કાચમાં મઢેલી અદભૂત શાંતિ

કલકત્તા એટલે સંસ્કૃતિધામ, નામ પડતા સૌથી પહેલા યાદ આવે ટાગોર, શરદબાબુ અને પછી મહાન  ફિલ્મ મેકર્સ , કલકત્તાની ઢાકાઈ ને તાન્ગાઇલ સાડીઓ, જેમાં કોલેજ જવાની મજા શર્મિલા ટાગોર ને શબાના આઝમીને કારણે આવતી. રાજેશ ખન્નાએ અમર બનવેલો હાવરા બ્રિજ, દક્ષિણેશ્વર,બેલુર મઠ, રામ કૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ, કાલી મા અને દુર્ગા પૂજાના વિદ્યા બાલનની કહાની વનના ફિલ્મી સીન્સ .. કલકતા જોવાનો જોગ મોડો મોડો આવ્યો ખરો પણ એ ઉંમરે જયારે શરદબાબુનું કોલકોતા ક્યાંક સરી ગયું હતું  .

કોલકાતાના જાણીતાં માનીતાં સ્થળ, ખાણીપીણી , શોપિંગ અને મોજની  વાત તો થતી રહેશે પણ સહુથી પહેલી એક મનમાં મઢાઈ ગયેલી યાદ.
 અમારા મિત્ર સુનિલ મહેતાએ  અમને કલકત્તાનો કોઈ ખૂણો દેખાડવો બાકી છોડવો નહોતો અને અમારે છોડવો પણ ક્યાં હતો ? પણ તન ક્યારેક મનની વાત જ ન સાંભળે ત્યારે ભારે દુવિધા થાય. 
કોલકતાની  ગરમી , કઈંક અજબ છે. મુંબઈ કરતાં કદાચ 50 ટકા વધુ ભેજ અને ગરમી, ઉફ્ફ , અડધા દિવસમાં લાગે તમે ચાર દિવસથી ફરી રહ્યા છે. 
એની વે, પણ જલસો જરૂર પડ્યો , એમાં એક સામાન્ય યાદીમાં ન હોય તેવું નામ દાદા સાહેબનો બગીચો એટલે કે જૈનો જેને દાદાવાડી કહે છે તે  દહેરાસર વાડી.
ખરેખર તો જૈન શ્રાવકોને બદલે ટુરિસ્ટ માટેનું જોણું વધુ લાગ્યું અમને  . એ વિષે બારીકાઈથી લખવું અઘરું નહીં અશક્ય છે.
અદ્ભૂત કળાકારીગીરીનો નમૂનો જુઓ તો જ માની શકો 

જાણવામાં તો આવ્યું કે લગભગ પાંચેક દહેરાસર જોવાલાયક છે પણ જોઈ શક્યા બે , એમાં પણ દાદાવાડી એટલે કે દાદા સાહેબનો બગીચો નામે ઓળખાતા દહેરાસરની કલાકૃતિ જોવામાં જ વાર લાગી ગઈ. એમાં સામે રહેલું ચંદ્રપ્રભુજીનું દહેરાસર માંગલિક થઇ ગયું  . તે છતાં એની ભવ્યતાથી આંતરિક ગર્ભગૃહનો અંદાજ લગાવી શકાય એમ હતું. ત્યાં લોકો જેને કહે છે પારસનાથનું મંદિર પણ મૂળનાયક છે શીતળનાથજી.
અજબ સંમોહક લેઆઉટ છે, એક જ કોમ્પ્લેક્સમાં ચાર તીર્થંકર બિરાજમાન છે. 
ખરેખર તો જૈન શ્રાવકોને બદલે ટુરિસ્ટ માટેનું જોણું વધુ લાગ્યું અમને. એ વિષે બારીકાઈથી લખવું અઘરું નહીં અશક્ય છે. સામાન્યરીતે હિન્દૂ જૈન મંદિર દહેરાસરમાં હોય એ તમામ ગુણધર્મ તો છે જ પણ એથી વિશેષ છે એક જલી રહેલી જ્યોતિ. ત્યાં હાજર રહેલા પૂજારીભાઈએ જણાવ્યું કે એ જ્યોત ઈ.સ 1832 થી એટલે કે આ દહેરાસર નિર્માણ થયું ત્યારથી જલે છે. એક જ લયથી , સતત, અને  આશ્ચર્યચકિત કરી દે તેવી વાત તો એ છે કે દીપમાંથી નીકળતી જ્યોત કાલિમાને બદલે કેસરિયો પીળો રંગ છોડે છે. ફોટોગ્રાફીની મનાઈ હોવાથી એ ફોટો લઇ તો ન શકાયો પણ આ વાત ન માનવામાં આવે તો એકવાર ખુદ મુલાકાત લેવી જરૂરી છે. 
દહેરાસરમાં એક  અજબ વાત તો જરૂર હતી અને તે સ્થાપત્ય રચના. સામાન્ય જૈન કે હિન્દૂ ધર્મથી સદંતર નોખું એવું દહેરાસર કોણ જાણે કેમ કોઈક પોર્ટુગીઝ વિલા જેવું વધુ લાગે , એમાં પણ એની આજુબાજુ જતનથી ઉછેરેલો રંગબેરંગી ફૂલનો બગીચો, નાનું સરોવર , એમાં રમતાં બતક , અને સામે ટિપિકલ યુરોપિયન પોર્ટુગીઝ બારીઓની યાદ અપાવતી બારીઓવળી ધર્મશાળાનું મકાન  .
મુખ્ય ગેટથી પ્રવેશીને દહેરાસર સુધી જવાના રસ્તે સુંદર પૂતળાં છે. જે ક્યૂપિડ એટલે કે યરોપિયન કામદેવ , કે પછી કોઈક ગ્રીક દેવી દેવતાના હોય તેમ પ્રતીતિ થાય , મોઝેક ટાઇલ્સ , તે પણ તે સમયની , હેન્ડમેઈડ અને ક્યાંક ક્યાંક ભીંતચિત્રોમાં પર્શિયન સંસ્કૃતિના દર્શન. વિભિન્નતમાં એકતાની સમન્વય કર્યો હશે નિર્માણકાર એવા રાય
બહાદૂર બદરીદાસ જે વાઇસરૉયના  મુકીમ રહ્યાં હશે. એમની પ્રતિમા દહેરાસરના ગર્ભગૃહની બરાબર  સામે હાથ જોડીને બેઠી છે. આજની તારીખે પણ ઇતિહાસનું જાજરમાન વ્યક્તિત્વ પરખાઈ આવે તેમની વેશભૂષા પરથી  .
આ પ્રકારના ફ્રેસ્કો મંદિર દહેરાસરમાં ભાગ્યે જ જોવા મળે.


બરાબર સામે આવેલું આ ખુબસુરત બિલ્ડીંગ દહેરાસર હોય શકે એવી કલ્પના પણ ન થઇ શકે , આ ચંદ્રપ્રભુજીનું દહેરાસર છે. 


 કોલોનિયલ ઇન્ડિયાનું પ્રતીક
કલકત્તાની મુલાકાત લો તો પાર્ક સ્ટ્રીટ , બેલુર મઠ , કાલી ટેમ્પલ ને દક્ષિણેશ્વર તો જશો જ પણ આ ચૂકવા જેવી જગ્યા હરગીઝ નથી એટલું તો જરૂર માનવું પડે. 
 ધર્મ ગમે તે હોય પણ કાચના અલૌકિક મહાલની વચ્ચે પથરાયેલી કોઈક અભેદ શાંતિના વાઈબ્રેશન અનુભવવા જેવા છે. 



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen