વક્ત બડા બલવાન !!




બે દિવસથી અનુરાગ કશ્યપ ને તાપસી પન્નુની ફિલ્મ દોબારા ટ્રોલ થઇ રહી છે. 

સ્પેનિશ ફિલ્મ મિરાજની રીમેક એવી આ દોબારા ખરેખર તો આવી ને જતી રહી હોત તો જાણ સુધ્ધાં થાત નહીં , પણ તાપસી ને અનુરાગ ને થયું લાવો જરા ટ્રોલ ટ્રોલ રમીયે . જો ફિલ્મ થિયેટરમાં ન ઉપડે તો OTT પ્લેટફોર્મ પર તો કંઈ ઉકાળે ...

એટલે તાપસી ને અનુરાગે જાહેરમાં કહ્યું  પ્લીઝ અમારો પણ બોયકોટ કરો ને , અમે રહી ન જવા જોઈએ. 

દાઢમાં બોલાયેલી આ વાત રસિકોએ માની લીધી . થિયેટરમાં કાગડો સુધ્ધાં ન ફરક્યો ને શોઝ કેન્સલ કરવા પડ્યા. 

એટલે પેલો અર્જુન કપૂર બોલ્યો ( એ કોણ એવું ન પૂછશો ) કે અમારી સહનશક્તિની પરીક્ષા ન લેશો. અમે ચૂપ રહ્યા એ અમારી ભૂલ છે. 

લો બોલો. 

SRK રહ્યો વ્યવહારુ બિઝનેસમેન . એની આવી રહેલી 'પઠાણ' માટે પાણી પહેલાં પાળ બાંધે તેવો. એને કહ્યું કે આપણે ફિલ્મમેકરે ઓડિયન્સને ગંભીરતાપૂર્વક લેવું જોઈએ. 

આમ તો વાત વિચારવા કે લખવા જેવી હરગીઝ ન કહેવાય પણ છેલ્લા થોડાં દિવસથી સોશિયલ મીડિયા પર જે ઉપાડો ચાલ્યો એટલે થયું આચમન કરી લેવા જેવું ખરું. 

આમીરખાનની બહુ ગાજેલી લાલસિંહ ચઢ્ઢાના બોયકોટની વાત જૂની થઇ ગઈ. ગુજરાતીમાં એક કહેવત છે કે અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નહોતું તો આ આમિર ને કરીના શું ચીજ ?

આમિરે શેખી મારી હશે પણ કરીના જેવી નહીં. બે વર્ષ જૂની વાયરલ થયેલી પોસ્ટમાં કરીનાબેન ભોળા હાવભાવ સાથે કહી રહ્યા છે  કે અમને સેલીબ બનાવ્યા કોને ?  ન આવો અમારી ફિલ્મ જોવા , કોણ કહે છે આવો.  

જનતા જનાર્દનની કિંમત શું  એક સેલીબ ને મતે ? બે વર્ષ આમ પસાર થઇ ગયા પણ સમય સાથે ન ભૂંસાઈ એ કલીપ. હવે કરીનાની બીજી કલીપ ફરે છે , અરે લોકો આવી રીતે બોયકોટ કરશે તો ગુડ સિનેમાનું શું થશે ?? અમે 250 જેટલાં આર્ટિસ્ટ જી જાન લગાવી દીધા છે. 

પણ, કરીનાની બંને કલીપ સાથે વાયરલ થાય છે. પછી લોકોને એની અપીલ ક્યાંથી સ્પર્શે ?

આજકાલ તો બોલીને છૂટી પડવાના દિવસો ગયા. વાયરલ કલીપ ભમતાં ભૂતની જેમ આવીને ઉભી રહી જાય. 

પણ, જે હોય તે મુદ્દો એ છે કે શું સાચે જ LSC બોયકોટને કારણે ફસડાઈ ગઈ ? દોબારાનો તો કોઈ બોયકોટ કરવા નવરું નહોતું પડ્યું તો શું થયું ? 

હકીકત  આ બધાથી પર છે. જેના કારણમાં કોઈને જવું નથી. 

સહુ પ્રથમવાત તો એ છે કે કોવિડ કાળે આપણને વર્લ્ડ સિનેમાથી વાકેફ કરાવ્યા. અલબત્ત, એ કામ OTT પ્લેટફોર્મ કરી રહ્યું હતું પણ તેમાં ઉદ્દીપક બન્યો કોવિડ પિરિયડ. 

જે લોકો માત્રને માત્ર સાસુવહુ કે દંતકથા કે પછી ધાર્મિક સિરિયલો જોતા હતા એ સામાન્ય ગૃહિણીથી લઇ શિક્ષિત વર્ગ દુનિયાભરની ભાષામાં બનતી ફિલ્મ અને સિરિયલ માણતાં થઇ ગયા. આ સમય છે 2022નો. 1960 70નો નહીં. એ સમય હતો હિન્દી ફિલ્મોનો સુવર્ણકાળ . સૌથી મહત્વની વાત એ છે કે તે સમય મૌલિક સર્જનનો   હતો. ફિલ્મની સ્ટોરીથી લઇ મ્યુઝિક , ડાયલોગ્સ લોકેશન બધું મૌલિક . હવે સમય રિમેકનો આવી ચુક્યો છે. 

રીમેક પણ જોવાનો વાંધો ન હોય જો ઓરિજિનલ જોઈ જ ન હોય , પણ હવે દુનિયા ગ્લોબલ વિલેજ છે. હવે માત્ર હોલીવુડ કે બ્રિટિશ નહીં ટર્કીશ, કોરિયન, સ્પેનિશ , ચાઈનીઝ ,ઇટાલિયન ઇન્ડટ્રીનો દબદબો છે. પાકિસ્તાન પણ આ દોટમાં શામેલ છે. જો કે પાકિસ્તાની લોકો હિન્દી પરથી સિરિયલની ઉમદા કોપી કરી શકે છે. 

સૌથી મજાની વાત એ છે કે આ સિલસિલો વર્ષોથી ચાલતો હતો. ત્યારે કહેવાતું નહોતું કે આ ફિલ્મ ફલાણી ફલાણી ફિલ્મની રીમેક છે. ને લોકોને વાંધો પણ નહોતો. ઓરિજિનલ ફિલ્મ જોઈ હોય તે વળી ક્યારેક ક્યારેક નુક્તેચીની કરે બાકી મોટાભાગના રસિકડાં ફિલ્મ એન્જોય કરે. એટલું જ નહીં ઘણાં ચાહકો તો હિન્દી ફિલ્મોની કોપી હોલીવુડ કરે છે  એવું પણ કહેવામાં બાકી ન રાખે. 

2005માં એક ફિલ્મ આવી હતી મૈને પ્યાર કયું કિયા. ડેવિડ ધવનની ફિલ્મ, હીરો સલમાન ખાન. એ સમયે હિટ ગઈ હતી.  એ પછી પાંચ કે છ વર્ષે 2011માં હોલીવુડની એક ફિલ્મ આવી જસ્ટ ગો વિથ ઈટ . ને બૉલીવુડમાં દેકારો. એ સલમાનની ફિલ્મ પરથી હોલીવુડમાં ફિલ્મ બની...આ વાત યાદ છે કારણકે તે સમયે એક જાણીતાં ફિલ્મ પબ્લિસિસ્ટ પત્રકારે કહી હતી. એટલા સિનિયર પત્રકાર કહે એટલે ન માનવાનું  કોઈ કારણ ન હતું પણ  હકીકત એવી હતી કે આ ફિલ્મ બની હતી એક સિત્તેરના દાયકાની હોલીવુડ ફિલ્મ કેક્ટસ ફ્લાવર પરથી. 

આવું બધું તો ચાલ્યા કરતુ હતું પણ હવે સમય ગૂગલિંગનો છે.

એવો એક અનુભવ થયો.ગઈકાલે થયો. સર્ફ કરતાં એક કોઈક ઇન્ટરેસ્ટિંગ  સિરીઝ લાગી. સ્પેનિશ હતી પણ ઇંગ્લીશમાં ડબ થયેલી હતી. થોડીવાર જોયા પછી લાગ્યું કે આ તો જોયેલી છે. પણ એ વાત નક્કી હતી કે જોઈ નહોતી જ. કારણ એટલું જ કે જોયેલી સિરીઝમાં  હીરો રાજીવ ખંડેલવાલ હતો એવું ઝાંખું ઝાંખું યાદ હતું પણ, નામ યાદ નહોતું . પછી ગૂગલ કરતા નામ મળ્યું એ હતી મરઝી/ મર્જી .જે હોય તે , વળી બંનેની રિલીઝ ડેટ 2020 , એટલે એનો  અર્થ કે બંને સિરિયલમેકરને એક સાથે એક પ્લોટ પર કામ કરવાનું સૂઝ્યું ? પણ હકીકત એ હતી કે આ બંને સિરીઝનો સોર્સ હતી બ્રિટિશ સિરીઝ લાયર . જે 2017માં આવી હતી પણ યોગાનુયોગે આ ત્રણે સિરીઝ OTT પ્લેટફોર્મ પર 2020ના વર્ષે આવી હતી. 

એટલે કે હવે ભાષા કોઈપણ હોય , દર્શકને એ સામે કોઈ વાંધો હોતો નથી. આજકાલ મોટાભાગની ટર્કીશ સિરિયલો જે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામી છે તે હિન્દીમાં ડબ ન હોય તો અંગ્રેજી સબ ટાઇટલ સાથે એને માણનાર પડ્યા છે. એવું જ સ્પેનિશ અને કોરિયન સિરીઝનું છે. 

યુ ટ્યુબ પર મોટાભાગની સિરીઝ ડબ થઈને રિલીઝ થાય છે. અલબત્ત, ટ્રાન્સલેશન અતિશય કંગાળ હોય છે એમ કહેવાય છે છતાં, એમના વ્યૂઝના આંકડા લાખો કરોડોમાં માં હોય છે. 

આ કારણ છે ફિલ્મો પછડાવાનું ? હા અને ના .. 

કારણ છે કન્ટેન્ટ . જે રીતે દક્ષિણની ફિલ્મો ઊંચકાઈ રહી છે એ કોઈક કોડેડ મેસેજ છે ફિલ્મ મેકર્સ ને કે અમને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેશો. 

સૌથી મોટું કારણ એક છે મોંઘીદાટ ટિકિટ. આપણે ત્યાં થિયેટરો વર્લ્ડકલાસ થયા છે એની ના નહીં પણ ટિકિટના ભાવ? 

માર્વેલનું મુવી હોય કે ટોપ સ્ટારનું , insignia કે એ કક્ષાના થિયેટરમાં રૂ. 1500 ની ટિકિટ . ચાર વ્યક્તિ ફિલ્મ જોવા જાય તો પોપકોર્ન સમોસા સાથે રૂપિયા 10,000 ? સામાન્ય મલ્ટીપ્લેક્સમાં  પણ 400 રૂપિયાથી ઓછી ટિકિટ નથી હોતી. તો આ જ ફિલ્મો પંદર દહાડામાં ઘરે બેઠા જોવા મળવાની હોય તો ગજવામાં કાણાં પડે એવું કામ કોણ  કરે? 

નવા યુગ સાથે નવા સમીકરણ જરૂરી બને છે. 

રીમેક , સોશિયલ ડ્રામા કે પછી નવીનતા વિના દર્શકને થિયેટર સુધી ખેંચી લાવવો ગજનીનું કામ નથી. અને હા, એમાં આ સેલેબ પોતાની હોશિયારી ફિશિયારી મારવા રહ્યા તો થઇ રહ્યું. 

છેલ્લું  અટહાસ્ય તો દર્શકનું જ હોય એ વાત ખાન બંધુઓથી લઈને ભારતકુમારે પણ યાદ રાખવી રહે. 


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen