ઈશ્વર સ્ત્રી હશે કે પુરુષ ?



થોડા વર્ષ પૂર્વે બ્રિટનમાં એક અનોખી જંગ છેડાઈ હતી  કે ગોડને પુરુષ કહેવા કે સ્ત્રી ? એટલે ગોડ He  હશે કે She ?


તાજેતરમાં એક મિત્રે સુંદર વાત કહી. વાતનો સૂર હતો એ હતો  કે કહેવત એવી છે કે ઈશ્વર સર્વત્ર પહોંચી ન શકે એટલે એને સર્જન કર્યું માતાનું. એમાં દંભ ખરો  કે નહીં ?

અલબત્ત, ગુજરાતીમાં આ વાતમાં રહેલો દંભ છાંટો છતો થતો નથી, પણ, મૂળ આ કહેવત છે અંગ્રેજીમાં।
વાત એમ કહેવાય છે કે ,God could not be everywhere, and therefore he made mothers. આ કહેનાર છે રૂડયાર્ડ કિપલિંગ પણ બાઇબલ તો એથી એક સ્ટેપ આગળ વધીને કહે છે કે ઈશ્વર જયારે સૃષ્ટિનું સર્જન કરીને થાક્યા ને છઠ્ઠે દિવસે સ્ત્રીનું સર્જનકર્યું , મન લગાવીને કર્યું , ને પછી સ્ત્રીને  આમ નાજુક હૈયું ને તેવું મગજ ને આમ આંસુ ને તેમ સ્મિત  .... ટૂંકમાં વખાણના ટનબંધ  પિંડ  સાથે  સ્ત્રીનું સર્જન થયું  . 

હવે દંભની વાત ત્યાં આવી કે બાઇબલ ને વિદ્વાનો તમામે આપણા મનુની જેમ ધારી લીધું કે ઈશ્વર સ્ત્રી નહીં પુરુષ જ હશે.
આ વાત દુનિયામાં દર થોડાં વર્ષે ચર્ચાનું સ્વરૂપ લે છે ને શમી જાય છે , ક્યારેય કોઈ નિષ્કર્ષ આવતો નથી અને કદાચ આવવાનો પણ નથી. 

થોડા વર્ષ પૂર્વે બ્રિટનમાં એક અનોખી જંગ છેડાઈ હતી  કે ગોડને પુરુષ કહેવા કે સ્ત્રી ? એટલે ગોડ He  હશે કે She ?

મુદ્દો ઉઠાવનાર બીજું કોઈ નહીં પણ નન્સ એટલે કે મહિલા પાદરીએ  ઉઠાવ્યો હતો . એને માટે એક વિશેષ મિટિંગ  પણ થઇ હતી . આ આ નન્સનું  કહેવું હતું  કે પ્રાર્થનાની ભાષા બદલાવી જોઈએ. સદીઓથી પુરુષોએ ભગવાનને પુરુષ બનાવીને રાખ્યા છે એટલે સ્ત્રીઓમાં હીન ભાવના સંભવી શકે છે.એની સામે પુરુષ પાર્ટીની દલીલ એ છે કે જિસસ  ક્રાઈસ્ટ પુરુષ છે , તો શું કરવું ?

ઇન્ડિયાની તો વાત જ જુદી છે,આપણે ત્યાં તો આ મુદ્દો જ નથી. કારણ કે આપણે ત્યાં તો પાર વિનાના દેવીઓ  પણ છે ને દેવતા પણ છે. છતાં કન્ફયુઝન ભારે છે.
 
ખરેખર તો માણસજાત પોતાના અસ્તિત્વને સમજતો થઇ ત્યારથી ઈશ્વરની શોધમાં છે.

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં પ્રવર્તતા મુખ્ય ધર્મમાં ઈશ્વર પુરુષ છે. ખ્રિસ્તી, ઇસ્લામ ,  હિંદુ  .... ઈશ્વર પુરુષ તરીકે સંબોધાય છે.  બાઈબલનું ન્યુ  ટેસ્ટામેન્ટ જિસસને પિતા તરીકે સંબોધે છે. જગતમાં સહુથી ઝડપે ફેલાઈ રહેલો ઇસ્લામ ઓલ્ડ ટેસ્ટામેન્ટને એક પવિત્ર ગ્રંથ માને છે એટલે કે સીધી કે આડકતરી રીતે ઈશ્વર પુરુષ હોય તેમ માને છે. હિંદુઓ શક્તિ ઉપાસક છે , સદીઓથી , તે છતાં ઈશ્વરનો દરજ્જો પુરુષને આપે છે.
 
એક જૂની કહેવત છે. : ફ્રોમ ટાઈની અકોર્ન્ઝ  ગ્રો માઈટી ઓક્સ  ... વટવૃક્ષનું અસ્તિત્વ એક બીજમાં હોય છે. એનો સીધો અર્થ એ થયો કે પુરુષ મોટો કે એને જન્મ આપનાર સ્ત્રી ?

જગતનો જૂનામાં જુનો ધર્મ માતૃત્વ  રહ્યો  છે. એ વાસ્તવિકતાથી કોઈ અજાણ તો નથી જ.

[જગતભરમાં એક માત્ર ધર્મ અસ્તિત્વમાં હતો જે હતો શક્તિપૂજા પર આધારિત ધર્મ . મધર ગોડેસ જગતની કોઈ પણ સંસ્કૃતિમાં મળી આવે.ઇટલી જાઓ કે ગ્રીસ, આફ્રિકાના દેશોમાં કે એશિયન દેશોમાં , વિશાળ ઉરપ્રદેશ, ઉદર, સાથળ ધરાવતા શિલ્પ આજે પણ ખોદકામ દરમિયાન મળી આવવા સામાન્ય છે.

 
હજારો વર્ષ પૂર્વે આ મધરગોડેસની પૂજા દરેક કામમાં થતી હતી, જેમ કે ખેતરમાં વાવણી સમયે ,લણણી સમયે, ઋતુઓના બદલાવ સમયે  ... આજે જેને આપણે પથ્થરયુગ માનીએ છીએ તે યુગ  જેમાં ખેતીપ્રધાન સંસ્કૃતિનો ઉદય થયો.એક પરિપક્વ યુગ, જેમાં માતાનું સ્થાન અનન્ય હતું  .

હિંદુ સંસ્કૃતિની જેમ પૃથ્વીને માતા માનતી ગ્રીક પ્રજા મધર ગોડેસ પૃથ્વીને માનતી , મધર ગૈયા  . એની પર જે ગૈયા હાઈપો થીસીસ તૈયાર થયો તે પ્રમાણે પૃથ્વી  સ્વયં એક લિવિંગ  ઓબ્જેક્ટ છે. લિવિંગ ગોડ,  જેના પેટાળમાંથી દરેક સમયે અનન્ય જીવસૃષ્ટિ  ઉદ્ભવતી રહે છે. જો પૃથ્વી સ્વયં ઈશ્વર હોય અને એ જગત જનની હોય તો ઈશ્વર કોણ ? સ્ત્રી કે પુરુષ?
નવાઈની વાત એક છે કે દરેક સંસ્કૃતિમાં મધર ગોડેસની પરિકલ્પના હોય અને એને માન્ય પણ રખાતી  હોય તો પછી અચાનક ઈશ્વરનું પુરુષમાં ટ્રાન્સફોર્મેશન  કઈ રીતે થઇ ગયું?

જો તર્કગમ્ય જવાબ પચાવવાની ઈચ્છા હોય તો એના મૂળ માનવજાતના ઇતિહાસમાં ચોખ્ખા દેખાય છે. 
જો તાર્કિક કારણ શોધવા જઈએ તો એક જ વાત સમજાય તેવી લાગે છે , અને એ છે નર અને નારી વચ્ચેનો શારીરિક માનસિક ભાવાત્મક સ્થિતિ વચ્ચે મૂળભૂત તફાવત .

જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. કહેવત એમ જ અસ્તિત્વમાં આવી હશે?

આખી દુનિયાનો ઇતિહાસ તપાસો તો મૂળમાં માતૃપ્રધાન સંસ્કૃતિ મળશે. માત્ર મહાભારતના સમયની વાત જવા દઈએ તો મેસેપોટેમિયા એટલે કે આજનું ઇરાક અને આફ્રિકાનો મોટો પ્રદેશ  , જ્યાં માનવ સંસ્કૃતિ જન્મી, જેને માનવ સંસ્કૃતિનું પારણું મનાય છે ત્યાં પણ માતૃસત્તાક સમાજ અસ્તિત્વમાં હતો. જયારે માનવ અસ્તિત્વમાં આવ્યો ત્યારે ન તો કોઈ ધર્મ હતો ન કોઈ સંસ્થા હતી. ન કોઈ રીતરિવાજો , જો હોય તો એક માત્ર સત્ય , જે કર ઝુલાવે પારણું , શાસન કરે. એ જ મુખ્ય કારણ હતું વિશ્વભરમાં માતૃસત્તાક સંસ્થા બનવાનું. ધર્મ, સંસ્થા, રીતિરીવાજો , રૂઢિઓ પાછળથી ઉમેરાતી ગઈ અને તે પણ સમય સંજોગ અને સ્થાનને અનુરૂપ.

સ્ત્રીનું આધિપત્ય સર્વેસર્વા લેખાતું હોય એટલે સ્વાભાવિક છે કે તેની જવાબદારીઓ , ઉત્તરદાયિત્વ સમાજ પરત્વે બને. 
આજે પણ પ્રકૃત્તિ સર્વોત્તમ ધર્મ લેખાય છે અને હિન્દૂ ધર્મ એક ફલૉ ઓફ લાઈફ, હિન્દૂ ધર્મ ધર્મ નથી પણ જીવનનો પ્રવાહ છે એવું માનનારાની વસ્તી મોટી છે. હકીકતે દુનિયાના મોટાભાગના પુરાતન ધર્મ આ સિદ્ધાંત પર જ છે. નવા ધર્મ પ્રકૃત્તિને બાજુએ રાખી અન્ય સિદ્ધાંતો સાથે સ્થપાયા  . ભારતની જેમ પશ્ચિમી જગત પણ કુદરતને જ પૂજતું રહ્યું હતું , જે ધર્મ પેગન નામે ઓળખાતો હતો. 
ખ્રિસ્તીધર્મના જુવાળે આ પેગન ધર્મ પાલનારાઓને જીવતા દોઝખમાં જલાવ્યા છે એ ઓપન સિક્રેટ છે.

પ્રકૃત્તિ કેન્દ્રસ્થાનેથી સરકી રહી હતી જેમ કે સ્ત્રી, 
પોતે જન્મ આપેલા બાળકથી પરિવાર, કબીલા , સમાજ બનાવનારને માથે જવાબદારીની અટકળ લગાવી શકાય ?
 સ્ત્રીની જવાબદારી ગર્ભાધાનથી શરુ થતી અને પોતાના બાળકના પેટ ભરવાથી લઇ એની રક્ષા અને સુખાકારીની જવાબદારી પણ એને જ માથે હતી. 
 લગ્ન કે ધર્મ જેવી સંસ્થા જ ન હોય તેવા સમયમાં કોઈક મનુ એ એવી સમાજરચના ઘડી જેમાં સ્ત્રીના માથે રહેલી જવાબદારીઓનો બોજ ઓછો થાય. 

સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ મનુનું અસ્તિત્વ માત્ર હિન્દૂ ધર્મમાં જ છે એવું નથી ,  વિશ્વના અલગ અલગ ધર્મમાં આ મનુ જુદા જુદા નામથી જોવા મળશ. હિન્દુમાં મનુ , જૈનોમાં નાભિ રાજા , સુમેરિયન સંસ્કૃતિમાં એનુ, ખ્રિસ્તીમાં આદમ , નોહા , જેટલી સંસ્ક્ર્તિઓ એટલા નામ જોવા મળશે અને આ નામથી શરુ થાય છે પુરુષપ્રધાન સમાજના મંડાણના. 

જે કર ઝુલાવે પારણું એ કહેવત સિફતથી વેતરી નાખવામાં આવી.
જો કે એ પાછળના કારણ કોઈ વૈમન્સય કે જાતિભેદ ભર્યા હતા એવું માનવને કારણ નથી. એની પાછળ મૂળ કારણ હતા સ્ત્રીનું શારીરિક બંધારણ , જે પાછળથી સામાજિકરૂએ અમલી બનાવાયું  .
સહુથી મહત્વની વાત રહી સર્વાઈવલની, અસ્તિત્વ ટકાવવાની , જ્યાં સુધી કોઈ સ્પર્ધા નહોતી કે ખાણીપીણીની તંગી ન વર્તાઈ ત્યાં સુધી તો કોઈ સમસ્યા નહોતી પછી સમસ્યા થઇ શિકારની, કૃષિ ક્ષેત્રે થઇ રહેલા વિકાસની, જ્યાં પુરુષોની તાકાત કામ લાગી રહી.
આમ જુઓ તો સ્ત્રી અને પુરુષના શરીર વચ્ચે એક મુખ્ય તફાવત બંધારણનો પણ છે. પુરુષ શક્તિમાં વધુ ચડિયાતો છે. જો એની તાકાતને હોર્સપાવરમાં માપીએ તો. પણ સ્ત્રી એની તાકાત પુરુષ જેટલી નહિ બલ્કે લાંબા સમયમાં વિભાજીત થઇ હોય છે. આજે પણ મોડર્ન સાયન્સ આ વાતને માને છે. એટલે શિકાર, યુદ્ધ , સ્પર્ધા ,શારીરિક પરિશ્રમ માંગી લેતાં કામ પુરુષ વધુ સહેલાઈથી કરી શકે છે ને થાકી પણ જલ્દી જાય છે. જયારે સ્ત્રીમાં એ જ શક્તિ કલાકો સુધી રહે છે. જેને આપણે એન્ડયોરન્સ કહી શકીએ , કલાકો સુધી થાક્યા સુધી ઘરકામ કરવું એમનો એક પ્રકાર થયો. 
ઉદાહરણ જોવું હોય તો આજની સુપર વુમન , ડબલ ડ્યુટી બજાવનાર એક સ્ત્રી પાસે અપેક્ષા કેટલી બધી હોય છે !! 

બીજું મહત્વનું પાસું જવાબદાર હતું સંતતિ. સ્ત્રી પ્રેગ્નેન્ટ બને અને જ્યાં સુધી બાળકને જન્મ ન આપે ત્યાં સુધી અને જયારે બાળક એની પર અવલંબતું હોય તેટલા સમય માટે એટલે કે લગભગ 15 મહિના સ્થગિત થઇ જતી. વળી આજથી હજારો સાલનો સમયગાળો , ઝાઝા હાથ રળિયામણાવાળો સમય, તંદુરસ્ત સ્ત્રી સરેરાશ  બાળકને જન્મ આપતી , બાળમરણનું પ્રમાણ ઊંચું હોવાથી આ વાત સહજ હતી. સ્વાભવિક છે  સ્ત્રીની જિંદગીના , જેને પ્રાઈમનું લેબલ મારી શકાય તેવા લગભગ 10 થી 15 વર્ષ પ્રજોત્પતિમાં નીકળી જતા. પરિણામ ? સ્ત્રી દસથી પંદર વર્ષ મુખ્ય પ્રવાહમાંથી બહાર ફેંકાઈ જતી રહી.આ જ મુખ્ય પરિબળ રહ્યા માતૃસત્તાક સંસ્કૃતિ ક્યારે પુરુષપ્રધાન થઇ ગઈ ખ્યાલ સુધ્ધાં ન આવ્યો .


એ વાત જુદી છે કે આજે પણ વિશ્વના ઘણાં ભાગમાં સ્ત્રીપ્રધાન સંસ્કૃતિ છે , પણ નામ પૂરતી જ. 

એનું પરિણામ એ આવ્યું કે જે એક સમયે કંટ્રોલ કરતી હતી તે શક્તિને કંટ્રોલ કરી દેવાનું એક ચોક્કસ સામાજિક બંધારણ નિર્માણ થયું  .
સ્ત્રીને દેવી બનાવી દેવાઈ પુરુષ ઈશ્વર દ્વારા.
લગ્ન પ્રથાથી લઇ , સીમંત સંસ્કાર, બાળકોના શિક્ષણ , ઘરના વ્યવહાર, કુટુંબના આરોગ્યની જાળવણી, વડીલોની સંભાળ  .... સ્ત્રીઓની જવાબદારી વધતી ગઈ અને જ્યાં એક્ટિવ પાવર કહેવાય એવામાંથી કુનેહપૂર્વક બાદબાકી થતી ગઈ. સદી દર સદી સ્ત્રીઓને એવા ભારણથી ઘેરાતી રહી કે એનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાઈ ગયું અને એક ભ્રામક જાળમાં અટવાઈ ગઈ.
આ ભ્રામક જાળને એટલી સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી કે સ્ત્રી માનતી રહી એ કોઈક ધર્મનું પાલન કરી રહી છે. શબ્દોની સોનેરી માયા રચાઈ જેવા કે એટલે કર્તવ્ય , માતૃત્વ, પરિવારદક્ષ , સંસ્કાર, સહનશીલતા, બલિદાન , ત્યાગ  .
બાકી રહ્યું તેમ સ્ત્રી માટે પુરુષ ઈશ્વરે સરસ મજાના સંસ્કારી વ્રત, ઉપવાસ પણ ડિઝાઇન કરી આપ્યા  . કુમારિકા હોય ત્યારે નામક વિનાનો આહાર સારો વર મેળવી આપે, શિક્ષણ નહીં ( આજનો સમય બદલાઈ ચુક્યો છે અને બદલાઈ રહ્યો છે છતાં ક્યાંક ક્યાંક હજુ આ જોવા મળે છે ).

અને વ્રત , જપ , તપ કરનાર તપસ્વી હોય , આર્યનારી હોય ઈશ્વર સ્વયં થોડા હોય ?
બસ. આટલી જ ડિઝાઇન છે સ્ત્રીને ભગવાન બનાવતાં અટકાવવાની.

અમારા મનમાં હવે તો પાકે પાયે ગડ બેસી રહી છે કે ઈશ્વર સ્ત્રી જ હશે , અને કદાચ એ એના સ્વભાવ પ્રમાણે એમાં નમતું જોખીને કહેશે :
ઓકે , ચાલ આપણે બંન્ને અર્ધનારીનારેશ્વર  ..બસ ?


તમારી પાસે છે કોઈ જવાબ ?



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen