કભી ખતમ ન હો... યે સફર..

 


चलती चली जाए 

ज़िंदगी की डगर

कभी ख़त्म न हो, 

ये सफर.. 


 मंजिल की उसे
कुछ भी न खबर
फिर भी चला जाये...

दूर का राही...

તવાંગ માટે સવારની પહોરમાં દિરાંગની આરામદાયક હોટેલ છોડીને નીકળ્યા ત્યારે મનની સ્થિતિ આવી જ કંઈક હતી. દરેક વ્યક્તિ કોઈક ભ્રમમાં જીવતી હોય છે. પોતાની શક્તિ, ક્ષમતા વિશે. ક્યારેક પોતાને ખ્યાલ પણ હોય છતાં મનની શક્તિ ને વિલ પાવર, સેલ્ફ કોન્ફિડન્સ ને એવા ઘણાં બધા મોટિવેશનલ વાતોના ડોઝ પીને ઘણીવાર આપણે પોતાનો મત સાંભળવાનું ચૂકી જતાં હોઈએ . 
એવું જ કંઈક થયું હતું . સફર પર જવા પૂર્વે સાથે લઈ જવાની દવાનું લિસ્ટ ચેક કર્યું ને એમાં એક નામ ખૂટતું લાગ્યું , ડાયમોક્સ . પર્વતોમાં ખાસ કરીને ઊંચાઈએ જવાનું હોય ત્યારે હાઈ ઓલ્ટીટ્યુડ સિકનેસ માટે અત્યંત જરૂરી એવી આ મેડિસિન સાથે લેવી કે નહીં એ પ્રશ્ન ઉઠયો. એક વિચાર થયો કે સાથે લઇ લેવી જરૂરી છે, ન વપરાય તો વાંધો નહીં પણ સાથે રાખી છે એ ધરપત જ દવાનું કામ કરે. 

એ  ઘરમાં રહેતી મેડિસિન કીટ સાથે તો હોય નહીં , કેમિસ્ટને ત્યાંથી મંગાવવી પડે. એમાં યાદ આવી એક મોટિવેશન સ્પીચ. મન મક્કમ હોય તો માળવે જવાય, એવરેસ્ટ ચઢી શકાય એવું બધું યાદ આવ્યું એટલે થયું હે જીવ , એમ નબળા ન પડાય. કશું ન થાય . આપણે હજી યુવાન છીએ. એજ ઇઝ જસ્ટ અ નંબર ગેમ . એટલે મેડિસિન લેવી જરૂરી નથી એમ નક્કી કર્યું . મુંબઈ એરપોર્ટ પર મોટિવેશનલ સ્પીચની અસર વિસરાઈ ગઈ હશે કે જે હોય તે પણ ચેક ઇન કરતાં સામે જ ફાર્મસી જોઈ. મેડિસિન લઇ રાખી હોય તો સારું , કદાચ આપણને જરૂર ન પડે,બીજાને પડે તો ? એવા વિચાર સાથે ફાર્મસીમાં જઈ મેડિસિન માંગી જે સ્ટોકમાં નહોતી. ટૂંકમાં હવે મેડિસિન મળવાની શક્યતા નહોતી. 
દિરાંગ પહોંચતા સુધીમાં એટલું તો સમજાઈ ગયું કે મોટિવેશનલ સ્પીચ માત્ર ટાઈમ પાસ માટે સંભળાય, એ તમામ વાત અમલી ન બનાવાય. પણ, હવે મોડું થઇ ચૂક્યું હતું. બંને કાન પાછળ વાગી રહેલા નગારાં કહી રહ્યા હતા કે ગરબડ શરુ થઇ ચુકી છે. સવારની પહોરમાં ફાર્મસીમાં શોધીને મેડિસિન ખરીદવી એ સૌથી મહત્વની વાત હતી. સૂર્યોદય થાય પાંચ વાગે, સાત વાગ્યામાં તો દિવસ ચઢી ગયો હોય તેવી ચહલપહલ શરુ થઇ ગયેલી. અમારી હોટેલ ગામના બજારમાં  હતી , ફાર્મસી નાકે દેખાય પણ સવારના નવ વાગ્યે પણ ખુલી નહીં. આખરે રસ્તામાં મેળ પડી જશે એવા આશયથી મુસાફરી શરુ તો કરી પણ આંખ તો દુકાન શોધે રાખે. ગામ છોડતાં પૂર્વે એક  કેમિસ્ટ શોપ દેખાઈ ત્યાં જઈને આ મેડિસિન માંગી. ત્યાં પણ ઉપલબ્ધ નહીં. 

અમારા ડ્રાઈવર દીપુભાઈ પાસે આ માટે ખાસ લોજીક હતું, એમનું કહેવું હતું કે અમારે ત્યાં હવા પાણી ,ખોરાક એટલા શુદ્ધ હોય કે કોઈ  માંદગી આવે જ નહીં. ફાર્મસીવાળા બિચારા શું ધંધો કરે? ને જે કોઈ ટુરિસ્ટ આવે તે પોતપોતાની દવાઓ સાથે લાવે .
આમ જુઓ તો એની વાત ખોટી પણ નહોતી. હાઈ ઓલ્ટીટ્યુડ પ્રદેશમાં જન્મી ને ત્યાં જ જિંદગી કાઢનાર વ્યક્તિને આ હાઈ ઓલ્ટીટ્યુડ સિકનેસ મેડિસિનની જરૂર ક્યાં પડે ?

આખરે જર્ની શરુ થઇ પણ અસ્વસ્થ શરીર , વધી રહેલા પ્રેશરનો અનુભવાતો થડકો આજુબાજુ શરુ થઇ રહેલી સુંદરતાને ગ્રહણ લગાડતો રહ્યો. 
દિરાંગથી તવાંગ જવાનો રસ્તો મેપમાં ચાર પાંચ કલાકનું અંતર બતાવે. પણ, એમાં  બે કલાક વધુ ગણીને ચાલવું હિતાવહ છે. 
હાલ તવાંગ જવા માટે સેલા પાસ ક્રોસ કરવો પડે છે. જે શિયાળામાં થતી ભયંકર બર્ફબારીથી સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય. ઠપ્પ થઈ જાય એવું ન કહી શકાય કારણ કે જો ઠપ્પ પડી જાય તો તવાંગ ને જોડતી ધોરી નસ કપાઈ ગઈ સમજો. લશ્કરને જરૂરી સરંજામ પહોંચાડી ન શકાય. એવામાં ચીનની ઘૂસણખોરી દાદાગીરી વધી જાય .

અત્યારે એ પરિસ્થિતિ ને પહોંચી વળવા BRO અને આર્મી 24*7 કાર્યરત હોય છે છત્તાં એ કાયમી હલ નથી. આઝાદીના 70 વર્ષે હવે ફાઈનલી એ વિશે હલ નિકળ્યો છે. 

 તવાંગ જવા માટે એક ટનલ નિર્માણાધીન છે. એક અનુમાન પ્રમાણે દોઢ બે વર્ષમાં એ તૈયાર થઇ જશે જેથી સેલા પાસ જે શિયાળામાં ભારે બર્ફબારીને કારણે બંધ થઇ જાય છે તે સમસ્યાનું નિવારણ આવી જશે. તેથી હાલ સેલા પાસને ખુલ્લો રાખવા માટે BRO ને લશ્કરે શિયાળાની માઇનસ 4 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ મશીનની જેમ કામ કરવું પડે છે તે નહીં કરવું પડે. એકવાર આ ટનલ બંધાઈ જાય તો સેલા પાસ એકવાર ઠપ્પ થઇ જાય તો પણ લશ્કર કે ગામલોકો કે ટુરીસ્ટને કોઈ વાંધો ન આવે.
                                                                                                                                                                             ગૂગલ ઇમેજ 


2018માં આ માટે સરકારે યોજના તૈયાર કરી હતી. એ પછીના ઉપરાછાપરી બે શિયાળા એટલા કાતિલ હતા કે ટનલનું કામ થોડું મંદ પડ્યું , પરંતુ હવે જે રીતે કામ થઇ રહ્યું છે એ રીતે દોઢ વર્ષમાં ટનલ તૈયાર થઇ જશે. આ 13000 ફૂટ ઊંચાઈ પર હોય તેવી વિશ્વની લાંબામાં લાંબી ટ્વીન ટનલ હશે,  જે સીધી આપણી લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ પર ખુલશે. એટલે લશ્કરને જરૂરી સરંજામ ઝડપથી અને રાઉન્ડ ધ ક્લોક મળી શકે, 700 કરોડ રૂપિયાને ખર્ચે બંધાઈ રહેલી આ ટનલ ઓલ વેધર ટનલ હશે. 
                                                                               ગૂગલ ઇમેજ 


એ થશે ત્યારે સેલા પાસ વિકલ્પ રીતે લઈ શકાય, 
પણ, અત્યારે તવાંગ પહોંચવા સેલા પાસ પાર કરીને જ જવું પડે. જ્યાં ઘડી ઘડી મોસમનો મિજાજ બદલાય છે. 

તવાંગ જવા માટે વચ્ચે આવેલા પાસ પસાર કર્યા પછી આવતાં કેન્ટોન્મેન્ટ જેવા વિસ્તારમાં અમારા માટે લંચની વ્યવસ્થા થઇ ચુકી હતી. ત્યાં પહોંચાય ત્યારે વાતાવરણ એકદમ ખુશનુમા હતું. સોનેરી ઝાંયવાળો તડકો , ચારે બાજુ ભરાયેલા સરોવર પીગળેલા હિમની સાક્ષી ભરતા હતા. જ્યાં જુઓ ત્યાં નાનાંમોટાં ધોધ. પિક્ચર ક્લિક કરતાં થાકી જવાય એટલાં લોકેશન . હજી પાંચ દસ મિનિટ થઇ ન થઇ ને ક્યાંકથી ભૂખરાં વાદળ આવવા લાગ્યા. ઝીણો ઝીણો વરસાદ પણ શરુ થયો. 
એ પછી પણ સતત પ્રવાસ ખેડવાનો હતો. એટલે ઉતાવળ કરવાની હતી. 
દિરાંગથી તવાંગ જવાનો રસ્તો મેપમાં ચાર પાંચ કલાકનું અંતર બતાવે. પણ, એમાં  બે કલાક વધુ ગણીને ચાલવું હિતાવહ છે. 
તવાંગ જતાં આવે છે તવાંગ વૉર મેમોરિયલ જસવંત ગઢ . તવાંગથી લગભગ 25 કિલોમીટર દૂર આ મેમોરિયલ જસવંત સિંહ રાવતની યાદમાં છે. ગઢવાલ રાઈફલ્સ ઇન્ફન્ટ્રીના આ જવાને 1962માં જે હિન્દી ચીની ભાઈભાઈવાળી પછી ચીને દગાખોરી કરીને પાછળથી ઘા કર્યો ત્યારે એકલા હાથે 72 કલાક સુધી સીમાનું રક્ષણ કર્યું હતું. જો આ જવાન છેલ્લાં શ્વાસ સુધી લડયા ન હોત તો આજે આ પ્રદેશ ચીનના કબજામાં હોત. મોટાભાગના ટુરિસ્ટ અહીં રોકાઈને જસવંત સિંઘની શહાદતને નમન કરી આગળ વધે છે. 

એ પછી આજુબાજુ રહેલી પર્વતમાળામાંથી વહી રહેલા રસ્તા પર , બંને બાજુ હરિયાળા નઝારા અને સામે ધુમ્મ્સભર્યા વાતાવરણનો નજારો માણતાં મોડી સાંજે તવાંગ પહોંચ્યા. હોટેલ બેઝિક કહી શકાય તેવી સાદી ને આરામદાયક હતી. 

અહીં શરુ થઇ થોડી કવાયત. ઇન્ડિયન ટુરિસ્ટે નોર્થ ઈસ્ટના થોડાં રાજ્યમાં પ્રવેશ માટે, જેમ કે અરુણાચલ પ્રદેશ માટે પણ એક ILP ઈનર લાઈન પરમિટ  લેવી પડે છે. હવે ઓનલાઇન મળે છે. એમાં પણ જ્યાં ઈન્ડિયા ચીનની સીમા છે તે બૂમલાં પાસ જવા માટે તવાંગના ડેપ્યુટી કમિશનરની સ્પેશ્યલ પરમિશન લેવી પડે. 
 ત્યાં પોતાના વાહન ન જઈ શકે. ત્યાં જવા માટે જીપનો ઉપયોગ કરવો પડે છે. તવાંગથી લગભગ 40 કિલોમિટર દૂર આ ઘાટ ઈન્ડિયા ચાઇના બોર્ડર મનાય છે. 16,000 ફૂટ પર કાતિલ ઠંડી અને સુસવાટાભર્યા પવન વચ્ચે ઇંડિયન આર્મી ફરજ બજાવે છે. એટલું જ નહીં ટુરિસ્ટનો આદર સત્કાર પણ કરી જાણે છે. 

                                                                ગૂગલ ઇમેજ 





 બૂમલા પાસ પછી એક બીજું આકર્ષણ છે માધુરી લેક. 


                                                                                   ગૂગલ ઇમેજ 


તવાંગથી 22 કિલોમીટર દૂર માધુરી લેકનું મૂળ નામ છે  સાંગેસર  લેક. આ ફિલ્મી નામ  પાછળનું કારણ છે હિન્દી ફિલ્મ કોયલાનું એક ગીત. જે આ લેક પર માધુરી પર ફિલ્માવવામાં આવ્યું છે. એટલે નામ પડી ગયું માધુરી લેક. જેમ પહેલગામમાં બેતાબ ફિલ્મના શૂટિંગ પછી બેતાબ વેલી અસ્તિત્વમાં આવી એ જ રીતે માધુરી લેક.

તવાંગમાં બૂમલા પાસ માધુરી લેક ઉપરાંત જોવા જેવી કોઈ વાત હોય તો એ છે જંગ  ફોલ. નામ એનું નુરંગ ફોલ, સ્થાનિક લોકો એને બૉન્ગ બૉન્ગ ફોલ પણ કહે છે. પણ હકીકતે આ ફોલ જોવો એ લ્હાણું છે. જંગ ફોલ નામ પડ્યું કારણકે એ જંગ નામના ગામ પાસે આવેલો છે. તવાંગથી પાછા ફરો ત્યારે રસ્તામાં આવશે. 
સેલા પાસ પાસેથી વહીને આવતી નુવંગ નદી ધોધ સ્વરૂપે પડે છે. 
આ ફોલ અત્યાર સુધીમાં ફેમસ કેમ નથી થયો એ પ્રશ્ન સહેજે થાય. કારણકે કોયલાના એક ગીતથી લઈને બાહુબલી ફિલ્મમાં આ ધોધના દ્રશ્યો છે. ત્યાં લખેલી યાદી પ્રમાણે તો આ ધોધ પર શૂટ થનાર હિન્દી અને પ્રાદેશિક ફિલ્મોની સંખ્યા ઘણી મોટી છે. એ ઉપરાંત ટીવી કમર્શિયલ માટે પણ આ લોકેશન માનીતું છે. 

તવાંગમાં હો એટલે થોડી ઘણી માહિતી તો ગૂગલ આપે જ . 
જે  થોડી માહિતી રમૂજ પમાડે તેવી છે. તા એટલે ઘોડો અને વાન્ગ એટલે જગ્યા. તવાંગની સ્થાનિક પ્રજા છે મોનસા જાતિ. એમના પ્રમાણે આ તવાંગ શોધનાર હતો એક ઘોડો. ઘોડાએ જગ્યા શોધી એટલે નામ પડ્યું તવાંગ. 
તવાંગની સ્થાપના કરનાર છઠ્ઠા દલાઈ લામા હતા એવું માનવામાં આવે છે. ઈ.સ 1680માં એમને સ્થાપના કરી હતી તવાંગની મોનેસ્ટ્રીની. જે વિશ્વની જૂનામાં જૂની પૈકી એક મોનેસ્ટ્રી માનવામાં આવે છે. વજ્રયાન બુધ્ધિઝમમાં એનું સ્થાન અનોખું છે. 

સદીઓ જૂની મોનેસ્ટ્રીમાં છે બેમિસાલ ભીંતચિત્રો , મંડલા , તનખા ને સદીઓ પુરાણો વૈભવ. કહેવાય છે કે જૂનાં દુર્લભ ગ્રંથ , પુસ્તકોનો સંગ્રહ છે જે ક્યારેય પ્રદર્શિત કરાતો નથી. 

તવાંગની આ  મોનેસ્ટ્રી જોવી જરૂરી છે. 
જે ત્રણ માળની છે. જો એ વિષે વાંચ્યું ન હોય તો ખ્યાલ પણ ન આવે કે આ બૌદ્ધ ધર્મનું એક પવિત્ર તીર્થ મનાય છે. એ વિષે બે ત્રણ વાયકા પણ છે , પરંતુ ઘોડાવાળી વાત સૌથી વધુ માન્ય ગણાય છે. એવું જણાવાયું કે બૌદ્ધ  સાધુ બનવા  ઇચ્છનાર લગભગ 300 જેટલાં વિદ્યાર્થીઓ અહીં રહીને અભ્યાસ કરે છે પણ અમને તો કોઈ દેખાયું નહીં. શક્ય છે કે દૂર આવેલી તેમની હોસ્ટેલમાં રહેતા હોય શકે. સૌથી ચકિત કરી નાખે તેવું ફીચર છે ભીંત પર રહેલા મંડલા, મંડલા આર્ટનું પાછું અનોખું માહત્મ્ય છે. માત્ર બૌદ્ધ ધર્મ નહીં જૈન ધર્મમાં પણ મંડલા આર્ટને સ્થાન છે. જેનું મૂળ નામ છે મંડળ , શૂન્ય . ભૌમિતિક ડિઝાઇન દ્વારા પરિમાણોને જોડવાની કળા પરંપરાગત રીતે બુદ્ધ સાધુઓને શીખવવામાં આવે છે. અત્યારે જે મંડલા આર્ટને નામે ચિત્રકામ શીખવતા ઓનલાઇન ક્લાસીસ ફૂટી નીકળ્યા છે એને આ મંડલા સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી. 
તવાંગની મોનેસ્ટ્રી 400 વર્ષ જૂની હોવાથી એની એક આગવી પ્રતિભા છે. જેની સામે દિરાંગમાં આવેલી મહાકાય મોનેસ્ટ્રી નવી છે. 14મા દલાઈ લામાએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. એ સુંદર જરૂર છે પણ એમાં પ્રાણ નથી. એવું અમને લાગ્યું. જે અંગત મત છે. જરૂરી નથી કે સહુને એવું લાગે. 
નવા જમાનાની હોવાથી ત્યાં ગેસ્ટ રૂમ્સ પણ છે. જો કોઈ ટુરીસ્ટને રોકાણ કરવું હોય તો હોટેલની જેમ પૈસા ખર્ચીને ત્યાં રહી શકે છે. જો જગ્યા હોય તો. 
આધુનિક કહી શકાય તેવી સુવિધાવાળી આ મોનેસ્ટ્રીમાં પ્રાણ પુરાતાં સદીઓ લાગશે. 


નવી હોવાને નાતે વધુ સગવડદાયક અને મોકાની જગ્યાએ હોવાથી કુદરતી પહાડી સૌંદર્ય વચ્ચે સોનાનો મુગટ મૂકી દીધો હોય તેવો એનો દેખાવ છે. પણ બંને મોનેસ્ટ્રી વચ્ચે કોઈ સરખામણી શક્ય નથી. બંનેના આગવા સૌંદર્ય છે , મૂલ્ય છે. 
અમારો પ્રવાસ શરૂ થયો હતો અરુણાચલથી. પણ આ સીરીઝનું સમાપન થાય, અરુણાચલથી. કારણ સીધું છે. મેઘાલય કે આસામ કોઈ ગમે ત્યારે , ગમે તે સીઝનમાં વિના કોઈ રોકટોક , પરમિશન જઈ શકે છે. પણ, અરુણાચલની વાત જુદી છે. 

ભારત માટે અરુણાચલ કાશ્મીર જેવો મુદ્દો છે. 
ચીનમાં માઓ ઝેડોંગ  ઇતિહાસ બની ચુક્યા છે. પણ,  તેમની  ફેવરિટ એવી  ફાઈવ ફિંગર્સ ફોરન પોલિસી ચીની શાસકોની નસ નસમાં છે. એ પછી ઝી  જિનપિંગ હોય કે કાલે આવનાર એક્સ,વાય, ઝી . માઓ ઝેડોંગ એના મૂળિયાં બરાબર વાવીને ગયા છે. જેના કારણે શાસક કોઈ પણ હોય, ચાઈનાનો ડોળો લદ્દાખ ,અરુણાચલ , નેપાળ, સિક્કિમ ને ભૂતાન પરથી હટતો નથી. અલબત્ત, હવે 62માં જે ભૂલ થઇ તે દોહરાવવાની હિંમત કોઈ ભારતીય રાજકીય પક્ષ ન કરી શકે. 

નોર્થ ઈસ્ટના આ સાત રાજ્ય ભલે ભારતની આમ પ્રજાથી બિલકુલ નોખા પડતા હોય, છે તો એમના જ. અહીં ફરીને એક વાત નક્કી સમજાય કે આ લોકોને ભારત પોતીકું ન લાગે તો વાંક એમનો નથી જ. જેમ કાશ્મીરના લોકો માનતા હતા કે જવાહર ટનલ પછી કોઈ સરકાર જોતી નથી એમ આ લોકો પણ માનતા હશે , બોલતાં નથી. પણ, હવે પરિસ્થિતિ બદલાતી હોવાનું સ્થાનિકો માને છે. 

એક મહત્વની વાત જોવામાં આવી કે હવે પાકાં રસ્તાથી લઈને જે રીતે નવી હોટેલો ખુલી રહી છે તે વધતાં જતાં પર્યટનને આભારી છે. જો પર્યટન રોજગાર આપશે તો આ રાજ્યો પોતે જ ભારત સાથે જોડાયેલાં રહેવામાં સુરક્ષા અનુભવશે.
એક અચરજ પમાડે એવી વાત હતી કે દસ દિવસ દરમિયાન અમને ન તો એક પણ ભિખારી જોવા મળ્યો ન કોઈ યાચક. પ્રજા અમીર નથી પણ નાના મોટા, કાચા પાકાં તમામ ઘરમાં એક ફીચર સતત જોવા મળ્યા તે હતા, રંગબેરંગી ફૂલ ધરાવતાં કૂંડા. એક પણ ઘર કે ચાની ટપરી નાનાં મોટાં પ્લાન્ટથી બાકાત નહોતી. 

દસ દિવસની યાત્રાએ ખૂબ સંભારણા બાંધી આપ્યા છે. આસામ ,મેઘાલય અને અરુણાચલ એ નોર્થ ઇસ્ટના શોકેસ છે. જૂદી જૂદી  સંસ્કૃતિ જીવે છે મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં . આ રાજ્યો ખાસ વિકસિત નથી. હોમ સ્ટે કરવાની તૈયારી હોય તો તે પણ ઉભા છે આવકારવા પોતાનો આગવો અસબાબ લઈને . 

અમે વિદાય લીધી ગુવાહાટીથી. પણ, અરુણાચલની ઠંડી હવા, આસામની વનરાજી અને મેઘાલયના જંગલનો નશો જલ્દી નહીં ઉતરે તે ખાતરી છે. 

ફ્લાઇટ ટેક ઑફ થઇ તે સાથે નીચે ખોવાતું જતું ગુવાહાટી પાછું જોઈ લીધું. બે કારણસર , એક તો જલ્દી નાગાલેન્ડ, ત્રિપુરા ,મિઝોરમ ને મણિપુરનો યોગ થાય તેવી આશામાં અને બીજું , કહેવાય છે કામાખ્યાન મંદિરમાં ત્રણવાર દર્શન કરવાથી મોક્ષ મળી જાય છે. તો બે વાર દર્શન થઇ ગયા છે, બસ , એક વધુ  પ્રયાસ ને કલ્યાણ ?? 


સંપૂર્ણ .



ટિપ્પણીઓ

  1. Fantastic write up Pinkieben.Similar progress and development is taking up at Zojila pass,a tunnel will connect it to Kargil.Just can't ignore this achievement by Mody government.

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen