લેખક તરીકે પ્રયાસ આત્માની બારી ઉઘાડી આપવાનો છે : મુરાકામી

 જ્યારે ચંદ્રકાંતા નામની ઐતિહાસિક સિરિયલ રજૂ થવાની હતી જ્યારે  એવું ક્યાંક વાંચવામાં આવેલું કે દેવકીનંદન ખત્રી દ્વારા 1888માં લખાયેલી નવલકથા ચંદ્રકાંતા ખરીદવા માટે લોકો રાત્રે પણ  દુકાન સામે કતાર લગાવતા હતા. આ વાત કેટલી સાચી ને કેટલી પબ્લિસિટી સ્ટંટ ભગવાન જાણે પણ જે કે રોલિંગની હેરી પોટર ને બાદ કરતાં કોઈ પુસ્તક માટે આવી ચાહત જોઈ નહોતી. 
આ ઉન્માદ જોવા મળ્યો 2020માં . કોરોના લોકડાઉન પછી જાપાની લેખક હાકિરો મુરાકામીના પુસ્તક માટે એવો ઉત્સાહ જોવા મળ્યો. જેની નોંધ વિશ્વના મીડિયાએ લેવી પડી. 

જ્યારે કિતાબકથાની શરૂઆતી બેઠકમાં નોબેલ પુરસ્કાર વિજેતા લેખક ગેબ્રિઅલ ગાર્સિયા માર્કિસને વાંચ્યા હતા ત્યારે થયેલી ચર્ચામાં અતિપ્રસિદ્ધ એવા આ જાપાની લેખક હાકીરો મુરાકામી વિશે પણ વાત થઇ હતી. 
મેજીકલ રિયાલિઝમ માટે જાણીતા ગેબ્રિએલ ગાર્સિયાની જેમ મુરાકામી પણ એટલા જ જાણીતા અને ચાહીતા છે. 
 
પુસ્તકના નામ હતા એક, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને બીજું હતું Abandoning a Cat: Memories of my Father. આ બે પુસ્તકો માટે લાગેલી કતારના પ્રસિદ્ધ થયેલા ફોટોગ્રાફ્સ કોઈ પણ પુસ્તકપ્રેમીનાં મનમાં કુતુહલ ન જગાવે તો જ નવાઈ. 

એશિયન દેશ હોવા છતાં જાપાનીઝ સાહિત્ય યુરોપિયન સાહિત્ય જેમ લોકભોગ્ય નથી. એ વિશે વધુ શોધખોળ કરતા લાગ્યું કે દરિયાની ઊંડાઈ કિનારે બેસીને કેમ માપી શકાય ? એ માટે તો પાણીમાં ઉતરવું પડે. 

છેલ્લી બેઠકમાં જાપાનના સર્જકોને વાંચવાની વાત થઇ હતી ત્યારે મિત્ર પ્રીતિ જરીવાળાએ આપેલી કીગો હિગાશિનોની  'ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ' હાથવગી હતી. આ લેખક જાપાનના થ્રિલર નવલકથા માટે મશહૂર છે. આ નોવેલ પરથી આપણે ત્યાં એક સિરીઝ હમણાં આવી ગઈ, કરીના કપૂર અભિનિત જાને  જાના. આ સિવાય પણ દ્રશ્યમ ફિલ્મની મૂળ સ્ટોરીના પ્રણેતા હોવાની વાત પણ છે. પણ, અહીં વાત  કરવી છે હાકિરો મુરાકામીની.

 એક થ્રિલર રાઇટર છે બીજા છે મેજીક રિયાલિઝમના માસ્ટર .

સાચું કહું તો થ્રિલર સ્ટોરી વાંચવી  જેટલી  રસપ્રદ હોય છે એટલી જ જટિલ હોય  છે મેજિક રિયાલિઝમ સ્ટોરી.

લેખક કહેવા શું  માંગતો હોય અને વાચક પોતાની બૌદ્ધિક મર્યાદાને કારણે, પરિસ્થિતિ અને સંજોગોને કારણે સમજે શું એ મુખ્ય પ્રશ્ન છે. હાકીરો મુરાકામી એ વિષે સ્પષ્ટતા કરી જ દે  છે કે જો વાત સ્પષ્ટતા વિના ન સમજાય તો એ સ્પષ્ટતા કરવા પછી પણ સમજાશે નહીં.

અલબત્ત, આ વાત સાથે વાચકે કેમ , ક્યારે અને કેટલી હદ સુધી સંમત અસંમત થવું એ અલગ ચર્ચાનો વિષય છે. 

મુરાકામીના પુસ્તકને પસંદ કર્યું થોડી કુતુહલતાથી. હાકીરોના રહસ્યમય વ્યક્તિત્વથી પ્રણેતા કદાચ...
 
પહેલા જાઝ બાર ચલાવતા હતા પછી પત્રકાર પણ રહેલા ને હવે આટલાં  મોટા સર્જક હોવા છતાં એ જાપાની સાહિત્ય વર્તુળોમાં ક્યારેય હળતામળતાં  નથી. એમની કોઈપણ કૃતિની પહેલી વાચક તેમની  પત્ની હોય છે. 
આવી બધી વાતો પણ ક્યાંકને ક્યાંક સર્જનમાં છતી થઇ જતી હોય સ્વાભાવિક છે. 

મુરાકામીની 2020માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ફર્સ્ટ પર્સન સિંગ્યુલર જે આઠ ટૂંકી વાર્તાનો સંપુટ છે પસંદ કરી ,  કારણ, આ ટાઇટલ મને જાણીતું લાગ્યું.  સમકાલીનતંત્રી હસમુખ ગાંધી સાહેબની ખૂબ લોકપ્રિય એવી કોલમ પહેલો પુરુષ એકવચનને કારણે. જેના નૌતમલાલ આજે પણ વાચકોને યાદ હશે જ. 

પુસ્તકની વાત કરીએ. કુલ આઠ વાર્તાઓ છે. નરેટર છે આપણા હીરો લેખક પોતે. અહીં આઠે આઠ વાર્તાની વાત ન કરતા મને ગમેલી બે ચાર વાર્તાઓની વાત કરવી છે. 

પ્રથમ વાર્તા, 'ક્રીમ',  લેખક પોતાની કિશોરાવસ્થાની એક વિચિત્ર ઘટનાની યાદ અપાવતી વાર્તા કહે છે.

 હાઈસ્કૂલના અંત અને યુનિવર્સિટીની શરૂઆત વચ્ચેના ઉનાળામાં આપણો હીરો કે પછી વાચક પોતે એ રોલમાં જોવા માંગે તો એ પોતે , એવો કિશોરાવસ્થા ને યુવાવસ્થા વચ્ચે ઝોલા ખાતો કિશોર પોતાની બોરિંગ જિંદગીમાં પિયાનો કલાસમાં એક છોકરી તરફ ખેંચાય છે. જો કે આકર્ષણ શબ્દ અહીં બંધબેસતો નથી. આમ પણ એ છોકરીને કોઈ સારી વાદક નથી. છતાં એક દિવસ એ પોતાના કાર્યક્રમનું નિમંત્રણ આપે છે. છોકરી દ્વારા પિયાનો સંભળાવવાનું રહસ્યમય આમંત્રણ મળ્યા બાદ, હીરો  કોબે સુધીની લાંબી મુસાફરી કરે છે. જ્યારે હોલ પર પહોંચે છે ત્યારે એવું લાગે છે કે એની સાથે કોઈએ ક્રૂર મશ્કરી કરી છે. 

કાર્ડ પર જે સ્થળ છે તે હોલ પર તો તાળું લટકે છે. આખો વિસ્તાર ધનવાનોની વસ્તી જેવો લાગે છે પણ એમના દિલ જેવો શુષ્ક, ન કોઈ અવરજવર છે ન શોર. નિર્જન આડોશપડોશમાં કોઈ હાજરી નથી, ત્યારે એવું લાગે છે કે  હીરોને  કોઈ ચોક્કસ હેતુથી કારણ વિના અહીં છોડી દેવામાં આવે છે.  દેખીતી રીતે તેને આશ્વાસન આપવા માટે કોઈ અવાજની શોધમાં છોડી દેવામાં આવે છે. 

હીરો પોતે પોતાની જાતને નિમ્ન, હીન ભાવનાથી ગ્રસિત અનુભવે છે. ત્યારે એક વૃદ્ધ માણસ દેખાય છે અને તેને કોઈ સંદર્ભ વિના વાતચીત શરૂ કરે છે . તેને  કેન્દ્રો સાથેના વર્તુળની કલ્પના કરવાનું કહે છે. A circle that has many circles but no circumferences. 
એટલે શું?  
હીરોને વાર્તાના અંત સુધી સમજાતું નથી. આ જ છે મેજીક રિયલિઝમ. 

જેમાંથી લેખક પોતે નીકળી જાય છે અલબત આપણને ભેરવીને... આ વાર્તા વાંચીને તમે પુસ્તક બાજુએ મૂકી શકો નહીં કારણ કે હવે આપણું મગજ એ વિધાનની સ્પષ્ટતા માંગે છે. 

આ સમયે મેં પુસ્તક નીચે મૂક્યું, વૃદ્ધ માણસ આપણા હીરોને શું કલ્પના કરવા કહેતો હતો, તે શું ચિત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો,?
 વૃદ્ધ માણસ કહેવાનું ચાલુ રાખે છે તે  મુદ્દો ન હતો. આ દુનિયામાં એવું કંઈ નથી જે તમે સરળતાથી મેળવી શકો...ચોક્કસ વિષય પર સખત મહેનત કરવાથી તે આખરે તમારા જીવનની જણસ (ક્રીમ) બની જાય છે, એવું  કશુંક વૃદ્ધ માણસ કહેવા માંગે છે?
જો કે આપણો  હીરો વૃદ્ધ માણસે શું શીખવવા માંગતો હતો તે ચોક્કસપણે સમજવામાં નિષ્ફળ જાય છે. એ તો  ઉપર ઘેરાયેલાં  વાદળો જોવામાં વ્યસ્ત થઇ જાય છે. કદાચ એ એવું સમજે છે કે આ ઘટનાએ તેના આત્મા સાથે કંઈક અંશે સમાધાન કર્યું. તેના માટે વર્તુળ એવી વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે જે આપણું મગજ  સમજી શકતું નથી, છતાં અસ્તિત્વમાં છે. એ પ્રેમ, કરુણા, વિશ્વાસ અથવા બીજું કંઈક હોય શકે. જેનો સંપૂર્ણપણે, આપણે સ્વીકારીએ છીએ એક શક્તિ દ્વારા, જાણે કે આપણે એક વિશાળ અસ્તિત્વના અંશ હોઇએ.
 મુરાકામી, આ વાર્તા દ્વારા યુવાન વાચકોને, અથવા તો પોતાની એક નાની આવૃત્તિને પણ આશ્વાસન આપવાનો પ્રયાસ કરે છે, કે વિશ્વમાં ખોવાઈ ગયેલી લાગણી એ એક કુદરતી ઘટના છે, જે લાગણીઓ દ્વારા મૂંઝવણની લાગણી અનુભવવી એ આપણને માનવ બનાવે છે. એ ચર્નીંગ , એ હૃદયનો વલોપાત જે નીપજાવે છે તે ક્રીમ એટલે કે આત્મજ્ઞાન છે. 
આવું કશુંક લેખક કહેવા માંગતા હશે તેવું અનુમાન છે પણ આ એક વાર્તાએ મારા થ્રિલરપ્રેમી મસ્તકમાં વધુ એક વલોણું ફેરવવાનું ચાલુ કરી દીધું. 
એ રહસ્યમય વૃદ્ધ વ્યક્તિ કોઈ ઝેન માસ્ટર હશે ? એ હીરોની ટેસ્ટ લેવા ઈચ્છતો હશે ? આપણા હીરોની તકદીરમાં બે પંથ નિર્માણ થવાનું નિયત હશે ? એક ઝેન માસ્ટર બનવાનો યોગ  અને બીજો યોગ નામી લેખક બનવાનો. જેમ સિદ્ધાર્થની કુંડળીમાં યોગ હતો એક મહાન સમ્રાટ બનવાનો કે પછી એક મહાન સંત બનવાનો. 
એવું કહી શકાય કે મુરાકામી પોતાના ઉદ્દેશમાં સફળ થયા છે. વાચકને પોતાની કલ્પના સૃષ્ટિમાં રઝળતો મૂકી દેવો એ જ તો કદાચ તેમનો આશય હોવો જોઈએ. 

 બીજી વાર્તા છે  ઓન અ સ્ટોન પિલો


હીરો કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરે છે . તેની એક સહકાર્યકર છે . વધુ વેતનની આશામાં નોકરી છોડીને બીજે ક્યાંક જવાની છે. ફેરવેલ પાર્ટીનું આયોજન થાય છે. જે પાર્ટી પત્યા પછી આ છોકરી (જેનું નામ પણ હીરોને ખબર નથી) ટ્રેનમાં કહે છે કે રાત વધુ થઇ ગઈ છે તો શું એ લેખકને ત્યાં એક રાત વિતાવી શકે છે.? 
સીન બાત એક રાત કી જેવો થાય છે. 
એ છોકરી પોતે તેના જીવનની વિગતો કહેવાથી શરમાતી નથી, એ છોકરી આપણા હીરોને કહે છે કે એ કોઈક કવિના પ્રેમમાં છે પણ એ કવિને માત્ર છોકરીના શરીરમાં રસ છે.. એનો દિલનો પ્રેમ તો બીજે ક્યાંક છે . 

ન તો હીરોને એ છોકરી માટે પ્રેમ કે આકર્ષણ છે ન તો છોકરીને , અલબત્ત , એ તો કહે છે કે શારીરિક સબંધની પરાકાષ્ઠાએ આવતા અગર એ પોતાના પ્રેમીનું નામ બોલી જશે તો વાંધો નથી ને ?
ને હીરો , એ વાતને સ્વીકાર્ય પણ રાખે છે. સાથે મોઢું બંધ રાખવા ટુવાલ પણ આપે છે. 
( વાચકના માથામાં  રેશમી મોજામાં પાંચશેરી મારે રાખે તે હાકીરો મુરાકામી).
એ સ્ત્રી જે દ્વિધામાં છે તેની દ્વિધા લેખક માત્ર હીરોના માથામાં જ નહીં વાચકોના માથામાં રોપી દે છે. 
આ આખી વાત હીરો વર્ષો પછી યાદ કરે છે ત્યારે એને ન તો એ સ્ત્રીનું નામ યાદ છે ન એનો ચહેરો , એને માત્ર આ પ્રસંગ યાદ છે અને યાદ છે  તેના નાક પાસેના બે મસા. લેખક એવી માનવીય ઝંખનાની વાત કરે છે જે સામાન્ય હોવા છતાં અસામાન્ય છે.

દિલથી નહીં દિમાગથી પણ નહીં , એકમેક માટે આકર્ષણ સુદ્ધાં નહીં પણ માત્ર ને માત્ર એક સગવડ માટે બંધાતાં સમીકરણો કોઈ નવી વાત નથી. હીરો જાણે છે કે ઠંડી રાત્રે સાથે પકડી રાખવા માટે ગરમ શરીર સિવાય બંને વચ્ચે કોઈ અન્ય જરૂરિયાત પણ ન હતી. બંનેની ઉંમર ઉપરાંતની ઉદાસીનતા, ખાલીપાને કારણે ઉદભવેલી હૃદયહીનતા સૂચક છે. 
આગલી સવારે,  હીરો અને સ્ત્રી બંનેને દેહ ઉપરાંત એકબીજા માટે કોઈ ઈચ્છા નથી એ સમજ્યા પછી, આપણો હીરો  રસપ્રદ રીતે સ્ત્રીમાં તેના ઉપરછલ્લા લક્ષણોની બહાર વધુ તલ્લીન થઈ જાય છે,  ટાંકા ( હાઈકુની જેમ એક કવિતાનો પ્રકાર) લખવા માટેના તેના રસ  વિશે જાણે  છે. થોડા દિવસો પછી હીરોને ટાંકા કાવ્યોનું પુસ્તક મળે છે. જે કાવ્યો પેલી છોકરીએ લખ્યા છે.  કવિતા દ્વારા જ આપણો હીરો સ્ત્રીને પ્રેમ માટે લાયક વ્યક્તિ તરીકે સમજવાનું શરૂ કરે છે, જે તેની જેમ જ પીડા અને વેદનાનો અનુભવ કરે છે. નોંધનીય રીતે, હીરો , તેને ભેટ તરીકે  મોકલવામાં આવેલ ટાંકાના પુસ્તકનું ઝીણવટપૂર્વક વર્ણન કરી શકે છે.  આ પુસ્તક છે જે તેના મગજમાં રહેલી સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે.
 કેટલીક રીતે, આ વાચક માટે કંઈક વધુ આરામદાયક છે. એકવાર આપણો હીરો  સ્ત્રીની ઉપરછલ્લી કિંમતથી આગળ વધે છે, તે સ્ત્રીના પ્રેમ અને મૃત્યુની અભિવ્યક્તિની સમજી શકે છે.
લેખક કદાચ એવું કહેવા માંગે છે કે પ્રેમ , વિશ્વાસ, હૃદયના જોડાણ જેવી કોઈ ચીજ જ અસ્તિત્વમાં નથી ?  શારીરિક, ભૌતિક , ક્ષણિક સુખની એરેંજમેન્ટ જ માનવીય સ્વભાવ છે ? 
 

ચાર્લી પાર્કર પ્લેઝ બોસા નોવા 


જેને રહસ્યવાદ, સાઈકોલોજિકલ મિસ્ટ્રી સિરીઝ ગમે તેવા લોકોને પસંદ આવે તેવી વાર્તા છે. 
મુરાકામી પોતે વર્ષો સુધી જાઝ બાર ચલાવતા હતા તે જાણીતી વાત છે. એ ઉપરાંત તેમનો સંગીતનો રસ પણ જાણીતો છે. વળી એ પત્રકાર પણ રહ્યા છે એટલે કોઈ પણ વિષયમાં ઊંડા ઉતરવાની તેમની આદત રહી હોય એ પણ સ્વાભાવિક છે. 
અહીં વાત છે એવી જ કઈંક. કોઈક અલૌકિક અનુભવની વાત છે. શું ખબર  મુરાકામીએ પોતે એ અનુભવ કર્યો હોય ને પછી વાર્તા સ્વરૂપે લખ્યો હોય ?
નેરેટર હીરો  કાલ્પનિક ચાર્લી પાર્કર પ્લેઝ બૉસા નોવા આલ્બમનો   વાઇબ્રન્ટ રિવ્યુ એક મેગેઝીનમાં લખે છે.  માત્ર લેખક જ જાણે છે કે પોતે આવી કરતૂત કરી છે. હકીકતે એવું કોઈ મ્યુઝિક આલ્બમ અસ્તિત્વમાં જ નથી. મેગેઝીન તો ફટકળીયુ હતું આમ પણ બંધ થઇ જાય છે. વાત ભુલાઈ જાય છે..
હવે વર્ષો પછી લેખક ન્યુ યોર્કની કોઈ સ્ટ્રીટમાં ફરી રહ્યા છે. ત્યાં એક નાની મ્યુઝિક શોપ દેખાય છે. 
હવે  મુરાકામીની લાક્ષણિક શૈલીમાં, જાદુઈ વાસ્તવિકતા ચાલુ થાય છે.
 ત્યાં, ન્યુ યોર્કમાં એક નાનાં રેકોર્ડ સ્ટોરમાં  યુઝડ રેકોર્ડ વેચાઈ રહી છે.  લેખકની નજર પડે છે એક રેકોર્ડ પર. સફેદ જેકેટ પર કાળા અક્ષરો ; 'ચાર્લી પાર્કર પ્લેઝ બૉસા નોવા.
એ કેવી રીતે શક્ય છે ? લેખક જાણે છે કે પોતે જ આ શેખચલ્લી જેવો પીસ લખ્યો હતો હવે એ રેકોર્ડ અસ્તિત્વમાં  કઈ રીતે સંભવી શકે ?
ઘડીભર માટે લેખકને થાય છે કે એ રેકર્ડ ખરીદી લેવી જોઈએ. કિંમત હોય છે 35 ડોલર જે બહુ વધુ લાગવાથી લેખક સ્ટોરની બહાર નીકળી જાય છે. પછી થાય છે એ રેકોર્ડ ખરીદી લેવી હતી. તેથી બીજા દિવસે ફરી એ સ્ટોર પર જાય છે તો એ રેકોર્ડ મળતી નથી.  દુકાનદાર કહે છે કે એવું કોઈ આલબમ છે જ નહીં. 
તો રાત્રે લેખકે શું જોયું ?  
કેટલાક વર્ષો પછી, પાર્કરનું ભૂતિયા સ્વરૂપ ‘કોર્કોવાડો’ (કલ્પના કરેલ આલ્બમમાંથી એક ગીત) ભજવે છે, જેમ કે નાયકે કલ્પના કરી હતી.
 વાર્તાની કરુણ ક્ષણ અંતમાં આવે છે જ્યારે પાર્કરનો સ્વપ્નશીલ દેખાવ એવી દુનિયાની કલ્પના કરવા માટે હીરોનો એટલે કે લેખકનો  આભાર માને છે જો પાર્કર વૃદ્ધાવસ્થા સુધી જીવતો હોત તો તેણે સાંભળ્યું તેવું સંગીત વગાડ્યું હોત. 

અંગત રીતે, આ વાર્તા તેમજ આ સંગ્રહમાં મુરાકામીની અન્ય કેટલીક કૃતિઓ સમજાતી  નથી. જેવી કે confession of shingawa monkey. પણ  મુરાકામીને તેની એટલે કે કૃતિ સરેરાશ વાચકને સમજાય કે ન સમજાય તેની પરવા ન જ હોય એવું ચોક્કસપણે માની  શકાય. . આ વાર્તા લેખક માટે નિઃશંકપણે અત્યંત વ્યક્તિગત છે, આ વાર્તામાંના અલૌકિક અનુભવો સાચા છે કે નહીં,  વિવિધ સંગીતના તત્વો અને પાર્કરની સુખદ ધૂન જે મુરાકામીએ વર્ણવી છે તે નિઃશંકપણે એવી વસ્તુઓ છે જે મુરાકામીના હૃદયમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતી હોવી જોઈએ . 
 
અગાઉની વાર્તાની જેમ જ, ‘વિથ ધ બીટલ્સ’ કાલ્પનિક મુરાકામી આત્મકથામાં ગુમ થયેલ, ભૂલી ગયેલા પ્રકરણ જેવું લાગે છે; હ્રદયસ્પર્શી છતાં કડવી, નાયકના જીવનમાં આ ક્ષણોને કેપ્ચર કરવી એ દર્શાવે છે કે આપણા જીવનમાં કેવી ક્ષણિક ક્ષણો ખરેખર 'ક્ષણિક' નથી હોતી.
1964, બીટલમેનિયા.. એક છોકરી,  અનામિકા , વિથ ધ બીટલ્સની LP પકડીને શાળાના કોરિડોરમાં ઉતાવળથી નીચે આવી રહી છે.  હીરોની યાદમાં એક અલગ ક્ષણ કાયમ માટે કેદ કરવામાં આવે છે, જે હીરો  પર ઊંડી અસર છોડી દે છે કારણ કે તે અન્ય છોકરીઓની  જેમ ઝલકતી સંવેદનાની શોધ કરે છે. વાસ્તવમાં તે સંગીત ક્યારેય નહોતું જેણે હીરો પર છાપ પાડી હોય, પરંતુ તે તેમના સંગીતને જોવા અને સાંભળવા સાથે જોડાયેલી યાદો લેખકના મન પર અમીટ છાપ છોડી જાય છે.
 
1965ના વર્ષમાં હીરોને  ગર્લફ્રેન્ડ, સાયોકો મળે  છે. પર્સી ફેઈથ ઓર્કેસ્ટ્રા દ્વારા "થીમ ફ્રોમ અ સમર પ્લેસ" ના મ્યુઝિકલ વૉલપેપર" સામે સેટ તેની ગર્લફ્રેન્ડને તેના માતાપિતાના સોફા પર કિસ કરવાની રચનાત્મક યાદો તે ક્ષણે તેની યુવાનીના લેન્ડસ્કેપને રંગ આપે છે. જો કે, મુરાકામી યુવાનોની આદર્શવાદી છાપ ન દોરે તેની કાળજી રાખે છે.  અંધકાર એટલે કે કન્ફ્યુઝન હંમેશા વાર્તાની  આસપાસ ઘૂમરાયા કરે  છે.

 1968,  સામાજિક અભ્યાસ શિક્ષકની આત્મહત્યા. હીરો  એ વિચારથી અસ્વસ્થતા વ્યક્ત કરે છે કે, જ્યારે તે તેની ગર્લફ્રેન્ડ સાથે પર્સી ફેઈથ ઓર્કેસ્ટ્રાની સિમ્ફની માણતો હતો, ત્યારે તેના શિક્ષક ધીમે ધીમે મૃત્યુ તરફ સરકતા  જતા હતા.
  
મુરાકામીને એક કુશળ હોરર લેખક તરીકે ઓળખવામાં આવતા નથી, પરંતુ આ વાર્તા  દરમિયાન આપણને લાગે કે આ હોરર સ્ટોરી હશે ?  પરિબળોનું સંયોજન; ગર્લફ્રેન્ડનો પરિવાર કોઈ પત્તો વિના ગુમ થવો, કરુણ કવિતા, ભાઈનો અસ્વસ્થ સ્વભાવ અને એક સમયે પીરિયડ્સ માટે બ્લેકઆઉટ કરવાની તેની વૃત્તિ (તેના ડર સહિત કે તે કોઈનું માથું દબોચી શકે છે અને તેને કોઈ યાદ નથી); ચોક્કસ, મુરાકામી ભાગ્યના કેટલાક ઘેરા વળાંક તરફ સંકેત આપે છે.
 
પરંતુ મુરાકામી સાથે, વાચકની લાગણીઓ ક્યારેય સુરક્ષિત નથી. વર્ષો પછી,  તે (હવે ભૂતપૂર્વ) ગર્લફ્રેન્ડના ભાઈને ટોક્યોમાં મળે છે. ખબર પડે છે સાયોકોની આત્મહત્યાની .
 હીરોને ને યાદ છે કે તેઓએ છેલ્લી વખત જ્યારે એકબીજાને જોયા હતા ત્યારે કાર રેડિયોમાંથી  પોલ મેકકાર્ટનીનું ' યુ સે  ગુડબાય આઈ વિલ સે  હેલો ... ' સંભળાઇ રહ્યું હતું . એ સાયોકોને કહે છે કે તે કૉલેજમાં કોઈ અન્ય સાથે પ્રેમમાં પડ્યો છે. ને સાયાકો ...

તે ક્ષણ અને મૃત્યુ વચ્ચેના સમયગાળામાં,  સાયાકો કોલેજ જાય છે  નોકરી કરે છે , સહકર્મચારી સાથે લગ્ન કરે છે , બે બાળકોની માતા બને છે  ને છતાં ... છ મહિનાની ઊંઘની ગોળીઓ બચાવી  એક દિવસ એક સાથે લઈને  આત્મહત્યા કરે છે. કોઈ નોંધ નથી, કોઈ સ્પષ્ટ કારણ નથી. 
સયાકોની જેમ  જ  તે રીતે, યુવાની નિર્દોષતાના પોપ ગીતો દ્વારા વર્ગીકૃત થયેલ પ્રથમ સંબંધની પ્રિય યાદો અદૃશ્ય થઈ ગઈ છે.
 
‘વિથ ધ બીટલ્સ’ એ સાથે સમાપ્ત થાય છે કે શું તેણે 1964 માં આટલા વર્ષો પહેલા જે છોકરીને જોઈ હતી તે હજુ પણ તે શાળાના કોરિડોર નીચે ચાલે છે,  હજી  એલપીને પકડી રાખે છે ? એક દુ:ખદ વાર્તાનો એક કડવો અંત, જેમાં હીરો  એલપી ગર્લની સ્મૃતિને જાળવી રાખે છે તેવી જ રીતે તેણે સાયોકો સાથે બનાવેલી યાદોને ખૂબ જ સારી રીતે જકડી  રાખે છે. એ પ્રેમ નહીં યાદ પકડીને બેસનારાંઓની જમાતનો સભ્ય છે. તેની યુવાનીનું મ્યુઝિકલ વૉલપેપર પ્રેમ અને ખોટની વાસ્તવિકતાઓથી કંઈક અંશે ફાટેલું અને વિખરાયેલું હતું, તેમ છતાં તેની યાદોના રેકોર્ડ તરીકે જળવાયેલું છે.

અને અંતમાં , એક વાચક તરીકે નિખાલસ નોંધ. હાકીરો મુરાકામી વિષે જે પ્રશંસાના ફૂલ ગૂગલ પર વેરાયા છે તે વાંચીને મેં એમને વાંચવા શરુ તો કર્યા પણ એમને વાંચવા ને સમજવા એક ભગીરથ કાર્ય છે. 
એમની આગવી લેખનશૈલી એવી છે જેવી કે કેલીડોસ્કોપ , દરેક વાચક  વાર્તાને પોતાની રીતે મૂલવે એ શક્ય છે. 
ફક્ત આઠ વાર્તા વાંચવામાં મને વીસ દિવસથી વધુ લાગ્યા, અને હા, હું અનિદ્રાની દર્દી છું. રોજ રાત્રે બે ત્રણ કલાકનું વાંચન સહજ છે પણ પહેલીવાર એવું બન્યું કે મુરાકામીના પુસ્તકે મને વીસ મિનિટમાં ઊંઘાડી દીધી હોય. વાર્તા શીરાની જેમ સટ ગળે ઉતારી ઉતારી દે તે મુરાકામી નહીં. મુરાકામીની લેખનશૈલી એવી છે જેવો કે મેકેનો સેટ. બાળકો લીગો સેટમાંથી ઘર પણ બનાવે ને ફેક્ટરી પણ ઉભી કરે એમ મુરાકામી તમને એ વિશ્વમાં લઇ જાય છે જ્યાં વાચક વાર્તાને એક ટૂલ રૂપે વાપરીને પોતાની કલ્પનામાં વિહરી શકે. 
એવા કલ્પનાવિહાર માટે પણ મુરાકામીને વાંચવા તો રહ્યા. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen