કશ્મીર ડાયરી : મુકામ પોસ્ટ પહલગામ



શ્રીનગરથી પહેલગામ સુધીનું અંતર છે માત્ર 75 કિલોમીટર  , એ પણ સુંદર રમણીય રસ્તો અને લિદ્દર નદીની સાથે સાથે ચાલતો રહેતો , એટલે થાક લાગવાનો તો પ્રશ્ન જ નહોતો. પ્રશ્ન હતો કે  અમે પહોંચ્યા હતા એવા સમયે કે ન તો ક્યાંય સાઈટસીઇંગ માટે જઈ શકાય ન તો કલાકએક  સિએસ્ટા  ફરમાવી શકાય . 

હોટેલ ખૂબસુરત હતી. ઊંચા ઊંચા પહાડો પર ઉગેલા પાઈન ટ્રીઝ વચ્ચે કોઈ નાનું બાળક બેઠું હોય એવી નાની , બુટિક હોટેલ. ગણીને રૂમ હતા 10 . એમાં ચાર તો અમે લીધા હતા અને બાકીના રૂમમાં બેંગ્લોરથી આવેલી બે યુવતી ઉતરી હતી. એમનો ઉદ્દેશ હતો ટ્રેકિંગ. 

સાંજે કોઈ પ્રવૃત્તિ કરવાની નહોતી એટલે અમે રૂમની બહાર પડતાં નાનાં સુંદર ગાર્ડનમાં જમાવ્યું . ઘરેથી લઇ ગયેલા ગિરનારની મસાલા ચા  અને શાશ્વતા થેપલાં ગુજરાતી ટ્રાવેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે, અમારી ચા થેપલા ખાખરા પાર્ટી જોઈને સહુ સમજ્યા કે અમે ગુજરાતથી આવ્યા હોઈશું. જોવાની ખૂબી એ હતી કે સાથે સિંધી  મારવાડી મિત્રો પણ હતી પણ થેપલા ખાય તે ગુજરાતી એ ન્યાયે તેમની ઓળખાણ પણ ગુજરાતી તરીકે થઇ ગઈ. 
 હાથમાંથી એક દિવસ તો નીકળી જ ચુક્યો હતો. હવે જે કોઈ પ્લાનિંગ કરવાનું હતું  તે સવારથી સાંજ માટેનું કરવાનું હતું. એ પછીના દિવસે તો અમરે ગુલમર્ગ જવા નીકળી જવાનું હતું. એ માટે અમે ડ્રાઈવર મીરભાઈને પકડવાનો હતો.. પણ, એ તો ક્યાંય જડે જ  નહીં. ખબર પડી કે એ તો એના કોઈક ઉતારે પહોંચી ગયો છે.

એવું કેમ ? પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે કાશ્મીરમાં પોતાના જ સ્ટેટના વાહનોને ગામમાં પ્રવેશ આપવા દેવામાં આવતો નથી. એટલે શ્રીનગરની વેન પહેલગામમાં આંતરિક ભાગોમાં  જઈ શકે નહીં. અમારા ટ્રાવેલ એજન્ટે આવી કોઈ ચોખવટ કરી નહોતી . મીર તો અલોપ થઇ ગયો એટલે અમારે ટેક્સી હાયર કરવા સિવાય છૂટકો નહોતો. 

પહેલગામનો મતલબ થાય ચારવાહોનું ગામ. ખરેખર તો એક સમયે આ ગામનું  નામ હતું બેલગામ . એવી વાયકા છે કે શિવજીએ અમરનાથ જતાં પૂર્વે એમના બેલ ને અહીં મૂકી દીધો હતો.  ધીરે ધીરે ચારવાહોની વસ્તીને કારણે જેને કાશ્મીરી ભાષામાં પહલ કહે છે એમનું ગામ એટલે નામ પડ્યું પહલગામ. જેમ ગુજરાતીઓ લદ્દાખ ને લડાખ ,  કશ્મીર ને કાશ્મીર , દલ લેકને ડાલ  લેક કહે છે એમ પહલગામ ને પહેલગામ કહે છે. 

આ બધી વાતચીત પણ હોટેલ સ્ટાફ સાથેની વાતચીતમાં જ જાણવા મળી. એક વાત નોંધવા  જેવી એ રહી કે હોટેલમાં રહેલો યુવાન સ્ટાફ, કોઈ કુર્તા પાયજામા અને એમના વૂલન ચોગામાં નહોતો. બધાં ટીશર્ટ જીન્સ ને સ્વેટરમાં હતા. એટલું જ નહીં , વાતચીત પણ શુદ્ધ હિન્દી ને ઇંગ્લીશમાં કરી  શકતા હતા. એનો અર્થ એ પણ થયો કે આ નવી પેઢી ખરેખર ભણતી હશે અને એટલું જ નહીં મેઈન સ્ટ્રીમમાં ભળવાની ઈચ્છા  પણ ધરાવતી હોવી જોઈએ. સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે 370 ઉઠાવ્યા બાદ પથ્થર ફેંકવાની ઘટનાઓ લગભગ બંધ થઇ ચૂકી છે. હા, કોઈકવાર કોઈક છમકલું થાય પણ પૂર્વેની સરખામણીમાં પરિસ્થિતિ ઘણી શાંત અને સુધારા પર છે.

આ બધી વાતો સાથે સાથે સાઈટ સીઇંગ માટે રિસેપ્શન કાઉન્ટર પર પૂછપરછ કરી તો એટલા બધાં પેકેજીસ હતા કે માથું ચકરાઈ જાય. એમાં મોટાભાગના પોની પર બેસીને જવાના હતા. બધા એક અવાજે કહેતા હતા તે પ્રમાણે મિની સ્વિઝર્લેન્ડ જવાનો વિકલ્પ પહેલો હતો. પણ એમાં એક સમસ્યા હતી . અઢી કલાકનું ચઢાણ તે પણ પગપાળા શકયનહોતું. ઘોડા પર જવાનું , બે કલાક જતાં , બે કલાક આવવાના . ને ત્યાં જે અડધો કલાક ગાળો તો એ . તકલીફ એ હતી કે એક તો અમે તમામ પરીઓ જવાન નહીં , વળી કોઈક તો સાત દાયકા પાર.ઘોડા પર જઈએ ને કમર લચકી ગઈ કે ઘોડો પાડી નાખે તો ? એ વિચારથી થોડાં ડરી ગયા. બાકી રહ્યું તેમ એ લોકોએ બીજાને પણ નાહિંમત કરી નાખ્યા. એટલે નક્કી એમ થયું કે કારમાં જે જોવાય, જે ફરાય તે કરવું. 

ઘણી ગડમથલ પછી નક્કી કરી એક ઇનોવા , જે અમને ત્રણ જગ્યાએ લઇ જવાની હતી. એક ચંદનવાડી ,હા, અમરનાથ યાત્રા શરુ થાય તે પહેલા આવે તે ચંદનવાડી , બીજી બેતાબ વેલી , ત્રીજી અરુ વેલી એમ ત્રણ નજીકના જોવા જેવા સ્થળના નામ મળતાં રહ્યા. ચંદનવાડી તો ઘણીવાર સાંભળ્યું હતું ,અરુ વેલી ને બેતાબ વેલી અમારા માટે નવા નામ હતા. 

સહુ વહેલા ઉઠ્યા હતા. એટલે થાક્યા પણ હતા. વહેલું ડીનર લઈને સહુ રીટાયર થયા. 

હું અને  મારી રૂમ પાર્ટનર રચના નસીબદાર હતા. અમારા રૂમમાંથી નજરે ચઢતું હતું પર્વત પર ફેલાયેલું પાઈન જંગલ . એ દિવસે પૂનમનો થાળી જેવો ચંદ્રમા પહાડ પરથી સંવાદ કરી રહ્યો હતો. આખા રૂમમાં ચાંદની પથરાયેલી હતી અને હું મારા ફોનમાં સ્ટોર કરેલું આલ્બમ કોલ ઓફ ધ વેલી હેડ ફોન લગાવીને સાંભળી રહી હતી ને રચના ચાંદની રાતમાં મેડિટેશન કરી રહી હતી. 
આટલી પર્સનલ વાતનો ઉલ્લેખ શા માટે કરવો પડ્યો એનું કારણ છે. એ રાતથી લાગ્યું કે અંદરથી કોઈક સંદેશ મળી રહ્યો છે. મેં જિંદગીમાં ક્યારેય મેડિટેશન કર્યું નથી પણ એ રાતે કરેલા મેડિટેશને મારા માટે કોઈ નવી ક્ષિતિજ ખોલી નાખી હતી. 

બીજે દિવસે  9.30 પર બ્રેકફાસ્ટ પતાવી સહુ તૈયાર હતા. કાર ને ડ્રાઈવર સારા લાગ્યા. કાર કન્ડિશનમાં ને ડ્રાઈવરની મગજ કન્ડિશન સારી લાગી . શરુ થયો અમારો પ્રવાસ. અમારી હોટેલથી ચંદનવાડી દૂર નહોતી. કદાચ પચીસ કે પાંત્રીસ મિનિટ. 

વચ્ચે અત્યંત સુંદર પહાડો અને ત્યાંથી વહી જતા ઝરણાંનો નઝારો માણવા કાર ઉભી રાખવાનું કહ્યું તે એને ગમ્યું હોય એવું લાગ્યું નહીં. આગળ આનાથી બહેતરીન જગ્યા મળશે એમ કહી ને સ્પીડ કરતો રહ્યો. આખરે ચંદનવાડી  આવી.અમે તો વિચારેલું  કે ઓ હો હો ,શું હશે ચંદનવાડી જ્યાંથી અમરનાથની ભવ્ય યાત્રાના પ્રારંભ થાય છે. અત્યાર સુધી અમરનાથ યાત્રાના ફોટામાં જોયેલી ચંદનવાડી આ તો નહોતી. 


કારમાંથી જ બહારનું દ્રશ્ય જોઈ ને સહુના ચહેરા વિલાઈ ગયા. મોટાભાગે અમરનાથ યાત્રા દરમિયાન ચંદનવાડીના ફોટોગ્રાફ શૂટ થાય છે . એ સમયગાળો હોય જૂન, જુલાઈ . એટલે બર્ફીલી  બ્યુટીને  કારણે નઝારો જૂદો લાગે. અમે તો ઑગસ્ટ એન્ડમાં પહોંચ્યા હતા. એટલે હિમ તો હોય નહીં, ન યાત્રાળુ હોય , ત્યાં હતા ટીનના કામચલાઉ શેલ્ટર , થોડાં ઘેંટાબકરા ચરતાં હતા. એટલી નિરાશા થઇ કે ન પૂછો વાત . કોઈએ વેનમાંથી બહાર પગ મુકવાની તસ્દી ન લીધી.

ડ્રાઈવર ને કહ્યું , ચલો નેક્સ્ટ .. 

ડ્રાઈવરને અમારું વર્તન જરા વિચિત્ર તો લાગ્યું હશે પણ ઠીક છે કરી આગળ ચાલ્યા.

પછી વારો હતો બેતાબ વેલીનો. અમારી કાર પર્વત ઉપરથી પસાર થઇ રહી હતી ને બેતાબ વેલી નીચે નજરે ચઢી રહી હતી.  કેમેરા બાજુએ રાખીને આંખમાં ભરી  લેવાનું મન થઇ જાય એટલી સુંદરતા . સ્વિટ્ઝર્લેન્ડથી સરખામણી  બિલકુલ કરી શકાય. કદાચ તેથી વધુ સુન્દર , મોહક અને અબોટ નિસર્ગ .

અમે તો રસ્તામાં જ કાર થોભાવી દીધી. કેટલીય ક્ષણ તો આ કુદરતનો વૈભવ જોતા રહ્યા. પછી ખ્યાલ આવ્યો કે  અરે, ફોટોગ્રાફ તો લીધા જ નથી. એમ કંઈ ચાલે ? નીચે વહી જતી લિદ્દર નદીના વળાંક કોઈ કમનીય કામિનીથી ઓછા નહોતા. બેકડ્રોપમાં નિરભ્ર આસમાની , ગોલ્ડન આકાશ. સફેદ વાદળો અને ભૂખરાં શ્વેત પહાડો. તેની પર ઉભેલા કતારબંધ પાઈન , અખરોટ, ચિનાર , સફેદા (વિલો ) વૃક્ષ.  આ લેન્ડસ્કેપ જેને પ્રતાપે છે એ કોલાહોઇ ગ્લેશિયર સુધી પહોંચવું તો શક્ય નથી પણ મોટાભાગના ટ્રેકર્સ માટે પહેલગામ સ્વર્ગ છે. 


ફોટોસેશન પૂરું જ નહોતું થતું .આખરે ડ્રાઈવરે અમને કહેવું પડ્યું કે હજી આગળ પણ ઘણું જોવાનું છે. 


પહાડોને પાર કરતી , બેતાબ વેલીની ઝાંખી કરવાતી અમારી કાર ત્યાં પહોંચી. એઝ યુઝઅલ ચોખ્ખા ટોઇલેટ્સ જેવી કોઈ ચીજ જ નહિ. 
જો માત્ર સારા ટોઇલેટ્સ ,રસ્તા , તમામ બજેટની હોટેલો રાતોરાતો ઉભી કરી નાખવામાં આવે તો ભારતીય લશ્કરની  જવાબદારી થોડી ઓછી તો નિશંકપણે થઇ જાય. 
એ કઇ રીતે તે સમજવા સ્કોપ ને મૂડ રહેશે તો સોશિયોઈકોનોમિકલ પાર્ટની ચર્ચા કરીશું.

બેતાબ વેલીનું મૂળ નામ તો હતું હગાન કે હાગુન વેલી . પણ હવે તમે એ નામથી પૂછો તો સ્થાનિક પણ ગૂંચવાઈ જાય. હવે એનું નામ છે બેતાબ વેલી. પહેલગામ અને અનંતનાગ જિલ્લા વચ્ચે 15 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી આ વેલી અસાધારણપણે ખૂબસુરત છે.એટલે જ 80 માં સની દેઉલ ને અમૃતા સિંહની બેતાબનું શૂટિંગ ત્યાં થયું હતું, પછી એ વેલી ટુરિસ્ટ સ્પોટ બની ગઈ. ગાઈડ પોતે જ એને બેતાબ વેલી  કહેવા લાગ્યા. બસ , થઇ ગઈ બેતાબ વેલી.

આ બેતાબ વેલી , પહેલગામનું કામ આપણાં લોનાવાલા ખંડાલા જેવું છે. શ્રીનગરથી લોકો હવા ખાવા બે ચાર દિવસ આવે એટલે સ્થાનિક ટૂરિસ્ટ્સ પણ ઘણાં હોય છે. 

વેલીમાં જ્યાં જુઓ ત્યાં હરિયાળી , પાઈન ટ્રીઝ ને ઝરણાંનું લેન્ડસ્કેપિંગ અદભૂત છે અને એ વધુ મંત્રમુગ્ધ કરે કારણકે બિલકુલ નૈસર્ગિક છે.  એક લાંબો વૉક તમને બે દિવસ માટે ચાર્જ કરી દે . હવામાં ઓક્સિજન લેવલ કેટલું હશે એ માટે માપવાની જરૂર નહીં, માત્ર હથેળી અને નખ જોવાથી એ વાત પ્રતીતિ થાય. 



જે લોકો આટલું બધું ચાલી ન શકે તે માટે  સ્ટ્રોલર મળે છે. બેબી સ્ટ્રોલરની લાર્જર કોપી, પણ આ લાકડાના બનેલા હોય છે. અમારામાંથી ઘણાંએ એ વિકલ્પ  પસંદ કર્યો હતો. પણ થતાં અવાજથી કંટાળી ગયા. અડધે રસ્તે જ ઉભા થઇ ચાલવા લાગી ગયા. 

સૌથી  વધુ મજાનું આકર્ષણ હતું હિમ ઝરણું . ત્યાં પગ બોળીને બેસવાની હિંમત તો અમે બિલકુલ કરી પણ દર બે મિનિટે પગ બહાર કાઢી નાખવા પડતા હતા. રાખી મુકતે તો પગની કુલ્ફી થઇ જાતે. બેતાબ વેલીનો નઝારો જ એવો છે કે એને જોતાવેંત પ્રેમમાં પડી જવાય.

અમારો નવો ડ્રાઈવર મીરની મિનિએચર કોપી હતો. એના મગજમાં એવો કોઈક કીડો ઘૂસી ગયેલો હતો કે સ્ત્રીઓએ મર્દની વાત પર વિશ્વાસ મૂકી એ સૂચવે તે સૂચના  માનવી જ જોઈએ. અમારી  ટેમ્પો ટ્રાવેલરનો ડ્રાઈવર મીર પણ એ જ મતનો હતો. એને લાગ્યું કે આ આઠ બાઈઓમાં એક પણ કશું સાંભળે એમ નથી એટલે એને sulking શરુ કરી દીધું હતું. આ બીજો પણ એવો જ નમૂનો હતો. એને અમને બેતાબ વેલી થી અરુ વેલી સુધી ગમે એમ લઇ  જવા હતા . એની પાછળ કારણ હતું કે અરુ વેલી જો દેખાડી દે તો પછી એ  અમને બજારમાં આવેલી રેસ્ટોરન્ટમાં છોડી શકે.
ત્યાં તેની ડ્યુટી પૂરી . 

કચવાતે મને સહુ બેઠાં. અરુ વેલી જવાનો  રસ્તો સુંદર છે. લીદ્દર નદી ત્યાં પણ અમારો પીછો કરતી હતી. સાથે સાથે વહી જતી નદીના કિનારે હવે કેમ્પિંગ પણ સારા પ્રમાણમાં થાય છે. કેમ્પ પણ નવા, ચોખ્ખા જણાયા. આ એડવેન્ચર સ્પોર્ટ્સ માટે આવનાર મોટેભાગે દિલ્હી ,પંજાબ ,બેંગ્લોર તરફના નવયુવાનો હોય છે. હવે ત્રણ મહિનામાં હિમવર્ષા શરુ થઇ જશે એવી આશા સ્થાનિકોને હતી, તો સ્કીઈંગ માટે વિદેશથી ઘણાં લોકો આવશે. અલબત્ત, આ તમામનો આધાર સરકાર શું નિર્ણય લે છે એની પર છે. 

કોવિડથી કશ્મીર બચી શક્યું છે એ વાત તો સહુ કહે છે પણ તેના કારણે બંધ થઇ ગયેલા ટુરિઝમે કાશ્મીરી લોકોની હાલત બેહાલ કરી નાખી છે. 

બેતાબ વેલીથી ખાસ દૂર નથી અરુ વેલી. માત્ર દસ કે બાર કિલોમીટર દૂર હશે. 

અરુ વેલી વિષે સાંભળ્યું પણ ઘણું હતું અને ટ્રીપ પર જતાં પૂર્વે કરેલી રિસર્ચમાં એ તો ભારે જાજરમાન લગતી હતી. ત્યાં પહોંચ્યા ત્યારે મોહભંગ થઇ ગયા. આ શણગાર હતો વિન્ટર વૈભવનો. કાચાં પાકા ભંગાર, ટીનના છાપરાં , રંગવિહીન ભીંતવાળા મકાનો પર હિમવર્ષા થઇ જાય એટલે એ દ્રશ્ય કેવું લાગે? હવે એ આવરણ કાઢી લો ને બેરંગ વાસ્તવિકતા સામે હોય તો રિએક્શન કેવું રહે ?

જોકે અરુ વેલીનો પણ આગવો ચાર્મ હશે જ, બિલકુલપણે , શિયાળામાં, બાકી નહીં. આ અરુ વેલી એટલે ટ્રેકર્સ માટે ગોદ. કોલહોઇ ગ્લેશિયર (btw આ કોલહોઇ ગ્લેશિયર કાશ્મીરની સૌથી મોટી ગ્લેશિયર છે, જે માઉન્ટ કોલહોઇ પર 5425 મીટરની ઊંચાઈ પર છે.  જો  જવું હોય કે તારસર લેક, ગંગાબલ લેક, શોર્ટ ટ્રેક પણ છે એ શેષનાગ લઇ જાય. માટે ચઢાણ અહીં થી શરુ થાય છે. આ ઉપરાંત ઘણા હાર્ડ શ્રેણીમાં આવે તેવા ટ્રેક છે. આ પ્રદેશોમાં  ભારતીય સહેલાણી ખાસ દેખાતા નથી. વિદેશી હજી આવી શકતા નથી એટલે પર્યટન પર નભતાં ગામની હાલત ખરાબ છે. જો કે હવે આ તમામ જગ્યાઓએ નાની હોટેલો શરુ થઇ રહી છે. એમનું મૂળ કામ અત્યારે શરુ થઇ જવું જોઈતું હતું પણ થયું નથી. એટલે હવે આશા  નવેમ્બરમાં થતી હિમવર્ષા પર છે.

પણ , અમારે તો કોઈ શિખરો સર કરવાના નહોતા, એટલે ત્યાં ભરાયેલા સ્થાનિક  બજારમાં આંટા ફેરા મારીને પહેલગામ ગામમાં પહોંચી ગયા. ગામની બજાર એટલે શિમલાના મોલ રોડ કરતા પણ નાની. એક તરફ પંદર વીસ દુકાનો , સામેની તરફ એમ જ. બસ. એમાં ઘણાં ટૂરિસ્ટ્સ ખરીદી કરી રહ્યા હતા.

બપોર થઇ રહી હતી. જમવાની યાદ આવી ચૂકી  હતી. અમને પહેલગામમાં મળી દાનાપાની  રેસ્ટોરન્ટ.બજારના મેન રસ્તા પર જ છે. ત્યાં માસ્ક ને સેનીટેશન માટે કડક નિયમનો પ્રવર્તતા જોયા, બાકી કાશ્મીરમાં કોઈ માસ્ક પહેરીને ફરતું મળ્યું નહિ. 

અડધા કલાકના વેઇટિંગ પછી જગ્યા મળી.


સરસ તાજું તાજું , મસાલેદાર પંજાબી ફૂડ પીરસાયું. મનમાં ખટકો થયો. રોજ આમ ચાર હાથે જમશું તો ફરી પાછાં હતા ત્યાંને ત્યાં. એકદમ ટેમ્પટિંગ એવી કેસર ફિરનીને આંખથી માણીને રજા આપી.

હોટેલ પર આવ્યા ત્યારે શાનદાર કાવો તૈયાર હતો. કશ્મીરી કાવો ખરેખર માણવા જેવી ચીજ છે. અલબત્ત, એકદમ સ્ટ્રોંગ વિન્ટરમાં એની મજા અલગ જ હોય પણ અત્યારે પણ એની સોડમ મન મગજને તરબતર કરી નાખતી હતી.

કાવા જેને કાહવા કહેવાય છે  એટલે ચાનું પાણી માની  લેવાની ભૂલ ન કરવી. પાણીમાં ગ્રીન ટી સાથે કેસર એલચી તજ વધુ ઠંડી હોય ત્યારે મરીનો ભૂકો અને સાકરને બદલે મધ.જેને ઉકાળી ઉકાળીને પાણી અડધું થઇ જાય ત્યારે બદામની કતરણ ભભરાવી પીરસાય છે. કાહવા સાથે અમારી મૈત્રિણીઓનું કાર્ડ સેશન શરુ થઇ રહ્યું હતું. મારા જેવા અરસિક માટે બેસ્ટ વિકલ્પ હતો  ચાલવા જવાનો. 

એવા બે કપ કાહવા પીને અમે અમારી હોટેલની આસપાસ રહેલી પાંખી વસ્તી ધરાવતાં ગામની મુલાકાતે ગયા. જોવાની ખૂબી એ હતી કે એક ગામનું બજાર  એવું જોયું જ્યાં કોઈ સ્ત્રીઓ નહોતી દેખાતી , ને આ ગામમાં પુરુષો ગાયબ હતા. કદાચ કામ પર ગયેલા હોય શકે. નદીના કાંઠે નાનાં મોટાં ઘરમાં એક નાનું કે મોટું કંપાઉન્ડ હતું. લગભગ પાંચમાંથી બે ઘરમાં એક અથવા બે એસયુવી કે આઈ ટેન પડેલી જોવા મળી. એક નિષ્કર્ષ તો જરૂર નીકળે કે લોકો ખાધેપીધે સુખી તો હોવા જ જોઈએ. 

અમને રસ્તે ચાલતી બેનો મળી , બુરખા વિનાની. અમે એમને અમારી સાથે ફોટો પડાવવાની વિનંતી કરી તો કોઈ તૈયાર નહીં. એક યુવાન દીકરી શરમાતાં શરમાતાં તૈયાર થઇ ખરી.

ડર જેવું કંઈ લાગ્યું નહીં. મોડી સાંજે અમે પાછાં ફર્યા. 
એટલે કે અમારી પહેલગામની મુલાકાત પૂરી થઇ હતી. હવે અમારે જવાનું હતું બીજે ગામ, ગુલમર્ગ .


ક્રમશ :





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen