વો ઉન દિનોં કી બાત હૈ




એ સાલ હતી 1980, મહિનો જૂન. મુંબઈમાં કાયદેસર રહેવાસી બનવાની પ્રોસિજર થઇ ચૂકી હતી. એટલે કે સગાઇ થઇ હતી મારી  . સુરતની કોલેજમાં ફર્સ્ટ યર ભણતી છોકરી માટે અચાનક મુંબઈમાં , તે પણ એક ચોક્કસ સમાજમાં સેટ થવું એટલું અઘરું છે એ મને કોઈ પૂછે. જો કે સમય બદલાઈ ચૂક્યો છે , હવે તો ગુજરાતના છોકરા છોકરીઓ ફાંકડું અંગ્રેજી બોલી શકે છે પણ એ સમયે એટલે કે આજથી પાંત્રીસ વર્ષ પૂર્વે સ્થિતિ બહુ જૂદી હતી. 


એ વખતે મને કહેવામાં આવ્યું કે રમાકાન્ત જઈ  આવ્યા કે નહીં ?
ન સમજાયું એટલે  ફોડ પડ્યો લોન્ગ ડ્રાઈવ , મ્યુઝિક ને બટાટાવડાને ન્યાય આપીને પાછા ફરવાનું , બીજું શું ?
એટલે કે રમાકાન્ત કોડ હતો રોમેન્ટિક લોન્ગ ડ્રાઈવેનો. 
આજે એ વાત યાદ આવી ટીવી પર ચાલતી એક ફ્લેશબેક પિરિયડ સીરિયલને જોઈને  . 
ત્યારે ફિયાટ કારમાં એસીની બદલે ડેશબોર્ડ પર એક ભૂરી પ્લાસ્ટિકની પાંખવાળો પાંખો ફરતો રહેતો ને શું એનો અવાજ ,કાર સ્ટીરીઓમાંથી વહેતા લતાજીને પણ ન ગાંઠે  .એની વે , એ સરખામણી ફરી કોઈ વાર પણ આજે ઝિલમિલ વરસાદમાં યાદ આવી ગયા એક સમયના મોસ્ટ ફેમસ બટાટાવાળા, એ પણ અહીં તહીંનાં  નહીં, ખાપોલીના રમાકાન્તના  . મુંબઈના ભદ્ર સમાજના લોકો પહેલા વરસાદની ઉજવણી જ કરે રમાકાન્ત પર જઈને  . એટલે કે જૂન મહિનો હોય , સરસ ઝરમર કે સાંબેલાધાર વરસાદ હોય , ને લોન્ગ ડ્રાઈવ પર જવાનું  . લોનાવાલા ખંડાલામાં બંગલો ધરાવનાર રોકાય જાય ને જેને પાછા ફરવું હોય તે ખપોલી પર રમાકાન્તના બટાટાવડા ખાઈને પાછા ફરે. 


આ શક્ય એટલે બનતું કારણકે ત્યારે એક્સપ્રેસ હાઇવે નહોતા, ન તો હતી આ મોંઘી વિદેશી કાર. 
ફિયાટ કે એમ્બેસેડર, કે એક ભયંકર કદરૂપી એવી ડુક્કર જેવી જ કાર એનું નામ યાદ નથી આવતું કે પછી લેન્ડમાસ્ટર (એક બીજી હાથી જેવી કાર) અને એક નાના માણસોની મર્સીડીઝ એકદમ સ્ટાઈલિશ હૅરલ્ડ તે પણ ઓપન , ફિલ્મમાં હીરો ગાયન સામાન્યરીતે આ જ કારમાં ગાતા હોવાનું યાદ તો હશે જ.

આ મહાફૅમસ બટાટાવડા ક્યારથી વેચાતા હશે એનો કોઈ ઇતિહાસ નથી સચવાયો પણ અમારી આગલું જનરેશન પણ ત્યાં જતું હતું એ વાત પણ ખરી. 
એક નાનકડી બટાટાવાળાની લારી હતી. તે મુંબઈ-પુણે હાઇવે પર સ્થાનિક અને પ્રવાસી લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની. બટાટાવડાં ખરેખર બેનમૂન પણ આટલા લોકપ્રિય થવાનું કારણ બીજું  પણ હતું. એ વખતે લોનાવલા ખંડાલા જવા ઘાટ ચડવાનો આવે. હવે થયેલા એક્સપ્રેસ વેઝએ પુરાણ ઘાટનો ભય મિટાવી દીધો છે. બાકી તે સમયના વાહનો મુંબઈથી ખોપોલી પહોંચે પછી સીધા ઘાટ ચઢે તો થઇ રહ્યું. ઘાટ  પહેલા  પડે. એન્જીન ને રેસ્ટ આપવો પડે, પાણી ઓઇલ ચેક કરવા પડે એમાં કલાક તો જાય. એ કલાક કરવું શું ?  1936 થી 1950 સુધીના સમયગાળા દરમિયાન બોર-ઘાટ વિભાગમાં કોઈ પણ ટ્રાફિકને મંજૂરી ન હતી. સાંજે ખોપોલી  સુધી પહોંચતા તમામ વાહનોએ ફરજીયાત રાત રોકાઈ જવું પડતું. ફાયદો હતો બટાટાવડાંની નાનકડી હોટલને . જે ખરેખર તો સવારે દંતમંજન ને તમાકુ પણ આપતી ને નહાવાનું પાણી પણ, નાસ્તામાં ગરમ ગરમ બટાટાવડા ને મસાલા ચા.પછી તો બધું વિસરાયું , ખાસ કરીને 70ના દાયકા પછી , પણ બટાટાવડાંની ખ્યાતિ અણનમ રહી.
છેલ્લા થોડા વર્ષોમાં નકશો એકદમ બદલાઈ ગયો , હવે ખંડાલા લોનાવાલા માટે ડાયરેક્ટ બાયપાસ છે. ખોપોલી રસ્તામાં જ નથી. એવા સમયે રમાકાન્તના બટાટાવડા નવી પેઢી માટે અજાણી ચીજ છે. 



સમયની સાથે જેમ રસ્તા ને ભૂગોળ બદલાય એમ રમાકાન્ત હવે હોટેલ સ્વરૂપે છે. હવે ત્યાં મળે છે મલ્ટી ક્યુઝિન વરાઈટીઝ , ઈડલી વડા ડોસા તો સમજ્યા પણ ચાઈનીઝ , પંજાબી , કોન્ટિનેન્ટલ ફૂડ પણ. પણ, રમાકાન્ત જવું હોય તો ત્યાં બટાટાવડા ને જ ન્યાય આપવો પડે. 
કોઈ આટલા બધા વખાણ કરે તો એમના ગ્રાહક કોણ હશે એવી કુતુહલતા થાય ને ?
રમાકાંતના કાયમી ગ્રાહકોના નામ જાણવાથી સમજાશે  . યશવંતરાય ચવ્હાણ , કાકાસાહેબ ગાડગીલ, બી. કે બિરલા , રાજ કપૂર, રમેશ ને સીમા દેવ, નરગીસ , હૃદયનાથ મંગેશકર , લતા મંગેશકર, આશા ભોંસલે, બી ડી ગરવારે , વસંતદાદા પાટીલ, શરદ પાવર , બાળાસાહેબ ઠાકરે ,મનોહર જોશી ને આ ઉપરાંત તો લિસ્ટ બહુ લાબું છે પણ અહીં સમાવવું શક્ય નથી. 
તો હવે ખ્યાલ આવ્યો કે રમાકાન્ત ને ખાપોલીના બટાટાવડાં શા માટે  અવિસ્મરણીય છે ?
હવે એક્સપ્રેસ હાઇવે છે પણ પેલા જૂના દિવસો નથી. 

જૂના ક્યાંક ખોવાઈ ગયેલા ખંડાલા ને લોનાવલાની યાદ અમને સાલે છે તેમ તમને પણ સાલતી હોય તો આશા પારેખ ને ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલું એક લાજવાબ ગીત જોઈ લેજો , જૂની  યાદ વધુ તીવ્ર બની જશે. 

https://www.youtube.com/watch?v=iCsa5eG9oo0

Comments

  1. વાહ ખુબ સુંદર લેખ છે .સરસ જાણકારી બદલ આભાર. મેમ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...