ટ્રીપ વંડરલેન્ડની

ટર્કી : એશિયા યુરોપને જોડતી કડી 


થોડાં સમય પહેલાં મિત્રે મોકલેલી ચેઈન મેઈલમાં દુનિયાની મોસ્ટ ફેસિનેટીંગ લેખાતાં ખૂબસૂરત લોકેશનના ફોટોગ્રાફ્સ હતા. જેમાં નોર્થ પોલ પર થતી અદભૂત કુદરતી પ્રકાશવર્ષાથી લઇ નોર્વેના મધ્યરાત્રીએ પ્રકાશમાન સૂર્ય શામેલ હતા. એક ધ્યાન ખેંચે એવું પિક્ચર હતું રૂની અટારીઓ હોય તેવી હારમાળાનું.એ ફોટોગ્રાફ ન જોયો હોય તો એની કરામત સમજાવી મુશ્કેલ છે.
પર્વત પર ઉતરતાં ઢાળ પર છીછરી રકાબી જેવી અટારીઓ, તે પણ જાણે કે બરફથી કવર થઇ હોય તેમ અને એમાં ભરાયેલું છલોછલ નીલરંગી પાણી જાણે આકાશના ટુકડાં ચોસલાં પાડી ગોઠવ્યાં હોય તેમ જ.
આ અદભૂત ચિત્ર નીચે ઉલ્લેખાયેલી વિગત હતી માત્ર એક લીટીની.

એક ફોટોગ્રાફ જોઇને ત્યાં એક વાર જવું એવો વિચાર આવેલો પણ એવો બળવત્તર નહીં કે તરત પ્લાનિંગ શરુ કરવું, બલકે એવો વિચાર ખરો કે વિશલીસ્ટમાં આ પ્લેસ પણ ટોપ બાદાન પર મૂકવા યોગ્ય ખરી. ત્યારે લગીરે ખ્યાલ નહીં કે આ પ્લાન આટલો જલ્દી એકશનમાં આવી જશે , એટલે જ જયારે ટર્કીની ટુર પ્લાન કરતી હતી ત્યારે ઇસ્તંબુલ સાથે કોટન કાસલ યાદ આવ્યું પણ એનું મૂળ નામ શું એ તો વિસરાઈ ચૂકેલું. સ્મરણમાં હતી માત્ર સ્ક્રીન પર જોયેલી ઈમેજ.પણ, આપણો શાહરુખ ખાન  કહે છે ને કે : કહેતે હૈ અગર કિસી ચીજ કો અગર દિલ સે ચાહો તો સારી કાયનાત તુમ્હેં ઉસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.... એવું જ  થયું,ટર્કીની બ્રીફ આઈટેનરીમાં કોટન કાસલ દર્શન આપવા હોય તેમ ડોકાયાં . અલબત્ત, ટર્કીમા આ ઉપરાંત ઘણાં બધાં ટુરિસ્ટ અટ્રેકશન છે જ પણ મારે માટે એ સૌથી મોટી હાઈલાઈટ હતું એટલે સૌથી પહેલી વાત આ પામુક્કાલે એટલે કે રૂનાં કિલ્લાની.
ટર્કી મુસ્લિમ રાષ્ટ્ર ખરું પણ સામાન્યપણે મુસ્લિમ દેશોમાં પ્રવર્તતી બંધિયાર રીતિથી મુક્ત લાગ્યું. જો કે આ વાત થોડા સમય પૂર્વેની છે , જયારે  આર્દોગાને તઘલખી શરુ નહોતી કરી. હવે પરિસ્થિતિ થોડી સાંભળવા જેવી છે. અમે પહોંચ્યા ત્યારે મહિનો ચાલે રમઝાન, છતાં એવી કોઈ સમસ્યા ન નડી પણ સમસ્યા જેવું કોઈ પરિબળ હોય તો તે હતી ગરમી.38 ડિગ્રી સેન્ટીગ્રેડ .
અહીં ટર્કીની વાત છે એટલે ઇસ્તંબુલના નામ સિવાય આગળ ન વધી શકાય  . ઈસ્ટ ને વેસ્ટનો સમન્વય અહીં થાય છે. વિશ્વનું કદાચ આ એક માત્ર શહેર છે જેનો અડધો ભાગ એશિયામાં છે ને અડધો યુરોપમાં, વચ્ચે છે બોસ્ફોરસ બ્રિજ  . તમે યુરોપ અને એશિયા વચ્ચે લટાર મારી શકે , બસ આ પુલ પર એક તરફથી બીજે જવાનું , છે ને ઇન્ટરેસ્ટિંગ ?

ઇસ્તંબુલ એક સાંસ્કૃતિક , જગવિખ્યાત શહેર છે. ઇતિહાસને શ્વસતું  .ઈસ્તાંબુલમાં જોવા જેવા ઘણાં સ્મારકો છે. જે બાઇઝેન્ટાઇન સમ્રાટ જસ્ટિનિયન દ્વારા નિર્માણ થયા હતા. અપ્રતિમ કહેવાય એવા 537 ચર્ચ હતા. 1453માં જે તમામ મસ્જિદમાં ફેરવી નાખ્યા, કહેવાની જરૂર નથી કે કરનાર આક્રમણકારી હતો એક મુસ્લિમ મહેમત  . એ પછી ધર્મપરિવર્તનનો દોર ચાલ્યો ને હવે ત્યાં થોડા ઘણા ચર્ચ છે ખરા પણ મ્યુઝિયમમ બનીને રહી ગયા છે.
 વિશ્વના જૂના શહેરોની યાદ કરવી હોય ત્યારે વારાણસી , જેરુસલેમ સાથે ઇસ્તંબુલ પણ યાદ આવે. ક્લચર , ઇતિહાસ, શું જુઓ શું યાદ રાખો એવું લાગે કે જયારે પણ ઇસ્તન્બુલ ની વાત એટલે માંડીને નથી કરી કારણ કે એ વિશેની માહિતી લગભગ બધાને હોય પણ છે અને સહેલાઈથી પ્રાપ્ય પણ છે. આજે વાત કરવી છે માત્ર બે અજાયબી લેખાય એવા ડેસ્ટિનેશનની. એક  પામક્કુલે ને બીજું છે કાપાડોકિયા  .
પામુકકાલે જવવા માટે અમારે ઈસ્તંબુલથી દોઢ કલાકની ફ્લાઈટ લઇ પહોંચવાનું હતું ડેનીઝ્લી, એરપોર્ટ પરથી પામુક્કાલે જવા માટે મીની બસ, પ્રાઇવેટ કાર , શટલ હોય છે. જો એડવાન્સમાં ટ્રાવેલ અરેન્જમેન્ટ ન થઇ શકી હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિકલ્પ એટલે પ્રાઇવેટ ધોરણે ચાલતી શટલ બસ પણ ખરી.
ડેનીઝ્લી એરપોર્ટ એકદમ નાનું છે.ચારે બાજુ ડુંગરાળ પ્રદેશ અને વહેલી સવારની કડક માદક ઠંડક, તમને લાગે કે લદાખપ્રદેશમાં ફરી રહ્યા છો. એરપોર્ટ પર આમ તો રોજ ત્રણ એર લાઇન્સ એક એક ફ્લાઈટ જ ઓપરેટ કરે છે તે પણ માત્ર સવારે, એ ટ્રાફિક પતી જાય તો એરપોર્ટની બહાર તમને ઉડતી ચકલીઓ સિવાય કોઈ જીવંત ચીજ જોવા ન મળે.
અમારી ફ્લાઈટ સવારે લેન્ડ થઇ. અમે ધાર્યું હતું કે લેન્ડ અરેન્જ્મેન્ટ યોગ્યપણે થઇ જ હશે.એટલે સવારના સાડા આઠ નવ સુધીમાં તો ટેરેસ લેક પર હિલ્લોળા લેતાં હોઈશું, પણ અમારી આશા પર ભીનું પોતું ફરી જતું હોય એમ અમને રીસીવ કરવા કોઈ આવ્યું હોય તેવું દેખાયું નહીં. બે પાંચ દસ પ્રાઇવેટ કારનાં પ્રવાસીઓ તો તરત ઈતરતીતર થઇ ગયા. બાકી રહ્યાં જે થોડા એ બધાં સ્થાનિક લાગતાં હતાં, તેમણે થોડે દૂર ઉભી રહેલી બસમાં પોતાની ગોઠવણ કરવા માંડી , જે કોઈ પ્રાઇવેટ ધોરણે ચાલતી વ્યવસ્થા હશે તેવી અટકળ થઇ શકતી હતી. અમારી લેન્ડ અરેન્જમેન્ટ કરનાર ટ્રાવેલ કંપનીના પ્રતિનિધિઓની કદાચ આંખો પણ ન ખુલી હશે અને અમે તેમને ફોન કરી કરી પરેશાન કરી મૂક્યા. અમને ડર હતો કે જો પેલી ખાનગી બસ રવાના થઇ ગઈ તો એરપોર્ટ પર એકલાં રહી જઈશું અમે અને પેલી ધીંગામસ્તી કરતી ઉડાઉડ કરતી ચકલીઓ ..... ફાઈનલી અમને કહેવામાં આવ્યું કે અમને રીસીવ કરવા આવનારી કાર બ્રેકડાઉન થઇ છે એટલે અમારે પેલી બસમાં બેસી પામુક્કલે પહોંચી જવું. આ પામાક્કુલે એ પેલી અફલાતૂન અટારીઓનું બેઝ સ્ટેશન, અને હા એકદમ નાનું ગામ પણ સહેલાણીથી ઉભરાતું છતાં માહોલ આપણાં મહાબળેશ્વર માથેરાન જેવો ઘોંઘાટીયો કે હતાશાજનક હરગીઝ નહી.મોટાભાગની હોટેલ હાઉસ સ્ટે જેવી અરેન્જમેન્ટ , બહુ સારી કહેવાય એવી હોટેલો એટલે ટુ સ્ટાર જેવી પણ એકદમ ચોખ્ખીચણાક નાની નાની બુટીક હોટેલની કેટેગરીમાં આવે તેવી .
ગમે એટલી પ્રબળ ઈચ્છા , રસ , રૂચિ હોય પણ કુદરત સામે માનવ શરીર કેવા હથિયાર નાખી દે તે પહેલીવાર અનુભવ્યું . સ્થાપત્ય , ભગ્ન અવશેષ ને ઐતિહાસિક કથાઓનો ખજાનો નજર સામે હતો, ઈ.સ પૂર્વે બીજી સદીમાં ધબકતું એક સ્થાપત્ય કળાવારસા જેવું  હેરાપોલીસ તેનાં ભગ્ન છતાં જાજરમાન વારસા સાથે સામે હતું પણ મૂર્છા આવી જાય તેવી ગરમી આ વૈભવને ઝાંખો કરી રહી હતી. અમને પહોંચી જવું હતું પેલા વોટરબોડી પાસે, ગરમી રીતસર દઝાડી રહી હતી , લાગતું હતું જાણે કોઈ ધગધગતાં ડામ દઈ રહ્યું હોય.એટલે જો પેલા ઝરાઓ સુધી પહોંચી જવાય તો ગંગા નાહ્યાં.


ત્યાંથી બાય કાર પેલી અટારીઓ પર પહોંચવાનું .જે ઘેરાયેલી છે સેકન્ડ સેન્ચ્યુરી બી સી માં વસેલાં નગરના અવશેષો વચ્ચે .કોટન કાસલ માટે બેસ્ટ સમય છે સવારનો કે પછી ઢળતી સાંજનો પણ અમે બીજાની ભૂલનો ભોગ બન્યા હતા છતાં કોઈ વિકલ્પ ન બચ્યો હોવાથી અમારે તો ભરબપોરે પેલી સ્વપ્ન અટારીની મુલાકાત લેવી પડી.ફોટોગ્રાફમાં જોયેલી , મનોમન કરેલી કલ્પનાનો રકાસ કેવો થઇ શકે એ અનુભવ અમે કર્યો . ભરબપોરે અમે પહોંચ્યા હિરીઓપોલીસ , એક ઐતિહાસિક નગરની મુલાકાતે,જેની મધ્યમાં આ કોટન કાસલ છે.સૂર્ય માથે અને તાપમાન 39 સેન્ટીગ્રેડ અને અમારે ચાલવાનું હતું માત્ર 40 મિનીટ, એ રસ્તો જતો હતો પેલા સ્વર્ગીય ઝરુખા સુધી .

લગભગ 35 મિનિટના વોક પછી દર્શન થયા અમારા ડ્રીમ ડેસ્ટીનેશનના દર્શન થયા. કમ્પ્યુટર સ્ક્રીન પર જોયું હતું તે જ દ્રશ્ય . ફર્ક માત્ર એટલો કે ડ્રીમ ડેસ્ટીનેશનની ફ્રેમ સ્ક્રીન પર ગાયબ હતી અને અહીં હાજર , જ્યાં જુઓ ત્યાં પીળી માટી , ચટ્ટાનનું સામ્રાજ્ય હતું ને અચાનક કોઈ પરમ કૃપાનું પિચ્છ ફરી વળ્યું હોય તેમ વચ્ચોવચ્ચ હરિયાળું આ ઓએસીસ .....
આજુબાજુ જ્યાં નજર પડે ત્યાં ગોરાં સહેલાણીઓની મનમોજી , રંગબેરંગી સ્વીમસૂટ ને અવનવી હેટ્સની ફેશન પરેડ ... થોડાં વળી કાફેમાં મળતી આઈસ કોલ્ડ લેમન , પીચ ટીની ચૂસકી લેતાં લેતાં જળક્રીડા કરી રહેલાં લોકોના આનંદમાં રાજી થતાં હોય તેમ બેઠાં હતા.
હવે વારો તો અમારો હતો.ઇંતઝારની ઘડી પૂરી થતી હતી. અમારી ગાઈડ મીરાએ સૂચના આપતા કહ્યું કે કોટન કાસલના આ ટેરેસીસમાં કોઈ પણ ઉતરી શકે પણ , ઉઘાડાં પગે, ચપ્પલ ઓર શૂઝ , કે કોઈ પણ પ્રકારનાં ફૂટવેર નોટ અલાવ્ડ . આ પાછળનું કારણ શું એ તો એ પોતે પણ નહોતી જાણતી પણ નિયમ એટલે નિયમ .. એ નિયમ કોઈ તોડે નહીં એ માટે થોડાં ગાર્ડઝ પણ તહેનાત હતાં . ખરેખર આપણે માટે આમાં કંઈ નવાઈ પામવા જેવું ન હતું પણ ફ્લોટર્સ કાઢી ધોમધખતાં તાપમાં ઉઘાડે પગે પગલું માંડ્યું કે ચિત્કાર સરી પડ્યો .. પથરાળ જમીન એવી તો તપી ગયેલી કે ચાર પગલાં ભરતાં જ છાલાં પડી ગયા.બાકી હતું તેમ આ રૂનાં ઢગ જેવો આભાસ કરાવતી અટારીઓ દૂરથી લાગે કે જાણે રૂ જેવી કોમળ, હિમ જેવી શીતળ હશે પણ એ તો કાચપેપર જેવી કકરી ધારદાર હતી. તેનું કારણ હતું પર્વતોમાંથી વહીને આવતું કેલ્શિયમ બાયકાર્બોનેટવાળું પાણી , જે હવામાં રહેલાં કાર્બન ડાયઓક્સાઇડ સાથે સંયોજાઈ ને કેલ્શિયમની હળવી પાતળી પરત આ રોક ફોર્મેશન પર જામી જતી હોવાથી તેની ધાર સોંસરવી ઉતરી જાય તેવી બ્લેડ જેવી હતી . ઉઘાડાં પગે જેમતેમ પાણી સુધી પહોંચવાનું અભિયાન સફળ થયું તો ખરું, અને પાનીનું પાણી સાથે મિલન, માત્ર આલ્હાદક જ નહીં એટલું યાદગાર છે કે આ લખતાં પણ પગની પાનીમાં હળવી ઝણઝણાટી વ્યાપી રહી છે .
પાણીમાં પગ શું બોળ્યાં , અનુભૂતિ જ બદલાઈ ગઈ.તાપને કારણે થઇ રહેલો અસહ્ય સંતાપ ગાયબ.મનમાં તો ઘણાં ડરે કબજો કરેલો, એક તો 39 ડિગ્રી ટેમ્પરેચર,બાકી હોય તેમ આ તો ગરમ પાણીના ઝરા એટલે બ્લડપ્રેશર વધી જાય તો ? તેની બદલે આ તો કૈંક જુદો જ જાદુ થયો. ઉપરથી વહી આવતાં ગરમ પાણીના ઝરા નીચે આવતાં સુધીમાં ગરમી ગુમાવી દે છે , વળી પાણીની બહાર હતા ત્યારે લાગતી ગરમ હવા પાણીમાં ભીંજાયેલા શરીરને ટાઢક આપતી રહી.

આ કોટન કાસલ વિષે ઉપલબ્ધ માહિતી પ્રમાણે આ પાણી ભારે આરોગ્યપ્રદ લેખાય છે જેમ કે આપણું ગણેશપુરી.
એ દાવાઓ પ્રમાણે તો આ પાણીથી અસ્થમા,વા, આંખના , ત્વચાના રોગ માટી જાય છે.અલબત્ત આ દાવો કેટલો સાચો છે એ તો કરવાવાળા જ જાણે કે પછી જેને એનાથી ફાયદો થયો હોય તે. જો કે આ તો વાત થઇ ઓપન એર , ઓપન ટુ ઓલ એવા સ્નાનાગારની પણ ત્યાં બીજી એક જગ્યા છે, સેક્રેડ પુલ, જે ક્લીઓપેટ્રાઝ પુલ તરીકે પણ ઓળખાય છે. લોકવાયકા પ્રમાણે સૌન્દર્યસામ્રાજ્ઞી ક્લીઓપેટ્રાની સુંદરતાનું રહસ્ય આ પુલના પાણીમાં છુપાયેલું હતું, એટલે કે ગધેડીનું દૂધ, મધ અને આ ઝરણું ....
હવે આજકાલ ત્યાં એક પ્રાઇવેટ કાફે છે અને કાફે આ પવિત્ર કુંડમાં , ક્લીઓપેટ્રાના પૂલ માટે માત્ર 30 ટર્કીશ લીરા ચાર્જ કરે છે.કરનારાં તો એવો દાવો પણ કરે છે કે આ પાણી પણ ચમત્કારી રીતે ઔષધિયુક્ત છે ને રોગમુક્તિ કરાવે છે , જેનાથી નહાવાથી કે તે પીવાથી શરીરની કાંતિ , તંદુરસ્તી વધી જાય છે. જો કે અમારી સેન્સીબલ ગાઈડે અમને ખાનગીમાં હસતાં હસતાં જણાવેલું કે ડોન્ટ યુ ડેર .... લોકો જ્યાં નહાતા હોય તો એ પાણી પીવાયોગ્ય કઈ રીતે હોય !! બાકીનું આપણે સમજી જવાનું . અલબત્ત સાચી વાત તો એ છે કે ક્લીઓપેટ્રાના હોજ તરીકે જાણીતાં આ પુલમાં ઇજિપ્તની સામ્રાજ્ઞીએ ક્યારેય પગ જ નથી મુક્યો એવું ઈતિહાસ કહે છે. શક્યતા એવી ખરી કે આજનું ટર્કી જુલિયસ સિઝરના રોમન એમ્પયારનો હિસ્સો હશે ત્યારે ક્લીઓપેટ્રા માટે કદાચ પાણી અહીંથી લઇ જવાતું હોય.... આવા તો ઘણાં દાવાઓ છે પણ હકીકતથી જોજનો દૂર લાગે તેવા ...
પણ ચાલે બધી અતિશયોક્તિ બેશક ચાલે .... આખરે દરેક ચીજ માર્કેટિંગ સ્કીલની મોહતાજ છે.
અને હા, શોપિંગ ફ્રીક લોકોને આ જગ્યામાં મુદ્દલે રસ ન પડે એવી તમામ શક્યતા ખરી પણ એનો પણ રસ્તો છે.
પામુક્કાલેની નજીક એક ગામ છે , બાબાડાગલિયાર ....
નામાંકિત ડીઝાઈનર્સ બુટિકમાં ચીરફાડ દામે મળતાં ઉંચી કવોલીટીના કોટન લીનન માટે આ મક્કા છે , જાણકારો કહે છે કે લંડન અને ઇટલીના નામાંકિત સ્ટોર્સ સુધી આ નાનકડું ગામ વેપાર કરી જાણે છે , તેની સિક્રેટ છે ટર્કીશ કોટન .બાબાડાગલીયર ટેક્સટાઈલ હબ લેખાય છે. વિશેષ કરીને ટર્કીશ ટોવેલથી લઇ ઈજિપ્શિયન કોટનની બરાબરી કરતાં હાઈ ક્વોલિટી બેડ સ્પ્રેડ, બેડશીટ , ટેબલ લીનન ,કર્ટન્સ માટે પ્રખ્યાત. એ માલની ગુણવત્તા માટે અને સહેલાણીઓ માટે ત્યાંના દુકાનદારો સૂચના પણ આપે છે કે ત્યાં શોપિંગ કરવા જનારે પત્નીને પોતાના જોખમે સાથે લઇ જવી , અન્યથા ગજવું ખાલી થઇ જવા માટે આ દુકાનદારો જવાબદાર રહેશે નહી,
કાપાડોકિયા :
જો તમને કોઈ કહે કે તમે ક્યારેય પરીઓના દેશમાં રહ્યા છો ? તો તમારો પ્રતિભાવ શું હોય શકે ?
પરીઓનો કોઈ દેશ હોતો હશે ? એ તો કાલ્પનિક હોય.
એ વાત તો સાચી પણ એ કાલ્પનિક દેશનું વર્ણન તો સહુ કોઈએ સાંભળ્યું હશે. ગીચ જંગલમાં કે પથરાળ પ્રદેશમાં નાના નાના બિલમાં  પરીબેન રહે. એના દોસ્તો બધા ઠીંગુજીઓ , એમની શંકુકાર ટોપી એમના કરતા પણ મોટી  .એ વળી પાછા ગુફાઓમાં રહે. એ વાર્તાના વિલન ઠીંગુઓની ગુફા પણ કેવી જાણે મધપૂડો કે પછી સાપનો રાફડો  જો આવું બધું બાળવાર્તામાં સાંભળ્યું હોય ને એ સીન નજર સામે હોય તો ? લાગે કે જાને આપણે છીએ પરીઓના દેશમાં  .
મનભાવન  પરીકથાના ચિત્રો ચિત્રકથામાંથી ઉખાડીને એને  એનાટોલીયન મેદાનો પર રિપ્લેસ કરી દીધા હોય એવો નઝારો  એટલે ટર્કીમાં આવેલું કાપાડોકિયા , કોઈક એને કાપડોસીયા નામે પણ સંબોધે છે , કલાત્મક પરીકથા , કલ્પનાત્મક વાર્તા ભૌગોલિક સ્વરૂપે હાજર છે એ પણ એક અનૂઠા ઇતિહાસ સાથે.

 પથ્થરયુગની શરૂઆતમાં માણસજાત ગુફામાં રહેતી હતી એ તો સર્વવિદિત છે. હવે આજના નેટ યુગમાં જંગલો જ નાશ પામી રહ્યા છે ત્યાં વળી ગુફાની શું વાત કરવી પણ છતાં ગુફામાં રહેવાનો અનુભવ કરવો હોય તો જવું પડે કાપાડોકિયા  .
આમ તો આ નાનકડું શહેર પથરાયેલું છે માત્ર 100 કિલોમીટરમાં , એમાં પણ દરેક જગ્યાએ આ જ્વાળામુખીએ સર્જેલી ગુફાઓ અને પેસેજ હોય જરૂરી નથી પરંતુ 1970 પછી આ ટુરિસ્ટમાં એટલું લોકપ્રિય થયું કે હવે ત્યાંના સ્થાનિક લોકોએ કૃત્રિમ હની કોમ્બડ એટલે જે મધમાખીના છજ્જા , ગુફા જેવા રમ ધરાવતી હોટેલો બાંધી દીધી છે. 
એવું નથી કે માત્ર જ્વાળામુખીથી રચાયેલા પર્વતોની ગુફા જ રહેવાસીઓ માટે છે. જમીનમાં પડી ગયેલા બાકોરામાં પણ હોટેલો છે. જે એક જમાનામાં 20,000 લોકોનું ઘર હતી. 
વાત તો આખરે આશ્રય ને રક્ષણની હતી. 

કાપાડોકિયા આજથી 3500 વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યું હશે એમ લેખાય છે. અલબત્ત એનું અસ્તિત્વ તો હતું જ પણ અન્ય નામે  . ગાઈડની અને મળતી માહિતી તો કહે છે 3500 વર્ષ એટલે કે જીસસ ક્રાઇસ્ટના 1500 વર્ષ પૂર્વે લોકો અહીં વસતા હતા  ,  એક રેકોર્ડ એવો પણ છે કે ઈ.સ પૂર્વે 400 વર્ષ  , સોક્રેટીસનો શિષ્ય ઝેનોફોન અહીં આવી પહોંચ્યો હતો. એ લખે છે કે બકરી ઘેટાં , ગાય , મરઘાં બતકાં ઉપરાંત મકાઈ, ચોખા , શાકભાજી અને બાર્લી વોટર , એટલે કે જવ આ પ્રજા વાપરે છે. એટલું જ નહીં એ લોકો આ ચીજો મોટાં મોટાં માટીના કોઠી જેવા વાસણોમાં એ રીતે સ્ટોર કરી શકે છે જેથી એ લાંબો  સમય ટકી રહે. એક ઉલ્લેખ પ્રમાણે અહીં વસ્તી પ્રજાએ પારાવાર આક્રમણ ઝીલવા પડતા  . રોમનો તરફથી કે પછી મુસ્લિમો તરફથી  . તો અહીં રહેનાર હશે કોણ ? એ પ્રશ્નના જવાબમાં જાતભાતના ઉત્તર મળે છે. કોઈકના કહેવા પ્રમાણે એ નવાનવા ખ્રિસ્તી બનેલા લોકો હતા. તો કોઈ કહે છે પ્રકૃતિને માનનાર , પૂજનારા લોકો હતા. જેઓ આક્રમણકારીઓથી બચવા આ બધું નિર્માણ કરીને બેઠા હતા.
સ્વાભાવિક છે લાપતા છુપાતાં જિંદગી વિતાવવાની હોય એટલે  આ પ્રજાએ યુદ્ધ સામે તાકવાથી લઇ હવા પાણી ને અનાજ ને  લાંબો  સમય સ્ટોર કરવાની જરૂર પડતી હશે એ પાછળ કોઈ કારણ તો હશે જ , કારણ હતું એ સમયે ચાલતા આક્રમણ , અંડર ગ્રાઉન્ડ ગુફાનું નેટવર્ક વિકસાવવાનું કારણ આ જ. જ્યાં જેમ જેમ નીચે ઉતરતા જાવ તાપમાન પણ ઉતારતું જાય. નવથી દસ માળ ઉતરીને ગુફામાં પહોંચો જ્યાંનું ટેમ્પરેચર હોય 13 સેન્ટિગ્રેડ, કુદરતી ફ્રિજની જેમ. ઉપર પણ ગુફામાં અંદર આ જ પરિસ્થિતિ  . બહાર ગરમી 38 ડિગ્રી ને ગુફામાં 12 ડિગ્રી  . 
એક સમય હતો કપાળોકોય હતું અંતાલિયા , અત્યારે કાપાડોકિયાની દક્ષિણે છે તે ડેરિંકુયુ 20,000ની વસ્તી ધરાવતું શહેર હતું  .એમને પોતાના શહેરને સુરક્ષિત રાખવાના બંદોબસ્તરૂપે આ ગુફાઓ કોતરી રાખી હતી. એ જમાનામાં રોમનો અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ ચાલુ જ હતો. એક સમયે ગુપ્ત રહેવા માટે બનેલી આ ગુફાઓમાં હવે આરામદાયક હોટેલો બની ચુકી છે એ પણ કેવું વિધિનું વિધાન?

અમારી હોટેલ પણ એવી જ  કંઈક હતી, અમને ફાળવાયેલો રમ હતો બીજા માળે , પણ બે માળ એટલે દસ ફૂટના હિસાબે 20 ફૂટ નહીં અમારે લગભગ પાંચ માળ ચઢવું પડતું હતું  . ચઢવાનો રસ્તો ટ્રેકિંગ કરવા જઈએ ત્યારે પહાડ પર પગદંડી હોય તેમ , ફરક એટલે કે આ પથરાળ પહાડ એટલે એલીફન્ટામાં કોતરેલી ગુફા જેવું લાગે  . રૂમની અંદર માત્ર બેડ જ નહીં, ટીવી , બેડરૂમ ફ્રિજ ને કોલ્ડ હોટ શાવરની પણ વ્યવસ્થા હતી.
આમ તો જુઓ તો હોટેલ જ એક અદભુત જોણાં જેવી હોય પણ ફરવા તો નીકળવું પડે, એમાં સૌથી એક સિનિક પોઇન્ટ અમને અમારી પાસે જ એક ટેકરી પર મળી ગયો.
થોડું ચઢ્યા ને ટોચ આવી ગઈ. ઉપરથી જે નજારો હતો એનું વર્ણન કરવા શબ્દો નથી. એક જ લીટીમાં બયાન કરવું હોય તો કહેવાય પરીઓના દેશમાં  . આ તો માત્ર ટેકરીનો વ્યુ પણ સૌથી મોટું આકર્ષણ છે બલૂન રાઈડ  . રંગબેરંગી બલૂનમાંથી નીચે નાના બિલાડીના ટોપ જેવી શિલાઓ જોવાની  . જાણે આપણે એલિસ ને પહોંચ્યા હોય વન્ડરલેન્ડમાં. 

ઇન્ડિયન ટુરિસ્ટની સૌથી મોટી નબળાઈ છે ફૂડ. એક તો શાકાહારી બીજું સ્વાદેન્દ્રિયને જરાય તસ્દી આપવાની નહીં  . ઘરે રોજ સાંજે હમસ , પીતા બ્રેડ થી લઇ થઇ મેક્સિકન, ચાઈનીઝ ખવાય પણ વિદેશ જઇયે એટલે  થાળી શોધવાની , આ માનસિકતા સમજાય એવી નથી.
ટર્કીમાં સારામાં સારું કઈંક હોય તો તે છે સલાડ અને તેમના ટર્કીશ બ્રેડ ,  લવાશ એન્ડ સાર ક્રીમ , ચીઝ ડીપ આપણે માટે  નવી નવાઇનાં નથી રહ્યા  . અને એમાં પણ વેજીટેરીઅન ફૂડમાં થોડી  મુશ્કેલી પડી શકે , પણ તમે રીંગણ પ્રેમી હો તો તો મૂંઝાવાની કોઈ જરૂર નથી. 
ટર્કીશ કોફી અને આઈસ ક્રીમ ચૂકવા જેવી આઈટમ નથી. પણ અંગત પસંદ છે ટર્કીશ ચા , અને એ જે ગ્લાસમાં પીરસાય છે તે ગ્લાસ માત્ર ને માત્ર ત્યાં જ મળે છે. એટલે સુવિનિયર તરીકે લાવવામાં વાંધો નહીં  . 
મીઠાઈના શોખીન હો તો બકલાવા નામની મીઠાઈ ભૂલશો નહીં, એમાં એક નહીં અનેક વિકલ્પ મળે છે. બકલાવા મૂળભૂત રીતે સેન્ટ્રલ એશિયાની પેદાશ છે. એ ટર્કીમાં મળે, ઈરાનમાં મળે, દુબઈમાં મળે ને પાકિસ્તાનમાં પણ મળે. ફર્ક પોતપોતાના ક્લચર પ્રમાણે કરી લે છે. 

ટર્કીમાં શોપિંગ કરવું હોય તો સસ્તું છે. ઘણી બધી આઈટમ કોલાબા, લિંકિંગ રોડ પાર મળતી હોય તેવી  . તમે ડોલરમાં ખર્ચેલા નાણાં કરતા અહીં વધુ સસ્તું મળે એમ પણ બને.  ટર્કીની એક સ્પેશિયાલિટી છે ઇવિલ આય  . અમે એક જગ્યાએ ગયા ત્યાં આખા ઝાડ પાર જ્યાં જુઓ ત્યાં આ ઇવિલ આય લટકે , કેમ ? તો કહે કે એ લગાવવાથી , પહેરવાથી , ઘરમાં રાખવાથી કોઈની નજર ન લાગે  . હવે વાત બે , આ ઇવિલ આયનું મહત્વ ત્યાં જઈને જાણ્યું ત્યારે ખબર પડી પણ કોલાબાના રસ્તા પર એની કીચેઈનથી લઇ બ્રેસલેટ તો વર્ષોથી જોયા હતા.

એક ન ચૂકવા જેવી વાત છે ટર્કીશ બાથની  . એનો અનુભવ તો ત્યાં જઈને જાતે કરવો રહ્યો  .  હમામ મેં સબ  ... એ કહેવત કેમ પડી હશે તે જાણી શકાય  . 


જો ક્લચર, ઇતિહાસ, કશુંક જુદું અનોખું  કે પછી યુનિક હોલીડે સ્પોટ પર જવું હોય તો ઇસ્તંબુલ ,કાપાડોકિયા ને પામાક્કુલે તો જવું જ રહ્યું  .
વન્ડરલેન્ડમાં એક લટાર બહુ મોંઘી પણ નથી. 

આ સિવાય ઈસ્તાંબુલમાં એટલી ટુરિસ્ટ સ્પોટ્સ છે કે તમારી પાસે દસ દિવસ પણ અપૂરતા છે પણ સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રાની જેમ ગણતરીના દિવસો હાથ પર હોય તો આ સ્થળની મુલાકાત ચૂકાય એમ નથી. એ ન જોયા તો ઈસ્તાંબુલનો ફેરો  એમ  સમજો  .

1, હાગિયા સોફિયા 
2, ટોપાકાપી પેલેસ 
3 બ્લુ મોસ્ક 
4 ગ્રાન્ડ બાઝાર 
5 બૉસ્ફરસ બ્રિજ જે એશિયા ને યુરોપને જોડે છે. જૂનું શહેર યુરોપમાં છે ને નવું એશિયા  .
6 ડોલમ્બસ પેલેસ 
7 ટર્કીશ હમામ 


કઈ રીતે પહોંચવું?
______________

મુંબઈ થી ઈસ્તંબુલ : કોઈ પણ એર લાઈન્સથી પહોંચી શકાય છે.
ઇસ્તંબુલથી ડેન્ઝીલી ટર્કીશ એરલાઈન્સ, પેગસસ ડેઈલી ફ્લાઈટ છે.
ડેન્ઝીલીથી પમુક્કાલે બાય કાર લગભગ દોઢ કલાકમાં અને ત્યાંથી કોટન કાસલ , બાબાડાગલીયાર પહોંચી શકાય।
ઇસ્તંબુલથી કાપાડોકિયા જવા માટે પણ ફ્લાઇટ એક માત્ર વિકલ્પ છે. નજીકનું એરપોર્ટ છે કેઇસરી , ત્યાંથી દોઢેક કલાક ડ્રાઈવ કરીને પહોંચી શકાય  . 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen