રહેં ન રહેં હમ , મહેકા કરેંગે .....

ગર ફિરદૌસ બર રૂએ ઝમીં અસ્ત , હમી અસ્તો હમી અસ્તો હમી અસ્તો।

અગર પૃથ્વી પર જન્નત હોય તો એ અહીં જ છે , અહીં છે અહીં જ છે. 
કાશ્મીર જોઈને વારી જનાર જહાંગીરે આ શબ્દો કહ્યા હતા.પણ, જો જહાંગીરે કેનેડાનું વિક્ટોરિયા જોયું હોત તો શક્ય છે મુઘલ સામ્રાજ્યના પાયા ત્યાં પણ નાખ્યા હોત. બ્રિટિશ કોલમ્બિયાનું એક ભાગ એવું  આ એક જ શહેર એવું છે કે શિયાળામાં આખું કેનેડા જયારે ઠરી જતું હોય ત્યારે સરખામણીમાં થોડું હૂંફાળું રહે છે. એ જ કારણ છે દરિયાના બિલોરી કાચ જેવા પાણી અને પ્રદૂષણ  વિનાના નીલા આસમાનની વચ્ચે બેઠેલું અસાધારણરીતે ખૂબસૂરત એવું આ ફૂલનગર , ગાર્ડન સિટી છે. એક બે પાંચ નહીં 70 મહાકાય ગાર્ડન છે એક નાના અમસ્તા શહેરમાં. અલબત્ત, નાનું શહેર આપણા જેવા ભારતીયોને લાગે ત્યાંના લોકો માટે તો એ દમદાર મોટું શહેર છે. મોટું એટલે ? 20 કિલોમીટરમાં પથરાયેલું , જ્યાં માત્રને માત્ર વસ્તી છે નવપરણિત કે પછી વૃદ્ધોની , એવા સિટિઝનનું આ શાંત , રમણીય શહેર એટલું સુંદર છે કે 70થી વધુ ગાર્ડનઉપરાંત  બાકી હોય તેમ જ્યાં જુઓ ત્યાંથી દરિયાનો વ્યુ મળે. જોગિંગ ટ્રેક, સાઇકલ ટ્રેક , વ્યવસ્થિત ટ્રાફિક ને જ્યાં જુઓ ત્યાં જોવા મળે નાની કાફે, ફ્રેન્ચ સ્ટાઇલ બિસ્ત્રો , પબ્સ ને રેસ્ટોરન્ટ્સ  . ગામની વસ્તી કેટલી ? તો કહે 85,000 લોકોની, આ અંક 2014નો છે એટલે જો ચારેક વર્ષમાં ફર્ક પડ્યો પણ હોત તો આંકડો લાખે  પહોંચ્યો હોય તેથી વધુ નહીં . 

જોવાની ખૂબી એ છે કે જે ગામની વસ્તી લાખની નથી તે વિક્ટોરિયાની મુલાકાતે વર્ષે દહાડે 10 લાખ ટુરિસ્ટ આવે છે. છે ને નવાઈની વાત?
અને  એમને ખેંચી લાવે છે એક ગાર્ડન , નામ એનું બુચર્ટ.
અલબત્ત, રસપ્રદ વાત તો એ છે કે વિક્ટોરિયામાં એવા ઘણાં લોકો મળે જેમની આખી જિંદગી ત્યાં જ ગુજરી હોય પણ આ નામાંકિત બગીચામાં પગ ન મૂક્યો હોય. 
એ વાત કહી અમારી ગાઈડે. જેને અમને આપ્યા હતા અઢી કલાક આખો ગાર્ડન ફરવા માટે. 

હવે જો આ સમય યોગ્ય લાગતો હોય તો જણાવી દેવું જરૂરી છે કે વિક્ટોરિયાનો આ બુચર્ટ ગાર્ડન 55 એકર એરિયામાં પથરાયેલો છે. 
અમારી પાસે હતા હાથ પર ગણતરીના કલાકો. અલાસ્કા ક્રુઝ કરાવતી તમામ  શિપ વિક્ટોરિયામાં તો લંગર નાખે જ. કોઈ અડધો દિવસ આપે , કોઈ આખો પણ મૂળ વાત એ કે જે બાગબાનીના રસિયા હોય એમનો ને ફોટોગ્રાફી કે પછી સેલ્ફીના પ્રેમી હોય એ બચારાઓને તો આ ગાર્ડનમાં પૂરતો સમય ન મળે એનો જે અફસોસ થાય એ તો જોવા જેવો હોય. અમારી સાથે પણ એવું જ કઈંક થયું  . અમારી ક્રુઝ જયારે વિક્ટોરિયા પોર્ટ પર લંગર નાખ્યું ત્યારે થયા હતા બપોરના બે , પણ ઇમિગ્રેશન, સિક્યોરિટી અને એક મહાકાય શિપના પેસેન્જરને બહાર નીકળવા પૂરાં બે કલાક લાગે એટલે બહાર નીકળ્યા ત્યારે ચાર થવા આવેલા, આમ તો વિક્ટોરિયા ગમે એવું નાનું અમથું શહેર છે. પણ, સમયના અભાવે અમારે એક ગાર્ડનથી  જ સંતોષ  માની લેવાનો હતો. 

બુચર્ટ ગાર્ડન લેખાય વિક્ટોરિયામાં પણ શહેરથી થોડે દૂર છે. વિક્ટોરિયા શહેર જ એક પરીકથાનું નગર લાગ્યું અમને.ધૂળ , પ્રદૂષણ , માટી , ગરીબી , ગંદકી કદાચ આ પશ્ચિમીઓની ડિક્ષનરીમાં જ નથી. જ્યાં જુઓ ત્યાં હરિયાળી, ચોખ્ખા રસ્તા, નાનકડાં સુંદર મકાનો, મોટા સેનેટોરિયમ , જેમાં મોટાભાગે વૃદ્ધો રહે છે, ખાલીખમ રસ્તા ને દોડી જતી ચકચકિત કાર્સ , એથી ય સોહામણી કોઈ મોડેલ હોય એવી રૂપકડી બાઈક એટલે કે સાઇકલ, જ્યાં જુઓ ત્યાં જોગર્સ ટ્રેક્સ, સાઈકલિંગ ટ્રેક્સ, નાનાં આઇલેન્ડ ગાર્ડન્સ  . એ બધું વટાવીને એક અજબ પ્રદેશ શરુ થાય. હરિયાળો, પણ શહેરની હરિયાળીને ઝાંખી પડતો હોય તેવો, રંગબેરંગી ફૂલ, પતંગિયાવાળો.

આ વિષે  કરતાં એના  ફોટોગ્રાફ વધુ બોલકા છે. 
આ ગાર્ડન હજી ભારતીય ટુરિસ્ટમાં ખાસ જાણીતો નથી એનું કારણ છે. શક્ય છે યશ ચોપરાને આ ગાર્ડન કદાચ ધ્યાનમાં  આવ્યો હોય  એટલે એમને સ્વિટ્ઝર્લેન્ડથી જ કામ ચલાવે રાખ્યું, પણ આ ગાર્ડન પંજાબી ફિલ્મમેકરના ધ્યાનમાં છે. કેટલીય પંજાબી ફિલ્મોના શૂટિંગ અહીં થયા છે. પણ, આખરે અતિશય કુતુહલતા હતી એ ગાર્ડન આવ્યો ખરો. અમે તો 100 ડોલર ખર્ચેલા એટલે કુતુહલ ભારે હતું કે રૂપિયા 7000 ખર્ચીને જોવા જઈએ તે ગાર્ડન હશે કેવો ?

જો કે તે દિવસે બરખારાણી જરા રિસાયેલા , કોઈ માનુની ગુસ્સો દબાવીને મનોમન ધૂંધવાયા કરતી હોય એમ જ. આકાશ આમ તો સુંદર હતું પણ કોઈ ચિત્રકાર હળવો ભૂખરો રંગ ફેરવી દે તેવું ,સવારથી લાગતું હતું કે વરસાદ તૂટી પડશે , યાહૂ વેધર ચાર્ટ પણ એમ જ કહેતો હતો. વરસાદ હોય તો ગાર્ડનમાં ફરવું કઈ રીતે એ પણ 55 એકરના ગાર્ડનમાં  ! 
અલબત્ત, નસીબ તદ્દન ખરાબ નહોતું ,અચાનક જ  તડકો નીકળી આવ્યો.  આમ પણ પશ્ચિમી દેશોમાં સમરમાં સૂર્યાસ્ત રાત્રે સાડાનવ  દસ વાગે થાય છે એટલે હાથ પર સમય હતો ,પણ એટલો નહીં જેટલો હોવો જોઈતો હતો. 

આખરે અમે પ્રવેશ કર્યો ત્યારે વરસાદ તો બંધ થઇ ગયો હતો પણ પ્રકાશ એવો નહોતો કે ફોટોગ્રાફ સુંદર આવે. 
સમય હોય કે ન હોય 55 એકરમાં ફરવું શક્ય જ નથી એ સમજાઈ ચૂક્યું હતું એટલે અમે ઝડપભેર ગાઈડે સૂચવેલી જગ્યાઓ પર ધસી ગયા. 
આ પોઇન્ટ એટલે એક તો અતિ વિખ્યાત એવો સંકન ગાર્ડન જાપાનીઝ ગાર્ડન ,રોઝ ગાર્ડન, ઇટાલિયન ગાર્ડન , સ્ટાર ફાઉન્ટન અને સાથે આવેલા ગ્રીન હાઉસ ને આર્કેડ  .

અમે ગાર્ડન પહોંચ્યા ત્યાં સુધીમાં ગાઈડે બસમાં ઘણી બધી વાતો કરી નાખી હતી. 
એક સમયે જ્યાં સિમેન્ટ બનાવવા જરૂરી એવા લાઇમસ્ટોન ખોદવાની ક્વોરી હોય ત્યાં આ અદભૂત ગાર્ડન છે, કોઈ કહે તો માનવામાં ન આવે. વર્ષો થવાથી લાઇમ સ્ટોન પણ ખૂટ્યો હતો.ક્વોરી હવે એમ જ પડી હતી. જેનીને એક આઈડિયા આવ્યો, આ ક્વોરીને જ એક ગાર્ડન બનાવી દઈએ તો ?
બસ, થઇ રહ્યું. ત્યાં જે ગાર્ડન બનાવાયો એ આજે સંકન ગાર્ડન તરીકે લેખાય છે.
એક સમયે એ સિમેન્ટ માટે ક્વોરી હતી આજે એનો અસબાબ જુઓ. આજે એ સંકન ગાર્ડન છે.
આજે કેનેડાની હિસ્ટોરિક સાઈટ તરીકેના માનઅકરામ ભોગવી રહેલા આ ગાર્ડનના રચયિતા હતા, બુચર્ટ , જે આજે પણ એક કૌટુંબિક જાગીર છે. રોબર્ટ પિયમ બુચર્ટ નામના એક ઇટાલિયન મૂળના સ્થાનિકે સિમેન્ટ માટે લાઇમસ્ટોન ખોદવાની ક્વોરી માટે જગ્યા ખરીદી હતી. એમાં બુચર્ટને ચાંદી પણ થઇ. શહેરના ભદ્ર કહી શકાય એવા સમાજમાં ઉઠબેસ વધી. રોબર્ટની પત્ની જેની એક સીધીસાદી ગૃહિણી હતી એને જો કોઈ પ્રેમ હોય તો તે હતો ફૂલ માટે, પણ ઘર તો કવોરીની સામે હતું , જ્યાં રાતદિવસ ખોદકામ થતું , ધૂળમાટીનું કામ. પણ એક દિવસ કઈંક જૂદો ઉગ્યો. તે વખતે વિક્ટોરિયામાં એક  મહાકાય ગાર્ડન બનાવવાનો નિર્ણય થયો હતો જેને માટે જાપનીઝ ગાર્ડન આર્ટિસ્ટને રોકવામાં આવ્યા હતા. આ વાત છે 1904ની , જાપનીઝ આર્ટિસ્ટ એટલે શહેરના નામાંકિત લોકો એનું સન્માન કરવા ગયા ને ત્યાં જેની એમની કલા કૌશલ્યથી પ્રભાવિત થઇ ગયા. એમને પોતાના ઘરની આસપાસ ગાર્ડન બનાવવા માટે એમને રોકી લીધા. બસ, પછી તો શરુ થઇ એક હારમાળા, પહેલા સાદો એક ગાર્ડન, પછી જાપનીઝ ગાર્ડન પછી કિચન ગાર્ડન, ગાર્ડન આર્ટિસ્ટ કિશીદા તો પોતાને દેશ સિધાવ્યા પણ જેનીની યાત્રા ન અટકી. આ દરમ્યાન વર્ષો થવાથી લાઇમ સ્ટોન પણ ખૂટ્યો હતો.ક્વોરી હવે એમ જ પડી હતી. જેનીને એક આઈડિયા આવ્યો, આ ક્વોરીને જ એક ગાર્ડન બનાવી દઈએ તો ?
ઝેન ગાર્ડન , એક તરફ હરિયાળી ને બીજી તરફ રેતી પથ્થરની આર્ટ ઇફેક્ટ્સથી શોભતો  ...
બસ, થઇ રહ્યું. ત્યાં જે ગાર્ડન બનાવાયો એ આજે સંકન ગાર્ડન તરીકે લેખાય છે. આસપાસ ઝેન ગાર્ડન છે. ઝેન જાપનીઝ ગાર્ડન પૈકી એક પ્રકાર છે જેમાં મૂળ રેતી પથ્થર અને લાઇમસ્ટોનમાંથી બનેલા આર્ટ ઇફેક્ટ્સ હોય છે.એ  સાથે છે જાપનીઝ સ્ટાઇલ ગાર્ડન પણ. એ પછી એક ગાર્ડન બન્યો જેને નામ મળ્યું Benvenuto , ઇટાલિયન નામ છે જેનો અર્થ થાય છે વેલકમ , ભલે પધાર્યા , એક પછી એક ગાર્ડન તો ઉમેરાતા ગયા ને જોણું પણ બનતા રહ્યા પણ હવે બુચર્ટ દંપતિની ઉંમર થઇ રહી હતી. 1929માં એમને આ ગાર્ડનનો સમગ્ર કારભાર દીકરીઓને સોંપ્યો , દીકરો તો આર્મીમાં હતો. જોકે પછી દીકરા રોબર્ટ એ કારભાર સંભાળી લીધેલો. અને એ વારસો  જાળવી રાખ્યો પૌત્રએ. એણે દાદાદાદીના આત્માને સંતોષ મળે એ રીતે તમામ પ્રયત્નો કર્યા.

 21 વર્ષથી 58 વર્ષ સીધી સતત એને બગીચાને સાંભળ્યો, સંવર્ધન કર્યું પણ એક સમય એવો આવ્યો કે એ માટે જરૂરી નાણાં માટે ખેંચ ઉભી થઇ. જીવ તો નહોતો ચાલતો પણ એને સરકારને વિનંતી કરી કે આ ગાર્ડન સરકાર પોતાને હસ્તક લઇ લે તે પણ માત્ર એક ડોલરમાં , શરત એટલી કે સરકાર એનું સંવર્ધન કરે. 
સરકાર એટલે સરકાર , એ પછી કેનેડાની કેમ ન હોય ?  વાત સરકારને જામી નહીં . ખર્ચો જંગી હોય એ બળતા ઘરમાં ક્યાં હાથ નાખવો ?

સરકારે ના ભણી એટલે હવે રોસે પોતે જ કોઈક માર્ગ શોધવાનો હતો. પોતાના વડીલોએ તન ,મન , ધનથી ઉછેરેલા આ ગાર્ડનને પાછો બંજર બનાવી દેવો ? એટલે એને એક નિર્ણય લીધો, ફી લઈને પ્રવેશ આપવાનો  , એમાં એક પંથ ડો કાજ થયા , ગાર્ડન તો બચી જ ગયો પણ એમાંથી થતી આવકને કારણે વધુ વિકસિત થયેલા ગાર્ડનની નામના એવી તો બુલંદ થઇ કે દેશવિદેશમાંથી ટુરીસ્ટના ધાડા ઉતરવા લાગ્યા. 
આજે પણ બુચર્ટ દંપતીનું ઘર છે, જ્યાં રેસ્ટોરન્ટ છે. કાફે , સુવેનિયર શોપ , ગ્રીન હાઉસ છે.
આજે પણ આ ગાર્ડનની માલિકી બુચર્ટ ફેમિલીની છે. સમય સાથે એમાં વધુ ને વધુ આકર્ષણ ઉમેરાતા જાય છે. છેલ્લાં થોડા વર્ષની સમર સીઝન દરમિયાન રોજ કોન્સર્ટ અને આતશબાજીનું  આયોજન થાય છે. જાઝ શો સામાન્યપણે જુલાઈ ઓગસ્ટમાં હોય છે એટલે એ બે મહિનામાં ટુરીસ્ટના ધાડા ઉતરી આવે છે. 
સમર ટાઈમ જે વસંત કહેવાય તે સમયે રોજ એકસાથે 3 લાખ કળીઓને ખીલતી જોવી લ્હાવો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ગાર્ડન બારે મહિના કઈંક ભરચક રહે છે પણ મુખ્ય સમય જુલાઈ ને ઓગસ્ટ છે. મેગ્નોલિયા , ટ્યૂલિપ , ડેફોડિલ , ગુલાબ, હાયડ્રેનજીયા બેગોનીઆ ફુશીયા લીલી આ એવા છોડ છે જેના પર આવતા ફૂલ મન બાગ બાગ કરી દે. 300 જેટલી જાતના ગુલાબ વસંત દરમિયાન ખીલે છે. સૌથી રસપ્રદ તો એ વાત છે કે બુચેર્ટ ગાર્ડન તરફથી એક ઈ બુલેટિન જેવી માહિતી બહાર પડે છે કે આ મહિને ક્યા  ફૂલ આવશે , કયા વિભાગમાં શું પ્રવૃત્તિ ચાલે છે. કોન્સર્ટ કઈ પ્રકારના હશે ? વિશ્વના ક્યા ભાગમાંથી પર્ફોર્મર્સ આવશે  . 
ગાર્ડનમાં પ્રવેશવા માટે 39 કેનેડિયન ડોલર્સ ચૂકવવા પડે છે. પણ એ ગાર્ડનની ટિકિટ વિન્ડો પાર બાકી ટુર ઓપરેટર્સ એક્સકર્ઝન આપે છે એમાં જેવો ઓપરેટર એવો ભાવ.

આખા ગાર્ડનનું સંચાલન આજે એક મહિલા કરે છે. બુચર્ટ ફેમિલીની પ્રપૌત્રી એવી રોબિન કોર્પોરેટ રીતે સંચાલન કરે છે. 
55 એકરના બાગને સાચવવા 50 ફુલટાઇમ મળી, ને 550 લોકોનો સ્ટાફ ખડેપગે તહેનાત હોય છે. 
જેનીનો ફુલપ્રેમ કેવો હશે એનો અંદાજ લગાવવા આ ગાર્ડન એકવાર તો જોવો રહ્યો.
બુચર્ટ દંપતિનો ફૂલ પરત્વે , બાગબાની પરત્વેનો પ્રેમ જોયા પછી લાગે કે  એમના દિલમાં એક જ વાત ઘૂમતી હશે 

રહેં ન રહેં હમ , મહેકા કરેંગે   .....

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen