ચાલ એવા જંગલમાં જઈએ : કોર્બેટ નેશનલ પાર્ક

             Pic by Kaushik Ghelani 

થોડાં વર્ષ પહેલાં એક ફિલ્મ જોઈ હતી: કાલ. અજય દેવગણ અને  મોટી સ્ટારકાસ્ટની આ ફિલ્મ આમ તો ભૂતકથા હતી. બોક્સઓફિસ પર એવી સફળ  નહોતી થઇ ,પણ એમાં દર્શાવાયેલું જંગલ મનમાં રહી ગયું હતું.  મનમાં વર્ષોથી રમી રહેલા કોર્બેટ પાર્ક માટે જયારે વિચારવા માંડ્યું ત્યારે મિત્રોની સલાહસૂચન શરુ થઇ ગયા. 

'ત્યાં જવાય જ નહીં. ત્યાં વાઘ તો દેખાતાં  જ નથી. એના કરતાં રણથંભોર વધુ બહેતર .. '

'કેટલું દૂર, દિલ્હીથી છ સાત કલાક ...ન જવાય ..'

કોઈકે તો ઠંડીનું કારણ આપ્યું કોઈકે અન્ય બીજા કારણો ને ડેસ્ટિનેશન સૂચવ્યા. પણ, મનમાં નક્કી કરી રાખ્યું હતું કે આ વખતે તો કોર્બેટ પાર્કમાં  ઈચ્છાનો મોક્ષ કરવો જ રહ્યો એટલે નક્કી કર્યું કે જો હોના હૈ હો,પણ જવું તો કોર્બેટ નેશનલ પાર્ક. 

ઉત્તરાખંડમાં આવેલા આ અભ્યારણ્યનું નામ છે કોર્બેટ નેશનલ પાર્ક પણ સહુ કોઈ એને જિમ કોર્બેટ પાર્ક કહે છે. 

વિગતે વાત કરીએ એ પહેલા સહુની કુતુહલતાને રજા આપી દેવી જરૂરી છે. એટલે ખાસ કહેવાનું કે કોર્બેટપાર્કમાં વાઘ તો જોવા મળે છે પણ એના દર્શન કેમ સહુને દુર્લભ લાગે છે , તેની વાત આપણે આગળ કરીશું. 

કોર્બેટ પાર્ક માટે આયોજન કર્યું ત્યારે બુકિંગ તો એક રિસોર્ટ માટે કરાવવાનું હતું. જેમ જેમ આ પાર્ક વિષે વાંચતી ગઈ ત્યારે જણાયું કે આ બિલકુલ અનોખું અભ્યારણ્ય છે. ટાઇગર સેંકચ્યુરી જેવી કે રણથંભોર, તાડોબા , કાન્હા જો તમે થઇ આવ્યા હો તો એ પૈકીની એક આ સફારી નથી. તેનું કારણ છે વનનું ક્ષેત્રફળ . 

એશિયાનો સહુ પ્રથમ એવો આ  નેશનલ પાર્ક 520 કિલોમીટરમાં પથરાયેલો છે. કુલ 1318 ચોરસ કિલોમીટર વિસ્તાર જેમાં પર્વત ,નદીઓ અને ઘનઘોર જંગલ સાથે ગ્રાસલેન્ડ કહેવાય તેવા સપાટ મેદાનો ને તેમાં ઉગતા  આદમકદ ઘાસથી છવાયેલ રહે છે . ભૌગોલિક રીતે એને સબ હિમાલિયન રેન્જ કહી શકાય. આ વિસ્તારને નેશનલ પાર્ક તરીકે જાહેર કરાયો ઈ.સ 1936માં. ત્યારે  ગવર્નર વિલિયમ માલ્કમ હેલી નામના બ્રિટિશ ઓફિસરને આ જગ્યા સુરક્ષિત કરવાનો વિચાર આવ્યો હતો. ત્યારે એનું નામ રખાયું હતું હેલી નેશનલ પાર્ક. પણ ત્રીસ વર્ષ પછી પ્રસિદ્ધ નેચરાલિસ્ટ જિમ કોર્બેટના નામ પરથી નામકરણ થયું કોર્બેટ નેશનલ પાર્ક. 

જિમ કોર્બેટના નામથી કોણ અજાણ્યું હોય શકે ? સ્કૂલમાં ઈંગ્લીશ ટેક્સ્ટબુકમાં મેનઇટર ઓફ રુદ્રપ્રયાગ,મેન ઇટર ઓફ કુમાઉ ભણ્યા હતા. ઇન્ડિયા એમને નેચરાલિસ્ટ, ફોટોગ્રાફર ને રાઇટર તરીકે ઓળખે છે ને એમની પર થોડી રિસર્ચ કરો તો મોટાભાગની સાઈટ એમને હન્ટર ,શિકારી લેખે છે. કોર્બેટ આ વિસ્તારમાં 400થી વધુ વાઘનો શિકાર કર્યો હોવાનો રેકોર્ડ છે. એ વ્યક્તિ શિકારીમાંથી રક્ષક બનવાની કહાની પણ રોચક છે, પણ, એ વાત પછી કરીશું. હમણાં વાત કરી લઈએ કોર્બેટ પાર્કની. મુંબઈથી અમદાવાદ સુધી વિસ્તરેલ વન કેટલું જાજરમાન અને રોચક હોય તેની કલ્પના પણ ન થઇ શકે. 

અહીં એક આડવાત, મોટાભાગના લોકોની પિન એક જ વાત પર અટકી જાય છે. ટાઇગર જોયો ? કેટલા જોયા ? કેટલીવાર જોયા ? પાસેથી જોવા મળ્યો કે દૂરથી ? લોકો એક મહત્વની વાત ભૂલી જાય છે કે કોઈપણ અભ્યારણ્યમાં વાઘ કે સિંહ જોવા મળે એટલે આનંદ તો થાય જ પણ એ એકમાત્ર વાત નથી. જંગલના અન્ય પરિબળો તમને ખેંચે છે. 

કોર્બેટ પાર્ક એ વાતમાં અતિ સમૃદ્ધ છે. ત્રીસથી ચાલીસ ફૂટ ઊંચા સાલના ઝાડ, પીપળા, રોહિણી, હલદૂ ,આંબા , જાંબુના ઝાડ ગીચ ગીચ ઉગે છે. આખા વિસ્તારનો 75% ભાગ આ વૃક્ષોથી છવાયેલો છે બાકીના વિસ્તારમાં છે નદી રામગંગા અને મેદાનોમાં ઉગેલા આદમકદ ઘાસ. 110 જાતના વૃક્ષ ,500 જાતના છોડ ,ઘાસ ,50 જાતના સસ્તન પ્રાણીઓ ,580 જાતના પક્ષીઓ અને 25થી વધુ જાતના રેપ્ટાઈલ (સરીસૃપ) થી ભરેલું આ વન રોજ નવા કલેવર ધરીને ઉભું હોય છે એવું અમારા જીપ ડ્રાઈવર હારુને જણાવ્યું ત્યારે પહેલા તો માનવામાં આવ્યું નહોતું.

અમારો મુકામ હતો કોર્બેટના ઢીકાલા નામના ઝોનમાં. જે લોકો કોર્બેટ પાર્કમાં વાઘ જોયા વિના માત્ર હાથી હરણાં જોઈને નાસીપાસ થઈને આવ્યા છે એ લોકોને મૂળ કારણ જ ખબર નથી. કોર્બેટ પાર્ક આમ તો ત્રણ વિભાગમાં વહેંચી કાઢવામાં આવ્યો છે. 

1, બફર ઝોન, 2, જંગલ ઝોન, 3, કોર જંગલ . 

એમાં કોર જંગલ લેખાતા વિસ્તારમાં કોઈ એટલે કોઈ વ્યક્તિને પ્રવેશવાની અનુમતિ નથી. જે રીતે જાણ્યું એ રીતે તો પ્રાઈમ મિનિસ્ટર , પ્રેસિડન્ટ કે સુપ્રીમ કોર્ટના જજ સાહેબ પણ આ વિસ્તારમાં પ્રવેશી શકે નહીં. ત્યાં  માત્ર ને માત્ર જંગલ અધિકારીઓને જ પ્રવેશ અપાય છે તે  પણ ચોક્કસ દિવસના અંતરે . આમ કરવા પાછળનો ઉદ્દેશ માત્ર એક છે કે જગલની ઈકોલોજીને કોઈ પ્રકારની હાનિ ન પહોંચે. આ ભાગ મોટાભાગે ઊંચાઈવાળા વિસ્તારમાં છે.જ્યાં વર્જિન કહી શકાય એવું વન જળવાયું છે.બીજા પ્રકારમાં આવે છે જંગલ ઝોન. જેમાં એક અને માત્ર એક જંગલ લોજ ઢીકાલા છે. આ મહત્વની એટલા માટે છે કે ભારતભરમાં આ એકમાત્ર જંગલના હાર્દમાં આવેલી  લોજ છે . હવે જંગલના હાર્દમાં કોઈપણ પ્રકારની માનવવસ્તી માટે પરવાનગી આપવામાં આવતી નથી. આ લોજ ઈ.સ 1926ની છે. હેલીના સમયની ,જે હજી ચાલુ છે.

ઢીકાલા ફોરેસ્ટ લોજ: વીઆઈપી એકોમોડેશન જેમાં ટોચના નેતા, જજ ,ફિલ્મ સ્ટાર્સની અવરજવર અવિરત રહે છે. 

ન્યુ ફોરેસ્ટ હાઉસ ,જેમાં 45 દિવસ પહેલાં બુકીંગ કરાવવું જરૂરી છે. 

ત્રીજો પ્રકાર છે બફર ઝોન . આ વિસ્તારમાં જંગલ પણ છે ,જંગલી પ્રાણીઓ પણ છે અને સાથે સાથે માનવજીવન પણ છે. સરકારે આ વિસ્તારમાં લોજ અને રિસોર્ટ્સ માટે પરવાનગી આપી છે. પણ, સમસ્યા ત્યાં જ છે. પ્રાણીઓને માનવજાતથી એલર્જી છે. જ્યાં માનવ પગ મૂકે ત્યાંથી આ જીવો ઉચાળા ભરવા માંડે છે .

જંગલ આ મુખ્ય ત્રણ ઉપરાંત છ  સાત વિભાગમાં વિતરિત છે. 

1,ઢીકાલા , 2, ઢેલા , 3 ઝીરના , 4 બીજરાની  , 5 દુર્ગાદેવી ,6  સીતાબની ,7 ગર્જિયા .

ઢીકાલા સિવાયના ઝોન જંગલના આઉટસ્કર્ટ પર છે એવું કહી શકાય. ઢીકાલા ઉપરાંત ઢેલા અને ઝીરના હજી જંગલમાં કહી શકાય કારણ કે ત્યાં આવેલી રિસોર્ટ્સના મહેમાનોને વાઘના દર્શન થાય છે. પણ બાકીના વિસ્તારોમાં આવેલી લોજ અને હોટેલ માત્ર કહેવા પૂરતી જ કોર્બેટ પાર્કમાં છે. 

એનું કારણ એ છે કે તમામ હોટેલમાં ઉતરનાર ટુરિસ્ટએ ઢીકાલામાં પ્રવેશ માટે પૂર્વ  પરવાનગી લેવી પડે છે. જે સામાન્યરીતે  ખૂબ  જટિલ અને મગજમારીભર્યું કામ છે. સૌથી બહેતર વિકલ્પ છે ઢીકાલા જંગલ લોજમાં ઉતારવાનો. એ પણ સહેલો નથી. એને માટે 45 દિવસ પહેલાં બુકીંગ કરાવવાનું હોય છે. આ ઓન લાઈન બુકીંગ માટે એટલો જબરદસ્ત ધસારો હોય છે કે માત્ર સાત મિનિટમાં ત્રીસે ત્રીસ રૂમ બુક થઇ જાય છે. આખા રિસોર્ટમાં મહત્તમ 85 વ્યક્તિને રહેવાની સુવિધા છે. અને હા. એ બુકીંગ માત્ર ત્રણ રાત માટે જ મળે છે. વધુ રોકાણ કરવું હોય તો 45 દિવસ પછી લાઈનમાં રહી બુકીંગ કરાવી આવો. અમને  બુકીંગ માટે તરવરિયા ફોટોગ્રાફર મિત્ર કૌશિક ઘેલાણીએ ઘણી મદદ કરી હતી. 

આટલું પૂરતું ન હોય તેમ વન્યજીવનના સંરક્ષણ માટે સફારીના સમય નક્કી કરવામાં આવ્યા છે એ રીતે સવારના 7થી 10 અને બપોરે 2થી 6 દરમિયાન જ સરકાર દ્વારા માન્ય જીપમાં પાર્કમાં સફર કરી શકાય છે. એટલે ઢીકાલા સિવાય કોઈપણ જગ્યાએ ઉતર્યા હોવ તો જીપ કે કેન્ટર્સમાં આવવા જવામાં બે કલાક નીકળી જાય . પાર્કમાં રહેવાનો  કલાક. માંડ એક કલાક હાથ પર હોય તો વાઘ જોવા ક્યાંથી મળે ? એ કાંઈ કોઈને હલો કરવા બહાર થોડો આવે ? એટલે બહુ બહુ તો હરણાં , સાબર , હાથી , શિયાળ જોઈને બહાર નીકળી જવું પડે.

આ બધા કારણોસર કોર્બેટ પાર્ક ઘણાને નિરાશ કરે છે. હકીકતે આ જંગલને ફોટોગ્રાફર્સ ડિલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. 

અમે સવારે દિલ્હીની ફ્લાઇટ લીધી હતી. દિલ્હીથી જવાનું હતું રામનગર , એટલે કે ઉત્તરાખંડ . ઠંડીનો ચમકારો વાતાવરણમાં હતો. અમે જયારે સાંજે સાડા છ વાગ્યે રામનગર પહોંચ્યા ત્યારે ઠંડી તો ચોસલા પડે તેવી જામી રહી હતી. એક રાત રામનગરમાં કાઢવાની હતી. બીજી સવારે જોયું તો ઓપન જીપ અમારે માટે રાહ જોતી હતી. ફરી કોઈ ફોર્માલિટી કરવાની હતી જે પતાવીને અમે સ્ટાર્ટ થયા ઢીકાલા માટે. 

રામનગરથી ઢીકાલાનો રસ્તો છે દોઢ કલાકનો. રામનગર છોડોને જંગલ શરુ થઇ જાય. સાથે ચહેરા પર એકસામટી સો સોંય ભોંકાઈ રહી હોય તેવી ઠંડી હવાના સુસવાટા. અમે ગયા ત્યારે વસંત પંચમી થઇ ગઈ હતી એટલે ઠંડી ઓછી હતી એવું કહેવાયું હતું. વૉચમાં ટેમ્પરેચર બતાવતું હતું 8 ડિગ્રી .હજી તો જંગલનો ગેટ આવ્યો નહોતો ને આ હાલત હતી તો જંગલમાં શું થશે ? એ વાત જ જરા થથરાવી ગઈ.


ક્રમશ: 


Comments

Popular posts from this blog

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...