વો સુબહ કભી તો આયેગી : પણ ક્યારે...?

 કાશ્મીર ફાઇલ્સ જોયું નહોતું ત્યારે વિચારી રાખ્યું હતું કે આ ફિલ્મ વિષે , આ વિષય પર કશું જ ન લખવું . પત્રકાર તરીકેની કારકિર્દીમાં કાશ્મીરને ખૂબ નિકટથી જોવાનો , વિસ્થાપિત હિન્દૂ પંડિત કુટુંબોને મળવાનો, સેના સાથે લાઈન ઓફ કંટ્રોલ પર રહેવાનો , સૌથી વધુ ખતરનાક વિસ્તારોમાં ઇન્સર્જન્સી દરમિયાન સોપોર બારામુલ્લાહની સુમસામ ગલીઓમાં ઘુમવાનો અને આ તમામ પરિબળોના પ્રત્યક્ષ અને પરોક્ષરીતે સાક્ષી બનવાની તક મળી હતી. એટલું જ નહીં કારકિર્દીના વર્ષોમાં લાંબા સમય સુધી ડિફેન્સ બીટ પણ કરી હતી.  ઘણી બધી વાતોના મૂળથી વાકેફ હોવા છતાં કશું નથી લખવું એવું મન બનાવી લીધું હતું. એ ફિલ્મ જોયા પછી મન ફેરવાય ગયું એવું પણ ન માનશો. 

મન ફેરવવા માટે જવાબદાર કારણો તો જુદાં જ હતા. કહેવાતાં વિદ્વાનોના મત , ડિબેટ તરીકે , ભાષણ સ્વરૂપે , કમેન્ટના વિકૃત સ્વરૂપ તો જોયા પણ હદ  ત્યારે થઇ ગઈ કે આ કરુણાંતિકાને જસ્ટિફાય કરવાની ચળવળ ચાલી. વોટ્સએપ મેસેજ પર ફરતાં લાંબાલચક મેસેજો . મુસ્લિમ બહેનો પર કેટલા બળાત્કાર થયા છે તેનું શું ? એવી વાતો. હિન્દૂ કરતાં મુસ્લિમો વધુ માર્યા ગયા છે એવી વાહિયાત દલીલો.  એટલું પૂરતું નહોતું , કહેવામાં આવ્યું કે આ ત્રાસવાદીઓ ભારત વિરોધી નહોતા. રહ્યું. બીજો એક સુર આવ્યો કે લોકોને ઇસ્લામફોબિયા છે. જે વાંચીને લાગ્યું કે આ તો ચોરી પે સિનાજોરી જેવું થઇ ગયું . આ બાલિશ કે પછી શેતાની હરકતો પર રિએક્શન શું હોય શકે?


 ખુશહાલ કુટુંબો એક રાતમાં રસ્તા પર આવી ગયા ને અમુક ગણ માને છે કે પંડિતો કરતાં વધુ પીડિત અન્ય લોકો છે. એ અન્ય છે કોણ હજી જાહેર થયું નથી. 

આ આક્રમણ એટલું જબરદસ્ત  હતું કે મનમાં પ્રશ્ન એ ઉઠ્યો કે જે કરુણ પ્રકરણ ઇતિહાસમાં બન્યું છે એ વિષે વાત પણ નહીં કરવાની ? આ કેવી વાત ? ઔરંગઝેબની ધર્માંધતા કે મુસ્લિમ આક્રમણકારીઓની ક્રૂરતા વિષે વાત કરીએ તો આ ઇસ્લામફોબિયાની વાતો કરતા ભાઈબહેનો કહેશે  કે એ તો ભાઈ સર્વાઇવલ ઓફ ફિટેસ્ટનો સિદ્ધાંત છે , એ વાસ્તવિકતા  જાણો છો કે નહીં ? એટલે થયું કે આ સ્ટોકહોમ સિન્ડ્રોમ પીડિતો માટે  તો  નહીં પણ પોતાની અને લાઈક માઇન્ડેડ લોકોની સંતુષ્ટિ માટે તો જે મનમાં આવે લખવું જ રહ્યું. 

જોરશોરથી  પ્રચાર ચાલુ કરવામાં આવ્યો કે એ બોલોને કે 19 જાન્યુઆરી 1990ના દિવસે થયેલી હિજરત માટે જવાબદાર કોણ ? એ વખતે સરકાર કોની હતી ? એ વખતે ગવર્નર કોણ હતું ? સરકારના  સાથી પક્ષમાં કોણ હતું? આ બધું થયું 89-90 ના વર્ષોમાં. એવો પ્રચાર ચાલુ થયો છે. 

એ તો સહુને ખબર છે કે સરકાર વી પી સિંઘની હતી ને તે વખતે ગવર્નર રુલ લાગુ પાડવામાં આવ્યો હતો. ગવર્નર હતા બહુચર્ચિત એવા જગમોહન . એમનું મૂળ નામ જગમોહન મલ્હોત્રા પણ એ નામથી એમને કોઈ ન ઓળખે. એ જગમોહનના નામે જ ઓળખાતા હતા. સંજય ગાંધીના ખાસમખાસ  ભેરુ , કટોકટી સમયગાળામાં એમની ભૂમિકા વિનોદ મહેતા લિખિત  સંજય સ્ટોરી પુસ્તક વાંચી જવાની ભલામણ છે. પાછળથી રાજીવ સાથે પણ સારેસારું હતું  . પણ, મૂળ તો માણસ ઇન્દિરા ગાંધીના  . કટોકટી વખતે એમને જે ભૂમિકા ભજવી હતી તે માટે ગૂગલ કરી લેવું. ને હા, એ જબરદસ્ત પ્રભાવશાળી બ્યુરોક્રેટ્  એટલે એમને વી પી સાથે પણ એટલું જ સારું હતું . (હવે એમને હિન્દુવાદી , આરએસએસવાળા કહીને કોંગ્રેસના કપડાં ઊજળાં કરવાની રમત ચાલે છે.) 

હવે કહેવાય છે કે કાશ્મીરી પંડિતોને જે ભોગવવું પડ્યું તેને માટે જવાબદાર બીજું કોઈ નહીં પણ વીપી સિંઘની સરકાર હતી , જેને સપોર્ટ ભાજપનો હતો તે (ભાજપ ત્યારે ભાંખોડિયા ભરતી હતી) અને ગવર્નર જગમોહન સૌથી મોટો કાતિલ.   જે લોકો જગમોહનને રાક્ષસ તરીકે ચીતરે છે એ લોકો ભૂલી જાય છે કે જગમોહન તાનાશાહ નહોતા, એ નોકરશાહ હતા. એટલે માલિકનો પડ્યો બોલ ઉઠાવનાર બ્યુરોક્રેટ. પણ, આજે જગમોહનને તમામ વાત માટે જવાબદાર ઠેરવીને નેતાઓને ક્લીન ચિટ આપવાની વાત ચર્ચામાં છે. આ નિરીક્ષણ અને કથન નહેરુગાંધી ડાયનેસ્ટીના મહાન ચાહક ભગત એવા લોકોનું છે. એ લોકો આજે પણ માને છે કે કોંગ્રેસ કેન ડુ નો રોન્ગ. કોંગ્રેસ ક્યારેય ભૂલ કરે જ નહિ. 2024માં લોકસભામાં 25 સીટ પર આવીને ઉભી રહી જશે તો પણ આ ચાહક ભાવક આમ જ માનશે. પણ, એ સાથે આપણને ઝાઝી લેવાદેવા નથી. 

આપણે ફક્ત ક્રોનોલોજી જોઈએ કે કાશ્મીરની હિજરત ,કાશ્મીરની આ હાલત થઇ ક્યારે ? કેવી રીતે ? એને માટે ખરેખર જવાબદાર કોણ હતું.  અને હા, લોકો માને છે કે 19 જાન્યુઆરી 1990 હિજરતનો દિવસ હતો પણ એક  હિજરત નહીં માસ  એક્ઝડ્સ કહેવાય એવી સાત હિજરત ઇતિહાસમાં થઇ છે. 

એ વિશે કશું લખવાની ગુસ્તાખી ફિલ્મ જોનાર ન કરી શકે. ફિલ્મ જોતાં લાગ્યું કે આવી કેટલી કરુણ વાતો 1996 માં જમ્મુના કેમ્પમાં મળેલાં પરિવારો પાસે સાંભળી હતી. આજે અમુક તમુક લોકો ને મિડિયા જેને સદંતર જુઠાણું કહે છે, એવા લોકોને રૂબરૂ મળવાનું થયું છે. આ લખવું જરૂરી લાગ્યું માત્રને માત્ર એક કારણથી. એક પ્રચાર થઈ રહ્યો છે કે આ બધું થયું 89-90 થી. હકીકત જુદી છે. એ કડીઓ જોડાય તો સત્ય સામે આવી જશે. 

અહીં એક અગત્યની નોંધ. આ તમામ માહિતી પ્રકશિત થયેલા પુસ્તકોમાંથી તથા નેટ પર છે. સર્વત્ર ઉપલબ્ધ છે. ગૂગલ પર પણ મોટાભાગની માહિતી મળશે. જરૂરી છે ધીરજ અને તટસ્થતા. જો આખી સિલસિલાબંધ વિગતોની કડીઓ જોડશો તો તમે પોતે ક્ષીર નીર કરી શકશો.લખનારનો ઉદ્દેશ માત્ર ને માત્ર કડીઓ જોડીને વાત સમજવાનો છે. 

જો તમને કોઈ એ કહે કે કાશ્મીર કોન્ફ્લિક્ટના બીજ 90 માં રોપાયા તો એ સદંતર જુઠ્ઠી ને બેબુનિયાદ વાત છે. 

આ સમસ્યાના મૂળ દસ વર્ષ પૂર્વે 1980માં રોપાયાં છે. જેને પરિણામે આ કાશ્મીરી પંડિતો આજે પણ IPD (ઇન્ટરનલી ડિસ્પ્લેસ્ડ પીપલ) તરીકે આજે પણ ઓળખાય છે. કહાની જેટલી કરૂણ છે એટલી જ લાંબી છે. ખરેખર તો 75 માં પણ કાશ્મીર ને સ્વતંત્રતા મળે, જનમત લેવામાં આવે તે ચળવળ પણ ચાલુ હતી. એટલે અલગતાવાદી વાતાવરણ ત્યારે પણ હતું જ. 

એક સમયની મિત્રતા શત્રુતામાં ફેરવાઈ ગઈ. નહેરુએ શેખ અબ્દુલ્લાને જેલભેગાં કર્યા હતા.

કાશ્મીરમાં ત્યારે હતા શેખ અબ્દુલ્લા , ફારૂક અબ્દુલ્લાના પિતા, ઓમારના દાદા .એ સર્વેસર્વા હતા. આમ તો નહેરુ સાથે સંબંધો ખૂબ સુમેળભર્યા હતા, પણ  મામલો એવો બન્યો કે નહેરુ ને શેખ અબ્દુલ્લાના સંબંધો વણસી ગયા .એમને કાશ્મીર કોન્સ્પીરસી કેસમાં 11 વર્ષ કેદ રાખ્યા હતા.નહેરુને આશંકા હતી કે શેખ અબ્દુલ્લા સ્વતંત્ર કાશ્મીર માટેના ચક્રો ગતિમાન કરી રહ્યા હતા. એ માટે પાકિસ્તાન એમને  મદદ કરી રહ્યું હતું. આ શંકા તે વખતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ને હતી. એક સમયના મિત્રો આ કારણે સામસામે આવી ગયા હતા. નહેરુએ એમને જેલભેગાં કર્યા હતા. શેખ અબ્દુલ્લા એ લગભગ 11 વર્ષ કારાવાસમાં હતા. પછી તો ઘણાં નીર યમુનામાં વહી ગયા. નહેરુ ગયા ને ઇન્દિરા આવ્યા .ઠેઠ 1975માં એ ચીફ મિનિસ્ટર બનેલા. 1977માં ફરી ચૂંટણી લડીને ચીફ મિનિસ્ટર તો બન્યા પણ એમના મનમાં એક વહેમ ઘુસી ગયેલો કે કાશ્મીર પર તેમની પક્કડ હોવી જોઈએ એટલી મજબૂત નથી. એક નોંધનીય વાત કે કાશ્મીરવેલીનો નામચીન મકબૂલ ભટ આ જ સમયની પેદાશ છે. (1984 માં તો એને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો, આ નોંધ એ ઈતિહાસવિદો માટે છે જે ત્રાસવાદ ને 89-90 ની પેદાશ માને છે) 

આ સમયગાળા દરમિયાન નોંધનીય વાત એ છે કે કાશ્મીરમાં હિન્દુને મુસ્લિમ વચ્ચે કોઈ જીવલેણ સમસ્યા નહોતી. સ્વતંત્રતા પૂર્વે ડોગરા રાજમાં   હિંદુઓ માઈનોરિટીમાં હોવા છતાં એમને કોઈ સમસ્યા નહોતી. સ્વતંત્રતા પછી પણ કોમી એખલાસ હતા એમ કહેવું વધુ પડતું નથી . પણ, પછી વાતાવરણ બદલાતું ચાલ્યું. એક બાજુ જનમત લેવાની અલગતાવાદીઓની મમત ને શેખ અબ્દુલ્લાની અસલામતીએ બાજી બગાડી . શેખને  જે ભીતિ પેસી ગયેલી એના પરિણામે એને હિન્દૂ મુસ્લિમ કાર્ડ રમવાનું ચાલુ કર્યું. મેજોરીટી અપીઝમેન્ટ કાર્ડ. એમને પહેલીવાર હિંદુઓ માટે મુખબિર ,અધર્સ જેવા શબ્દો વાપરવા માંડ્યા. હિંદુઓ ખાસ કરીને પંડિત આખી કાશ્મીર વેલીમાં પથરાયેલા હતા. મોટાભાગે શિક્ષક ,પ્રોફેસર , વકીલ ,પત્રકાર જેવા કામમાં જોડાયેલા . ટૂંકમાં સુશિક્ષિત પ્રજા ને વળી સારું કમાતી. એટલે ધનાઢ્ય કહી શકાય એવી. અલબત્ત, કોઈ શેખ અબ્દુલ્લા એ  કોઈ હિન્દૂ વિરોધી પોલિસી  કાગળ પર નહીં માત્ર મૌખિકરીતે શરુ કરી. 

હિંદુઓ માટે મુખબીર, અધર્સ જેવા શબ્દ વાપરીને મુસ્લિમ માનસમાં ઝેર રેડવાનું કામ શરુ થયું. 

આ થઇ એક આંતરિક વાત. સાથે સાથે વિશ્વમાં પણ ભારે તોફાન ચાલી રહ્યું હતું. 1980 માં સોવિયેત અફઘાનિસ્તાન વૉર ચાલી રહી હતી. એમાં અમેરિકા લાકડા નાખતું જતું હતું. ધર્મને નામે મુસ્લિમ બ્રધરહૂડ મુવમેન્ટ જોર પકડી રહી હતી. ઈરાનમાં પણ ઇસ્લામિક ક્રાંતિને કારણે મજહબી જોર વધ્યું હતું. ગલ્ફના દેશો ભામાશા બનીને જ્યાં ત્યાં મદદ કરતા હતા. આ બધા પરિબળો પણ પરોક્ષ રીતે ઉદ્દીપક બની રહ્યા. 

1980 પહેલાં પણ કાશ્મીરમાં તણખાં તો થયેલા પણ એટલા મોટા પાયે નહીં કે કોઈ એની નોંધ લે. ને 1982માં શેખ અબ્દુલ્લા ગુજરી ગયા. હવે નેશનલ કોન્ફરન્સના ચીફ બન્યા એમના દીકરા ફારૂક અબ્દુલ્લા. 1983ની ચૂંટણી પણ જીત્યા ને ચીફ મિનિસ્ટર બનેલા.

ફારૂક અબ્દુલ્લાને શપથ લેવડાવનાર જગમોહન હતા ને ફારુકને સત્તાથી વિમુખ કરનાર પણ જગમોહન. એ કોના ઈશારે થયું સમજવા જેવી વાત છે. 

હવે યાદ રહે કે તે વખતે ફારૂક અબ્દુલ્લાને શપથ લેવડાવનાર હતા ગવર્નર જગમોહન. હા, એ જ જગમોહન જેને નામે ઘણાં બિલ ફાડે છે તે જ. 83માં સીએમ બન્યા પછી 84માં કેન્દ્ર સરકાર સાથે વાંકુ પડ્યું. કેન્દ્રમાં હતી ઇન્દિરા સરકાર. ઇન્દિરા ગાંધીએ નેશનલ કોન્ફરન્સના કેટલાંક વિધાયક તોડ્યા ને ફારુકને ઉથલાવી પાડ્યા. ઇન્દિરા ગાંધીની કૂટનીતિ જુઓ. એને ફારૃક અબ્દુલ્લાના બનેવી ગુલામ મહોમ્મ્દ શાહ  જે નેશનલ કોન્ફરન્સના સિનિયર નેતા હતા એની જોડે મળીને આ ઓપેરેશન પ્લાન  કરેલું. હવે ઇન્દિરા ગાંધીની મહેરબાનીથી ચીફ મિનિસ્ટર બની ગયા ગુલામ મોહમ્મદ શાહ. જેનો ઉલ્લેખ ગુલ શાહ તરીકે વધુ થાય છે.

એટલે ફારૂકની સરકારને ટોપલ કોને કરી ? જગમોહને . કોના કહેવાથી કરી ? ઈન્દીરાના. પણ, વિદ્વાન લોકો આ વાત ને ઉલ્લેખવી જરૂરી નથી સમજતા. 

કશ્મીરમાં કાળા દિવસોની શરૂઆત થઇ આ માણસથી. ગુલ શાહ , ફારૂક અબ્દુલ્લાનો બનેવી. ઈન્દીરાએ ફારૂક સાથે  હિસાબ કરવા આને ગાદીએ બેસાડ્યો હતો. 

ગુલ શાહ તો ગાદીએ બેઠા કે પ્રકાશ્યા, એમને એક હિન્દૂ મંદિર તોડીને મસ્જિદ બનવવાનું ફરમાન કરેલું. એ સામે પહેલીવાર વિરોધ થયો. હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા. પેરેડાઇઝ લોસ્ટના લેખક પ્રોફેસર કે એલ ભાણ  લખે છે કે કાશ્મીરનું બચ્ચું બચ્ચું જાણે છે કે સૌથી વધુ ખૂનામરકી ગુલ શાહના સમયગાળામાં જુલાઈ 84થી માર્ચ 86માં થયેલા.  એટલી હદ સુધી કે હિન્દૂ પરિવાર સામે થતી સતામણી ,ગુંડાગર્દી ની ફરિયાદ પોલીસે રિપોર્ટ ન કરવી એવા આદેશ ઉપરથી અપાયેલા. 

જુલાઈમાં ઇન્દિરાજીએ ગુલ શાહને  ખુરશી સોંપી ને 31 ઓક્ટોબર 1984માં તેમની હત્યા થઇ. એ પછી આવ્યા રાજીવ ગાંધી. રાજીવને ગુલ શાહની બદમાશીઓ સમજતાં ખાસ્સો સમય લાગ્યો.  એક બાજુ  અયોધ્યા ઈશ્યુ ચાલતો હતો ને પાછું કાશ્મીર સળગે એવું લાગતું હતું. એટલે એમને લાગ્યું કે ગુલ શાહની હકાલપટ્ટી કરીને ફારૂકને બેસાડી દેવાનો વિકલ્પ સારો છે. હવે ત્યાં રોડું હતા મુફ્તી મહોમ્મ્દ સઇદ .ત્યારે પીડીપી અસ્તિત્વમાં નહોતી. એને પણ સીએમ બનવું હતું. પણ ત્યારે તો ચૂપ રહ્યા વિના કોઈ વિકલ્પ નહોતો. 86માં રાજીવ ગાંધીએ ફારુકને ફરી ખુરશી પર બેસાડ્યા. ફારૂક અબ્દુલ્લા ને રાજીવ ગાંધી વચ્ચે મિત્રતા હતી. પણ, સમય ઓછો હતો. ચૂંટણી માથે હતી. ફારુકે અબ્દુલ્લા 3 મહિના માટે કેરટેકર સીએમ તરીકે રહ્યા કારણકે માર્ચ 1987 કાશ્મીર ચૂંટણી હતી . ત્યારે કોઈને ખબર નહોતી કે આ ચૂંટણી કાશ્મીરનું ભાવિ બદલી નાખવાની હતી. 

કાશ્મીરમાં ચૂંટણીનું એલાન થયું એટલે એક તરફ તો હતી ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ . પહેલીવાર એવું બન્યું કે સામે ઉભી થઇ એક નવી પાર્ટી. મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ. (MUF) આ પાર્ટીમાં એવા લોકો જોડાયા હતા જે ભવિષ્યમાં આતંકવાદીઓ તરીકે પંકાયા.





જેવા કે સૈયદ  સલાહુદ્દીન  જે પાછળથી હિઝબુલ મુઝઉદ્દીનનો કમાન્ડર બનેલો. તેનો કેમ્પેઇન મેનેજર હતો યાસીન મલિક . (જેને માથે મર્ડરના ચાર્જીસ હતા એને 2008માં એક સામયિકે પોતાના કોન્કેલવમાં  યુથ આઇકોન તરીકે આમન્ત્રિત કરેલો)  હુર્રિયત વાળા સૈયદઅલી ગિલાની. આ બધા એક થઈને ચૂંટણી લડ્યા હતા. કહેવાની જરૂર નથી કે જીતી નેશનલ કોન્ફરન્સ ,તે પણ કોંગ્રેસના સપોર્ટથી. એટલે આ બધા ગિન્નાયા. 
 યાસીન મલિક ને યુથ આઇકોન તરીકે નવાજવામાં આવેલો એ પણ એક હકીકત છે. 

આ હતો કાશ્મીરનો ટર્નિંગ પોઇન્ટ. 

અલબત્ત, સદીઓ પૂર્વે એક સમય એવો હતો કે કાશ્મીર હિન્દૂ રાષ્ટ્ર હતું પછી ઇસ્લામની ઇન્ફ્લુઅન્સ વધી. મંદિરો તૂટયા. ઘણાં લોકોએ ઇસ્લામ અંગીકાર કર્યો પણ એ સૂફી ઇસ્લામ , સૂફી વહાબી જેટલા બર્બર નથી હોતા એવું જાણકારો માને છે .  હિંદુઓ લઘુમતીમાં હતા પણ સલામત હતા. છ શતક સુધી આ શાંતિ બરકરાર રહી હોવાનું  કહેવાય છે.

ખરેખર તો 86ની ચૂંટણીમાં  જે થયું તેના બીજ 75-80થી વાવવાની શરૂઆત થઈ ચૂકી હતી. જે બધું શરુ થયું તેની હવા કાશ્મીરને લાગી ચુકેલી જેની ગુપ્તચર એજન્સીઓને થઇ નહીં હોય ?   

 સોવિયેત અફઘાન વોર અને બીજું મહત્વનું કારણ હતું પાકિસ્તાનમાં ઝિયા ઉલ હક્કનું શાસન . એ તો સૌ જાણે છે કે ઝિયા બીજો ઔરંગઝેબ લેખાય છે. એના સમયથી શરુ થયો એક આક્રમક  દૌર. 

કાશ્મીર વેલીમાં નેશનલ કોન્ફરન્સ જીતી તેમાં તે વખતે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી. મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટનું માનવું હતું કે ચૂંટણીમાં કોંગ્રેસે ગોબાચોરી કરાવીને નેશનલ કોન્ફરન્સને જીતાડી હતી.  એટલે શરૂઆત થઇ ત્રાસવાદી સર્જવાની. જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) તો 1976થી અસ્તિત્વમાં હતો પણ હવે શરૂઆત થઇ તેમની ટ્રેનિંગની.જે પાક ઓક્યુપાઈડ કાશ્મીર (POK) માં ટેરરિસ્ટ ટ્રેનિંગ કેમ્પ સ્થાપવાની શરૂઆત થઇ. અલબત્ત, ઝિયાની મહેરબાનીથી. તે વખતે ઘણાં  જૂથ હતા. JKLF ને સ્વતંત્ર કાશ્મીર ખપતું હતું તો જમાતે ઇસ્લામીને પાકિસ્તાનમાં ભળી જવું હતું. આ બધા જૂથોના મત જુદા હતા પણ બોટમલાઇન મંત્ર હતો એન્ટી ઇન્ડિયા મુવમેન્ટ.

 1987થી સ્થિતિ બદતર થતી ગઈ. કાશ્મીર વેલીમાં કિશોર એકે 47 લઈને ફરતાં થયા. જે કોઈ ઇન્ડિયા તરફી વાત કરે એને ધમકાવતાં , એ પછી હિન્દૂ હોય કે મુસ્લિમ. કાશ્મીરમાં પણ સહિષ્ણુ, ઉદારમતવાદી મુસ્લિમ પણ ઘણાં હતા . એ લોકો પણ આ ક્રૂરતાનો શિકાર બન્યા હતા. ઓપન ઇન્સર્જન્સી જેવી સ્થિતિ નિર્માણ થઇ ચુકી હતી. ગલી ગલીમાં નિઝામે મુસ્તફાના નારા ગુંજતા. એટલે કે ઇસ્લામિક રાજ આવશે. આ લોકો માટે સોફ્ટ ટાર્ગેટ હતા કશ્મીરી પંડિત. એનું કારણ કે એક તો આ લોકો લઘુમતીમાં હતા. બીજું સારા સંપન્ન ,સુશિક્ષિત લોકો . એમના ઘર મિલ્કત પડાવી લેવાની ઈચ્છા પણ ખરી. 

1988માં ઝિયા ઉલ હક્ક પ્લેન ક્રેશમાં માર્યા ગયા. લોકોને એવી આશા હતી કે હવે શાંતિ થશે પણ એવું થયું નહીં. બેનઝીર ભુટ્ટોએ પણ પોતાના સમયમાં  pokના ટ્રેનિંગ કેમ્પ ચાલુ જ રાખ્યા હતા . 

સૌથી પહેલી ઘટના બની 14 સપ્ટેમ્બર 1989ના રોજ. એક એડવોકેટ હતા પંડિત ટીકાલાલ ટપલુ , વ્યવસાયે એડવોકેટ ,સમાજસેવી ને નવી નવી બનેલી ભાજપના કાશ્મીર વિંગના નેતા. ઉગ્રવાદીઓએ ધોળે દિવસે શ્રીનગરના ચોકમાં એને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યા. પંડિતોને એક સંદેશ આપવા કે હિન્દુઓના આ જ હાલ થશે. પછી  વારો પડ્યો પંડિત નીલકંઠ ગંજુનો.  જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના નિવૃત્ત જજ હતા. એને બહુચર્ચિત એવા મકબુલ ભટ્ટને ફાંસીની સજા આપી હતી. એની હત્યા પછી વારો આવ્યો  એક પત્રકારનો.  ટૂંકમાં હિન્દૂ પંડિતોને ડરાવવાનો કારસો હતો જે સફળ થઇ રહ્યો હતો. આ વાતો ફિલ્મમાં છે. 

આ વખતે કેન્દ્રમાં વી પી સિંહની સરકાર આવી ચુકી હતી. રાજીવ ગાંધીની આગળપાછળ ફરતાં મુફ્તી મહોમ્મદ સઈદ પાટલી બદલી ચુક્યા હતા. ને તે વખતે વીપીની સરકારમાં હોમ મિનિસ્ટર હતા. દેશના હોમ મિનિસ્ટરની દીકરી રૂબૈયાનું અપહરણ કરવામાં આવ્યું. છોડવાની શરત હતી પાંચ ખૂંખાર આતંકવાદીઓને છોડવાની.

 

એક મત એવો પણ છે કે મુફ્તી મહોમ્મ્દ સઈદની દીકરી રુબિયાનું અપહરણ ત્રાસવાદીઓને છોડાવવાનો કારસો હતો.

ઇતિહાસમાં આ બનાવને સૌથી મોટી ભૂલ માનવામાં આવે છે. એક મત તો એમ પણ કહે છે કે મુફ્તી મોહંમદ પોતે આ પ્લાનમાં શામેલ હતા. ત્રાસવાદીઓને છોડાવવા આ શેમ કિડનેપિંગ પ્લાન કરાયેલું પણ જે હોય તે ,પાંચ આતંકવાદીઓ છૂટી ગયા ને કાશ્મીરમાં રોજ હત્યા કિડનેપિંગ ને બળાત્કારનો દોર શરુ થયો. 

હવે શાંતિ માટે પગલાં ભરવાની જરૂર પડી. મુફ્તી  માટે તો બગાસું ખાતાં પતાસું આવ્યું. એ આ જ તકની રાહમાં હતા. એને વીપીને સલાહ આપી કે જે એન્ડ કે માં ગવર્નર તરીકે જગમોહનને મુકવામાં આવે. એ જગમોહન જેને ફારુકને સત્તામાંથી બરખાસ્ત કરી ને ગુલ શાહને બેસાડ્યા હતા. સ્વાભાવિક છે કે ફારૂક ને જગમોહનને છત્તીસનો આંકડો હોય. એના વિરોધમાં ફારૂક અબ્દુલ્લાએ રાજીનામુ આપી દીધું. 

હવે વિચાર કરો કે જ્યાં રોજ ધોળે દિવસે હત્યાનો દોર ચાલુ હોય ને ત્યાં કોઈ લો એન્ડ ઓડૅર ન હોય. જગમોહન તો હજી જમ્મુમાં હતા ને હવામાન ખરાબ હોવાથી શ્રી નગર પહોંચ્યા પણ નહોતા. ત્યાં અફરાતફરી ચાલુ થઇ ગઈ. જો કે એ સ્થિતિ ફારૃકનાં રાજીનામાં સાથે થઇ એ વાત પણ વધુ પડતી છે. 

આ સિવાયની તો મોટાભાગની વાત ફિલ્મમાં કહેવામાં આવી છે. છતાં ઉલ્લેખનીય બને છે. 

હકીકતે આ બધું થયું એ પહેલા જ ત્યાંના સ્થાનિક અખબારમાં હિઝબુલ મુજાહિદીન દ્વારા પહેલે પાને જાહેરખબર આપવામાં આવી હતી કે પંડિતોએ વહેલામાં વહેલી તકે વેલી છોડી દેવી નહીંતર તેમના ઘરબાર મિલ્કત ને પરિવારના જાનની સલામત નહીં રહે. રોજ હિન્દુઓના ઘરમાં બૉમ્બ ફેંકાતા  રહેતા. હિન્દૂ ઘરની દીવાલો પર જાસાચિઠ્ઠી ચીપકાવેલી સવારે જોવા મળતી. ભયની પરાકાષ્ઠા નહીં સહેવાતાં ઘણાં કુટુંબો એ  સમયે ઉચાળા ભરવા જ  માંડેલા. એટલે હિજરત તો શરુ થઇ જ ગયેલી પણ કયામતની રાત આવી 19 જાન્યુઆરી 90 ના રોજ. જેને નાઈટ ઓફ ટેરર લેખાય છે. એ દિવસે તમામ મસ્જિદોના લાઉડ સ્પીકરમાંથી ધમકી આપવામાં આવી કે જો હિંદુઓ કાશ્મીર વેલી છોડીને નહીં જાય તો ખૂનામરકી શરુ થશે. 

19 જાન્યુઆરીએ લોકો પહેરેલે કપડે નીકળી ગયા. કે કહો એમને કાઢી મુકાયા. પોતાની તમામ જણસ, જમીન ને છોડીને. પોતાના બે ત્રણ મંજિલવાલા દમામદાર મકાનો છોડી દેવા પડ્યા. એમને પહેરેલે કપડે ઘરબાર છોડવા પર મજબૂર કરવામાં આવ્યા. એ દિવસે લગભગ 70 હજાર લોકો એકસાથે નીકળી પડેલા. વર્ષો સુધી એ લોકો રેફ્યુજી કૅમ્પમાં રહ્યા છે. ઘણા તો આજે પણ રહી રહ્યા છે. 

આવા આવાસમાં રહેનાર લોકો વર્ષો સુધી રેફયુજી કેમ્પમાં ટેન્ટમાં જીવન ગાળવા મજબૂર થઇ ગયા. 


જમ્મુનો નિરાશ્રિત કેમ્પ હવે આવા આવાસમાં તબદીલ થયો છે. 

આ તમામ પરિસ્થિતિમાં કેટલાક હિંમત કરીને રહેતા હતા. પણ, એમને પણ માર્ચ એપ્રિલ સુધીમાં હિજરત કરવી પડી. લગભગ ત્રણ લાખથી વધુ પંડિતોએ કાશ્મીર  છોડ્યું.ઓફિશિયલ ફિગર કહે છે 89 થી 2004 સુધીમાં 219 લોકો માર્યા ગયા પણ કાશ્મીર પંડિત સંઘર્ષ સમિતિના આકલન પ્રમાણે ગણતરીના મહિનામાં 700થી વધુ હત્યા થઇ હતી. 

કાશ્મીર ફાઇલ્સને  ફિલ્મ તરીકે મુલવવી અસ્થાને છે. ફક્ત એક અવલોકન નોંધ્યું તે એ છે કે કહાણીના પાત્રો રૂપક તરીકે પ્રયોજાયા છે. જેમ કે પ્રોફેસર રાધિકા છે આજના કહેવાતાં સ્યૂડો સેક્યુલરિસ્ટસ. કૃષ્ણ છે આજની  ignorant પેઢી. જેમના જ્ઞાનની ગંગા whatsapp અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પૂરતી સીમિત છે. 

ફિલ્મ કોઈના ગમા કે અણગમાની મોહતાજ નથી. હવે એ narration ચાલુ થયું છે કે 2024 ના election માટે આ ફિલ્મ બનાવાઈ છે. લોકો હતાશાના માર્યા કેટલાં હાસ્યાસ્પદ તર્ક કરી શકે એનો એક મજબૂત પુરાવો. 

લોકોને બે વર્ષ પૂર્વે મચેલો covid નો ખોફ યાદ નથી તે લોકો એક ફિલ્મ યાદ રાખશે? 

હા, પાંચ રાજ્યો ચુંટણી સમયે આ ફિલ્મ આવી હોત તો આ તર્ક વાજબી લાગત. 

આજે પણ કેટલાય વિસ્થાપિતો પોતાના વતન જવાનું એક સ્વપ્ન સાચવીને બેઠા છે. 

ઑગસ્ટ 2021માં આ લખનારે જયારે કાશ્મીરની મુલાકત લીધી ત્યારે જાણ્યું કે હજી કાશ્મીર વેલીમાં  પંડિતો વસે છે. જયારે એમને મળવા પ્રયત્નો હાથ ધર્યા તો સફળતા ન મળી. ખરેખર આ કુટુંબો વસતાં હશે?

એવું નથી કે તમામ મુસ્લિમ પાશવી છે. કેટલી સ્ટોરીઓ એવી પણ જાણી કે ઘણાં  મુસ્લિમ પરિવારો આજે પણ પોતાના હિન્દૂ મિત્ર કે પાડોશીઓના ઘરબાર જાળવે છે. એક દિવસ એ લોકો પાછાં ફરશે એવી આશામાં . 

એ દિવસ ક્યારે આવશે ? 


કલમ 370 ઉઠાવ્યા પછી પંડિતોની આશા પ્રબળ થઇ છે પણ હિંમત હજી કેળવાઈ નથી. એ માટે સરકારે ઘણી મહેનત કરવી પડશે એવું લાગે છે. 

સપનાં જોવા પર પાબંદી નથી. તો આ પંડિતોની ઘરવાપસી શકય બને એવી પ્રાર્થના તો કરી શકીએ ને. 

વોહ સુબહ કભી તો આયેગી.... પણ ક્યારે? એ પ્રશ્ન વધુ મહત્વનો છે.


ટિપ્પણીઓ

  1. એ વખત ના રાજકીય માહોલ ની ખૂબજ વિસ્તૃત અને માહિતી આપતો લેખ.સાથેજ હાલમાં જે લોકો પોતાની પસંદગી ના રાજકીય પક્ષ માટે એકબીજા પર દોષારોપણ કરે છે એમણે ખાસ આ લેખ વાંચવો જોઈએ.

    જવાબ આપોકાઢી નાખો
  2. ખૂબ ઉત્તમ અને અભ્યાસ પૂર્ણ લેખ બદલ અભિનદન.શુભકામના

    જવાબ આપોકાઢી નાખો
  3. Thank you for sharing a comprehensive background of Kashmir issue. Your first hand experience in journalism and research based on historical events makes this article more authentic.

    જવાબ આપોકાઢી નાખો
  4. ખૂબ સરસ અને અભ્યાસપૂર્ણ લેખ બદલ આભાર

    જવાબ આપોકાઢી નાખો
  5. સરશ આલેખન, સુંદર માહિતી સભર .સત્ય હકીકત બહાર આવી રહી છે
    મેનત લેખે લાગશે

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કલ આજ ઔર કલ

અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?

રાણીની વાવ