અજેય,અણનમ,ઉદાસ : દૌલતાબાદ ફોર્ટ


                                                                                              ઇમેજ : ગૂગલ

ભારતની ભૂમિએ અસંખ્ય યુદ્ધ જોયા છે. સાહસિક રાજવીઓ, રાજકારણ , રાજનીતિ ,ખટપટ, કાવાદાવા, કૂટનીતિ અને આક્રમણકારીઓની ટક્કર. 
કેટલાંય મહારથીઓ જાજરમાન, મજબૂત અભેદ્ય કહેવાય તેવા કિલ્લામાં હાર્યા છે. 

પોતાના રાજ્યની, રૈયતની રક્ષા માટે દરેક રાજવી કિલ્લા નિર્માણ તો જરૂર કરતાં રહેતા. આજે પણ તવારીખની સાક્ષી ભરતાં એ કિલ્લાઓ અડીખમ ઉભા છે. કોઈક જર્જરિત હાલતમાં છે તો કોઈ કાળની સામે લડત આપતાં અડીખમ ઉભા છે. એ પૈકી એક છે દૌલતાબાદ ફોર્ટ. મૂળ નામ દેવગિરિ દુર્ગ. 

પ્રાચીન સમયથી જ એ શક્તિશાળી રાજવીઓનો ગઢ કહેવાય છે. આ રાજવીઓએ આજના મુંબઈ પર પણ સત્તા ભોગવી હતી. દૌલતાબાદ કે પછી દેવગિરિ એક એવો દુર્ગ છે એને માટે કહેવાય છે કે એ ક્યારેય દુશ્મનના હાથે પડ્યો નથી. એટલે  એવું નથી બન્યું કે એને  ભેદવામાં શત્રુ રાજા સફળ થયો હોય. મધ્યકાલીન યુગમાં આ કિલ્લાને અજેય દુર્ગ લેખાતો રહ્યો છે. એ એટલો મજબૂત હતો કે ભલભલો તાકાતવાન શત્રુ એને વીંધવામાં નાકામ રહ્યો છે. હા, છળકપટથી , ચાલાકીથી રાજવીની હાર થઇ છે પણ કિલ્લો નબળો પડ્યો નથી. 

રસપ્રદ ઇતિહાસ એ છે કે આ કિલ્લો એવી તો શું ખૂબી ધરાવતો હશે કે કોઈ શત્રુ એને ભેદી ન શક્યો ?


દૌલતાબાદ નામ તો પાછળથી મળ્યું પણ એનું મૂળ નામ દેવગિરિ . જૈન ઇતિહાસકાર પંડિત હેમાદ્રિ નોંધે છે તે પ્રમાણે એનું નિર્માણ શરુ થયું હતું ઈ.સ 1187.  આવો અજેય દુર્ગ એક રાતમાં તો નિર્માણ થઇ શકે  નહીં. એવું મનાય છે કે નિર્માણની શરૂઆત કરી હતી યાદવનરેશ ભીલમ્મા નામના રાજવીએ. જે પહેલા ચાલુક્ય વંશ હેઠળ હતા. પણ, મૂળ તો યાદવ વંશના રાજવી હતા. નિર્માણ શરુ તો થયું પણ આખો દુર્ગ તૈયાર થયો ઈ.સ 1318 માં. એટલે કે લગભગ 130 વર્ષ સુધી આ કામ ચાલ્યું. વાત થોડું અચરજ જન્માવે  પણ કિલ્લો જોયા પછી એ વાત સમજાય . શરૂઆત કોઈ દમદાર રાજવીએ કરી ને નિર્માણકામ પૂરું કર્યું તેના વારસદારોએ , પણ એ કિલ્લો એમના હાથમાં રહે એમ નહોતો. 

ઈ.સ 1762 સુધીમાં આ કિલ્લો ઘણાં રાજવીઓના હાથમાં ફરતો રહ્યો છે. 

ઈ.સ 1296માં આ દુર્ગ પર નજર પડી દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીની. 
એ વિષે ઇતિહાસમાં ઘણી ચોંકાવનારી નોંધ મળે છે . એ વખતે દેવગિરિ દુર્ગ યાદવવંશના રાજા રામચંદ્ર નામના રાજવીના હાથમાં હતો. દક્ષિણ ભારત સોનાની ખાણ લેખાતું હતું. પણ, ખીલજીની નજર હજી તેના પર  નહોતી.
આ દુર્ગ ખીલજીની નજરે કઇ રીતે ચઢ્યો એની પાછળની પણ સ્ટોરી છે. 

તે વખતે ગુજરાતમાં રાજ હતું વાઘેલા વંશનું. રાય કરણ વાઘેલા. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજવી. ગુજરાતી વાચકો એને કરણ ઘેલો નામે વધુ જાણે છે.  રાય કરણ વાઘેલા જયારે રાજ કરતો હતો ત્યારે તેની રાજધાની હતી પાટણ . રાજ્યની  સીમા હતી આબુથી ભરૂચ સુધીની. ક્યાંક એવો ઉલ્લેખ છે કે કોંકણ સુધી એનું રાજ હતું. જૈન ઇતિહાસકાર જિનપ્રભ સુરી લખે છે તે ધ્યાનમાં લઈએ તો  રાય કરણ સત્તાના મદમાં ચકચૂર હતો. કહેવાય છે કે પડતીની પહેલી નિશાની મદ છે. રાજા કરણ વાઘેલાની નજર  પોતાના મંત્રી માધવની પત્ની રૂપસુંદરી પર પડી. એને પામવા માટે એને માધવ મંત્રીને ક્યાંક બહાર મોકલી આપ્યો. કહેવાની જરૂર ખરી કે રૂપસુંદરીનું અપહરણ કરવામાં આવ્યું .ભાભીને બચાવવાના પ્રયત્નમાં માધવ મંત્રીનો ભાઈ કેશવ હણાયો. રૂપસુંદરીને બચાવવા કરી ને દિયર હણાયો તેની પત્ની ગુણસુંદરી સતી થઇ. આ કથા સહુ પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલો તરીકે મૂર્ત થઇ. (જેના લેખક હતા નંદશંકર મહેતા.)
આ જ કારણ હતું માધવ મંત્રીના વિફરવાનું. 

વિફરેલો માધવ મંત્રી રાજસ્થાન થઈને દિલ્હી પહોંચ્યો. ત્યારે ખીલજીનું સામ્રાજ્ય હતું. અલ્લાઉદ્દીન ખીલજી ત્યારે  બાદશાહ નહોતો બન્યો .પણ, કમાન્ડર તો હતો. વળી કાકા જલાઉદ્દીન બાદશાહ હતો, ને અલ્લાઉદ્દીન  તેનો જમાઈ એટલે ટૂંકમાં વિના ટાઇટલનો બાદશાહ. 
માધવમંત્રીએ અલ્લાઉદ્દીનને મળીને ગુજરાત પર ચઢાઈ કરવા ઉકસાવ્યો. જયારે ખિલજીએ ચઢાઈ કરી ત્યારે રાય કરણ તો પોતાની મસ્તીમાં હતો.  લશ્કર હતું પણ હુમલો અચાનક હતો એટલે સજ્જતા ઊંઘતા ઝડપાયા. ભાગી જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો  બચ્યો. એ ભાગીને ગયો દેવગિરિના રાજવી રામચંદ્ર પાસે. 

અહીં બે વર્ઝન મળે છે. એક રામચંદ્રે એને આશ્રય આપવાની ના ભણી દીધી .એને આશ્રય આપ્યો હતો વારાંગલના કાકાતિયા રાજવીએ. પણ ,એ વાત સાચી એટલે નથી લાગતી કે જો રામચંદ્રે એને આશરો ન આપ્યો હોત તો કરણરાયની દીકરીનું દેવલનું અપહરણ ઈલોરાના કૈલાસ  મંદિરમાંથી થયું એ કઈ રીતે શક્ય બન્યું હોય ?
  ટૂંકમાં બદનસીબ કરણની લંપટતાએ તેને રાજપાટ વિના રઝળતો કર્યો, પોતાની રાણીને છોડીને ભાગેલો તે રાણીને અલ્લાઉદ્દીને  પોતાના  જનાનામાં ભરતી કરી ને એને પરણ્યો.  કરણના મનહૂસ છાયા હેઠળ દેવગિરિ પણ આવી ગયું. ખિલજીની નજરમાં દેવગિરિનો વૈભવ વસી ગયો.  દેવગિરિનો દુર્ગ જીતી લેવાય તો વ્યૂહાત્મક જીત પાકી હતી. ને ઉપરથી આવી લખલૂંટ  દૌલત.  ખીલજીની  નજર બગડી. જો એ દેવગિરિ જીતી લે તો દક્ષિણમાં બાકીના રાજવીઓને જીતવા સુગમ થઇ જાય. અલબત્ત, એ વાત જુદી છે કે પહેલીવાર ખિલજી દેવગિરિ જીતી શકવાના કામમાં નાકામિયાબ રહ્યો હતો. 

મનહૂસ કરણ વાઘેલાને કારણે દેવગિરિ દુર્ગ ખીલજીની નજરમાં આવી ગયો હોવાનું ઈતિહાસ નોંધે છે.

ભિલ્લમની સરખામણીમાં રામચંદ્ર  રાજવી બેશક નબળો હતો. પણ , ખિલજીએ  કિલ્લાને આંકવામાં ભૂલ કરી હતી. એ આ કિલ્લો જીતવામાં ફાવ્યો નહીં પણ એને એટલું તો સમજાઈ ગયું  હતું કે દક્ષિણ ભારતમાં બે વાત હતી. એક તો સોનાનો ભંડાર હતો અને બીજું શૂરવીર રાજાઓની ભૂમિ હતી. અલ્લાઉદ્દીન ખિલજીએ  પોતાના સગા કાકાને કપટથી પતાવી ને તખ્ત પચાવી  હતું એમ જ એવું અહીં પણ કરવાનું વિચારી લીધું. 


એને બીજો રસ્તો લીધો. એ બીજે લૂંટફાટ કરતો રહ્યો ને દેવગિરિના રાજવીના સૈન્યને ખરીદવાનો પ્રયાસ કરતો રહ્યો. એ માટે એને પોતાના ખાસ એવા મલિક કાફૂરને કામે લગાડ્યો હતો. 

મલિક કાફૂર એક હોશિયાર કમાંડર હતો જરૂર પણ ઇતિહાસ એને જુદી રીતે ઓળખે છે. મલિક કાફૂર મૂળ હતો હિન્દૂ ,ખંભાતનો. અતિશય સુંદર હતો એમ કહેવાય છે. જેને એક સુબાએ ખરીદીને ખીલજીને ભેટ આપ્યો હતો. એ પછીની સ્ટોરી તો જગજાહેર છે. મલિક કાફૂરે  સમયાંતરે હુમલા કરી કરીને રાજવી ને નબળો પાડવા સાથે બીજું એક કામ કર્યું , લશ્કરમાં જ ઘોર ખોદવાનું. એને લશ્કરના જ લોકોને ધન આપીને પોતાની તરફ કરી લીધા. રાય કરણની પુત્રી દેવલનું અપહરણ ખીલજીના ગુલામ મલિક કાફૂરે કર્યું અને  1318માં આ દુર્ગ મુસ્લિમ શાસક પાસે ગયો. 

આ કિલ્લો છે અણનમ પણ કોઈ એકનો થઈને રહ્યો નથી. 
ખીલજી પાસે એ દાયકો માંડ રહ્યો ને તુઘલક આવ્યો.

1328 પછી આ કિલ્લાના માલિક થયા તુગલક. મોહંમદ તુગલક જેના પરથી એક શબ્દ આવ્યો તઘલખી , એટલે કે ગાંડપણ , પાગલપણ , દીવાનગી. 
આ શબ્દ ઉદ્દભવવાનું કારણ મોહમ્મદ તગલક પોતે છે. 
ખરેખર લોકો માને છે એવો એ ગાંડો કે ચક્રમ હરગીઝ નહોતો. અભ્યાસુ હતો. સ્કોલર કહી શકાય એ હદ સુધી. એનું અભિયાન હતું દક્ષિણ ભારત પર કબ્જો કરવાનું. પિતા દિલ્હીમાં ડેરો જમાવીને બેઠા હતા. એને મોહમ્મદને દક્ષિણ સર કરવા મોકલ્યો હતો. 

તગલકને દક્ષિણ  ભારતમાં પગ મૂકતાવેંત સમજાઈ ગયું કે આ ભૂમિ સોનાની છે. એમાં પણ દરિયાકિનારેના પ્રદેશો જીતી લેવામાં આવે તો બાત બન જાયે. એટલે એને દેવગિરિ જીતવો જરૂરી લાગ્યો. 

રસકસવાળી ભૂમિ ને અભેદ્ય કિલ્લો મળ્યો એટલે એને ત્યાં નગર વસાવ્યું નામ દૌલતાબાદ.  દેવગિરિ દુર્ગ બની ગયો દૌલતાબાદ કિલ્લો. પણ, અહીંથી શરુ થઇ મોહંમદની તગલકી .એને થયું રાજધાની તો દૌલતાબાદ હોવી જોઈએ દિલ્હી નહીં.ત્યારે તો એ બાદશાહ બની ગયો હતો. એને એલાન કર્યું કે રાજધાની હશે દૌલતાબાદ. એટલું જ નહીં કિલ્લાની એક ઊંચી ટોચ પર ઉભા રહીને એને ફરમાન કર્યું કે આજથી પંદર દિવસમાં તમામ દિલ્હીવાસીઓએ પોતાના સરસરંજામ સાથે દિલ્હી છોડી ને દૌલતાબાદ આવી પહોંચવું પડશે. હવે ન તો દિલ્હીમાં કોઈ દીવો જલશે ન તો ઘરમાં કોઈ રસોઈ થશે. દિલ્હીમાં કબ્રસ્તાન સિવાય કઈ બાકી ન રહેશે. 
એ વિષે ઘણું બધું લખાયું છે. ટૂંકમાં એક એવો શાસક જે હતો આદર્શવાદી, થોડે અંશે બીજા મુસ્લિમ શાસકોની સરખામણી ઉદાર પણ ખરો. વિના કોઈ પ્લાનિંગ , કોઈ જાતની તૈયારી કે તે વિષે આગળપાછળની પરિસ્થિતિનો વિચાર કર્યા વિના ઝંપલાવી દેનાર તગલકે 17 વર્ષ પછી ફરી રાજધાનીને દૌલતાબાદથી દિલ્હી ખસેડવી પડી અને આપણે ત્યાં કહેવત આવી : દિલ્હીથી દૌલતાબાદ ને દૌલતાબાદથી દિલ્હી. 

તગલક પછી પણ ઘણાં શાસકો આવ્યા ને ગયા. 
છેલ્લે આવ્યા મુઘલ. 
અકબર બાદશાહના સમયમાં આ કિલ્લો મુગલોએ જીત્યો હતો. પછી જહાંગીરને કાશ્મીર અને શાહજહાંને દિલ્હીમાં ગોઠતું હતું એટલે આ બાજુ કોઈ ફરક્યું નહીં. શાહજહાંના પુત્ર દારા શિકોહને દિલ્હી અને કાબુલ સુધીનો અખત્યાર  મળ્યો હતો. સૌથી વિકટ હતું દખ્ખણ ,  નિરંતર ચાલતા યુદ્ધ ઔરંગઝેબને ભાગે આવ્યા હતા.. સ્વાભાવિક છે કે દૌલતાબાદ ફોર્ટ ઔરંગઝેબના ખાતે આવે. ઇસ 1707 સુધી એટલે કે ઔરંગઝેબના મૃત્યુ સુધી એ મુગલને હસ્તક રહ્યો. 

ઇતિહાસ કહે છે તેમ ઔરંગઝેબ છેલ્લો શક્તિશાળી મુગલ શાસક હતો .એના મૃત્યુ પછી મુગલ સામ્રાજ્યનું પતન શરુ થઇ ગયું હતું. એ પછી એક કે બાદ એક તમામ રાજવીઓ નબળાં આવ્યા. 
એ પછી આ કિલ્લો આવ્યો નિઝામના તાબા  હેઠળ. 

આ તો થઇ તેના શાસકોની વાત. મજબૂતીની વાત કરીએ તો આ કિલ્લો ભારતમાં સૌથી અણનમ મનાય છે. 
તેનું મુખ્ય કારણ છે તેની રચના. દૌલતાબાદ કિલ્લો એના લોકેશન ને કારણે પણ અજેય છે. 190 મીટરની ઊંચાઈ પર શંકુ આકારનો કિલ્લો અભેદ્ય છે તેના ઘણાં પરિબળો છે. 


એક તો એ ખુબ ઊંચાઈ પર છે. ત્યાં સુધી પહોંચવા માટે ચઢાણ ઘણું કરવું પડે. એ સૌથી મોટું કારણ છે કે કિલ્લાની દીવાલો પંક્તિઓમાં છે. જેની પર બુર્જ બનાવેલા છે. પ્રાચીન દેવગિરિ  નગરી આ કિલ્લામાં વસતી હશે એવું અનુમાન થાય છે. બીજી ખાસિયત છે, ખાઈ  કિલ્લો જે પર્વત પર છે તેની હારોહાર ઊંડી ખાઈ જાય છે. જે સામાન્યરૂપે કિલ્લાઓમાં જરૂરી લેખાય છે. તેમાં મગર ફરતાં રહેતા હોવાથી શત્રુના સૈનિકોને ઘાયલ કરીને નીચે ફેંકી દે તો કામ તમામ થઇ જવા પૂરતો અવકાશ મળે. 


કિલ્લાના પ્રવેશદ્વાર પર મોટી મોટી અંગીઠી રખાતી હોવાનું ગાઈડ જણાવે છે. શત્રુ પ્રવેશ કરે એ સાથે જ તેમની પાર સળગતાં કોલસાનો વરસાદ કરવાનું કામ આ અંગીઠી કરતી હતી. 
એ પછી છે દુશ્મનને રોકવાના અવનવા  સાધનો.જેમ કે સાત વિશાલ દરવાજા તેની પર રખાયેલી તોપ . 16 ફૂટ લાંબી  એક તોપ તો આજે પણ ત્યાં છે. 
તુગલક કાળમાં ખાસ પ્રકારના દરવાજા નિર્માણ કરાવાયા હતા એવું કહે છે. જે હાથીના બળ વિના ખુલી શકે નહીં. શત્રુના હાથી એ ન કરી શકે તે માટે દરવાજા પર તીક્ષ્ણ ભાલાં જેવા છરા દેખાય છે. 

કિલ્લામાં એક અંધારો માર્ગ છે. જે શત્રુને દિશાવિહીન કરવા માટે છે. એને અંધેરી કહે છે. ક્યાંક ક્યાંક મોટાં ખાડા છે. જેમાં પડતાંવેંત શત્રુ ખાઈમાં જઈ ખાબકે. ત્યાં રહેલા મગર બાકીનું કામ પૂરું કરે. 

પહેલી નજરે કિલ્લામાં રહેલો એક મિનાર નજરે ચઢ્યા વિના ન રહે. એ છે ચાંદ મિનાર. 30 મીટર ઊંચાઈ ધરાવતી આ મિનાર બનાવનાર હતો અલ્લાઉદ્દીન બહમની શાહ .જેમાં સીડીઓ છે ,ઉપર સુધી જઈ શકાય છે. જેનો ઉપયોગ વૉચ ટાવર તરીકે થતો હશે. આ સિવાય શાહી નિવાસ, સ્નાન ઘર, ચીની મહલ ,બારાદરી અને મસ્જિદ સાથે સાથે મંદિર પણ છે જેમાં અત્યારે ભારત માતાની પ્રતિમા મુકાયેલી છે. ઔરંગાબાદ જવાનું થાય તો દૌલતાબાદનો આ કિલ્લો જોવાનું ચૂકવા જેવું નથી . 

ઇ.સ 1707માં ઐરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્યની પડતી શરુ થઇ. જોકે એનો સુપેરે અંદાજ ઔરંગઝેબને આવી ગયો હતો. આખરે કરની ઐસી ભરનીનો ન્યાય થશે જ એનો ખ્યાલ હતો અને થયો જ. 

હવે જઈશું છેલ્લાં શક્તિશાળી  મુગલ બાદશાહની મઝાર પર અને તાજમહાલની નકલ પર.

ક્રમશ: 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen