સામ્રાજ્ય ઓકિૅડનું, રાજ રહાઈનોનું: કાઝીરંગા નેશનલ પાર્ક


તમે આસામ ગયા ને કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત ન લઇ શકો તો એ વસવસો તમને વર્ષો સાલે. જેવો અમને સાલ્યો હતો. 

કાઝીરંગા થોડું ઓફબીટ અભ્યારણ્ય છે. ગુવાહાટીથી પણ 200 કિલોમીટર દૂર. 
બ્રહ્મપુત્રના  મિજાજ વિષે કોણ અજાણ છે ? નદી ભારે મિજાજી. કાઝીરંગા પાર્કમાં તેનું આધિપત્ય વર્ષના ચાર છ મહિના તો હોય જ.  તેમાં પણ, વરુણ દેવનો મૂડ ઠીક ન હોય ને વરસતા રહે તો બ્રહ્મપુત્ર એના રુદ્ર સ્વરૂપમાં આવી જાય. જે કારણે તેના નીર કાઝીરંગા પાર્કમાં ઊંડે સુધી ફરી વળે. આવા સંજોગોમાં એવું થાય કે પાર્કનો મોટો એરિયા પાણીમાં ગરક થઇ જાય એટલે સહેલાણીને જ્યાં વન્યજીવની વસ્તી વધુ છે તે વિસ્તારમાં જવા મળે નહીં. મોટેભાગે તો સલામતી ધોરણને ધ્યાનમાં રાખીને પાર્ક બંધ પણ કરી દેવામાં આવે. આવી પરિસ્થિતિ ગમે ત્યારે સંભવી શકે. ગુવાહાટીથી 200 કિલોમીટરની  મજલ કાપીને તમે ત્યાં પહોંચો ને પાર્ક બંધ હોય તો ? 

સામાન્યરીતે ઓક્ટોબરથી એપ્રિલ સુધીનો સમયગાળો સેફ છે. ત્યારે વરસાદની સંભાવના હોતી નથી એટલે નિરાશ થવાના ચાન્સ ઓછા હોય. અમે ઓક્ટોબરમાં ત્યાં પહોંચ્યા ત્યારે વરસાદ તો ન કહી શકાય પરંતુ છૂટાંછવાયાં ઝાપટાં પડી રહ્યા હોવાથી પાર્કમાં ઘણાં ભાગમાં પાણી ભરાયા હતા. મનમાં તો ફફડાટ હતો કે આ વખતે પણ ગયા સમયે નડ્યું હતું એવું ગ્રહણ ન નડે. સહુ સદ્ભાગી હતા કે પાણી તો ભરાયેલા, પણ પાર્ક બંધ કરવો પડે એ નોબત આવી નહોતી. 

1090 ચો. કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા પાર્કને ત્રણ ઝોનમાં વહેંચી નાખવામાં આવ્યો છે. ગાઈડના કહેવા પ્રમાણે સૌથી વધુ પ્રાણીઓ  સ્પોટ થાય છે સેન્ટ્રલ ને વેસ્ટર્ન ઝોનમાં.  પાર્કની મુલાકાત માટે જીપ સફારી લેવી પડે. રૂપિયા 3800 ભરીને આ સફારી લઇ શકાય. એક જીપમાં પાંચ વ્યક્તિઓ જઈ શકે છે. તમામ નેશનલ પાર્કમાં જે સામાન્ય નિયમ હોય છે તે પ્રમાણે અહીં પણ પર્સનલ વાહનને એન્ટ્રી  નથી. અમારે માટે જીપની વ્યવસ્થા પહેલેથી થઇ ચુકી હતી.  પરમિટ મળી હતી વેસ્ટર્ન ઝોનની. કાઝીરંગામાં  ઝોન દીઠ ફીઝ પણ અલગ છે. અમે વેસ્ટર્ન ઝોનની સફારી કરી હતી કારણકે પાર્કના અન્ય ભાગમાં વૉટર લોગીંગ હતું. સેન્ટ્રલ પાર્ટમાં ફી છે રૂ. 3750 અને ઇસ્ટર્ન પાર્ટમાં છે રૂ. 4800 . આ સામાન્ય સફારી છે. જો તમારે વિશિષ્ટ ફોટોગ્રાફી કરવાની હોય, ખાસ કરીને જંગલના એવા ભાગની જ્યાં સામાન્ય સહેલાણીઓ જતા નથી એ એરિયા છે કોહોરા બાગોરી,  વિદેશી અને ફોટોગ્રાફરની પહેલી પસંદ, ત્યાં જવા રૂ. 7500વાળી સફારી લેવી પડે. 

ભારતભરના અભ્યારણ્યની કોઈને કોઈ ખાસિયત છે. એ રીતે કાઝીરંગા જાણીતું છે એક શિંગવાળા રહાઈનોને કારણે. આ નેશનલ પાર્ક માત્રને માત્ર રહાઈનોને કારણે જ લોકપ્રિય છે એવું નથી. મહા ખતરનાક લેખાતા બેંગાલ ટાઇગર પણ સ્પોટ થાય છે, હા, નસીબ હોવું જોઈએ. હાથીઓ તો પાર વિનાના, એ રીતે વોટર બફેલો, સાંબર, ગૌર, જાતજાતના હરણાં જેમાં આફ્રિકામાં જોવા મળે તેવા બાર્કિંગ ડિયર પણ છે. કાઝીરંગામાં ઘણાં નેચરાલિસ્ટ ખાસ પ્રકારના અજગર જોયા હોવાનો દાવો કરે છે. અસંખ્ય જાતના સરીસૃપ (રેપ્ટાઈલ્સ), એટલી જ જાતના વાનર અને ઘાસ પર નભતાં સસ્તન પ્રાણીઓ જેવા કે બકરાં ,ભેંસ , હરણ છે. જ્યાં વિપુલ પ્રમાણમાં આ પ્રાણીઓની ઉપસ્થિતિ હોય, પાણીના સ્ત્રોત એટલા જ હોય તો વાઘ દર્શન આપવા બહાર આવે ખરો?  આ કારણે વાઘની વસ્તી હોવા છતાં એને સ્પોટ કરવો લગભગ અશક્ય બને છે. 
વાઘ કે અલભ્ય પ્રાણીઓ જલ્દીથી  સ્પોટ ન થાય તેનું બીજું એક કારણ છે કાઝીરંગા પાર્કની  જ્યોગ્રાફી. એક મોટો ભાગ લગભગ 42 ટકા તો ગ્રાસલેન્ડ છે. એટલે કે માથાં સુધી ઉંચા ઘાસિયા મેદાનોથી છવાયેલો ને 4 ટકા ભાગ હંમેશ પાણી નીચે હોય છે. એનું કારણ છે બ્રહ્મપુત્રા અને બીજી ચાર નાની નદીઓ. પાર્કમાં ઘણાં તળાવો પણ છે જે લગભગ વર્ષના દસ મહિના ભરેલા રહે છે. બાકીનો જે ભાગ રહ્યો તે અડાબીડ જંગલ.  જેમાં પ્રવેશવું અશક્ય તો નથી પણ તે માટે હાથ પર પુષ્કળ સમય અને નાણાં ખર્ચવાની તૈયારી રાખવી પડે. જે સામાન્ય સહેલાણીઓ પાસે ન હોય. એટલે એમણે જીપમાં એક કલાકની સફારી માણી લઇ સંતોષ કરવો પડે. કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથીની સફારી પણ છે. અમારી આઇટેનરીમાં એ શિડ્યુલ થઈ હતી પરંતુ વૉટર લોગીંગને કારણે રદ કરવી પડી હતી.
 અમારા ગાઈડના કહેવા પ્રમાણે હાથીની સવારી કરવા પર જ ઘાસિયા મેદાનો અને એવા વિસ્તારમાંપહોંચી શકાય જ્યાં જીપ ન જઈ શકે. સ્વાભાવિક છે કે પ્રાણીઓ વધુ નજીકથી જોવા મળે. જીપ માટે ફિક્સ્ડ ટ્રેક હોય જેને કારણે દૂરથી જે પ્રાણીઓ જોવા મળે તે જોઈને મન મનાવી લેવું પડે. એક કલાકની રાઇડમાં અમે થોડા રહાઈનો, હાથી , હરણાં જોઈ શક્યા.  


આ ધામ સુંદર  પક્ષીઓનો મુકામ પણ છે. પક્ષીપ્રેમીઓ માટે ભરતપુરની જેમ કાઝીરંગા પણ મહત્વનું સ્થળ છે. એક સમયે સાતથી વધુ જાતિના ગીધ જોવા મળતાં હતા. પણ, ભારતભરમાંથી ગીધની પ્રજાતિ નિર્મૂળ થઇ રહી છે. ડાયનોફ્લેનેક ડ્રગ એ માટે જવાબદાર છે. સામાન્યરીતે દવામાં વપરાતા આ ડ્રગને કારણે ગીધની લગભગ તમામ પ્રજાતિ ખતમ થવાને આરે છે. આ ડ્રગ જોકે ઇન્ડિયા નેપાળમાં 2006થી પ્રતિબંધિત હોવાનું કહેવાય છે .છતાં ગીધની વસ્તી ખતમ થઇ રહી છે. ઇન્ડિયન રોલર, ડાર્ટ્સ , કિંગફિશર , હેરોન , ડાલમેશિયન પેલીકન, ટર્ન ,બસ્ટર્ડ .હોર્નબિલ ,બ્લેક બ્રેસ્ટેડ પેરટ જેવા દુનિયામાંથી નામશેષ થઇ રહેલા પક્ષીઓ હજી ક્યારેક કાઝીરંગામાં દેખા દે છે. કિંગ કોબ્રા , મોનિટર લિઝર્ડ , 15 જાતિના કાચબાનું પણ આ ઘર છે. 
આ પક્ષીઓ વિષે ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. કાઝીરંગાની ઓળખ માત્ર ને માત્ર રહાઈનોને કારણે હોય તેમ લાગે. કારણ કે ભારતભરની તમામ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીની સરખામણીમાં સૌથી વધુ રહાઈનો કાઝીરંગામાં છે. છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી 2018 માં. ત્યારે  સંખ્યા વધી ને થઈ હતી  2413. પણ, જો છેલ્લાં અહેવાલોને માનીએ તો આ વર્ષે એક શિંગવાળા ર્એહાઈનો જે માત્ર કાઝીરંગા, સિક્કિમ ને ભૂતાન નેપાળમાં જોવા મળે છે તેમની વસતિ 4000 થી વધુ થઈ હોવાનો અંદાજ છે. એટલું જ નહીં બંગાલ ટાઈગરની સંખ્યા પણ સારી લેખાય છે. અલબત્ત, વાઘ , દીપડા જવલ્લે જોવા મળે. 

કાઝીરંગા આજે નહીં સદીથી પ્રખ્યાત છે એક શિંગવાળા રહાઈનો માટે. એ ખ્યાતિ સાંભળીને જે કામ થયું એ હિસ્ટ્રી છે. 

 ઈ.સ 1904માં બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં વાઇસરોય હતા લોર્ડ કર્ઝન . તેમની પત્ની મેરી કર્ઝનને આ એક શિંગવાળા રહાઈનો જોવાનું મન થયું. પોતાના લાવલશ્કર સાથે લેડી પહોંચ્યા ત્યાં. દિવસો સુધી ધામા નાખ્યા પણ સમ ખાવા પૂરતો એક રહાઈનો જોવા ન મળ્યો.  જાણવામાં આવ્યું કે આ પ્રાણીનો શિકાર મોટા પ્રમાણમાં થતો હતો. યુનાની દવાઓમાં જાતીય વૃત્તિ વધારવા પ્રાણીઓના શિંગ ,જીભ ,પ્રજનન અંગો ઉપયોગમાં લેવાની પ્રથા જૂની છે. જેમાં સેંકડો જીવોનું નિકંદન નીકળી જતું હતું. 
લેડી કર્ઝન જો આ સમયે કાઝીરંગાની મુલાકાતે ગયા ન હોત તો આ પ્રજાતિ કદાચ નિર્મૂળ થઇ ગઈ હોત..

આ વાત પછી લોર્ડ કર્ઝને 1 જૂન 1905ના રોજ  આ વિસ્તારન ફોરેસ્ટ રિઝર્વ જાહેર કર્યો. પહેલા તેનો વ્યાપ આટલો નહોતો, વર્ષો દરમિયાન ઉમેરાતો રહ્યો. 
ઈ.સ 1954માં ભારત સરકારે રહાઇનોના શિકાર માટે સખ્ત દંડની જોગવાઈ કરી. પાછળથી તો 1985માં યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું. 2006માં  કાઝીરંગાને ટાઇગર રિઝર્વ પણ ઘોષિત કરાયો છે. 

લુપ્ત થતી જાતિઓને , જંગલોને , અભ્યારણ્યને બચાવવા સત્તાધીશો પ્રયાસ કરે એ તો સમજાય તેવી વાત છે પણ સ્થાનિક પ્રજા જે સરકાર સામે જ યુધ્ધે ચઢી હોય, એવા  ઉલ્ફા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ )ના અલગાવવાદીઓએ પણ આ જંગલને બચાવવામાં ભૂમિકા ભજવેલી એવું  મનાય છે. તેનું કારણ કે આ જંગલો તેમને છૂપાવવા એક કવર બની રહેતા હતા. એવું કહેવાય છે કે આ ઉલ્ફાના અલગાવવાદીઓએ જંગલમાં  ગેરકાયદેસર તસ્કરી ને શિકાર કરનારને સાફ કરી નાખ્યા હતા. 


સફારી માટે સમય નિયત છે. વહેલી સવારે અને બપોરે . આસામમાં સૂર્યાસ્ત વહેલો થાય એટલે ચાર વાગ્યા પછી કોઈને પાર્કમાં એન્ટ્રી અપાતી નથી. 

અમે કાઝીરંગા નેશનલ પાર્કની સેર કરીને બહાર આવ્યા પછી હજી એક રસપ્રદ વાત બાકી હતી એ હતી મુલાકાત ઓર્કિડ પાર્કની. 


એક અંદાજ પ્રમાણે વિશ્વભરમાં 35,000 જાતના ઓર્કિડ ઉગે છે. સિંગાપોર ગયા હો તો તમે મોટાભાગની અજાયબીઓ જોઈ હશે પરંતુ ભારતમાં 1300 જાતના ઓર્કિડ ઉગે છે તે આ પાર્કની મુલાકાત પછી ખબર પડી. એમાં પણ 400 જાત આસામમાં ઉગે. હેરત પમાડે એવી વાત છે ને ?
 કાઝીરંગાનું ઓર્કિડ મ્યુઝિયમ ખાસ મોટું નથી પણ તેમાં રહેલા વિવિધ પ્રકારના ઓર્કિડની જાતિ મંત્રમુગ્ધ કરી દે. ટાઇગર ઓર્કિડથી લઈને ચોખાના દાણાં જેવા ઓર્કિડ ઉગે એ તો સિંગાપોરમાં પણ નહોતું જોયું. એટલા નાના મ્યુઝિયમમાં 600 થી વધુ ઓર્કિડની વિવધતા હતી એ જો ત્યાં રહેલી અટેન્ડેન્ટે ન કહ્યું હોત તો ખ્યાલ સુધ્ધાં ન આવત. જેને ગ્રીન હાઉસમાં રાખવામાં આવે છે. 
ઓર્કિડ મ્યુઝિયમની અડોઅડ એક હોલમાં આસામના પરંપરાગત સંગીત વાદ્યો , તેમના વાસણો, હાથસાળ તેની પર પરંપરાગત રૂપે વણાંતા વસ્ત્રોનું પ્રદર્શન ,ફોટોગ્રાફ્સ, સિક્કાનો સંગ્રહ. 
ટુરિસ્ટ એરિયા હોવાથી આસપાસ દુકાનો હોય. ઘણી નથી પરંતુ જે થોડી છે તેમાં મળે આસામમાં બનતી હાથ બનાવટની ચીજો. જેમાં વાળમાં નાખવાની પીન, બન સ્ટિક થી લઈ આસામની પરંપરાગત મેખલા સાડી મળે છે.

 સામાન્ય ગ્રામીણ લોકો કેટલા પ્રમાણિક હોય તેનો એક દાખલો. અમને એક મેખલા સાડી ગમી ગઈ. ક્રીમ રંગમાં લાલ બુટ્ટી ત્યાંની ટ્રેડિશનલ સાડી છે. સિલ્ક અને ઊનમાંથી વણાયેલી હોય . દુકાન સાંભળતી હતી એ મહિલાને અમે ટુરિસ્ટ છીએ એ ખ્યાલ હોવાથી ક્યાંથી છીએ એવી પૃચ્છા કરી. મુંબઈ સાંભળીને કહે, તમારે સાડી ખરીદવી હોય તો લો પણ આ મુંબઈની ગરમીમાં પહેરી શકશો નહીં. એની આવી સ્પષ્ટ વાત ચકિત કરવા પૂરતી હતી. 


આસામની એક ખાસિયત છે ભૂત ઝલોકા . જે કિંગ ઓફ ચીલી લેખાય છે. વિશ્વભરમાં તીખામાં તીખા મરચા હોવાનો શિરપાવ એને મળે. દુનિયાભરના ટુરિસ્ટ એના પાઉડર અને અથાણાં સાથે લઇ જાય છે. શરત એટલી જબ્બર તીખું ખાવા પચાવવા સક્ષમ જીભ ને હોજરી જોઈએ. 

શોપિંગ લિસ્ટમાં એક ચીજ મસ્ટ હતી એ હતું ભૂત ઝલોકાનું  અથાણું. ગઈ વિઝિટમાં લાવી હતી એ 100 ગ્રામનું પેકેટ બે ત્રણ વર્ષ ચાલ્યું હતું. એ પરથી તીખાશ વિચારી લો. જે મળતું તો હતું પરંતુ પેકિંગ સરખું ન હોવાથી કપડાં બગડી જવાનો ડર હતો. ત્યાંથી લેવાના બદલે મુંબઇ જવાના દિવસે છેલ્લે લેવું એમ નક્કી કર્યું. 
માર્કેટમાં એક તરફ હતા  ખાણીપીણીના થોડાં સ્ટોલ. ખાવું પીવું તો કશું નહોતું પણ માત્ર જોવા જાણવા મુલાકાત લીધી. આસામના બ્લેક રાઈસ એટલે કાળા ચોખાનો ભાત પ્રખ્યાત છે. પાણી અને ગોળ નાખીને બનાવે. સ્વાદ ડેવલપ કરો તો ભાવે અન્યથા નહીં. થોડા sticky પણ હોય. ત્યાંના લોકો એને ભાવતું ભોજન લેખે છે એવું એક બીજું વ્યંજન હતું કેટલ પેઠા.પલાળેલા ચોખા અધકચરા દળી, ગોળ અને કોપરાનું ખમણ મિક્સ કરી બાફીને બનાવતી વાનગી પણ પ્રખ્યાત છે. ગુજરાતી લોકોની પેલેટ કશું નવું ટ્રાય કરવા ટેવાયેલી નથી, એવું અમારી સાથે પણ ખરું. વાસણો અને અન્ય ચીજો જોઈને ખાવાનું હાઈજીનિક હોવાની શંકા હતી. એટલે ખાવાનું ટાળ્યું. 

અમે હજી માર્કેટમાં ફર્યા કરતે જો બિહુ નૃત્ય શરુ થવાની ખબર ન પડતે તો . 
ટુરીસ્ટને એક આછેરો ખ્યાલ આપવા આ પર્ફોર્મન્સ રોજ સાંજે રાખવામાં આવે છે. દસ જેટલી મહિલા અને એટલા પુરુષ પોતાના પરંપરાગત  સંગીત વાદ્ય સાથે, આસામીઝ વસ્ત્રોમાં સજ્જ હોય છે. સ્ત્રીઓ મેખલા સાડીમાં અને પુરુષો ધોતી અને તેમના ખાસ પ્રકારના ડ્રેસમાં .

સ્ત્રીઓના આભૂષણો સુંદર, મુખ્યત્વે ચાંદીના બન્યા હોય તેવા બલોયા , મોટી બુટ્ટીઓ અને કપાળે શોભતો કોરા કંકુનો લાલ ચટ્ટક ચાંદલો. દરેક સ્ત્રીઓ અદભુત સુંદર લાગે એટલું નહીં શક્તિસ્વરૂપના દર્શન થાય. ત્યાં તો કાર્યક્રમ માત્ર ડેમોન્સ્ટ્રેશન પૂરતો હતો. પણ, અમારી હોટેલમાં લલિતભાઈએ જબરું આયોજન કરી રાખ્યું હતું. એમાં કાઝીરંગાના એક પ્રખ્યાત ગ્રુપને આર્ટિસ્ટ સાથે આમંત્રણ આપીને બોલાવ્યું હતું. 
બે દિવસ પહેલા ગયેલી શરદ પૂનમની ઉજવણી અમે જ્યાં રહ્યા હતા તે કાઝીરંગાની લેન્ડમાર્ક વૂડ્ઝમાં કરવાની હતી. સહુ પ્રથમ ગ્રુપમાં આપણા જાણીતાં એવા મીનળ પટેલ હતા , સાથે પુષ્પા સક્સેના.  નંદિની ત્રિવેદી ને કાજલ શાહે પણ એમાં પોતાની આઈટમ રજુ કરી. ગરબાનું આયોજન પણ હતું. સૌએ એક ગરબો પણ લીધો . હવે સહુનું ધ્યાન હતું બિહુ ડાન્સ પર. 

પ્રભાવિત થયા વિના ન રહેવાય એવા યુવાન કલાકારો પોતાના વાદ્યો સાથે હોલમાં પ્રવેશ્યા અને પછી જે રંગારંગ માહોલ બન્યો એ શબ્દમાં વ્યક્ત કરી શકાય એમ નથી. 


બિહુ નૃત્યમાં વણાઈ છે આસામની સામાજિક ભૌગોલિક  પર્યાવરણીય વાતો .
પહેલી નજરે સરળ લાગતું નૃત્ય કેટલું અઘરું છે એ જયારે અમારા ગ્રુપે સાથે બે મિનિટ પર્ફોર્મ કર્યું ત્યારે ખબર પડી ગઈ. 
આસામ ખેતીપ્રધાન રાજ્ય છે. પ્રજા છે એક અથવા બીજી રીતે કૃષિ સાથે સંકળાયેલી. તેમના નૃત્યની મુદ્રા કે થિરક જુઓ તો એમાં પંખી ને પશુની ચાલ નજરે ચઢે. એમના વાદ્ય , એમના શૃંગારની ચીજો તમામ એક યા બીજી રીતે પ્રકૃતિ સાથે સાંકળયેલા છે. 
સામાન્ય લોકો બિહુ ફેસ્ટિવલ નામથી પરિચિત છે પણ એ કેટલીવાર આવે તે વિષે અજાણ. આપણે માનીએ કે બિહુ દિવાળીની જેમ એકવાર આવે, એ સદંતર ખોટું છે. ખરેખર તો સાતવાર આવે, પણ ત્રણ મુખ્ય બિહુ . તેમાંથી એક દિવાળી જેવું બિહુ એ રંગાલી અથવા બૉહાગ બિહુ જે એપ્રિલ મહિનામાં આવે , ત્યારે મોસમ લણણીની હોય. પૈસાની છૂટ હોય એટલે લગ્ન જેવા પ્રસંગ પણ એ વખતે જ લેવાય. 
બિહુ નૃત્યના રંગનો પ્રભાવ મન પર છવાયેલો હતો અને અમારી રિસોર્ટ પણ સરસ હતી છતાં હવે સમય હતો વિદાય લેવાનો. 
હજી સફર ઘણી બાકી હતી. 

ક્રમશઃ 

 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen