શ્રાવણની મસાલેદાર પ્રસાદી


સુરતની ઘણી બધી ખાસિયતો છે પણ એક બેનમૂન છે ખાજાની , એવું બને નહીં કે વરસાદ જામ્યો હોય ને  એક જન્મજાત સુરતીના ઘરે ખાજા આવ્યા ન હોય. વરસાદમાં ભજીયાની જ્યાફત તો સૌ માણે પણ સુરતીઓ સ્વાદ ને ખાનપાનમાં એક મુઠ્ઠી ઉંચેરા એટલી વાત તો સ્વીકારવી પડે. શિયાળામાં વસાણા, પોંક , ઊંધિયું , ઉંબાડિયું  હવે વર્લ્ડકલાસ થઇ ચૂક્યા છે. મિઠાઈઓ તો બંગાળી હોય કે સુરતી એને કોઈ સરહદ ન નડે , એ પછી ઘારી હોય કે ઘેબર , એની વાત કરવી છે પણ પછી ક્યારેક આજે તો માત્ર ખાજાંપુરાણ કારણ કે આ સરસિયા ખાજાં માત્ર ને માત્ર શ્રાવણ અને વરસાદ દરમિયાન જ મળે ને ખાઈ શકાય  . એનું કારણ છે એમાં રહેલાં મરીનું પ્રમાણ  .આજથી એક સદી પૂર્વે લોકોની ખાણીપીણી ઋતુ મુજબ  રહેતી હતી.  જેમ ભારતમાં ઋતુ  પ્રમાણે આહાર ખવાતો હતો એ જ ચાલ  પશ્ચિમી જગતમાં પણ છે.હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ચોમાસામાં ફ્રોઝન કેરીનો રસ કે પછી ભર ઉનાળે ફોન્ડ્યુ ,આજની તાસીર છે.

અલબત્ત , ખાજાં ચોમાસામાં જ ખવાય છે પણ એમ મનાય છે કે એ ઉનાળો જવાની તૈયારીમાં હોય ત્યારે કેરીના રસ સાથે પણ ખવાતા રહ્યા છે.ખાજાનો અર્થ જ છે ખાઈ જા, એક સંદર્ભ પ્રમાણે આ ખાજા સુરતની સ્પેશિયાલિટી તરીકે ક્યારથી પંકાતી થઇ એ વિશેનો ચોક્કસ સમયની જાણ નથી, પણ એમ મનાય છે કે લગભગ 1882ની આસપાસનો ગાળો , તે વખતે અષાઢ મહિનામાં ઘોડદોડ એટલે કે રેસનું આયોજન થતું (જેને કારણે ઘોડદોડ રોડ અસ્તિત્વમાં આવ્યો) આ મહિનાના ચાર વીક એન્ડ પર રેસ યોજાતી જે ખરેખર તો ઘોડદોડ રોડ પર નહીં બલ્કે અઠવા લાઇન્સ પોલીસ ચોકીથી શરુ થઇ ડુમસ પર આવેલા લંગર પર પૂરી થતી.
એવું મનાય છે કે થોડાં કૃષ્ણભક્ત સંપ્રદાયના લોકો આ ખાજા બનાવીને સાથે લાવતા ને તે રેસ પૂર્વે કે પછી અન્ય સાથે વહેંચીને ખાતા હતા. વિના કોઈ કારણે જ આ એક સેલિબ્રેશન કાયમનું થઇ ગયું  . એ માટે સાસરવાસી દીકરીના પરિવારને પણ આમન્ત્રણ મળતું , એ આખો રિવાજ ક્યારે ખાજાં ,રસ ને મલાઇની મિજલસમાં ફેરવાઈ ગયો ખબર જ નથી.
જો કે કેટલાંક ખાજાં સૌરાષ્ટ્રની દેણ માને છે પણ એ વાતમાં ખાસ વજૂદ એટલે ન લાગે કારણકે સૌરાષ્ટ્રવાસીઓનું આગમન થયું 60ના દાયકામાં, યાર્ન ને  ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નોકરીની તક વધી  તે પછી જયારે તીખાં ,મરીવાળા ,ઉપરથી લીંબુ નીચોવીને ખાજા ખાવાનો રિવાજ તો લગભગ એક સૈકાથી ચાલી આવે છે. હકીકતે મેંદામાંથી આ બનાવટ ટર્કીશ મીઠાઈ બકલાવાને વધુ મળતી આવે છે. બકલાવા સ્વાદમાં મીઠાં હોય છે ને ખાજાં આંખમાં પાણી આવી જાય એટલા તીખાં  પણ બંનેની બનાવટ સરખી છે. મેંદામાંથી બનતી આ વાનગી બે જૂદા સ્વરૂપે પેશ થાય છે જાણે વિરુદ્ધ સ્વભાવ ધરાવતી જોડિયા બહેનો . ત્રણસો વર્ષ દરમિયાન રહેલા મુઘલ શાશન દરમિયાન ખાણીપીણીની , ભાષાની, સંસ્કૃતિની કેટલી બધી ભેળસેળ થઇ હશે તેનું એક ઉદાહરણ આ ખાજા આપે છે. 



સુરતી લાલાઓને મૂળ તો એક કારણ જોઈએ ઉજવણીનું ,મૂળ ઉદ્દેશ તો વરસાદમાં મિજલસનો હતો. સમય સાથે ઘોડદોડ ઇતિહાસસ બની ગઈ. સુરત શહેર વધીને ડુમસ સુધી વિસ્તરી ગયું હવે આ બધી મિજલસ તો નથી થતી પણ દર વરસાદમાં કરોડો રૂપિયાના ખાજાં ખવાઈ જાય છે. 

આ સરસિયા ખાજાં ચોમાસાથી શિયાળા સુધી મળે છે પણ ખાવાની મજા વરસાદમાં છે. એની રીત તો યુ ટ્યુબ પર મળી જશે ,ને એ બધી લપ ન કરવી હોય તો સુરતમાં વસતા કોઈ મિત્રને ફોન લગાવો , એ વધુ સુગમ રહેશે  . 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen