની મુલાકાત ચૂકી ન જવાય એટલે તો સવારની 5.25ની ફ્લાઇટ પકડી હતી  . ઘરેથી નીકળવાનું હતું 3.30 એટલે રાત્રે મટકું પણ નહોતું માર્યું  . આમેર જવા નીકળ્યા ત્યારે વચ્ચે આ ઝવેરી બજાર આવ્યું ત્યારે એક ઝોકું આવી ગયું હતું  . ગુમાવવાનું કશું નહોતું કારણકે સવારનો સુમાર હતો , આઠ વાગી રહ્યા હતા. એક પણ દુકાન અગિયાર પહેલા ખુલે નહીં એટલે લાઈનબંધ બંધ દુકાનોને જોઈને જ અટકળ લગાવી લેવી પડી કે સાચે હ ઠાઠબંધ બજાર હતું  . શક્ય છે દેશભરમાંથી જડાઉ ને પાચીકામના દાગીના ખરીદવાવાળા લાલાઓ અહીં ઉતરી પડતા હશે. 
બજારમાં રખડવાનો મોકો તો મળ્યો પણ આમેર કિલ્લાએ જલસો કરાવી દીધો  . આમ પણ અમારા જેવા ઇતિહાસપ્રેમીઓ માટે તો ટ્રીટ કહી શકાય એવો. હિન્દૂ અને મુસ્લિમ સ્થાપત્યના સંગમ જેવો  .
આમેર ફોર્ટ છે ઊંચા પર્વતો પર બનેલો, દૂરથી આવકાર આપતો હોય તેમ ચીનની ગ્રેટ વોલની લઘુ આવૃત્તિ જેવી ચઢતી ઉતરતી દિવાલો દૂરથી નજરે ચઢે. આ કિલ્લાનું નામ પડે એટલે અકબરના નવ રત્નોમાં એક લેખાતાં રાજા માનસિંહ યાદ આવે. આમેરમાંથી શાસન ચલાવનાર પ્રથમ રાજવી પણ આ કિલ્લો બનાવનાર તો હતા, મીણા કોમ. આજે અંગ્રેજી પ્રભાવને કારણે સહુ એમને મીના મીના કરે છે તે કોમ. કચવાહ કે પછી કુછવાહ સમયમાં આ આમેરનું અસ્તિત્વ હતું પણ એક નાના મહેલ જેવું. એમાં રાજા જયસિંહે વર્ષો સુધી રાજ કર્યું. મીણાઓએ આ મહેલ બનાવ્યો હતો રાણી ગટ્ટાદેવી માટે  . જેનું નામ સુધ્ધાં ઇતિહાસમાં નથી જડતું . એ પછી હાલમાં છે હાલમાં છે તે કિલ્લો અસ્તિત્વમાં આવ્યો, મૂળ મહેલની આસપાસ  . કુછવાહ રાજા માનસિંહે નિર્માણ કરાવ્યો હતો. ત્યારે આજે જે જોવા મળે છે તે બધી ઓર્નામેન્ટલ સ્ટાઇલ ડેકોરેશન શૈલી ઉમેરાઈ  . એ સમયે આમેર રાજધાની હતી. પાછળથી જયપુર વિકસ્યું ને અમેરનું મહત્વ ઘટ્યું  .

હા, એટલું તો નિશ્ચિત  છે કે માનસિંહે એને એક  અનોખી ગરિમા બક્ષી  . જેને કારણે આજે પણ વિદેશી ટૂરિસ્ટ્સના વિશ  લિસ્ટમાં એ મોખરે હોય છે.  એના કેટલાંક ઠોસ કારણ હોય શકે. એક તો અકબરના રાઈટ હેન્ડ હોવાથી આવકની કોઈ કમી ન હોય શકે બીજું હાથ છુટ્ટો હોય એટલે હિન્દૂ ને મુસ્લિમ કારીગરોને મોકલું મેદાન આપી શકાયું હશે. આમ તો આમેર કિલ્લો હિન્દૂ સ્થાપત્યકલાનું પ્રતીક છે જ્યાં જુઓ ત્યાં કોતરણીવાળા દરવાજા , શાખ , કમાન, ઝરુખા ને તળાવ છે ત્યાં મુસ્લિમ કારીગીરી પણ છલકે છે. એ કલાત્મક માહોલ દીવાલો પર અંકિત થયેલો છે।  લાલ પથ્થરને આરસની દીવાલો સાથેનું આંગણ , દીવાને આમ દીવાને ખાસ શીશ મહેલ અને જય મંદિર , એ ઈન્ડો અરેબિક, સાર્સેનિયન સ્ટાઇલ છે. કદાચ આ જ કારણે આમેર કિલ્લા જેવો ઓછો અને એક મહેલ જેવો વધુ લાગે છે. કિલ્લાના પ્રવેશદ્વાર પાસે જ ગણેશદ્વાર પાસે એક મંદિર છે. ગાઈડના કહેવા પ્રમાણે એ મા કાલીનું મંદિર છે. એવું મનાય છે કે ત્યાં ઈચ્છા પ્રગટ કરનારની ઈચ્છા ફાળે પણ છે. આ લોકવાયકા હોય શકે , ઇતિહાસમાં આ મંદિરમાં સ્થાપિત દેવી છે સિલા , ચૈતન્ય પંથના દેવી , એ કાલી હોય શકે , કારણ કે આ મંદિર રાજા માનસિંહે 1604માં બંગાળમાં જૈસોર પર જીત મેળવેલી ત્યારે પોતે નિર્માણ કરાવ્યું હતું. (જૈસોર તમને ઇન્ડિયાના નકશામાં નહીં દેખાય , એ હવે બાંગ્લાદેશનો ભાગ છે)
એક સૌથી આરામપ્રદ છે સુખ નિવાસ , જ્યાં હંમેશા ઠંડી હવાની લહેરખી ઘૂમતી રહે છે. અમારો ગાઈડ ઝીણું કાંતવાનો આગ્રહી લાગ્યો  . સુખનિવાસ પેલેસમાં નાના નાના પેસેજ છે. ગાઈડે અમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરતા જણાવ્યું કે રાજા માનસિંહ ને 12 રાણીઓ હતી. (અમે એકવાર બીલીવ ઈટ ઓર નોટમાં વાંચ્યું તે પ્રમાણે માનસિંહને 1500 રાણીઓ ને 4000 સંતાનો હતા ) એ જે હોય તે પણ ગાઈડે કહ્યું તે પ્રમાણે આ નાના સાંકડા પેસેજ માત્ર રાજા જ ઉપયોગ કરતાં , શા માટે ? તો એ કારણ હતું કે અન્ય રાણીઓ જાણી ન શકે કે રાજાજી આજે કયા રાણીજી સાથે છે. વાત તો સામાન્ય લાગી પણ એટલું તો સાચું કે રાજા હોય કે રંક ડરવું તો પડે જ બોસ, પત્નીથી ડરવું પડે.

અકબરના સમયથી શરુ થયેલા પોર્ટુગીઝ પગપેસારાનો પ્રભાવ કેવોક પડ્યો હોવો જોઈએ એ દેખાય છે આ હમામ અને લેટ્રીન થી. હમામ મધ્ય એશિયાનો કન્સેપટ છે જયારે લેટ્રીન પશ્ચિમનો.



એક વાત તો માનવી જ પડે કે આ કિલ્લો જોઈને દિલ બાગ બાગ  થઇ જાય. હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી દ્વારા થયેલા સર્વે પ્રમાણે લગભગ રોજ 5000થી વધુ ટુરિસ્ટ આ આમેર ફોર્ટ જોવા આવે છે. 2013માં થયેલી 37મી  હેરિટેજ મીટિંગમાં રાજસ્થાનના જે પાંચ કિલ્લાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું તેમાં આમેર શામેલ છે. જયગઢ કિલ્લા સાથે આ મહેલ એક જ કોમ્લેક્સ મનાય છે. જેમાં રહેલા ગુપ્ત માર્ગનો ઉપયોગ કટોકટીના સમયે રાજ પરિવારના સભ્યોને ઉગારવા સુરંગ વાતે બહાર કાઢવાનો હોય છે. આમેર કિલ્લાનો આ ગુપ્ત રસ્તો જયગઢ કિલ્લાની રાંગ  સુધી જાય છે, જે મહેલથી જોજનો દૂર પહાડી પર ચઢે ઉતરે છે , પણ અમારા ઉત્સાહી ગાઈડના કહેવા પ્રમાણે આ સુરંગ દ્વારકા ગુજરાત જાય છે. લો બોલો , જયપુર મુંબઈ ફલાઇટ બે કલાકની હોય તો પગપાળા સુરંગમાં ચાલતા જવા કેટલો સમય લાગે એ આપણે વિચારી લેવાનું  .
આમેરનું નામકરણ થયું હતું મા અંબાના નામ પર. જેઓ મીણાઓની કુળદેવી પણ લેખાય છે. 
સૌથી મોટું આકર્ષણ છે શીશ મહેલ , જે અકબરનું જઈને માનસિંહે બનાવડાવ્યો હશે એમ માનવું વ્યવહારુ લાગે છે. આમેરની ઝલક નીચે તળાવમાં પડે છે ( એક ચોક્કસ એન્ગલથી ) બેહદ સુંદર લાગે છે.
સૌથી ઇન્ટરેસ્ટિંગ છે ઉપર જવાનો રસ્તો  . તમને એક દિવસના રાજા બનાવી દે, હાથી પર લાલ કિનખાબ ને સોનેરી અંબાડી ને મોટાભાગના ગોરાં ટુરિસ્ટો જ અગાઉથી બુક કરી લે છે  . બીજો રસ્તો છે ત્યાંથી જીપ ઉપર સુધી જય શકે છે. 
એક સમયે મહેલમાં થયેલું ચિત્રકામ એમાં સાચા સોનાને પીગાળી સોનેરી  રંગ બનાવીને પૂરાયો  છે. હવે એવું એકમાત્ર ફૂલ બચ્યું છે બાકીના ફૂલમાંથી સોનું ગાયબ છે. 
પણ જે હોય તે આમેર આમેર છે ,  રાજસ્થાનના ઘણાં કિલ્લાઓ પૈકી એક , બિલકુલ અનોખો , જાજરમાન  ...એક દીર્ઘકાલીન યુવાન માનુની જેવો  . એ જુઓ તો જ સમજાય  .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen