હાલ ને જાઈયે ગામડે




એક જમાનો હતો , ગુજરાતી ફિલ્મો એટલે ભાભુ ઢોર ચારતાં જેવી ફિલ્મો  .  ચોયણી ને કળીબંધ ચુડીદાર , માથે સાફો , રંગરસિયા કલરફુલ પાઘ પહેરે , બસ એટલો જ ફેર. ગામડાની ગોરી એટલે ઘમ્મરિયાળો ઘાઘરો , લાલ બાંધણી , લહેરિયા , એમાં પણ માથે ઓઢ્યું હોય , હાથમાં બલોયા , ગાળામાં હાંસડી ,  પગમાં કડલાં  , માથે બેડું  ... 

હવે એ યુગ ફિલ્મોમાંથી પણ ગયો તો રિયલ લાઈફની તો શું વાત કરવી ?

 પણ જો, એક દિવસ એ વાતાવરણમાં રહેવાની મોજનો વિકલ્પ મળે તો ?

ગુજરાતમાં હોય તો જાણ નથી પણ દિલ્હી પાસે એ વિકલ્પ મળે. અલબત્ત, વાસ્તવિક તો નહીં પણ વાસ્તવિકતાની એકદમ નજીક.

દિલ્હીની અમારી ટ્રીપનું સ્ટાર અટ્રેક્શન જ હતું આ પ્રતાપગઢ ફાર્મ  . હોલીડે એટલે મોલ, મલ્ટીપ્લેક્સમાં મૂવી કે પછી પબ હૉપિંગ નહીં. ગામડાનો અનુભવ અને એની મઝા માત્ર એક દિવસ માટે  .

જઝ્ઝર  રેલવે સ્ટેશન નજીક આવેલું પ્રતાપગઢ ફાર્મ છે તો  હરિયાણામાં , પણ દિલ્હીથી માત્ર બે કલાક દૂર. એક એવી જગ્યા , જે પ્રકૃતિની  મનોહર સુંદરતાને પ્રાકૃતિક દ્રષ્ટિથી સુંદર બનાવે છે,  દિલ્હીવાસી માટે સૌથી  નજીકના પિકનીકના સ્થળમાનું એક. જે આમ તો એક વિશાળ રિસોર્ટ છે , તે પણ ઈકો ફ્રેન્ડલી  . 
 ભારતના ગ્રામીણ સંસ્કૃતિ , જનજીવનની આબેહૂબ પ્રતિકૃતિ  .  ગાય, ભેંસ, ઘેંટા , ઊંટ, બતક ,એમુ  જેવા પ્રાણી ને પક્ષી બાળકોને અનુભવ અને સમજ આપે છે તો મોટાઓ માટે જબરું એમ્યુઝમેન્ટ  .


જોવાની ખૂબી તો એ છે કે જયારે આવા કોઈ રિસોર્ટમાં જઇયે ત્યારે ખ્યાલ આવે કે આપણે કુદરતથી , વ્યાયામભરી જિંદગીથી કેટલા જોજનો દૂર છીએ. શિનચેન  ને પોકીમોન સાથે ઉછરેલી પ્રજા  આશ્ચર્ય અને તેમના માતાપિતાને ગ્રામીણ ભારતમાં જીવન વિશે પૂછે છે, પણ માબાપ પણ શું કરે ? એમને ય આ વિષે ભાગ્યે જ માહિતી હોય છે.  વાત કોઈ અલગ નથી. ખેતી, ગ્રામ્ય જીવન , તંદુરસ્તીભરી , વ્યાયામયુક્ત જિંદગી તો આપણે સાપને સપનામાં પણ જોઈ નથી. 

 પ્રતાપગઢ ફાર્મ્સનો હેતુ તે જ અનુભવ ટુરિસ્ટ સહેલાણીઓને ગ્રામ્ય રહેણીકરણીનો આસ્વાદ કરાવવાનો છે. એટલે જ અમે, પ્રતાપગઢ  ફાર્મની મોજ મનવા દિલ્હી ટ્રીપ પ્લાન કરી હતી. પગમાં રોલર સ્કેટ્સ પહેર્યાં હોય તેમ દર મહિને અલગારી રખડપટ્ટી કરનાર અમારા ટ્રાવેલર ફ્રેન્ડ સુનિલ ને નીલા  મહેતા વિષે અગાઉ લખી ગઈ છું. એ બે સિવાય પ્રતાપગઢ ફાર્મ અમારે માટે નવું હતું  .



દેશના ગ્રામ્યજીવનથી  પ્રેરિત રીતરિવાજો ખાણીપીણી  અને મનોરંજન પ્રવૃત્તિઓ અમારી રાહ જોતી હતી. 

ભારતની 60 ટકા વસ્તી જે રોજગાર પર નભે છે એ  પ્રવૃત્તિઓ પહેલી નજરે ભલે મનોરંજક લાગે પણ એક દિવસમાં જ  સમજાય કે ખેડૂતનને જગતનો તાત કેમ કહેવાય છે. 
માત્ર કૃષિ જ નહીં , એ સાથે જોડાયેલી આજીવિકાની પ્રવૃત્તિ જ કેટલી મહેનત માંગી લે છે.  ખેતીનું , પર્યાવરણનું અને જનજીવનનું મહત્વ જાણી શકે એટલે દિલ્હીની ઘણી સ્કૂલ બાળકો માટે વન ડે પિકનિક આયોજન કરે છે. 

અમારી સફર શરુ થઇ સવારના બ્રેકફાસ્ટથી રોટલા , એની પર તાજું કાઢેલું દેશી માખણ ,તળેલાં મરચાં ને આચાર સાથે  . દેશી રજવાડી ચા , ભજીયા ને છાશ અનલિમિટેડ  . પેટ ફાટી જાય ને મન તર થઇ જાય ત્યાં સુધી ખાઓ ને પીઓ  . 

પછી વારો આવ્યો રોજિંદી પ્રવૃત્તિ જે ગામમાં સ્વાભાવિક હોય છે પણ શહેરવાસી માટે એકદમ નવો અનુભવ . ઊંટ સવારી , બેલગાડી સવારી, ટ્રેકટર સવારી તો હજી સમજ્યા પણ દરણાં દળવાનો અનુભવ , ફોટા પડાવવા પૂરતો સારો લાગે પણ દોઢ મિનિટમાં કમર ઝલાઈ જાય. 
એવો જ અનુભવ માખણ વલોવવાનો, પાણી ભરવાનો , રેંટિયો કાંતવાનું ઘણું અઘરું નથી , ચપ્પા ચપ્પા ચરખા ચલે જેવું પણ વધુ મસ્તી નહીં ને વધુ મજા પણ નહીં  . એમાં સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ હતું રાઇફલ શૂટિંગ  . નિશાનેબાજ હોવું એટલું મુશ્કેલ પણ નથી.
હળ ચલાવવું , વાવણી , લણણી ને જેનું પ્રવૃત્તિનું નામ પણ નથી એવી બધી ખેતી વિષયક પ્રવૃત્તિમાં જલસો કરીને થાક્યા હો તો 



અનલિમિટેડ ફૂડ  રાહ જતું હોય. પંજાબી, ચાઈનીઝ, પાવભાજીથી લઇ થોડું ફાસ્ટ ફૂડ , અલબત્ત આપણે દિલ્હી પંજાબમાં હોઈએ તો બીજું કંઈ ખવાય ? જલસો પડે સરસોં દા સાગ ને મક્કા દી રોટી , મિર્ચી ને આચાર સાથે  . ડિઝર્ટમાં જલેબી , દૂધમાં બોળીને ખાવાની  .  શેરડી ,મોળાં મૂળાં ખાવાની મોજ તો એટલી પડી હતી કે લાગ્યું કે રાત્રે નક્કી તબિયત બગડી જશે. 




ગામના વાતાવરણમાં ડિસ્કનું આકર્ષણ પણ યુવાપેઢીને આકર્ષવા રખાયું હોય એમ લાગ્યું  . એમાં પ્લે થઇ રહ્યા હતા માત્ર ને માત્ર પંજાબી પૉપ સોંગ્સ , એની પાર ઝૂમી રહેલા સ્કૂલના ભૂલકા ને ટીન એજર્સ  , એ પણ જોવાનો લ્હાવો છે. વાતાવરણમાં ઉર્જા જ ઉર્જા  .

મ્યુઝિક, ડાન્સ, ફન, એન્ટરટેઇનમેન્ટ , એન્ટરટેઇન્મેન્ટ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ   ..... 

એક વણમાગી સલાહ , ક્યારેય પણ દિલ્હી જવાનું થાય તો આ જલસો કરવાનો ચુકતા નહીં  .

 મોહક હોલીડે ગામ પર એક અનન્ય  જલસાનો અનુભવ વર્ષોવર્ષ જીવંત રહેશે એ નક્કી  - ચારેબાજુ હરિયાળી , શિયાળાની છડી પોકારતું ધુમ્મસ , ગારાના ભૂંગા , ઝૂંપડી અને, શાંત તળાવ  , વર્ષો સુધી નહીં ભુલાય   .....


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen