અંતહીન અંધકાર ...

 




આપણે જયારે પણ વિશ્વની ઐતિહાસિક તારાજી ,બળવો કે ક્રાંતિની વાત વિષે વિચારીએ ત્યારે મૂળ તપાસતાં નજરે ચઢે તેમના સત્તાધીશ દ્વારા અખત્યાર કરાયેલી પોલિસીઓ , નીતિ કે કુશાસન, ગેરવહીવટ . એ પછી અહંકારમાં લેવાયેલા નિર્ણય હોય કે વૈચારિક દરિદ્રતાને કારણે દીર્ઘદ્રષ્ટિ વિના લેવાયેલ તઘલખી નિર્ણયો. 

તઘલખી શબ્દની ઉત્પત્તિ વિષે મૂળમાં આ જ કારણ છે. 
કિતાબ કથામાં ચીનના  સાહિત્ય વાંચવા વિશે વાંચવાની વાત થઇ ત્યારે દ્વિધા એ હતી કે વાંચવું શું ? જે સંસ્કૃતિએ કાગળની શોધ કરી હોય ,સાતથી વધુ ભાષા મુખ્ય લેખાતી હોય ને મોટાભાગે ચિત્રલિપિ એમાં શું વાંચવું ? છેલ્લે થયું કે એવું કશુંક વાંચવું જે માત્ર વાર્તા તત્વ સુધી સીમિત ન હોય પણ ખરેખરા ચીન વિશે પ્રકાશ પાડી શકે. એટલે પસંદગી ઉતારી સમકાલીન લેખક પર. 
મા જિન એવા  એક ક્રાંતિકારી લેખક છે. ચીનમાં જન્મીને શિક્ષિત થયેલા  આ લેખક તો વ્યવસાયે એન્જિનિયર. કોઈ ઠીકઠાક નોકરી કરતા હતા પણ સ્વભાવને રાશ નહોતું આવતું. વળી શોખથી પેઈન્ટિંગ્સ બનાવતા, ટ્રાવેલ ખુબ કરતા એમાં સમાજને ,ખાસ કરીને સરકારી દમનને નિકટથી જોવાનો મોકો મળ્યો. પછી તો પુસ્તક ને પેઇન્ટિંગમાં આક્રોશે એવું સ્થાન લીધું કે સરકારની વક્રદ્રષ્ટિનો ભોગ બન્યા વિના વિકલ્પ જ નહોતો. એટલે ભાગીને હોંગકોંગમાં સ્થાયી થયા ,ત્યારે હોંગકોંગ કોમનવેલ્થ દેશો પૈકી બ્રિટિશ હકુમત હેઠળ આવતું હોવાથી બ્રિટિશ સિટિઝનશીપ મળી અને તે સાથે મા જિયાનની કલમને પાંખ. 

એવું સરકારની નીંદ  ઉઘડનારું પુસ્તક એટલે ધ ડાર્ક રોડ .

કહાની શરુ થાય છે એક શિક્ષક અને પત્નીથી . એક બાળક તો છે ને બીજું ઉદરમાં આકાર લઇ રહ્યું છે. સમય છે ડેંગ ઝિઆપોંગના શાસનનો. 1979 નો. જયારે ચીનમાં વધતી જતી વસ્તીને કંટ્રોલ કરવા વન ચાઈલ્ડ પોલિસી અમલી બનાવી  હતી. આપણે ત્યાં નસબંધીનું તૂત થયેલું યાદ હશે . નાનાં છોકરાઓથી લઇ કિશોર અને નવપરિણીત નિઃસંતાન પુરુષોને પકડી પકડીને ખસીકરણ કરી નાખ્યું હતું એ દોર. અહીં તો એથી પણ એક ડગલું આગળ. પહેલા સંતાન પછી જો બીજું સંતાન આવવાની ગંધ સુધ્ધાં આવે તો એજન્સીઓની કનડગત એટલી હદે શરુ થઇ જતી કે ગર્ભપાતનું પ્રમાણ અસાધારણપણે વધુ હતું. પણ, એવું નહોતું કે કપલ સંતતિનિયમનના પગલાં ન ભરી શકે. અહીં મુદ્દો જુદો છે. ખાસ કરીને એશિયાઈ દેશોમાં પુત્ર સંતાનનો દુરાગ્રહ એટલી હદે છે કે જો પહેલીવાર પુત્રી જન્મી તો પુત્ર માટે ફરી પ્રયત્ન કરે જ કરે. જેની તો મનાઈ હતી તો શું કરવાનું?
કહાની શરુ થાય છે એક શિક્ષક અને પત્નીથી . એક બાળક તો છે ને બીજું ઉદરમાં આકાર લઇ રહ્યું છે. સમય છે ડેંગ ઝિઆપોંગના શાસનનો. 1979 નો. જયારે ચીનમાં વધતી જતી વસ્તીને કંટ્રોલ કરવા વન ચાઈલ્ડ પોલિસી અમલી બનાવી  હતી.  
આપણી કથામાં એવું એક કપલ  છે મેલી અને કૉંગઝી , કૉંગઝી સ્કૂલમાં ટીચર છે ને મેલી એની પત્ની. એક દીકરી નન્નાન . હવે પુત્રની આશામાં મેલી ફરી ગર્ભવતી થઇ છે. ખબર છે કે આ કૃત્યની સજા શું મળે છતાં. કારણ ? કારણ કે પતિ ,સ્કૂલ ટીચર કન્ફ્યુશિયસનો ભક્ત છે એને પણ કોઈએ ઠસાવી રાખ્યું છે કે પૂ નામના નર્કમાંથી ઉદ્ધાર કરે તે પુત્ર એટલે ગમે તે સજા , મુશ્કેલીભરી જિંદગી ઉઠાવવા તૈયાર છે. 
ને શરુ થાય છે એક યાતના કથા.
યાગત્સે નદીના પ્રવાસ સાથે વહી જતી વાત દમન દમન અને દમનની છે. સરકારી એજન્સીઓના અધિકારીઓથી લઇ પરપ્રાંતીય વસાહતીઓ , મજૂરોનું જે શોષણ  અને દમન 
થાય છે તેની છે. 
જોવાની ખૂબી તો એ છે કે આ બધા પરિતાપને સહન કરવા છતાં આપણા પુત્ર ઘેલછાવાળા કૉંગઝીને એકવાર પણ પુત્રની લાલસા ઓછી થતી નથી. બીજું બાળક પણ દીકરી એટલે ત્રીજીવાર પણ મેલી ગર્ભવતી થાય છે. 
આખી નવલકથા નામ પ્રમાણે ડાર્ક રોડ છે. કૉંગઝી મેલીને ખબર નથી કે આ અંધારો રસ્તો ક્યાં જઈને અટકશે. વાચકને એ પ્રતીતિ ક્ષણે ક્ષણે થાય છે. 


અહીં નવલકથામાં પાત્રનું મહત્વ નથી. મહત્વની છે આ તઘલખી નીતિઓ અને તેને કારણે થયેલી તબાહી. 
ડેન્ગ ઝીપોન્ગ પૂર્વે બીજો એક તઘલખ હતો માઓ ઝીડોંગ  , આપણે ભારતીય તો માત્ર એની ફાઈવ ફિંગર્સ સનકને કારણે જાણીયે છીએ પણ એ એથી વધુ મૂર્ખ અને ક્રૂર હતો. 
એને પણ આવી નીતિઓ બનાવી હતી એ પૈકીની એક હતી વધતી જતી વસ્તીને અનાજ કેમ પૂરું પાડી શકાય ? એવું શું કારણ છે કે ચીનની વસ્તી ભૂખમરો વેઠે છે ? 
કારણ શોધવા માંડ્યા તો વિદ્વાન દરબારીઓએ શોધી કાઢ્યો કે ખેતરમાં તીરના ટોળાં પાક સાફ કરી જાય તેવું તો બને છે પણ એથી મોટું નુકસાન ચકલી ને અન્ય પક્ષીઓ કરે છે. એ લોકો દાણાં ચરી જાય છે. બાકી રહ્યા ઉંદર એ પણ ખાઈ જાય છે. તો કરવું શું ? 
પોતાની જાતને જીનિયસ માનતા માઓએ લાગુ કરી ફોર પેસ્ટ્સ પોલિસી જે હેઠળ ઉંદર, ચકલી, કીટક મચ્છર મારવાની ફોજ બનાવી. આ ફોજનું ને ગામવાસીઓનું કામ પંખીઓને અવાજ કરીને ઉડાડતા રહેવાનું , ઉંદરો પકડવાનું ને બાકી સમય મળે તો ખેતી કરવાનું રહેતું. માઓનું એક ફરમાન હતું કે માણસે પ્રકૃત્તિને કાબૂ કરવી રહી.  કહેવાની જરૂર છે કે પરિણામ શું આવ્યું ?
ભયંકર દુકાળ. 
કીટકને મારી નાખો તો શું થાય ? ઉંદરને મારી નાખ્યા એટલે જમીનના નીચલા સ્તરમાં રહેલી જીવાત અને ફુગથી પાક નાશ પામ્યો. ચકલી કે પંખીઓ માત્ર દાણા નથી ચરતાં એ સાથે કીટક પણ ખાય છે તે પણ ગયું. 1958થી લગભગ 62 સુધી એવો દુકાળ રહ્યો કે મનાય છે કે એક કરોડથી વધુ લોકો ભૂખમરામાં હોમાઈ ગયા. ભૂખમરો અને હિજરત . આ માઓ પછી આ બીજો નંગ વેન ચાઈલ્ડ પોલિસી લઈને આવ્યો. 


એ પોલિસીની અસર એવી થઇ કે ચીનમાં છોકરીઓની સંખ્યા અસાધારણપણે ઘટી ગઈ. સ્વાભાવિક છે કે સ્ત્રી જ ન હોય તો જન્મદર ઘટી જાય. જેને કારણે થોડા જ વર્ષોમાં કામ કરી શકે એવા લોકોની  સંખ્યા ઘટી ગઈ. વિના લેબર કોઈ ઉદ્યોગ કઈ રીતે ચાલે ? તેથી આવક ઘટી ગઈ. ખેતરમાં વર્કફોર્સ ઘટ્યા. આખરે ચીની સરકારે આ પોલિસી 2016માં કાઢી ને  બે બાળકો વાળું સમીકરણ બેસાડવું પડ્યું . હવે 2017-18થી ત્રણ બાળકો પણ માફ છે. 

મા જિનની વાર્તામાં વાત છે એક કપલની પણ કેન્દ્રસ્થાને છે ચીન, ચીનના શાસકો તેમની નીતિઓ અને તેથી ઉદભવેલા પરિણામો. 
આ સાથે ડાર્ક રોડ માં વાત છે ક્હેવાતા વિજ્ઞાનયુગની. આધુનિક મશીનરી યુગની. યાંત્રિકીકરણની ,  તેને કારણે ઉદ્દભવતા પ્રદૂષણની.

જયારે મેલી ને કૉંગઝી ભાગે છે ત્યારે યાંગત્સે નદીના દૂષિત પાણી વિશેની વાત છે. જે સમસ્યા માત્ર ચીનની નથી. વિશ્વભરની છે. 

આપણે ચીનની મુલાકાતે જઈએ ત્યારે શાંઘાઈના ઊંચા ઝળહળાટ કરતા બિલ્ડીંગ દેખાય છે ,ત્યાંની સસ્તી અને તકલાદી ચીજો આકર્ષે છે પણ તેની પાછળનો બિહામણો ચહેરો અને ચિત્કાર નથી સંભળાતો, 

એવી આ કથની છે. ખરેખર ડાર્ક રોડ જેવી. જે વાંચતા વાંચતા હાંફી જવાય. તો ત્યાં રહેનાર,ભોગવનાર અને અંતહીન જીવન જીવનારની હાલત શું હશે તે વિચારી લેવાનું રહે છે . 




ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen