એ સાંજ ગુલમર્ગને નામ

જમવા પહેલાં જ ડિઝર્ટ ખવાઈ જાય તો પછી જમવામાં રસ રહે ? એવી સ્થિતિ અમારી હતી. બુટા પારથીની મુલાકાત પછી મન અપરિચિત પ્રસન્નતાથી ભરાઈ ગયું હતું. હવે કશું જોવામાં ખાસ રસ પડશે નહીં એવું મને સજ્જડપણે લાગી રહ્યું હતું. પણ, અમારા સાથીઓને હજી થોડું ઘૂમવું હતું. હાથ પર સમય તો હતો જ. અમે રૂખ કર્યો સમર પેલેસનો. 

ગુલમર્ગમાં ડોગરા ડાયનેસ્ટીના રાજવીઓનો સમર પેલેસ એકદમ ખરાબ હાલતમાં છે એવું તો નથી પણ જેવી જાળવણી થવી જોઈએ એવી નથી થઇ.  મહેબૂબા મુફ્તી ચીફ મિનિસ્ટર હતા ત્યારે એનું રિસ્ટોરેશન કામ થયું હતું એવું જાણ્યું. હવે એ પેલેસ મ્યુઝિયમમાં તબદીલ થયો છે અને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો છે. 

ચાલીસ રૂપિયાની ટિકિટ લઈને પ્રવેશ આપવામાં આવે છે. અમે ગયા તો ખરા. મનમાં હતું જમ્મુમાં જે પેલેસ છે એવો તો મહેલ હશે જ . પણ, આશા ઠગારી નીકળી. આ સમર પેલેસ હતો. એટલે કે ડોગરા રાજવી માટે શિકાર માટે  ગરજ સારનાર નાનકડો મહેલ. 

આપણે હંમેશ મહારાજાઓના મહેલ ને રાજવી નિવાસની વાતો સાંભળીયે છીએ પણ એ વિષે, એ પાછળની સ્ટોરીઓ ભાગ્યે જ જાણવાની દરકાર કરીએ છીએ. ખરેખર તો એમની મરામત અને દેખરેખ એટલી ખર્ચાળ હોય છે કે રાજવીઓને એ નિભાવતાં નાકે દમ આવી જાય. 

કાશ્મીરના છેલ્લા ડોગરા રાજવી હરિસિંહે અને તેમના પિતા ગુલાબસિંહે ઘણાં પેલેસ કાશ્મીરમાં નિર્માણ કરેલા પણ એમાંના મોટાભાગની  હાલત દયનીય હોવાનું જાણ્યું. ઘણાં મહેલ હોટેલ રિસોર્ટમાં કન્વર્ટ થઇ ગયા છે.

મહારાજા હરિસિંહે ગુલમર્ગમાં એવો એક સમર પેલેસ બંધાવ્યો હતો. નાનકડી ટેકરી પર પાઈન ટ્રીના ગાઢ જંગલમાં આવેલા આ પેલેસની લોકેશન દિલ બાગ બાગ  કરી દે તેવી છે. 20મી સદીના પૂર્વાધમાં બનેલો આ પેલેસ , પેલેસ નહીં બલ્કે વિશાળ બંગલો કે કોટેજ વધુ લાગે. પથ્થર અને સાગના લાકડાથી બનેલો મહેલ 8700 સ્કેવર ફૂટમાં છે. જે રાજવી સ્ટાન્ડર્ડ પ્રમાણે નેનો પેલેસ લેખી શકાય. તેનું સ્થાપત્ય  વિક્ટોરિયન ગોથિક સ્ટાઇલ પર છે. એવું કહેવાય છે કે હતો સમર પેલેસ પણ મહારાજાને વિન્ટરમાં આ પેલેસ વધુ ગમતો અને ખાસ કરીને તેમના બ્રિટિશ મહેમાનો વિન્ટરમાં અહીં વધુ આવતા.

15 રૂમના આ મહેલને હવે મ્યુઝિયમમાં તબદીલ કરાયો છે. જ્યાં ડોગરા મહારાજાના થોડાં હથિયારો અને ફર્નિચર રાખ્યા છે . 

આ મહેલ વિષે એવું જાણવા મળ્યું કે મહારાજા હરિસિંહે જે રીતે ભારત કે પાકિસ્તાનમાં જોડાવાનો ઇન્કાર કર્યો પછી પાકિસ્તાનથી ડરીને સરદાર પાસે મદદ માંગવી પડી હતી. સરદારે 1 શીખ રેજિમેન્ટ મોકલીને કાશ્મીર ને હરિસિંહને તો બચાવી લીધા પણ મહારાજા પોતાની સ્થાવર જંગમ  મિલ્કતો પર ધ્યાન ન આપી શક્યા. તે દરમિયાન આ મહેલમાં આગ લાગી ગઈ. કોઈક કહેછે કે લગાડવામાં આવી. કારણ હતું મહેલમાં રહેલા ચાંદીના વાસણો અને અન્ય કિંમતી સરંજામ . જે તમામ ગાયબ થઇ ગયો. તપાસ થઇ પણ કાંઈ વળ્યું નહીં કારણ કે એમાં કોઈક કાશ્મીરના મોટાં માથાં એવા રાજકારણીઓ જ સંડોવાયેલા હતા.

વર્ષો સુધી કાળની થપાટ ખાધાં પછી આ સમર પેલેસનું નસીબ જાગ્યું હોય તેમ થોડાં વર્ષો પૂર્વે ગુલમર્ગ ડેવલપમેન્ટ ઓથોરિટીએ એના રિસ્ટોરેશનનું કામ હાથે લીધું ને મહેબૂબા મુફ્તી જયારે ચીફ મિનિસ્ટર હતા એને મ્યુઝિયમ તરીકે ખુલ્લો મુકાયો છે. અલબત્ત, સહેલાણીને નિરાશા તો જરૂર થાય. કારણ એટલું કે થોડા ફોટોગ્રાફ્સ અને ફર્નિચર સિવાય કોઈ મોન્યુમેન્ટ્સ , યાદગીરીઓ જળવાઈ નથી. 

નીચે બેઝમેન્ટમાં ઘોડા બંધાતા હશે એવું લાગ્યું પણ મ્યુઝિયમના સંચાલકે અમને કહ્યું એ કિચન હતું. જો કે એ રાજવી કિચન કઈ રીતે હશે એ અમારા મગજમાં કોઈ રીતે બેઠું નહીં . 

મ્યુઝિયમ માટે મહેનત કરનાર મેનેજમેન્ટ તો પબ્લિક સુવિધા જેવા ટોયલેટ રાખવાનું ભૂલી ગયું છે. આટલી ફેમસ સ્કી સાઈટ ઉપર પણ ક્યાંય ટોયલેટ ન મળે. 

ભારતીય પર્યટન મંત્રાલય ક્યારે આ જરૂરિયાત ને મૂળભૂત સમજશે ભગવાન જાણે. માત્ર કાશ્મીર માટે શું કહેવું? સમગ્ર ભારતમાં આ સમસ્યા હતી છે ને રહેશે એવું લાગે છે. આઝાદી પછી વર્લ્ડ ક્લાસ થવાના દાવા કરનાર દેશ આટલી નાની સુવિધા ન આપી શકે તો વિદેશી સહેલાણીઓ શું મેસેજ લઈને જાય? 

મ્યુઝિયમમાં ઓછામાં ઓછો કલાક તો લાગશે એવી અમારી ગણતરી હતી તેની બદલે વીસ મિનિટમાં તો ખેલ ખતમ. હવે કરવું શું ?

અમે હોટેલ પર પાછાં ફર્યા . ત્યાં અમારું બીજું ગ્રુપ જે ગોન્ડોલા રાઈડ માટે ગયું હતું તે મળ્યું. એ લોકો તો બજારમાં જમી પરવારી આવ્યા હતા. એટલું જ નહીં ભારે ખુશમાં હતા કારણકે એમને પાંચમા દિવસે પીઝાના દર્શન થયા હતા. બાકી રોજ દાલ રોટી સબ્જી સિવાય કોઈ પર્યાય નહોતો. બાકી હતું એમ શોપિંગ પણ કરેલું. કોઈકે પર્સ લીધા હતા તો કોઈકે વુલન પોંચા લીધેલા. અમારું જે ગ્રુપ બુટા પાથરી ગયેલું એમાંના કોઈકને જરા સંતાપ થઇ આવ્યો. એમને બુટા પાથરીમાં ટાઈમ બગડ્યો એવી ફીલીંગ થતી હોય એમ લાગ્યું. એટલે પછી નિર્ણય લીધો આપણે પણ રહી નહીં જઈએ. ચાલો બજારમાં. 

ફરીવાર ટેક્સી હાયર કરી. બજારનું અંતર હતું હોટેલથી દોઢ કિલોમીટર . પહોંચ્યા. 

બજાર ? ક્યાં છે ? અમને તો કાંઈ જણાયું નહીં.

ટેક્સીવાળાએ કહ્યું આ જ બજાર છે. મેઈન માર્કેટ. ગણીને પંદર દુકાન. એમાં પીઝાવાળો આવી ગયો એક ઠીકઠાક લાગતી કેફે પણ આવી ગઈ. ને હા, પેલા પોંચા, શાલ ને પર્સવાળાની દુકાન પણ ખરી. સૌથી પહેલી નજર પડી ફ્લીસ જેકેટ્સ પર. ઉત્તમ ક્વોલિટીના જેકેટ્સ દુકાનની બહાર હેન્ગર પર ભરાવી લટકાવ્યા હતા. પહેલી જ નજરે લાગે કે આ પાંચ હજારથી ઓછી કિંમતનું જેકેટ ન હોય શકે. કુતુહલતાનો મોક્ષ કરવા ત્યાં જઈને જોયું તો ખરેખર ઈમ્પોર્ટેડ જેકેટ્સ , નજીવા ભાવે. એનું કારણ સમજાયું.જે વિદેશીઓ સ્કીંઇંગ માટે આવે તે કોઈકવાર ગોગલ્સ ડેમેજ થાય કે સ્કી પોડ્સ , જેકેટ્સ બધું વેચીને જતાં રહે.  મોટું બજેટ ન હોય કે પછી કોઈકવાર પૂરતી તૈયારી સાથે ન આવેલા લોકોને આ કામ લાગે. સ્થાનિકો પણ ખરીદી લે .એટલે ખ્યાલ આવ્યો કે ઘણાં વિદેશી  લોકો પોતાની ટ્રિપ્સ પતી જાય ત્યારે આ સામાન સાથે લઇ જવાને બદલે થોડોઘણો ડેમેજ થયો હોય તો વેચી નાખે. ખાસ કરીને સ્થાનિક લોકો સ્માર્ટ , મોંઘા જેકેટ્સ ક્યાંથી લાવતા હશે એ રાઝ મળી ગયો. 

બીજી બે ત્રણ દુકાન હતી. બહાર કપડાં શાલ , કશ્મીરી ભરતના સલવાર સૂટ લટકતાં હતા. તમે ગૌહાટી જાવ કે કોચી , જેમ સુરતની સાડી બધે મળે તેમ મુંબઈ હોય કે દિલ્હી કે કાશ્મીરમાં પણ શાલ તો લુધિયાણામાં બનેલી જ મળે.  જે મુંબઈમાં ફેશન સ્ટ્રીટ કે લિંકિંગ રોડ પર મળે તેવી  શાલ કાશ્મીરી ભાવે વેચાતી હતી. ખરીદનારાં હોંશે હોંશે ખરીદે પણ ખરાં કે કાશ્મીરમાંથી લીધી હોય તો સાચી પશ્મીના મળે. 


આજની તારીખમાં પણ લોકો માને છે કે રીયલ કશ્મીર, શાહતુશ  મળે છે. હજી કશ્મીર મળે ખરી પણ કાશ્મીરમાં મુશ્કેલ. એ મળે તો દિલ્હીમાં મળે. શાહતુશ મળે એ શક્ય જ નથી. અમેરિકાથી લઈને ઘણાં દેશોએ એની પર પ્રતિબંધ લગાવ્યો છે.

શહતૂશ તિબેટિયન ચીરૂ પ્રાણીનું ઉન છે. જે ખૂબ ઊંચાઈએ જોવા મળે છે.  ચીરૂની ગણના એન્ડેન્જરડ  પ્રાણીમાં થાય છે. એના અસ્તિત્વનું  રક્ષણ કરવા  ભારત સરકારે ઈ.સ 2000 થી પ્રતિબંધ લગાવ્યો છે. એટલે એ મેળવવી લગભગ અશક્ય છે. એવું જ કશ્મીરનું છે. હિમાલયન બકરાના ઊનમાંથી બને. એ પણ ખૂબ ઊંચાઈ પર રહેનાર બકરાનું ઉન. એની કિંમત લાખોમાં હોય છે. આ બેની સરખામણીમાં  પશ્મીના શાલ સસ્તી કહી શકાય. એનું ઉન પણ મળે બકરામાંથી પણ એક ચોક્કસ પ્રજાતિના બકરાં , જેની વસ્તી ખાસ્સી છે. એટલે એનું પ્રમોશન મોટા પાયે થાય છે. અલબત્ત , એ સસ્તી તો બિલકુલ હોતી નથી. 

જે ચીજની પડતર કિંમત લાખમાં હોય, જેને બનાવતા સમય ને મહેનત હોય એ આમ પાણીના ભાવે મળે?

 અલબત્ત, હું મારી ગાંઠે બાંધેલી સલાહ હંમેશ ભૂલી જાઉં છું .એક કે વોટ્સએપ યુનિવર્સિટીના સ્નાતક મિત્રો સાથે દલીલમાં ઉતરવું નહીં અને બીજું મિત્રોની ગેરસમજ દૂર કરવાનો ઠેકો આપણે લેવો જોઈએ નહીં. એથી દૂર રહેવું જોઈએ. 

અમારા સાથીદારોએ શ્રીનગરમાં વધુ વરાઈટી ને ચોઈસ મળશે એ જાણ્યા પછી પણ ખરીદી કરવાનું યોગ્ય માન્યું. કહેવાતી શાલ ખરીદી લીધી. ઓફકોર્સ, ગિફ્ટ આપવા. 

આ  સમય  દરમિયાન સૌથી વધુ નવાઈ એ જોઈને લાગી કે કોઈ જગ્યાએ સ્ત્રીઓ નજરે ચઢે નહીં. ખાસ કરીને બજારમાં , પબ્લિક પ્લેસ પર. ગુલમર્ગમાં તો સ્થાનિકો પણ દેખાતાં નહોતા. એ વિષે પૂછ્યું તો ખબર પડી કે ગુલમર્ગ આખું ટુરિસ્ટ ટાઉન છે. એમાં કામધંધા માટે આવનાર લોકો નજીકના ગામથી આવે છે.

આ હતો અમારો આખરી દિવસ ગુલમર્ગમાં . બીજે દિવસે અમારે જવાનું હતું શ્રી નગર. 


સખીઓ ભારે ઉત્સાહમાં હતી. શ્રી નગર માટે એમની પાસે લાબું શોપિંગ લિસ્ટ તૈયાર હતું. મુંબઈના ભાવે જ મળતાં અખરોટથી લઇ કશ્મીરી ગુચ્ચી . અમે જયારે શ્રીનગરમાં હતા ત્યારે જન્માષ્ટમી પણ આવતી હતી. ફોનમાં ડાઉનલોડ કરેલી ન્યૂઝ એપના સમાચાર  કહેતા હતા કે શ્રીનગરના લાલ ચોકમાં વર્ષો પછી જન્માષ્ટમીનો જાહેર કાર્યક્રમ થવાનો છે. જવું તો રોઝાબાલની મુલાકાતે પણ આ સમાચારે અમને વિચારતાં કરી દીધા. 



ક્રમશ: 





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen