જલ બિન મછલી

   લેપટોપ ને મોબાઈલ ફોન વિનાની જિંદગી એટલે જલ બિન મછલી


વર્ષો પહેલાં એક વેકેશન લીધું હતું માલદીવ્સ ટાપુ પર. રિસોર્ટનું સ્લોગન હતું નો શૂઝ નો ન્યુઝ. સોનેરી રેતી ધરાવતાં એ ટાપુની રિસોર્ટ હતી ફાઈવ સ્ટાર્સ , એમાં ટીવી અને તે સમયે  ડીવીડી પ્લેયર  હતા પણ  ન હતા તો કેબલ કનેક્શન. ટૂંકમાં ન તો બહારની દુનિયાના કોઈ વાવડ આવે ન જાય. તે સમય સ્માર્ટ ફોનનો નહોતો. ને હવે? 
આ વિચારવાનો સમય મળ્યો હમણાં. થયું એવું કે લેપટોપના કી બોર્ડમાં કોઈ ખામી સર્જાતાં  સર્વિસ સેન્ટરમાં મોકલવું પડ્યું. પણ, હદ તો ત્યારે થઇ કે એ સમયગાળામાં મોબાઈલ ફોનનો ડિસ્પ્લે ઊડી ગયો. ઇમ્પોસિબલ વાત લાગે પણ આ હકીકત છે. 
એવામાં વળી વચ્ચે આવ્યો વિકેન્ડ. 
કહેવાનું તાત્પર્ય એ છે કે લગભગ એક અઠવાડિયા જેટલા સમય લેપટોપ ને ફોનથી દૂર રહેવાનો સંયોગ. 

પહેલા બે દિવસ તો લાગ્યું કે હું ગુજરી ગઈ છું. ન કોઈ ફોનકોલ્સ , ન મેસેજ . ન વોટ્સએપ પર થતી પંચાત. કાનની નજીક બૉમ્બ ફૂટે ને જે બધિરતા અનુભવાય એવું જ કંઈક . 

છેલ્લાં કેટલાંય સમયથી ટીવીનો ઉપયોગ ઓટીટી પ્લેટફોર્મ સિવાય કર્યો નહોતો. શોધીને ચેનલો સેટ કરી ત્યારે જાણ્યું કે ટાઈમ્સની હિન્દી ચેનલ નવભારતને તો વર્ષ પૂરું થવા આવ્યું . સોશિયલ મીડિયા પર ચાલતા ગોકીરાને કારણે ખબર હતી કે ઝી ટીવીના સુધીર ચૌધરી આજ તકમાં જોડાયા છે. પહેલીવાર એમનો શો બ્લેક એન્ડ વ્હાઇટ જોયો. અમુક તમુક ચેનલો પર ન્યૂઝ જોઈને લાગતું હતું કે વર્લ્ડ વૉર ડિક્લેર થવાની ઘડીઓ ગણાય છે. 
મચ્છી માર્કેટમાં આવ્યા હોઈએ એવી પ્રાઇમ ટાઇમ ચર્ચા જોઈ જોઈને ટીવી જોવાનું બંધ કર્યું હતું પણ ફોર અ ચેન્જ સારું લાગ્યું. સાંજે વોક પર જવાના સમયે ફોનની ગેરહાજરી વાગે. આજકાલ ઓડિયો બુક્સ બહુ સારો વિકલ્પ છે. મોટાભાગનું વાંચન એટલે કે શ્રવણ તે દ્વારા થાય છે એટલે થયું કે ખલ્લાસ , 90 મિનિટ કેમ પૂરી થશે ?
પણ, માનો કે ન માનો , જયારે આવું વેક્યુમ સર્જાય ત્યારે મગજ ખરેખર કન્સ્ટ્રક્ટિવ વિચારો કરવા લાગે છે. 
પહેલીવાર એ અનુભવ પણ સારો રહ્યો. 

પહેલો દિવસ તો નીકળ્યો પણ બીજે દિવસે આંખો ખુલતાં ખ્યાલ આવ્યો કે મોબાઈલ તો છે નહીં. સવારે જે નાસ્તા પાણીમાં એક કલાક વીતી જતો  હતો તે કામ પંદર મિનિટમાં પતી ગયું. પછી ? વર્ષો પૂર્વે ઓફિસ જવા માટે જે રૂટિન હતું એ અચાનક પાછું આવ્યું હોય  તેમ સવારના દસના ટકોરે  તો  બધું પૂરું . હવે ? હવે કરવું શું ? ટીવી  પર પાર્થ અર્પિતા ને સંજય રાઉત સિવાય કશું ચાલી રહ્યું નહોતું અચાનક જ કોઈક ફ્લેશ વાંચ્યો અલ જવાહિરી માર્યો ગયો હોવાના. એક ફ્લેશ. લાગ્યું કે ભ્રમ થયો. અન્ય કોઈ ચેનલ પર કોઈ ન્યૂઝ નહીં. ફ્લેશ ચલાવનાર કોઈ મહારથી ચેનલ નહોતી એટલે બે પાંચ મિનિટ પછી એ પણ ગાયબ થઇ ગયો. 
એ ફ્લેશમાં અમેરિકાના આ ડ્રોન હુમલો રવિવારે થયો હોવાનું લખ્યું હતું. 
ફરી બંને અખબાર તપાસ્યા. એવા કોઈ ન્યુઝ નહોતા  . 
ત્યારે ખ્યાલ આવ્યો વિવશતાનો. 
કાશ , લેપટોપ કે ફોન હાથવગાં હોતે તો અત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ રહેતે. 
કહેવાનું તાત્પર્ય એ છે કે લેપટોપ , મોબાઈલ ફોન  વિનાની દુનિયા એટલે અફાટ મહાસાગરમાં કોઈ એક ટાપુ પર વિખૂટાં પડી જવું એવો જ અનુભવ .


બે દિવસ તો ભારે વ્યગ્ર રહ્યા. ત્રીજે દિવસે સિસ્ટમે એ વાત સ્વીકારી લીધી હોય તેમ મન નોર્મલ વર્તન કરી રહ્યું હતું. વર્ષો પછી  પહેલી વાર હાથમાં પેન ને પેપર લીધા. ત્યારે ખ્યાલ આવ્યો કે એક જમાનામાં જે અક્ષરો પર મને અભિમાન હતું તે અક્ષરો હવે મોતીના દાણાં ન રહીને સાચાં મોતીના દાણાં એટલે કે ઝીણાં ને વાંકાચૂંકા થઇ ગયા છે. 
પરંતુ મનની વાત કાગળ પર ઉતારવી જરૂરી હતી. લખવું હતું નવલકથાનું પ્રકરણ. અલબત્ત, કાગળ પર લખવાની આદત છૂટી ચુકી છે એટલે એ તો શક્ય ન બન્યું પણ ઘણાં બધા વિચારો કાગળ પર ટપકાવી દીધા. એ પૈકીનો  એક વિચાર આ બ્લોગનો પીસ . 

અઠવાડિયું વીતી ગયું છે. લેપટોપ સાજુંનરવું થઈને પાછું આવ્યું છે એટલે જરા સારું લાગે છે . ફોન આજકાલમાં રિકવર થઈને આવી જશે એટલે મન શાંત છે. પણ,  હજી એ ચકરાવે છે કે અઠવાડિયાની શાંતિ મનભાવન રહી કે ઉદ્વેગમય  ? 

પહેલીવાર અનુભવ્યું કે સાવ નકામી કહેવાય તેવી ચિટ ચેટ આપણો કેટલો સમય ચોરી લે છે. એક વ્યસનની જેમ અંદરોદર વ્યાપ્ત છે. બીજી તરફ એવું પણ અનુભવાયું કે જો આ ટેક્નોલોજી ન હોતે તો કેટલી અધૂરપ રહી જાત. એક સમય એવો હતો કે એક રેફરન્સ માટે લાઈબ્રેરીના ધક્કા ખાવા પડતાં હતા. કેટલા કટિંગ્સ ને નોટ્સ સાચવવા પડતાં હતા. ઈ  ફાઇલિંગ , ગૂગલે કેટલી સમસ્યા દૂર કરી નાખી છે. 
મને યાદ આવ્યા એ દિવસ જયારે સ્કૂલમાં નિબંધ લખવાનો અચૂક આવતો : વિજ્ઞાન આશીર્વાદ કે અભિશાપ ?

દિવસો વીતી ગયા છે. માઈન્ડસેટ બદલાઈ ગયા છે પણ પ્રશ્નની તીવ્રતા એટલી જ છે. 
ઉત્તર બ્લેક એન્ડ વ્હાઈટમાં ન હોય શકે. બસ , એવી જ વાત અહીં લાગુ પડે છે. 
 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen