પથ્થર બોલે છે

એક એવું ગામ જ્યાં હોય મેડીબંધ મકાનો, ઝરુખાવાળી હવેલીના અવશેષો, સુંદર દેવાલયો, સાંકડી પણ ચોખ્ખી ગલીઓ, ગામની સમૃદ્ધિ સભ્યતાનું બયાન કરતી અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ અને આ બધા વચ્ચે આખા ગામમાં રાજ હોય સ્મશાનવત શાંતિનું, તો બધી રીતે આદર્શ લાગતાં ગામને સાવ આમ રેઢું અવાવરું અવસ્થામાં જોઇને આશ્ચર્યનો ઝટકો લાગે કે નહીં ? 

જો કે હવે ભારતભરમાં તૂટતાં ગામડાની કોઈ નવાઈ નથી રહી. એ પછી કચ્છ કે ગુજરાતનું હોય કે પછી તમિલનાડુનું , પણ રાજસ્થાનના આ ગામને આવી અવસ્થામાં જોઇને નવાઈ ચોક્કસ લાગે .
કારણ સાફ છે, એક તો ગામના અવશેષો જ કહે કે આ ગામની બુલંદી કેવી હશે અને સૂર્ય કેવો તપતો હશે અને એ પછી એવું તો શું અઘટિત બની ગયું કે એક જમાનામાં બિઝનેસ હબની નામના પામેલું આ ગામ એક જ રાતમાં સ્મશાનમાં તબદીલ થઇ ગયું? 


Facebook પણ જાદુઈ રમકડું છે. તમે સાવ વીસરી ચૂક્યા હો ને વર્ષો પૂર્વેની રળિયામણી ઘડી અચાનક તાજી કરાવી દે. અમે આ ગામની મુલાકાત લીધી હતી સાત વર્ષ પહેલાં, પણ આજે પરિસ્થિતિમાં કોઈ ફરક નથી. તો પછી હવે  વર્ષ પૂર્વે કરેલા પ્રવાસને આજે કેમ યાદ કર્યો તેવો પ્રશ્ન થાય. 
વાત એવી છે કે કે કોરોનાકાળ પછી જે હાલત સમગ્ર વિશ્વની થઈ તેમાંથી આપણે બાકાત નથી. એટલું જ નહીં, સૌથી વધુ સહાયની જરૂર છે ભારતના એ વર્ગને, જેની કમ્મર કોરોનાએ તોડી નાખી છે. 
વિચાર કર્યો કે આગામી બે વર્ષ માત્ર ને માત્ર ઈન્ડિયામાં પ્રવાસ કરવાનો નિર્ણય સરેરાશ ભારતીય લે તો રોજગારીની તક ઉભી થાય અને અર્થતંત્ર જલ્દી વેગવાન થાય . 
એવા ઉદ્દેશ્યથી આ પોસ્ટ recall કરી છે. 
વળી, ન તો એ ચીલાચાલુ જગ્યા છે . એ થોડી હટ કે ટાઇપ છે. 

કુદરતી આફતનો હોય કે પછી જાહેર મેળાવડાનો, કોઈ મેદાન કે ગામ ને ખાલી થતાં કરાવતાં થોડાં કલાકો દિવસો તો જરૂર લાગે, પણ લોકવાયકા પ્રમાણે આ ગામ એક જ રાતમાં વગડો બની ગયું. 


એ ગામ એટલે રાજસ્થાનનું કુલધારા. રાજસ્થાનના પ્રવાસે જાઓ તો જોધપુરથી ચાર કલાકના અંતરે અને જેસલમેર સુધી ગયા હો તો ત્યાંથી માત્ર 18 કિ.મીના અંતરે છે.જે ભારતીય ટુરિસ્ટની યાદીમાં ક્યારેય નથી હોતું પણ મોટાભાગે વિદેશી પ્રવાસીઓની આંખમાં હોય છે. તેનું કારણ માત્ર એટલું કે મતમતાંતર સાથે આ કુલધારા ચીનથી અફઘાનિસ્તાન અને ત્યાંથી તુર્કસ્તાન (ટર્કી)થી યરોપ સુધી ચાલતાં વેપારમાર્ગ (સિલ્ક રૂટ )નો એક ભાગ હતું . એટલે સદીઓ પૂર્વે આ સ્થળ જાહોજલાલી માત્ર કલ્પી લેવાની હોય.


તવારીખના પાનાં અને અન્ય નોંધ પ્રમાણે કુલધારામાં વસવાટ હતો બિઝનેસ કમ્યુનિટી એવા પાલીવાલ લોકોનો, જેને આજની તવારીખ પાલીવાલ બ્રાહ્મણ તરીકે લેખે છે. કુલધારાના રહીશ પાલીવાલ કેમ કહેવાય એવો પ્રશ્ન સહેજે થાય. 


મૂળ આ લોકો જોધપુર પાસે વસેલા ગામ પાલીના , સમયગાળો આજથી લગભગ 800 વર્ષ પૂર્વેનો . એક કિવદંતી એવી છે કે પાલીનરેશે યુદ્ધવેરો લાદ્યો જેના બહિષ્કારરૂપે આ પાલીવાલો પાલીમાંથી હકાલપટ્ટી કરી જઈ કુલધારા વસાવ્યું, અને આ માત્ર બિઝનેસ કમ્યુનિટી જ નહોતી , ખેતીનું ઉમદા જ્ઞાન ધરાવતી પ્રજા હતી. પાલીવાલનો જ્યાં જ્યાં ઉલ્લેખ થાય છે ત્યાં બ્રાહ્મણ શબ્દ જોડી દેવાય છે ,જેસલમેર પાસે આ નવું નગર વસ્યું અને એની આસપાસ લગભગ બીજા 83 ગામ. આજે કુલધારાનો ઉલ્લેખ જ થાય છે ત્યજાયેલાં નગર તરીકે, અને એટલે સાથે જોડાઈ ગઈ છે ગળચટ્ટી વાતો : જેમ કે આ ગામ આવું ઉજ્જડ વેરાન કઈ રીતે થઇ ગયું .

માત્ર નેટ પર જ નહિ ત્યાં એકલ દોકલ મળી જતાં સ્થાનિક રાહદારીઓ કે ટેક્સીના ડ્રાઇવર કે ટુર ગાઈડ પણ કુલધારા વિષે એક જ વાત કરે છે કે પાલીવાલ બ્રાહ્મણના વડાની સુંદર દીકરી પર રાજાના લંપટ વજીરની નજર પડી અને એ વાત પાલીવાલોને માન્ય નહોતી એટલે 83 ગામના વડીલોએ એકસૂરે નિર્ણય લીધો અને રાત માથે લઇ આ તમામ ગામવાસીઓ રાતોરાત ઉચાળા ભરી ગયા.એટલું જ નહીં, વડાએ પોતાની દીકરીને મારી નાખી જેથી ભૂલે ચૂકે પણ એ વજીરનો શિકાર ન બને અને તેમણે ગામ છોડતી વખતે શ્રાપ આપ્યો કે આ ગામમાં જે કોઈ રાતવાસો કરશે તેનું નખ્ખોદ નીકળી જશે. બસ ત્યારથી આ ગામ ભૂતાવળ બની રહ્યું છે. એ સાલ હતી 1825ની. એટલે કે 1291માં વસેલું આ ગામ પાંચ સદી સુધી વ્યાપાર વાણિજ્ય અને ખેતીવાડી માટે પંકાતું હતું .

અમે જયારે આ નગરની મુલાકાત લીધી હતી ત્યારે આવી જાત જાતની સ્ટોરીઓ સાંભળેલી, ખરેખર તો આ અવશેષો પાસે કોઈ ચકલું પણ ફરકતું નથી , એકાદ બે વૃદ્ધ સજ્જનો આવનાર વિઝીટરને કંઈ પણ વાતો કહેતા હોય છે. બાકી વાત તો એવી પણ છે કે આ ગામમાં કોઈ રાતવાસો કરી શકતું નથી. કારણકે આખા ગામમાં ભૂત વસે છે. ઘણાં તો મીઠું મરચું ભભરાવીને ડાકણની સ્ટોરી કહેવાવાળા પણ મળ્યા. અમારા ગાઈડે અમને એક એકદમ સાચુકલી લાગે તેવી વાત એવી પણ કરી હતી કે થોડા સમય પહેલાં દસેક જેટલાં જર્મન દિલ્હીની પેરાનોર્મલ સોસાઈટીના એક્સપર્ટ સાથે અહીં અભ્યાસ માટે આવ્યા હતા.ભારતીય વિદ્વાનો રાતવાસો કરવા ન રોકાયા ને જેસલમેર જતા રહ્યા પણ થોડાં જર્મન લોકોને થયું આટલી વાતો સાંભળી છે તો ભૂત જોવું જોઈએ એટલે એમણે કુલધારામાં રાતવાસો કર્યો, અને એમણે જે અનુભવ કર્યાં તે બયાન પ્રમાણે તેમની હાઈ ટેક એવી ડીવાઈસ k 2 મીટર પર જે રીતે હવામાનની ચડઉતર નોધાઇ તે વાત હેરત પમાડે એવી હતી.તાપમાનનું 31 ડીગ્રી પરથી 42 થઇ જવું અને પાછું નીચું જવું , એ અનુભવ જર્મનોએ કર્યો હતો. બાકી હોય તેમ ગામ પાસે થોડે અંતરે વસતી પ્રજા આ બધાં વહેમોને હવા આપતી વાતો કરે રાખે છે. છતાં આ જ વસ્તીમાં એવા લોકો પણ છે જે કહે છે કે આ ગામ ભૂતાવળ છે જ નહીં, ખાલીખોટો હાઉ ઉભો કરાયો છે.

ભારે વિસ્મયકારક લાગે આ બધી સ્ટોરીઓ, ખાસ કરીને જયારે તેમાં જબરદસ્ત વિરોધાભાસ જોવા મળે. સહુ પ્રથમ  વાત એ છે કે પાલીવાલ માત્ર બ્રાહ્મણ નહોતા, જે લોકો પાલીના વાતની હતા તે સહુ પાલીવાલ , વાસ્તવમાં પાલીવાલ માત્ર બ્રાહ્મણ જ નહોતા બલકે રાજપૂત અને જૈન પણ હતા.એટલે કે વ્યાપાર વાણિજ્ય સાથે ખેતીવાડી ક્ષેત્રે અવ્વલ દરજ્જાની આવકો હતી. હવે આજની જીઓગ્રાફી જુઓ તો હેરત એ વાતનું થાય કે જેસલમેર અને આ કુલધારા થર રણની આગોશમાં છે. પાસે છે જૈનોનું લોદ્રવા તીર્થ અને પાકિસ્તાનની બોર્ડર, જો રણ પ્રદેશ હોય તો ખેતીવાડીની વાત ઇતિહાસમાં કઈ રીતે બોલાતી હોય ?


કુલધારાની પરીકથા કે હોરર સ્ટોરીઓને જરા બાજુ પર રાખીને ઇતિહાસની કડીઓ જોડીએ તો બીજો જ અધ્યાય ખુલે છે.
આજે જો પાલીવાલોનું પગલું દબાવતાં આગળ વધીએ તો આજે આ લોકો વસ્યા છે તે જોવા મળે યુ.પી, બિહાર અને ગુજરાતમાં . ગુજરાતની જ વાત કરીએ તો પાલીવાલ બ્રાહ્મણો મુખ્યત્વે જ્યાં વસ્યા તે આજે છે ભાવનગર અને રાજકોટ. પાલીવાલ રજપૂતો યુ.પી બિહારમાં મોટી સંખ્યામાં છે અને પાલીવાલ જૈનો નાગપુર, નાશિક અને ભંડાદરા, મહારાષ્ટ્રમાં . આ લોકો પણ કિવદંતીઓને સાચી માને છે અને આજની તારીખે પણ ભૂલેચૂકે ગામમાં ન રોકાવાય એ વાતનો વિશ્વાસ કરે છે. આ વાત સાથે ઇતિહાસના પાનાં એક બીજી વાત પણ કહે છે , એ વાત છે ભૌગોલિક બદલાવની .

મોટાભાગના લોકો પાલીવાલોને રાતોરાત ગામ છોડી જવા માટે મજબુર થયા હોય એવું માને છે.પરંતુ આ હિજરત માટે ઈતિહાસ 500 વર્ષ પૂર્વેની ભૌગોલિક પરિસ્થિતિને જવાબદાર લેખે છે. 

પાંચ સદી પહેલા થરનું આ રણ અસ્તિત્વમાં જરૂર હતું , છતાં જેસલમેર પાસે નદી વહેતી હતી : કાક. 

પાલીવાલના કુલધારા , જેસલમેર, લોદ્રવા જેવા વિસ્તારોની જાહોજલાલીનું કારણ જ આ કાક નદી હતી.એ નદીનું વહેણ તો બદલાયું અને ધીરે ધીરે નદી નામશેષ થતી ચાલી .જે ખેતીવાડી પર મુશ્તાક પ્રજા હતી તેમને માટે સમય કટોકટીનો આવ્યો . ખેતીવાડીની ફળદ્રુપ જમીન બંજર થતી ચાલી, રણ વધતું ચાલ્યું, અને રાજાના કરવેરા તો એ જ હતા. નામાંકિત ઇતિહાસકારોના માટે આ મુખ્ય કારણ હતું પાલીવાલોના ઉચાળાનું. 

જો કે કારણ જે પણ કંઈ હોય કુલધારા છે એક જોવાલાયક ગામ. જ્યાં આજે પણ પાળિયા ને છત્રીની સાથે દેવાલય અને થોડાં જળવાયેલા ઘરો ઉભા છે જેને જોતા આ સંસ્કૃતિ કેટલી સુસંસ્કૃત હશે તેનો ખ્યાલ આવી શકે. જો ધ્યાનથી કુલધારા નિહાળો તો લાગે કે એક એક પથ્થર તેની આત્મકથા કહી રહ્યો છે.

કુલધારા ભલે આજે તવારીખનું એક પાનું બનીને રહી ગયું છે પણ નિશંકપણે એવું પાનું જે ન વાંચ્યું હોય તો કશુંક ગુમાવ્યું હોય તેવી પ્રતીતિ તો જરૂર થાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen