બુટા પાથરી : પરબત કે ઉસ પાર...




અમે ડ્રાઈવરને કહ્યું તો ખરું કે ચલ તો સહી પણ જવું ક્યાં ? અમને પોતાને જ ડેસ્ટિનેશન ખબર નહોતી. 

રસ્તાની બંને બાજુએ પથરાયેલાં લીલાંછમ મેદાનોને અને પાઈન ટ્રીઝની હારમાળા એટલી રમ્ય હતી કે સહુ કોઈ તે જોવામાં મગ્ન હતા. રસ્તાની બંને બાજુ ક્યારેક નજરે ચઢતાં નાનાં નાનાં ઘર. જેમાં એક પણ ઈંટ નહોતી વપરાઈ. માત્રને માત્ર ગારા, લાકડાં, પથ્થર અને ઘાસની છતથી બનેલા પણ એટલાં તો સજી ધજીને હતા કે ઝુંપડી કોઈ હિસાબે ન કહેવાય. 

સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત હતી કે તમામ ઘર મલ્ટીકલર્ડ. એક નહીં ભાતભાતના રંગથી રંગેલા. ખાસ કરીને આસમાની, ગુલાબી અને ઉઘડતો પીળો. આ ત્રણ રંગ ઉડીને આંખે વળગે. આ રંગ એમના ફેવરિટ હોવા જોઈએ. કોઈ ઘર તો પાંચ સાત રંગે રંગાયેલ હતા. 

અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. અમે પાછા ફરી રહ્યા હતા. મનમાં ઈચ્છા તો હતી મુલાકાત લેવાની આવા કોઈ ઘરની ને તેમાં રહેનારને મળવાની. પણ એ ઈચ્છા પૂરી થાય એવા કોઈ અણસાર  લાગતા નહોતા.

મોટાભાગના ઘર બંધ હોય એમ લાગતું હતું. એમાં રહેનાર અત્યારે ક્યાં ગયા હશે એવો પ્રશ્ન થયો. ડ્રાઈવરે કહ્યું કે સહુ પોતપોતના કામે ગયા છે. કામ એટલે કામ. નાઈન ટુ ફાઈવ ઓફિસ જવું એ જ કામ ન હોય શકે. પોતાના પશુઓને ચરવા લઇ જવાના સવારથી સાંજ, એ પણ કામ. નાનું મોટું ખેતીકામ એ પણ કામ. વળી શિયાળો પાસે હોય ત્યારે ટમેટાં, બટાટા, કાંદા અને મકાઈ આ બે ચીજને ઉગાડી, સુકવી ને ભરવી એ સૌથી મોટું કામ. સ્ત્રીઓ માટે તો કામનો પાર જ નહીં. આટલાં બધાં પશુઓને દોહવાના , દૂધની અલગ પ્રોડક્ટસ બનાવી વેચવા મોકલવી. તે માટે સેલ્ફ સસ્ટેઇન્ડ વ્યવસ્થા હોય છે તેવું જાણ્યું. ને બાળકો સ્કૂલમાં. સ્કૂલ? હા, બિલકુલ. મોબાઈલ સ્કૂલ. સ્વાભાવિક છે કે પાંચ સાત ખોરડાંવાળા ક્લસ્ટર જેને ગામ તો હરગીઝ ન કહી શકાય તે રીતે બન્યા હતા. ત્યાં ચહલપહલ જણાઈ નહીં. 

રસ્તાથી થોડે દૂર હટીને આ લોકો ઘર બનાવે છે. આ કોમ ખરાં અર્થમાં વિચરતી જાતિ છે. દર શિયાળામાં પોતાની ઘરવખરી ,પશુ , કુટુંબકબીલા તમામને લઈ સંકેલી નીચાણવાળા વિસ્તારમાં જાય. પૂરો શિયાળો ત્યાં ગાળી હિમ ઓગળવા માંડે , વસંત બેસે ત્યારે પાછા ફરે. 

આ લોકોનું અસ્તિત્વ લશ્કર માટે ખૂબ ઉપયોગી છે. લશ્કર તેમને બધી રીતે સહાય પણ કરે છે. એમનું કામ છે સામેની સરહદ પર બાજ નજર રાખવાનું. આ લોકો પશુધન ચરાવવા સીમમાં નિયમિતરીતે અવરજવર કરે છે જે સરહદી વિસ્તારોને લાગીને આવેલી હોય છે.  સરહદ પર થતી જરા સરખી હિલચાલ થાય તો તેમના ધ્યાન પર આવ્યા વિના રહે નહીં. કારગિલ પ્રકરણે  પણ આ જ ગૂર્જર લોકોએ હિલચાલ જોઈ હતી. પુલવામામાં પણ આ લોકોએ હિલચાલ હોવાનું કહ્યું હતું પણ એમની વાત  ગંભીરતાથી લેવાઈ નહીં. (પુલવામા ને કારગિલ ગુલમર્ગથી જૂદી દિશામાં છે. આ વાત માત્ર દાખલારૂપે કરી છે.બકરવાલ કે ગુર્જરોની વસ્તી બધે છે). 


આખરે અમને એક ઘર કે ખોરડું જે કહો તે ખુલ્લું જોવા મળ્યું. એમાં બે ત્રણ ઘર આગળ હતા ને પાછળ પહાડને ફેસ કરતાં થોડાં ઘર હતા. એમાં એક ઘર તો મુલાકાતી માટે ખુલ્લું મૂક્યું હોય એમ જ લાગ્યું. વિદેશોમાં જેમ મોડેલ હટ શો કેસ જેમ રખાય છે તે રીતે અહીં પણ એ વ્યવસ્થા એક ઘરના લોકોએ કરી હતી. એમની સાથે વાત કરતાં જાણ્યું કે ફોટોગ્રાફ લેવાના પૈસા લાગશે. 

એમાં કશું ખોટું પણ નહોતું. શા માટે કોઈ અજનબીઓને માટે પોતાના ઘર ઉઘાડાં મૂકે? કેટલાંક તો  પૈસા લઈને પણ પોતાના ઘરમાં અમને એન્ટ્રી આપવા તૈયાર નહોતા. બહારથી જોઈને સંતોષ માનવાનો હતો. બહારથી સુંદર દેખાતાં ઘરમાં કાળાશ ઘેરી લાગી. માટીના ચૂલા અને તેમાં બળતાં લાકડાં, ધૂમાડો થતો હશે, જેની હળવી વાસ હવામાં હતી. 

એક ઘરમાં અમને એન્ટ્રી મળી. આ ઘરમાં બે બહેનો જ હતી. સાથે બે ત્રણ વર્ષના  બાળકો પણ. ભાષા સૌથી મોટી સમસ્યા હતી પણ અમારા ડ્રાઈવર ને કારણે સંવાદ શક્ય બન્યો. એ ઘરમાં ગયા તો ખરા પણ નિરાશા જ સાંપડી. એ તો એક ખોખું હતું. અંદર રહેવાની કોઈ વ્યવસ્થા નહીં.  મોબાઈલ ફોનના ડમી  ફોન હોય એવું. અમે જણાવ્યું કે અમને તો સાચકલું ઘર જોવામાં રસ છે પણ એમને સાચકલું ઘર બતાડવામાં હરગીઝ રસ નહોતો. 

અલબત્ત, તેમની વાત સમજી શકાય એવી છે. દરરોજ રસ્તે ચાલતાં લોકો આપણાં ઘરમાં ડોકિયાં કરવા આવે તો આપણને ગમે ?

લોકો સારા , સરળ કહેવું વધુ યોગ્ય. અમને તેમના ઘર પાસે બનાવેલાં લાકડાના બાંકડા પર બેસવા દીધા. શું વ્યુ ? શું અનુભૂતિ !! ત્યારે શું ફીલિંગ આવી રહી હતી તે શબ્દમાં કેવી રીતે ઉતારવી સમજાતું નથી. આ વ્યુ ન તો વ્હાઇટ હાઉસમાંથી આવે ન એન્ટિલિયામાંથી આવે. પણ, આ લોકોની રોજિંદી જિંદગી કેટલી કપરી હશે એનો અંદાજ સહજપણે લગાવી શકાય. 

ગામના કોઈ બુઝુર્ગ લાગતાં ચાચા સાથે થોડી વાતચીત કરી. પોતાની જાતિ ,સભ્યતા, પોતાના હક્ક વિષે વધુ સભાનતા હોય એમ લાગ્યું નહીં. એમ પણ બને કે અમારી સાથે એ ચર્ચા કરવી કે કહેવું ઉચિત ન લાગ્યું હોય. 

બુટાપારથી તો આખરી ગામ. ત્યાં વસ્તી હશે કે નહીં એ માત્ર અંદાજ લગાવવાનો રહે. આ ગામ બુટાપારથીની હદમાં પણ તંગમર્ગ લેખાય. મુખ્ય રસ્તાની બે બાજુ વસેલા છે. 

આ ચાચાના જણાવવા પ્રમાણે માત્ર એક જ કોમ છે ગુજ્જર કે ગુર્જર , પણ હકીકતે બકરવાલ પણ આવી જ કોમ છે. એટલું જ નહીં એક રહીશના જણાવવા પ્રમાણે તો ઘણી કોમ છે ,  પેટ, બાલ્ટી, બેડા, બોટ, બ્રુકપા, ચંગપા, મોં, પૂરીગયા  પણ આ બધી કોમ વધુ અંતરિયાળ વિસ્તારમાં રહેતી હોય તેવી શક્યતા છે. રસ્તાની ધારોધાર રહેનાર મુખ્યત્વે ગુર્જર ને બકરવાલ , સિપી ને ગદ્દી છે. 

ગુર્જર જાતિ ભારે વિશાળ છે એમાં પણ ઘણાં ભાગ વિભાગ છે. ફક્ત જમ્મુ કશ્મીરમાં 25 લાખથી વધુ લોકો વસે છે. અમને મળેલી માહિતી સાચી હોય તો દરેક ફેમિલી સો સવાસો જેટલાં બકરાં ઘેટાં પાળે છે. જેવી જેની સ્થિતિ. બકરા પાળે તે બકરવાલ, ગુર્જર ગાય ભેંસ પાળે છે. એ પણ મોટી સંખ્યામાં હોય છે. 

ગુર્જર કોમ માત્ર જમ્મુ કાશ્મીર પૂરતી સિમિત નથી. હિમાચલ, રાજસ્થાનમાં પણ છે. સૌ પોતપોતાની જાતિ કબીલા સાથે રહે છે. 

તમામનો પહેરવેશ લગભગ એક સરખો લાગે પણ એ લોકો એકમેકને ઓળખી કાઢે. ખમીઝ, ચુડીદાર ને પાઘ પુરુષોનો પહેરવેશ. મહિલાઓ લાંબા કમીઝ ને સલવારમાં. માથે સ્કાર્ફ વીંટાળી રાખે. કારણ સૂકી હવામાં વાળ ખરાબ થઇ જાય. આ બધી વાતો પણ જાણવા મળી ઉપરછલ્લી. યુવાન મહિલાઓની ત્વચા જુઓ આફરીન થઈ જવાય. કોઈ મલ્ટી વિટામિન ખાધા વિના રાતાં રાયણ જેવા લોકો રિઝર્વ્ડ ભારે , અજનબી સાથે વાત કરવાનું પસંદ હોય એવું લાગ્યું નહીં. 

આ લોકો શું ધર્મ પાળતાં હશે એ માત્ર કલ્પના કરવાની. એમના આચાર,વિચાર, રહેણીકરણી પરથી  કોઈ ચોક્કસ ધર્મ પાળતાં હશે એવું કલ્પી ન શકાય. એમનો ખોરાક શું હોય શકે તે ધારી શકો ?

મોટાભાગે મકાઈની રોટી ને બકરી કે ગાયના દૂધ, માખણ ,પનીર કે ખમીર. ક્યારેક આજુબાજુ  ઊગતી ભાજી. મોટાભાગના લોકો વેજીટેરીઅન જણાયા. કોઈ ધર્મ કે રીતિથી નહીં જીવનજરૂરિયાતના સાધનો જ ટાંચા.

એક સંદર્ભ એવો પણ મળે છે કે આ ગુર્જર જાતિ એટલે વર્ષો પૂર્વે રાજસ્થાનથી સ્થળાંતર કરી  ગયેલી એક  પ્રજાતિ.એ કેટલું સાચું એ વિષે કોઈ તાર મળતાં નથી. 

અમને ગામમાં કોઈ બાળક ન દેખાયું. આમ પણ વસ્તી જણાતી નહોતી. પૂછપરછ દરમિયાન જણાયું કે આ બાળકો મુખ્ય પ્રવાહમાં ભળી શકે એ માટે સેના પ્રાથમિક શાળા ચલાવે છે. જે માત્ર છ મહિના માટે જ ચાલે છે. મોબાઈલ સ્કૂલ. એમ કેમ ? એ પ્રશ્ન થાય. જવાબ છે કે  શિયાળા દરમિયાન તમામ લોકો સ્થળાંતર કરી જાય છે. 

આખા પ્રદેશમાં છ મહિના બર્ફનું સામ્રાજ્ય હોય તો પશુધન ચારો કઈ રીતે ચરે ?

એ લોકો શિયાળામાં જમ્મુ, ઉધમપુર જેવા વિસ્તારોમાં વસી જાય છે જેથી પશુઓને ચારો મળી શકે. ઘણાં પંજાબ સુધી પહોંચે છે. એકવાર ત્યાંની સલામતી ને સ્થાયી જિંદગી ગોઠી જાય તો નવી પેઢી માટે ત્યાં વસી જાય એમ પણ બને, પરંતુ આ પ્રમાણ નજીવું છે. 

ત્રણ કલાકમાં અમારી અલાયદા વિશ્વની મુલાકાત પૂરી થઇ ગઈ. અમે ત્યાંથી વિદાય લીધી. એક વિચાર સાથે કે કેટલું અલગ છે આ વિશ્વ. આપણી કલ્પનાની દુનિયામાં પણ ન  આવી શકે. શહેરની સુરક્ષિતતામાં ,એસીમાં બેઠાં બેઠાં ચર્ચા કરનાર આર્મચેર ઓપિનિયન મેકર્સ , આદર્શવાદીઓએ જાતે મેદાનમાં આવીને જોવું રહ્યું . 
ક્રમશઃ 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen