સુગંધનો દરિયો

દિવાળી આવે ત્યાં સુધી એક બે તકિયાકલામ જેવા વાક્યો પંદરસોવાર કાને અથડાયા વિના ન રહે. હવે તો બધું બધે મળે , દાગીના ખરીદવા ઝવેરીબજાર જવાની જરૂર જ નથી. 


એક સમયે કવીન્સ રોડ પાર આવેલી સાડીઓની જાજરમાન દુકાનોનો વટ હતો. લગ્ન લીધા હોય ને ત્યાં ન જાઓ તો તમે તમારું શોપિંગ લો લેવલ , એ જ રીતે વેવાઈવેળાને શોભે એવી અસલ કાશ્મીરી ભારતની શાલ આપવા પણ ઝવેરી બજારની સામી ગલીમાં જવું પડે. ભુલેશ્વરમાં તો ભગવાન ભૂલો પડે પણ આપણે નહીં  . પૂજાપાની નાનીમોટી તમામ આઈટમ એક્જ્થ્થે મળી જાય. હવે આ કોઈ ચીજ માટે સ્પેશિયલી દક્ષિણ મુંબઈમાં આવવું પડે એ જમાના ગયા. હવે સાચે જ બધે બધું મળે. મુમ્બઈભરમાં ડિઝાઈનરની હાટડીઓ ચર્ચગેટથી માંડીને બોરીવલી દહિસર ને સાયં માટુંગાથી લઈને ઘાટકોપર ,મુલુન્ડ   . 
એ છતાં વર્ષના કોઈપણ દિવસે આ વિસ્તારમાં જવા ટેક્સી તો કરી જોજો . પાર્કિંગનો દુકાળ તો આખા મુંબઈમાં પણ અહીં તો વિશેષ  . ત્યારે વિચાર આવે કે આ વિસ્તારમાં હાજી શું બાકી રહી ગયું હશે તે લોકો અહીં સુધી હડી કાઢીને આવે છે? 
માત્ર ઝવેરી બજાર જ નહીં , કેટકેટલાય બજારો ઇન્ટરલિંક્ડ છે , એક પછી એક લિંક ઓપન થતી જાય તો મજા આવે. આજની કડી છે સુગંધ બજારની. પછી વાતો કરીશું ધર્મના કાંટાથી લઈને લુહાર ચાલની જ્યાં કિંમત ડિસ્કાઉન્ટ કાપીને જ કહેવાય  . એ પછી પંદર ટકા હોય કે પચીસ કે ચાલીસ  . જેવી દુકાન , જેવો માલ , જેવી દુકાનદારની ગરજ.પણ આજે વાત સુગંધ બજારની.
પાનડી , માટી, સોંધો ….. આ નામથી પરિચિત છો? ઘણાં મિત્રો જાણતાં હશે પરંતુ મોટાભાગનાં લોકો માટે આ નામ અજાણ્યા છે, જેમ કે એક સમયે  મારાં માટે હતા.
વર્ષો પૂર્વે એક  બપોરે અમને આ સુગંધનું સરનામું અનાયાસે જ જડી ગયું હતું . મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટ એટલે કે શોરબકોર ને કીડીયારાની જેમ માણસોથી ફાટફાટ થતી ગલીમાં અજબ સુગંધે અમને ત્યાં દોરવ્યા. આમ જુઓ તો એક સાધારણ એવી દુકાન, પણ એનો સુગંધનો કારોબાર તો એવો કે મારા જેવા જન્મજાત સરૈયાના જીવને એમ કંઈ છોડે?
મોલ્સ અને બુટીકોમાં મળતાં મોંઘાદાટ અરોમા ઓઈલ ઘણાં સસ્તાંમાં મળશે એવી આશા સાથે દુકાનમાં પ્રવેશ્યાં તો ખરા પણ ત્યારે ખ્યાલ પણ નહતો કે કહેવાતાં એસેન્શિઅલ ઓઈલ અને ડ્યૂટી ફ્રી શોપમાં ચીરફાડ કરી લગેજમાં ભરાઈ બેસતાં પરફ્યુમ ઉપરાંત એક અલગ દુનિયા હજી શાશ્વત છે અને તે છે અત્તરની.
સરૈયાની દીકરી છું એટલે સુગંધનો વારસો લોહીમાં મળ્યો છે. કદાચ એટલે જ આ દુકાન મને એવી તો અદ્ભુત લાગી કે બે ચાર અરોમા ઓઈલ લઈને બહાર નીકળી જવાને બદલે ત્યાં સમાધિ લાગી ગઇ. રસપ્રદ વાત તો એ હતી કે મારા જેવા સુગંધરસિયાને કાઉન્ટર પર બઠેલા સજ્જન સુપેરે પિછાણી ગયા હોય તેમ એમણે તેમની વિરાસત હળવે હળવે પ્રદશિત કરવા માંડી.
ચંપો, મોગરો , કેસર , કસ્તુરી જેવાં અત્તરોનો પમરાટ જાણે નાકથી મન મસ્તક પર કબજો જમાવી રહ્યો હતો ત્યારે એ સજ્જને અમારા હાથમાં એક સિમ્પલ પેમ્પલેટ થમાવી દીધું. જેમાં લખેલાં થોડાં નામ જ મદહોશી માટે પૂરતા હતા. ગુલાબ, રૂહે ગુલાબ, ખસ, બોરસલ્લી , કદંબ , કેવડા , પાનડી , માટી , સોન્ધો , વ્રજ સૌરભ , ચંદન , બરાસ.. અને હીના , અંબર જેવાં ચમત્કૃતિથી સભર નામો પણ ખરા. અને હા, તેમના દામ પણ શેનલ અને લેન્કમથી કમ નહીં.
ગુલાબ ,મોગરો , ચંપો જેવાં કે હીના કે અંબરમાં જે ખેંચાણ  હતું તેનાથી વધુ ઉત્સુકતા જગાડનાર હતાં પાનડી , માટી , સોન્ધો. તમને કદાચ થશે વારેવારે આ માટી ,પાનડીની શું વાત ? પણ એ વાત તમને અત્યારે નહીં સમજાય.
અમને પણ નહોતી સમજાઈ જ્યાં સુધી એનું એક ટીપું અમારાં કાંડાને નહોતું અડ્યું.
રોહિતભાઈ સુવર્ણકાર કદાચ એ સજ્જનનું નામ હશે એવી અટકળ કરવાની હું છૂટ લઇ લઉં છું. એમણે અમારો પરિચય કરાવ્યો માટી સાથે. અત્તર નામે માટી. માટી અત્તર એટલે ખરેખરી ભીની માટીની મહેક.સુખી ભઠ  જમીન પર વરસાદનાં પહેલાં જે છાંટા પડે ને જે સુવાસ ઉઠે તે અત્તર તે માટી. આ માટીનો ઉપયોગ પુષ્ટિમાર્ગીઓ વર્ષાઋતુ (જુનથી ઓક્ટોબર) સુધી કરે છે. પાનડી એટલે જાણે વરસાદમાં તાજી નાહીને મહેકતી વનરાજી.. માટી અત્તર ભરેલી અલ્યુમીનીયમ સિલપેક બાટલી શું ખુલી … વાતાવરણમાં એક આખેઆખું વાદળ વરસી ગયું હોય તેવી મહેક ફરી વળી. હવે તો ડીફયુઝરનો ઉપયોગ ઘરે ઘરે થઇ ચૂક્યો છે પણ ઓઈલની યોગ્ય પસંદગી તમને તાણમુક્ત રાખી શકે છે. દરેક ઉપાધિ માટે અલગ અલગ ઓઇલ છે જેમ કે લેમનગ્રાસ ને લવંડર મનને હળવું કરી ને તાજગીથી ભરી નાખે  . એ જ રીતે નાનામાં નાના મૂળિયાં ને પાન , ફૂલના અર્કમાંથી આ તેલ બને છે.. એ વાંચવાની નહીં અનુભવવાની ચીજ છે. 
પછી તો જામી રહી મિજલસ સુગંધની. 
શું લો શું ના લો ? ખરેખર ખરીદવાં તો હતાં એક બે અરોમા ઓઈલ પણ બહાર નીકળ્યાં ત્યારે એ અલૌકિક સુગંધનો દરિયો અમારે સરનામે આવી રહ્યો હતો…..
અને હવે એ સુગંધનું સરનામું કાયમી થઇ ગયું છે. આ ઉપરાંત પણ ગંદી સાંકડી ગલીઓમાં થોડી દુકાનો આ અરોમા ઓઈલની છે. અંદર જવાની હિમ્મત જોઈએ  . જે લોકો ફોરેસ્ટ એસેન્શીયલ જેવી બ્રાન્ડના બંધાણી છે એ લોકો આફરીન  થઇ જશે ,આ સીલબંધ સુગંધના દરિયાની મદહોશીમાં ખોવાઈને . હવે જયારે આટલી મનભર સુગંધની વાત કરી છે તો સમાપન પણ એવા જ એક ગીત સાથે  . 1956માં આવેલી આ ફિલ્મના મોસ્ટ યાદગાર ગીતના ગાયક છે ભીમસેન જોશી ને મન્ના  ડે  .... જસ્ટ એન્જોય 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen