ધૂઆં ધૂઆં ઔર મજેદાર પ્યાજ કી કચૌડીયાં

ધૂઆં ધૂઆં ઔર મજેદાર પ્યાજ કી કચૌડી, ગુલાબ જલેબી  ઔર  કુલ્લડ કી મસાલા ચાય  
જીને કો ઔર ક્યા ચાહિયે ? 




    જયપુર જવાનું  હોય એટલે શોપિંગ લિસ્ટ લાબું થઇ જાય , ભાઈઓનું તો ખબર નથી પણ બહેનો માટે ખરું જ ,  બાંધણી , લહેરિયાના દુપ્પટ્ટાથી લઇ ખુસ્સા , જૂતી , પાચી ને કુંદનની જ્વેલરી , એ પછી રિયલ હોય કે ચાંદી પર કે પછી આર્ટિફિશિયલ  . 
બધાની ઉપરવટ હોય તો એક તે છે ગજક , ને પ્યાજ કચૌડી.પિંક સિટી જયપુરની મુલાકાત લઈને પાછા ફરવાનો સમય આવે ત્યારે એરપોર્ટ પર લગભગ દરેક પ્રવાસીના હાથમાં બ્રાઉન પેપરની  બેગ દેખાયા વિના ન રહે. ઉપર લાલ અક્ષરમાં લખ્યું હોય રાવત . હા એ જ રાવતની કચૌડી ને ગજક એટલે કે આપણી ચીકી  . એમાં પણ શિયાળો હોય ને ટેમ્પરેચર સવારે અગિયાર ને મધરાત્રે ચાર ડિગ્રી થતું હોય તો આ ગજક , કચૌડી ને મસાલા ચાયની લિજ્જત વિચારી લેવાની હોય.પ્યાજ  કી કાચોરી એ એક પ્રકારનો  રાજસ્થાની નાસ્તો છે, આપણાં ફરસાણ જેવું જ એક , પણ મસાલેદાર , તળેલું , મેંદાનું પડ એને ડાયેટ કરનાર માટે  વધુ  પાપ સમાન  . ઝીણી સમારેલા કાંદા  સાંતળીને બાફેલા બટાટા સાથે મિક્સ કરીને મેંદાની પુરી વચ્ચે ભરેલો એ માવો  .આ કચૌડી એટલી તો મશહૂર છે કે જયપુરની મુલાકાર લેનારા ધોળાં ટુરીસ્ટોને, જેઓ મસાલેદાર તીખું ખાવાના આદિ નથી તે પણ સસ્સ સસ્સ કરીને સિસકારા બોલાવતાં પણ ખાવાનો પ્રયત્ન  તો જરૂર કરે છે . 
આ દિવસો તમે ઉત્તર ભારતના લગભગ તમામ ભાગમાં આ રાજસ્થાની વાનગી શોધી શકો છો. હવે, આ કચોરીના ઘણા વર્ઝન
આપણે ત્યાં મળે છે જેવી કે રાજ કચોરી , ખાસ્તા કચોરી , પણ આ પ્યાજ કી કચોરી સંભળાતું નથી. 


અમારી સાથે હતો  લગભગ 350 મિત્રોનો કાફલો , બધાને કચોરી ચાખવી હતી. હોટેલ હતો જયપુરથી લગભગ 40 કિલોમીટર દૂર, રાવત મિષ્ટાન્ન ભંડાર જેની કચોરી દેશદેશાવરમાં મશહૂર છે ત્યાં સહુ કોઈને મળે એ વાત તો શક્ય નહોતી એટલે હોટલમાં મંગાવવાની વ્યવસ્થા કરવી પડી  .આકાર એનો રાજ કચોરી કરતા પણ મોટો . જેને જોઈને ધ્રાસ્કો પડે , આખી તો નહીં જ ખવાય ને જો ખવાય તો એક  કચોરીમાં 2500થી કેલેરી નહીં હોય પણ એ વિષે વધુ વિચાર્યા વિના બે ટુકડા ખાવાનું આ પાપ કરી નાખવાનું મન બનાવી લીધા પછી ટુકડો મોઢામાં મૂક્યો  . ખાસ્તા કચોરી , રાજ કચોરી , સુરતના ચૌટા બજારમાં આવેલી જયંતની લીલા વટાણાની કચોરીની રેસમાં ઉતરે એવી  ..  એક કચોરી આખી નહીં જ ખવાય એવું જોતાવેંત લાગે પણ ક્યારે એ આખી પેટમાં પધરાવાય જાય એ ખબર ન પડે.  એમાં પણ શિયાળો એટલે જયપુરીઓના ઘરની ખાસિયત  . સામાન્યરીતે તળેલું અવોઇડ કરનાર તો એની સાઈઝ, સ્ટફિંગ ને એનું મેંદાનું પડ જોઈને જ ગભરાઈ જાય પણ કડકડતી ઠંડીમાં એના વિના દિવસ પૂરો ન થાય. આટલી સ્વાદિષ્ટ કચોરી ઘરે બનાવવામાં કોઈ મીર નથી મારવાનો  . તમને માત્ર જરૂર પડે મુખ્ય સામગ્રીની, બટાટા , કાંદા ને મેંદો , ઘઉંનો લોટ પણ ચાલે  .તળવા  તેલ ને મસાલો  .
સામગ્રી : 
કણક  માટે:
•મેંદો  - 2 કપ
• તેલ - 4 ચમચી 
• સ્વાદ માટે મીઠું

પૂરણ માટે:
• મોટા લાલ કાંદા , ઝીણાં બારીક કાપેલા  - 4
• બટાકા,બાફીને છાલ ઉતારેલા - 2
• તેલ - 2 ચમચી 
• રાઈ - 1 ચમચી ( ગમે તો જ )
• જીરું - 1 ચમચી 
• હિંગ એક ચપટી
• ધાણા  - 2 ચમચી
• સ્વાદ માટે મીઠું
• ચણાનો લોટ - 2 ચમચી
• આમચૂર  - 2 ચમચી 
• કચરેલુ લસણ  - ચમચી 
• વાટેલું આદુ  - 1ચમચી 
• વાટેલા લીલા મરચાં,  2
• લાલ મરચું પાવડર - 2 ચમચી 
• ગરમ મસાલા - ¼  ચમચી 
• સાકર  - 1 ટીસીપી

• તળાવા માટે:
•  તેલ

રીત : 
એક  બાઉલમાં મેંદો , તેલ ને મીઠું નાખી  અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને સખત કણક બાંધો ,
 4 થી 5 મિનિટ માટે મસળી ,ભીના  મલમલના કપડાથી કણકને  અને 15 મિનિટ સુધી ઢાંકી  રાખો.

બીજી કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. ,રાઈ જીરું તતડે એટલે આદુંમરચાં નાખી હિંગ નાખવી  .
અડધી મિનિટ પછી કાંદા નાખી સાંતળો ,  મીઠું ઉમેરો કાંદા  ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો  .
છેલ્લે કાંદા પોચા પડે લસણ, આદુ, લીલી મરચાં અને લાલ મરચું પાવડર, આમચૂર પાવડર ઉમેરો.

સારી રીતે મિક્સ કરો અને એક મિનિટ માટે સાંતળ્યા પછી બાફેલા બટેટા, ચણાનો લોટ, ખાંડ અને
 ગરમ મસાલા પાવડર ઉમેરો. સારી રીતે કરો, અને તવેથાની  ની મદદ સાથે બટાકાનો  માવો બને 
એ રીતે હળવે હાથે ચલાવતા રહેવાનો પ્રયાસ કરો.
મસાલો ચઢી જાય એટલે થાળીમાં પાથરી પાથરી માવાને ઠંડો પડે એટલે 12 સમાન ભાગમાં કણક વહેંચો. 
2½ વ્યાસ વર્તુળમાં કણકના દરેક ભાગને બહાર કાઢો. વચમાં  ભરીને તૈયાર કરેલું  પૂરણ ભરો.
કચોરીને  સપાટ કરવા માટે હળવે હાથથી થોડું દબાવો અને ફોર્કથી  હળવે હાથે થોડા છિદ્ર પડી લેવા  ..
કઢાઈમાં ઉકળતાં તેલમાં  પર સોનેરી રંગ પકડે એમ  કચોરીઓ તળી લો.  
કોથમીર મરચાની ,આમલી ચટણી  અને ચા સાથે ગરમ ગરમ પીરસો. શિયાળામાં એકવાર પીરસી જોજો , 
સહુ કોઈ કહેશે તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત   ...( કચોરીને, તમને નહીં )

 જયપુર જવાનું થાય તો કચોરીને ગજક ભૂલશો નહીં   :)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen