Taj Triology : The Twentieth Wife by #InduSundersen

ધ ટ્વેન્ટીઅથ વાઇફ

તાજ ટ્રાયોલોજી - ઈન્દુ સુંદરસેન 

ઇન્દુ સુંદરસેન મૂળ ભારતીય પણ અમેરિકામાં સ્થાયી લેખિકા છે. પિતા ફાઈટર પાઈલટ હતા. દિવસે પાઈલટ ને રાતે વાર્તાકાર. નાની દીકરીને ઇતિહાસ , રાજ રજવાડાંની વાર્તા કહેતા . મ્યુઝિયમ, મહેલો જોવા લઈ જતા. એ દીકરીએ પિતાને  અકસ્માતમાં ગુમાવ્યા , પછી બેંગ્લોરથી અમેરિકા ભણવા ગયા પછી ત્યાં સ્થાયી થયા છે.  અતિ ચર્ચિત રહેલી આ તાજ ટ્રાયલોજીમાં સૌથી પ્રથમ પુસ્તક છે ધ ટવેન્ટીએથ વાઈફ . બીજું છે ફીસ્ટ ઓફ રોઝીસ અને ત્રીજી છે  શેડો પ્રિન્સેસ . આ સિરીઝને વોશિંગ્ટન સ્ટેટ બુક એવોર્ડ મળ્યો છે.

વાત સૌથી વખણાયેલી એવી ટવેન્ટીએથ વાઈફની  છે. 

સમય છે ઈ.સ 1577 . પર્શિયાથી એક ઉમરાવ પોતાના કુટુંબ સાથે ભાગી રહ્યો છે. મંઝિલ છે  હિન્દુસ્તાન , જ્યાં અકબરનું શાસન છે. કંદહાર પાસે નિર્જન વગડામાં બેહાલ કુટુંબ વિસામો લે છે. ઉમરાવ તેની પત્ની , બે દીકરા અને એક દાસી. પાસે કોઈ સરસામાન નથી અને મોટી સમસ્યાએ છે કે ઉમરાવ ગિયાસ બેગની પત્ની અસ્મત બેગમ ગર્ભવતી છે અને એ કોઈ પણ ક્ષણે બાળકને જન્મ આપી શકે એમ છે.ગિયાસ બેગ પોતાના નસીબને કોસે છે. સાથે રહેલી બાંદી આવીને ખબર આપે છે કે બાળકી જન્મી છે. ગિયાસ બેગને તે સમયે આ બાળકી એટલી અભાગી અને ત્રાસ લાગે છે કે એનો ત્યાગ કરી દેવાની પ્રબળ ઈચ્છાને અમલી બનાવે છે. મધરાતે નવજાત શિશુને દૂર વગડામાં છોડીને તો આવે છે પણ  એ પછી પોતે કરેલા કૃત્યનો ભારે પસ્તાવો થાય છે એથી એ બાળકીને પાછી લાવવા જ્યાં છોડી હતી ત્યાં જાય છે.બાળકી મળતી નથી. એનો સંતાપ જોઈને એક અન્ય ઉમરાવ જે છાવણી નાખીને પડ્યો હોય છે તે કારણ પૂછે છે. બાળકી આ  ઉમરાવ પાસે સલામત છે. બાળકી પરત મળે છે એની તો ખુશી છે જ પણ  આ કાફલો જઈ રહ્યો છે હિન્દુસ્તાન , ગિયાસ બેગને એમનો સથવારો મળી જાય છે. એટલે જે બાળકીને એ અપશુકનિયાળ સમજ્યો તે તો ખરેખર નસીબ લઈને જન્મી હતી. બીજો ઉમરાવ જેને આ બાળકીને નવું જીવનદાન આપ્યું તે નામ રાખે છે મહેરુન્નિસા એટલે કે સ્ત્રીઓમાં સૂર્ય સમાન.

હિન્દુસ્તાનમાં જઈ અકબરના દરબારમાં યાચના કરવા પર ગિયાસ બેગને હિસાબનીશ તરીકે નોકરી મળી જાય છે. કુટુંબ સારી રીતે સ્થાયી થઇ રહ્યું છે.

બીજી તરફ છે અકબર અને તેના નવરત્નોથી ભરેલો દરબાર. જેમાં  અકબરનો સૌથી નિકટનો , માનીતો સાથી છે અબુલ ફઝલ ( અક્બરનામાનો લેખક) , જે અકબરનો સલાહકાર પણ છે.

 અકબરે હિન્દુસ્તાનમાં રાજ કરવા ઘણાં પોલિટિકલ જોડાણ રૂપે હિન્દૂ રાજકન્યા સાથે લગ્ન કર્યા હોય છે. જેમાં એક છે હરખા બાઈ .

 અહીં પુસ્તકમાં નથી એ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે આ હરખાબાઈ હતી આમેરની રાજકુંવરી એટલે આજનું જયપુર . રાજા ભરમલની પુત્રી. (અલબત્ત, આજે જમણેરી વિદ્વાનો માને છે કે એ હિન્દૂ કુંવરી નહોતી એ કોઈ દાસી હતી જે અકબરને કુંવરી તરીકે વરાવી દીધી ). અંગ્રેજ અધિકારી જેમ્સ ટોડે કરેલી ઐતિહાસિક ભૂલ અને તેના પર કે.આસિફે ચણેલાં તાજમહાલ જેવા મુવી મુગલે આઝમે ઇતિહાસની પથારી ફેરવી દીધી છે. આ હરખાબાઈનો પુત્ર એટલે સલીમ , જે પછી જહાંગીરને નામે પ્રખ્યાત થયો. લોકો હરખા બાઈને જોધા માને છે તેના પાયામાં જેમ્સ ટોડે કરેલી ગેરસમજ છે. 

સલીમ અકબરનો સૌથી પહેલો પુત્ર . એ પહેલા જન્મેલા બે પુત્રો હસન અને હુસૈન અકાળ મૃત્યુ પામ્યા એ ન્યાયે સલીમ પાટવી કુંવર કહેવાય. સામાન્યરીતે મોટાભાગના રાજવી કુટુંબોમાં પ્રથમ પુત્રને ગાદીવારસ મનાય એ ન્યાયે મુગલોમાં પણ એ જ પ્રથા હતી. 

અબુલ ફઝલને સલીમ દીઠે ગમતો નહોતો એનું મુખ્ય કારણ હતું તેની ઐયાશી. એક નંબરનો દારૂડિયો પણ ખરો. આવો રાજવી હિન્દુસ્તાનના તખ્તા પર કેવી રીતે બેસી શકે ? આ કારણોસર અબુલ ફઝલની પસંદ છે અકબરના ઉત્તરાધિકારી તરીકે  અકબરનો બીજો પુત્ર દાનિયાલ મિર્ઝા . ત્રીજા પુત્ર શાહ મુરાદની તો ગણના જ નહોતી , એ ચોવીસે કલાક નશામાં રહેતો અને એ કોઈ સ્પર્ધામાં નહોતો.  

જયારે ગિયાસબેગનું કુટુંબ સ્થાયી થાય છે ત્યારે સલીમને ત્યાં પુત્રજન્મ થયો હોય છે. એ રાણી પણ હિન્દૂ છે માનબાઈ. રાજા ભગવંતદાસની પુત્રી, રાજા માનસિંહની બહેન. અકબરની રાણી હરખાબાઈની ભત્રીજી. એ છે  ખુશરુ જે અકબરનો પ્રિય પૌત્ર. એક સમયે કોઈ પુત્રને ગાદી ન આપતાં ખુશરુને આપવી એવો વિચાર અકબર કરે છે.

એ પછી વધુ એક રાજકીય જોડાણરૂપે શહેઝાદા સલીમની લગ્ન થાય છે જોધપુરના રાજા ઉદય સિંહની પુત્રી જગત ગોસાઈ  સાથે . ખુર્રમ (શાહજહાં ) ની માતા. (મૂળ જોધા એટલે જગત ગોસાઈ, જોધપુરની હોવાથી જોધા...) જે સાસરામાં પગ મૂકવાની સાથે અકબરની પાદશાહ બેગમ રૂકૈયા સાથે આડવેર બાંધી લે છે. 

એ જયારે પુત્ર ખુર્રમને જન્મ આપે છે તેનાથી મેહરુન્નીસાને મહેલમાં એન્ટ્રી મળે છે. નાનપણમાં અકબરની મુખ્ય બેગમ રુકૈયા સાથે  હળીભળી  તો જાય છે   પણ સાથે સાથે મહેલમાં ચાલતી કૂટનીતિ ને રાજરમતો પણ શીખી જાય છે.  એ મુખ્ય કારણ છે શાહજાદા સલીમ સાથે પ્રેમમાં પડવાનું , પણ એને જનાનખાનામાં રહેલી સેંકડો બાંદીઓ પૈકીની એક બનીને રહેવું નથી , એની આંખોમાં સપનું છે હિન્દુસ્તાનની મલિકા  બનવાનું. એ સપનું ઠેઠ 34 વર્ષે હકીકત બને છે. 
નવલકથા આ વિષયવસ્તુની આસપાસ ઘૂમે છે. લેખિકા જબરદસ્ત શબ્દવૈભવની સ્વામિની છે. મુઘલ  દરબારના સાક્ષી બને એવી વર્ણન શૈલી વાચકને જકડી રાખે છે. 

કથા ઐતિહાસિક તથ્યો , તે વખતના હિન્દુસ્તાનની ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ , સામાજિક આર્થિક વ્યવસ્થા એવા ઘણાં સ્તરને સ્પર્શે છે. મુસ્લિમ રાજવીઓની પાશવીનીતિઓ માત્ર હિંદુઓ માટે હતી એ વાત સાચી પણ પોતાના સગાં પિતા, ભાઈ , પુત્રનું કાસળ કાઢવામાં પણ આ લોકો અવ્વ્લ હતા. 

સલીમને જ્યારે પોતાની રાજગાદી ખતરામાં લાગે છે ત્યારે પિતા અકબરને ઝેર આપે છે , આ તમામ ઐતિહાસિક તથ્ય પર આધારિત છે. પોતાના ભાઈનું કાસળ કાઢી નાખે છે. સગાં પુત્ર ખુશરૂને બંડખોરીની સજા આપવા માટે એની આંખો ફોડાવી નાખે છે. નવલકથામાં ઉલ્લેખાયેલી આ બધી વાતો વાસ્તવિકતા છે. 

આ મહેરુન્નિસાસ જેટલી સહૃદયી છે એટલી ક્રૂર પણ છે. એ બેમાંથી કયો ચહેરો સાચો એ વાચક નક્કી કરે પણ સલીમને કબૂતરનો શિકાર કરવા પર રોકતી આ મહેરુન્નિસા પોતે અવ્વલ દરજ્જાની શિકારી છે અને એટલું જ નહીં પોતાના પહેલા પતિની હત્યા માટે જવાબદાર પણ ખરી. 
 
રઝિયા સુલતાનની જેમ પોતાના નામના સિક્કા પડે એવી બળબળતી ખ્વાહિશ ધરાવનાર આ મહેરુન્નિસાને ઇતિહાસ નૂરજહાંને નામે ઓળખે છે. 

ઇતિહાસમાં બે મહિલા શાસકના નામના સોનાના સિક્કા બહાર પડ્યા છે એક રઝિયા સુલતાન અને બીજી આ નૂરજહાં . જહાંગીરની વીસમી રાણી.જેને માટે કહેવાય છે કે એને જહાંપનાહ જહાંગીરના બે પ્યાલીનો ઘરાક બનાવી દીધો હતો. એમ્પરર જહાંગીર હતો પણ રાજદંડ નૂરજહાંના હાથમાં હતો. 
અસાધારણ મહત્વાકાક્ષાઓ નૂરજહાં ને હિન્દુસ્તાનની મલાઈકા તો બનાવે છે પણ એ જ તૃષ્ણા એને જહાંગીરના મૃત્યુ પછી પાછલી જિંદગીમાં થાપ આપી છે. 

મહેરુન્નિસાથી નૂરજહાં બનવાની વાત આ ઇન્દુ સુંદરસેને ઐતિહાસિક તથ્યો અને હકીકતને આધારે ઘડી છે. Twentieth wife નૂરજહાંના ચમકતાં સિતારાની વાત છે અને પછી શરૂઆત થાય છે ઑટની. પુત્રમોહ કે પછી પુત્રીમોહ જીવન કેવા તબાહ કરી નાખે એની સત્યકથા એક સિરિયલાઈઝડ નવલકથા સ્વરૂપે. 

અલબત્ત, ઇતિહાસ બદલાતો નથી . નવા સ્વરૂપ ધરીને સામે આવતો રહે છે. સત્તા અને એ સાથે પુત્ર કે પુત્રીમોહ આપણે માટે ક્યાં અજાણ્યો છે ? 

હિસ્ટોરિકલ ફિક્શનના રસિયા માટે તાજ ટ્રાયોલોજી એક ટ્રીટ છે. 





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse