ખિચડી બારે માસ !!

ખિચડી  ક્યારે અને કઈ રીતે  ભારતના તમામ લોકોની સિગ્નેચર ડિશ બની ગઈ ? 


થોડા સમય પહેલા ઉઝબેકિસ્તાન જવાનું થયું. મનમાં હતું કે ભૂખે મરી જવાશે આ દેશમાં. એ વાત તદ્દન ખોટી પણ નહીં.ઉઝબેક લોકોને અમે વેજિટેરિયન છીએ એ જાણી એટલી તો નવાઈ લગતી હતી કે, માણસ ઘાસપાંદડા પર જીવી જ કઈ રીતે શકે ? 
પણ, એ બધી વાત તો ઠીક પણ સહુથી મોટી નવાઈ તો અમને લાગી , એમની  કીચરી જોઈને . 

હા, આપણી ખીચડી તેમની કીચરી , ફર્ક એટલો કે આપણે ત્યાં મગ , તુવેરની દાળ કે પછી છોતરાંવાળા મગની દાળનો વિકલ્પ છે એમની પાસે દાળ જેવો કોઈ વિકલ્પ નથી, બલ્કે હાથમાં આવે એ બધા કઠોળ ને શાકભાજી પડે, રાજમા , મગ સાથે મસૂર પણ અને ચિકન કે મટન પણ , જો ચિકન મટનનો વિકલ્પ ન હોય તો એને દૂધમાં પકવાય અને જે લીલા શાકભાજી ઉગે તે પણ પડે જેમ કે ગાજર, ફણસી , વટાણા, પાલક,રોકેટ (ભાજી). પણ, હા આપણી જેમ એમની પાસે બારે માસ ખીચડી ખાઈ શકવાનો વૈભવ નથી. શિયાળો એટલો જાલિમ કે પાંદડું ન ઉગે , એમનું નવરોઝ એટલે કે પારસી નવરોઝને દિવસે જ નવું વર્ષ બેસે અને વસંત બેસવાની શરૂઆત થાય ને  ઘરે ઘર આ કીચરી ખીચડી મરચા રંધાય  .આદુ કે પછી ઘીમાં તજ મરીના  વઘારનો વિકલ્પ ન હોય, હોય માત્ર નમક ને તીખાશ જોઈએ તો ચીલી સોસ ઉપરથી નાખી લેવાનો  .



આ તો થઇ ઉઝબેક ખીચડીની વાત પણ આ  વાત યાદ આવી શેફ સંજીવ કપૂરે દિલ્હીમાં જે 915 કિલો ખીચડી રાંધી ને તેમાં ચમચા હલાવવા ગયેલા બાબા રામદેવ ને સાધ્વી નિરંજનને  કારણે જે ફ્રન્ટ પેજ પર ગાજી તે પરથી . અને હા, ખિચડી આપણા વડાપ્રધાનની પણ પ્રિય વાનગી છે. બાબા રામદેવે તો વર્લ્ડ ફૂડ ડે પર ખીચડીને વિશ્વને ભારત તરફથી મળેલી ભેટ પણ લેખાવી  .
ખિચડી વિષે કહેવું અશક્ય છે કે એ વિશ્વના ક્યા ભાગમાં ઉદભવી. ઇન્ડિયામાં હવે ખીચડી ઘર ઘરનો આહાર હોવાથી એને ઇન્ડિયન તરીકે બ્રાન્ડ કરી શકાય પણ એમાં થોડી અતિશયોક્તિ તો છે જ.

એ વાત તો નિર્વિવાદ છે કે  ખિચડી એટલે ખિચડી  .
તમે પંદર દિવસ મહિનો યુરોપ કે અમેરિકા ટુર પર હો ને તમને અતિશય પ્રિય એવા જાત ભાતના પાસ્તા , જુદા જુદા સોસ જોડે આરોગતા રહ્યા હો તો પણ છેલ્લે છેલ્લે યાદ આવશે ઘરના ફૂલકાં , તુવેરની દાળ ને દૂધીવડીનું શાક. આમ જોવા જઈએ તો ઇન્ડિયન લોકો ટ્રાયલ કરવામાં શૂરા છે. એ પછી થાય ફૂડ હોય કે ફોન્દ્દયુ  .
ગુજરાતી ઘરમાં મેનુમાં  DBRS (દાળ,ભાત, રોટલી ,શાક ) તો હોય જ. જે  ખાતાં ખાતાં પીઝા કે થાઈ ફૂડ યાદ આવતું હતું , એ બધું અચાનક મિસ થવા લાગે. મનમાં થાય ક્યારે ઘરે પહોંચીયે ને મગ ખાખરા , ખીચડી કઢી , દાળભાત ખાઈએ  .... મેલ કરવત મોચીના મોચી જેવું  . બાય ચોઈસ પણ છેલ્લે તો ઘરની થાળીની ખોટ સાલવા લાગે ને મૉટે ભાગે લોકો ઘરે આવી પહેલું શું ખાય ? 101 ટકા ખીચડી એ પણ ફીણેલી , સાથે દહીં , કઢી , બટાટાનું શાક હોય તો ઠીક ન હોય તો ઠીક ને પાપડ  . એ ખાવાથી એમ લાગે હાશ , દુનિયાનો છેડો એટલે ઘર.

જાણીને નવાઈ લાગશે કે મોદીજી , બાબા રામદેવ ને આપણે પોતે  જેટલા ખીચડીપ્રેમી છીએ  તેટલા જ મુઘલ બાદશાહો, સ્પેનિશ , બ્રિટિશ પણ રહ્યા છે. આઈને અકબરીના લેખક ,  અકબરના રાઈટ હેન્ડ એવા અબુલ ફઝલે ઝીણી ઝીણી વિગતો લખી છે તેમાં અકબરનો ખીચડીપ્રેમ છલકે છે. એમ મનાય છે , આઈને અકબરીમાં એવો ઉલ્લ્લેખ પણ છે કે છેલ્લે છેલ્લે અકબરને જૈન મુનિઓ અને હિન્દૂ બ્રાહ્મણોનો સંગ ગમવા મંડ્યો હતો અને તેથી શાકાહાર પરત્વે ઝુકાવ વધ્યો હતો , એટલે અતિ પ્રસિદ્ધ ફૂડ રાઇટર પુષ્પેશ પંતના કહેવા પ્રમાણે અકબરે ખીચડીને નામ પણ રોયલ આપ્યું હતું : લઝીઝ. લઝીઝ એટલે અતિશય સ્વાદિષ્ટ એના પરથી લઝીઝા  . જેમાં શાકભાજી વધુ રહેતા  .

અકબરનો ખિચડીપ્રેમ જહાંગીરમાં પણ ઉતર્યો હશે કે જે હોય તે પણ મનાય છે કે ખીચડીને લોકપ્રિયતા અપાવનાર જો કોઈ હોય તો એ જહાંગીર, આ વાતનો ઉલ્લેખ એક રશિયન વેપારીએ અથનેસીસ નિકિતિન નામના પુસ્તકમાં કર્યો છે જેમાં લખાયું છે તે પ્રમાણે જહાંગીર માટે કેસર અને સૂકા મેવાવાળી ખીચડી બનતી. અકબરથી , લગભગ 13મી સદીથી  અને એ સિલસિલો ચાલતો રહ્યો , 16મી સદીમાં ફ્રેન્ચ પ્રવાસી જીન બેપ્ટિસ્ટ ટાવેર્નિયરે પોતાની ઇન્ડિયન ડાયરીમાં ખીચડી વિષે બહુ લંબાણથી વર્ણન કર્યું છે. એના કહેવા પ્રમાણે ચોખા, દાળ અને ઘી હિન્દુસ્તાનનું સાંજનું ખાણું છે .

અલબત્ત, ઔરંગઝેબ પોતાના પૂર્વજોની જેમ 'ફૂડી' નહોતો, જે પીરસાય તે ખાઈ લેવાનું એમ સમજનાર ઔરંગઝેબ પણ ખીચડીનો ચાહક હતો પણ એની ખીચડી ઈંડા ને માછલીવાળી રહેતી . જેનો ઉલ્લેખ આલમગીર ખીચડી તરીકે થતો રહ્યો  .

એ સમયે અંગ્રેજોનો પગપેસારો થઇ ચૂક્યો હતો. ખીચડી તો અંગ્રેજોને પણ દાઢે વળગી . અંગ્રેજોએ  ખીચડીનું સ્વરૂપ થોડું ફેરબદલ કરી નામ આપ્યું કેડગ્રે , જે આજે પણ બ્રિટિશ બ્રેકફાસ્ટમાં પીરસાય છે. 

આપણે ત્યાં તો ખીચડીનો દબદબો અણનમ છે. યુવાન હોય કે વૃદ્ધ , ખીચડી સહુને ચાલે  . હા, એનું સ્વરૂપ રાજ્ય પ્રમાણે બદલાય છે. 

ગુજરાતમાં ખિચડી કઢી કે ખિચડી દૂધ કે દહીં સાથે હોય તો તમિલ લોકો ઘીથી તરબતર પૉન્ગલ ખાય. હિમાચલી ખીચડી જોઈને ઉઝબેક ખિચરી યાદ આવે, દાળ, ચોખા સાથે ચણાને રાજમા પણ નાખેને કર્ણાટકના બીસી બેલે હન્ના. ગુજરાતી લોકો બધામાં ગળપણ નાખે એક ખિચડી સિવાય પણ કર્ણાટકી બ્રાહ્મણ બીસી બેલેમાં ગોળ ને લીલું કોપરું નાખે  . બંગાળમાં પણ ખીચુરી એટલી જ ચાલે પણ એ ખીચુરીને કેળના પાન પર, ફ્રાઈડ ફિશ ને ચટણી સાથે પીરસવી પડે. બંગાળમાં ચટણીનું મહત્વ મીઠાઈ કરતાં પણ વધુ એવું કલકત્તાના મિત્ર સુનિલ મહેતા પાસે જાણ્યું હતું  .

એટલે ટૂંકમાં એવું કહી શકાય કે આ ખીચડીનું મૂળ તો છે સેન્ટ્રલ એશિયામાં , જ્યાંથી એ આજે ઘર ઘરની વાત થઇ ગઈ છે. પણ, મધ્ય એશિયા એટલે મુસ્લિમ પાસેથી આ ખિચડી  આપણા ઘરમાં ઘૂસી આવી એવું કહેવું યોગ્ય નથી. સાડા છસો વર્ષ આ આક્રમણકારીઓની ગુલામી ને બાકીના ત્રણસો વર્ષ ગોરી ચામડીની ગુલામીના કાઢી નાખીયે તો એક જમાનામાં હિન્દુસ્તાનની સીમા હતી અફઘાનિસ્તાનથી બાંગ્લા દેશ સુધીની.

કનિષ્ક, મૌર્ય , પુલકેશી જેવી કેટલીય ડાયનેસ્ટી રાજ કરતી હતી તે કાળમાં સંસ્કૃત  શબ્દ મળે છે ખીચા , એક એવી વાનગી જે ચોખા ને દાળમાંથી બનતી, એ ખીચડી, કેચરી તરીકે નામ બદલતી રહી.

આજે ભારતમાં એક પણ રાજ્ય એવું નથી જ્યાં ખીચડીની હાજરી ન હોય. હા, એ  દરેક રાજ્યના લોકોના મિજાજ , ભૌગોલિક સ્થિતિ ને અનુરૂપ બને છે. જેમ કે ઉત્તરાયણ વખતે ગુજરાતમાં બનતો ખીચડો , ઉત્તરપ્રદેશમાં પણ બને પણ દાળ હોય કાળા અડદની, સાથે ચોખા ને આમળા (હા, ખાટાં લાગે, શિયાળામાં આવે તે જ ) એટલે કે એક પૌષ્ટિક ખાણું  .

કાશ્મીરમાં પણ ડિસેમ્બરથી ખિચડીપાર્ટીની શરુ થાય . એ સાથે હોય એક ખાસ નોલખોલ અથાણું , હિમાચલ ,ગઢવાલ,ઉત્તરાખંડમાં શિયાળાની શરૂઆત સાથે અડદની દાળની ખીચડી બનવી શરુ થઇ જાય. કારણ એટલું જ કે પચવામાં ભારે અડદ શિયાળામાં ભારે ગુણકારી ,શરીરને પૌષ્ટિકતા સાથે ગરમી પણ આપે.

હૈદરાબાદમાં નિઝામના રાજની   ખીમે કી ખીચડી રહી ગઈ છે. દાળ, ચોખા સાથે મીટ અને ખટાશવાળી એકદમ ઢીલી , સૂપ જેવી ખીચડી એ હૈદરાબાદી ખીચડી , અને બાકી હોય તેમ એમાં સાત વઘાર , હા, બરાબર કવાંચયું સાત વાર વઘાર કરવામાં આવે. 
કર્ણાટકના બીસી બેલે હન્ના તો હવે ફોર્ટની ઉડીપી પણ આપે એટલે એની કોઈ નવાઈ રહી નથી , પણ એનો ઉદ્ભવ રાજઘરાનામાં એટલે માયસોરના રાજવી વાડિયારના રસોઈખાનામાં થયો હતો. પશ્ચિમ બંગાળમાં ખિચડી  એક નહીં અનેક ટાઇપની મળે છે. સાદી ખીચડીને નિરામિષ ખીચડી કહે છે પણ  મલાઈભૂની કીચૂરી નારિયેળના દૂધમાં પકવાય છે,એ જ રીતે દૂર્ગા પૂજામાં ખજૂર ખીચડી પણ ભોગ તરીકે ચઢાવાય છે. ખજૂર, સૂકોમેવો અને મલાઈ , આ પ્રસાદ તરીકે વહેંચાય છે,

 એક ડિઝર્ટ જેવી ખીચડી હોય તો એ છે તામિલનાડુની, ખારા પોંગલની  જેમ સક્કરી પોંગલ પણ હોય. જેમાં નમકને બદલે ગોળ પડે.

ખિચડીની  વાત હોય તો ગુજરાત મહારાષ્ટ્ર  રાજસ્થાન થોડા પાછળ પડે? મહારાષ્ટ્રમાં  ઝૂણખા  જેમ દાળખીચડી, પાલક ખીચડીનો ભારે ઠાઠ.
ગુજરાતની , કાઠિયાવાડની રામ ખીચડી ને સુરતમાં લીલવાની ખીચડી શિયાળામાં ન ખાધી તો શું ખાધું ?

જો કે સુરતમાં નોનવેજ ખીચડી ખાવાવાળો વર્ગ પણ મોટો છે. સોલા ખીચડી , મટનને ચોખા ને ક્રીમ સાથે રંધાય છે. અને હા , ઈરાનથી આવીને સવાયા ગુજરાતી બની ગયેલા પારસીના ઘરમાં તો રોજ કોલમીનો પાટિયો રંધાય , એમની સ્પેશિયલ ભરૃચી વઘારેલી ખીચડી બોમ્બે ડક મચ્છી વિના ન બને.

ખીચડી તેરે રૂપ હજાર જેવી વાત છે. ખીચડી એટલે આપણે મન થૂલી પણ જયારે ફાઈવસ્ટાર મેન્યુમાં વેન પોટ  મીલ તરીકે એ કઈ રીતે બનાવાય છે તેનું આર્ટિક્યુલેટ વર્ણન વાંચી ને પુલાવ બિરયાની છોડી ખીચડી ઓર્ડર થઇ જાય એનું નામ ખીચડી મહારાણી.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen