ટાઇમ ટુ સ્લો ડાઉન


દક્ષિણ મુંબઇની ઓફિસમાં કાર્યરત પ૦ વર્ષનાં વિભાવરી યાજ્ઞિક વિટંબણા ખૂબ યુનિક છે. દૂર પરામાં રહેતાં વિભાવરી ધારે તો ઓફિસ પહોંચવા પોતાના ઘરની સામેના જ સ્ટોપ પર આવતી એરકંડિશન્ડ બસમાં આરામથી મ્યુઝિક સાંભળતાં સાંભળતાં, સવારનાં અખબારોની કંપની સાથે ઓફિસ પહોંચી શકે છે. વિભાવરી ઘરથી ઓફિસ પહોંચવાનો આ બે કલાકનો સમય ખરેખર ઓફિસવર્કમાં જ કે પછી પોતાના રચનાત્મક કામમાં જ ઉપયોગમાં લઇ શકે છે. પણ, બે કલાક! આ સમયગાળો જ અકળાવી નાખે છે. વિભાવરીને વળગણ છે ફાસ્ટ ટ્રેનનું. છેલ્લો કોળિયો ભર્યો ન ભર્યો અને ઉચકજીવે ખભે પર્સ લટકાવી દોટ મૂકવી, રિક્ષાવાળાને કાલાવાલા કરી સ્ટેશન પહોંચવું, ભર્યે પેટે કરેલી દોડાદોડીથી ભલેને હાંફ ચડે છતાં હાંફળાફાંફળા ચઢી પાંચ નંબરના પ્લેટફોર્મ પરથી ફાસ્ટ ટ્રેન દોડતાં દોડતાં ન પકડી તો યે જીના ભી ક્યા જીના હૈ દોસ્તો?
આ ‘ફાસ્ટ ડિસઓર્ડર’નો શિકાર માત્ર વિભાવરી યાજ્ઞિક કે તેના જેવા પ્રોફેશનલ્સ જ હોય એ જરૂરી નથી. જ્યાં જુઓ ત્યાં આ જ પરિસ્થિતિ છે.
થોડા સમય પૂર્વે જ અતિપ્રતિષ્ઠિત એવા એક લેખક પર કોઇના લખાણની ઉઠાંતરી કરવાનો ગંભીર આક્ષેપ થયો હતો. જેને માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એવા આ લેખકે જાહેર માફી પણ માગવી પડી હતી. આ બનાવે પત્રકારજગતમાં ભારે ચકચાર જગાવી દીધી હતી. અલબત્ત, પત્રકારજગતમાં આ વાત કંઇ નવી-નવાઇની નથી, પરંતુ આટલી નામનાવાળા પત્રકારની સંડોવણી થાય તે આશ્ચર્યજનક વાત હતી. અલબત્ત, બચાવ તો નહીં, પરંતુ તાજેતરમાં જ તે બનાવ અંગે ટિપ્પણી કરતાં એ લેખકે પોતાની બાજુ રજુ કરતાં કહ્યું કે ‘ખરેખર તો આ વાતે મને વિચાર કરતો મૂકી દીધો. રોજ-બરોજની સુપરફસ્ટ ગતિએ હરીફાઇભર્યા વાતાવરણમાં ક્યાંક વાંચ્યું હોય, મનમાં ઊંડે ઊંડે કંઇક ધરબાઇ ગયું હોય તેનું ક્યાંક અવતરણ થતું હોય… કોઇ અપ્રામાણિક પ્રયોજન વિના, કારણ વિના, અજાણ્યે થયેલી ક્રિયા જેને જગતે પ્લેજિયરિઝમ એટલે કે ઉઠાંતરી લેખાવી.’
આ બનાવે એ લેખક પત્રકારની જિંદગીમાં ટર્નિંગ પોઈન્ટ બતાડ્યો . એને લાગ્યું કે બસ, અહીં થોડા ધીમા પડવાની જરૂર છે. ટાઇમ ટુ સ્લો ડાઉન. વાત સાચી પણ છે. માણસ પોતે, પોતાની જિંદગીમાં રોજબરોજની ક્રિયા, ખાણીપીણી, વાચન, રમત, આનંદ-પ્રમોદ કઇ રીતે કરે છે તેની નોંધ સભાનતાથી જ્યારે મન જ ન લે તો એ જિંદગી જીવી હોય તેમ કહેવાય ખરું? આપણી આગળપાછળ, ઉપરનીચે જ્યાં જુઓ ત્યાં એક જ ગતિ સવાર થઇ રહી છે. તે છેઃ ફાસ્ટ. ફાસ્ટ ફૂડ, ફાસ્ટ કાર, ફાસ્ટ મ્યુઝિક, ફાસ્ટ મૂવી. અરે! ફેશન પણ ફાસ્ટ, ટ્રેન્ડ પણ ફાસ્ટ. વેકેશન પણ ફાસ્ટ. હવે તો યોગ ને મેડિટેશનના કોર્સ પણ ક્રેશ એટલે કે એકદમ નાના, ઝડપી.
અને કદાચ છેલ્લા બે દાયકાથી ચાલી રહેલી આ ગતિ પર રોક લગાવવા આવી રહ્યો છે ટ્રેન્ડ સ્લો ડાઉનનો.


અલબત્ત, આ ટ્રેન્ડ આજકાલનો છે એવું તો ન જ કહી શકાય. અમેરિકામાં તો છેલ્લાં ત્રીસ વર્ષથી શરૂ થયો છે, પરંતુ તેના નામ જેવા ગુણધર્મ છે એટલે હજુ જોઇએ તેટલો પ્રસિદ્ધ થયો નથી. ભારતમાં ક્યાંક ક્યાંક પગપેસારો કરી ચૂક્યો છે તે ‘સ્લો ડાઉન’ ટ્રેન્ડને ઘણા લોકો લક્ઝરી માને છે.
વિદેશોમાં પણ ‘સ્લોડાઉન’ ટ્રેન્ડને લક્ઝરી કેટેગરીમાં મૂકી દેવાયો છે, પરંતુ આ ટ્રેન્ડનું પોત તપાસો તો લાગે આ તો આપણી જ અસલિયત છે. વિદેશથી ઇમ્પોર્ટ ભલે થયો હોય, પણ છે તો નખશિખ ભારતીય. સ્લો ડાઉન ટ્રેન્ડમાં આવતું સ્લો ફૂડ એટલે શું એવું પૂછો તો એ ઓર્ગેનિક ધાન્ય, શાકભાજી ને ફળફળાદિ. જેને ઉગાડવામાં, પકવવામાં ન કૃત્રિમ રસાયણો, ખાતર, જંતુનાશક વપરાય, પકાવવામાં ન કૃત્રિમ રંગ, સુગંધ, વપરાય. પોતાની અસલી રીતે વિના કોઇ માનવીય હસ્તક્ષેપ નિર્માણ થાય તે સ્લો ડાઉન ટ્રેન્ડમાં આવી જાય એટલે કે બિલકુલ પરંપરાગત, દેશી, જે વર્ષો પૂર્વે આપણી ઓળખ હતી. અમેરિકામાં સ્લો ફૂડ તરીકે વેચાતા ખાદ્ય પદાર્થોમાં પિઝાના લોફ, બ્રેડ રાગી, જુવારમાંથી બને છે.

આ ટ્રેન્ડ માત્ર ફૂડ પૂરતો સીમિત નથી, ફેશન ને લાઇફસ્ટાઇલને આવરી લે છે.
સ્લો ડાઉન ફેશન ટ્રેન્ડ ભારતમાં વ્યાપ્ત છે જ, અલબત્ત નામ વિના. વિદેશોમાં હવે ‘શ્વસી શકે તેવી ફેબ્રિક’ એટલે કે ખાદી અને હેન્ડલૂમ, સુતરાઉ કપડાંની માગ ત્યાંના સમર દરમિયાન રહે જ છે. ભારતીય નિકાસકારો એ માટે થઇને ખાદી, હેન્ડલૂમ, મલમલ પર બાંધણી, લ્હેરિયા, પોલકા ડોટ્સ, ઇકત, કલમકારી જેવી પ્રિન્ટ્સનાં પશ્ચિમી ફેશનનાં વસ્ત્રો તૈયાર કરી માર્કેટ રોકડું કરે છે. માત્ર મટીરિયલ નહીં આ પ્રિન્ટ પણ ‘સ્લો ડાઉન’માં ફિટ થાય છે, કારણ કે આ પરંપરાગત પ્રિન્ટ્સ ક્યારેય આઉટ ઓફ ડેટ થતાં નથી. વિદેશમાં ખાસ કરીને સમરમાં ને વર્ષભર ભારતીય માર્કેટમાં આ વસ્ત્રો ઉપલબ્ધ હોય છે, છતાં ભારતમાં આ રેન્જને ‘સ્લો ડાઉન’ની ઓળખ પ્રસ્થાપિત થઇ નથી, છતાં ભારે લોકપ્રિય છે. કારણ? કારણ છે તેની આરામદાયકતા.


સ્લો ડાઉન મંત્રના બીજમાં જ છે આરામદાયકતા, સાતિ્ત્વકતા અને સાતત્યતા. છેલ્લાં ૩૦ વર્ષથી પશ્ચિમી દેશોમાં ચાલતો આ ટ્રેન્ડ નામ પ્રમાણે જ અતિશય ધીમી ગતિએ પોતાનું કામ કરી રહ્યો હતો હવે અચાનક જ તેને સમગ્ર વિશ્વમાં આવકાર મળવા લાગ્યો છે.
‘સ્લો ડાઉન’ને અચાનક જ મળનારા ‘ફાસ્ટ આવકાર’નાં કારણ તો સમજવાની ક્યાં જરૂર છે? ને આપણે ત્યાં તો કહેવત છે ઉતાવળાં તે બહાવરા , ધીરા સો ગંભીર … , ઉતાવળે આંબા ન પાકે …
છેલ્લા એક દાયકામાં માનવજાત જે ગતિએ ધબકી રહી છે તે જ મુખ્ય કારણ છે આ સ્લો ડાઉનના આવકારનું. રોકેટ સ્પીડથી માનવજાતિ સ્વવિનાશ તરફ ગતિ કરી રહી છે તે જોતાં તો હવે સ્લો ડાઉન ટ્રેન્ડ ન આવે તો જ નવાઇ ને!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen