જાહેર રજા હોય, તમને પાક્કી ખાતરી હોય કે કોઈ મોલમાં પાર્કિંગ  કે રેસ્ટોરન્ટમાં જગ્યા મળવાની નથી , તો શું કરી શકાય ? 
ફ્રેન્ડ્ઝને ઘરે બોલાવીને પાર્ટી કે તેમને ત્યાં ધામા પણ એ વિકલ્પ પણ ન હોય તો ? 
તો મુંબઈગરા ખાસ કરીંને સોબો પીપલ (સાઉથ બોમ્બેના લોકો માટે પરામાં રહેતાં મિત્રો કટાક્ષમાં આ શબ્દ વાપરે છે) માટે એક વિકલ્પ છે. ઓછી જાણીતી રેસ્ટોરન્ટમાં લંચ ને પછી કોલાબા કોઝ વે પર લટાર  . 

સામાન્ય આ કામ તો ચાલુ દિવસે પણ બિલકુલ થઇ શકે પરંતુ કોલાબા કોઝ વે આમ દિવસોમાં ટીનએજર્સનું મક્કા હોય છે. વિદેશી સહેલાણી અને કોલેજકન્યાઓથી ઉભરાતું, ચાલવાની જગ્યા મળે ન તો કોઈ નાની કાફે કે રેસ્ટોરન્ટમાં ક્યાંથી મળે?

એનું કારણ છે કોઝવે પર આવેલું પાર વિનાનું શોપિંગ આકર્ષણ. જેને આપણે જંક જ્વેલરી લેખીએ તેવી તમામ આઈટમ. મેટલ, કાચના મણકા, દોરા ધાગા સુતળીમાંથી બનેલી ફેન્સી ફેશનેબલ , ને તે પણ નહિવત દામમાં  ,એવું જ કપડાં સાથે  પણ. અફકોર્સ , ત્રણવાર પહેરીને ફેંકી દો તો પણ પોષાય એટલા સસ્તાં , એક્સપોર્ટ માટે બનેલાં, વિદેશમાં ચુસ્ત કવોલિટી કંટ્રોલમાં નાપાસ થયેલા ટનબંધ કપડાં આ રોડસાઈડ માર્કેટ પર ખડકાય. મેટલ , સ્ટોન્સ , પ્લાસ્ટિકના મોતી , સેમી પ્રેશિયસ સ્ટોન્સ , વ્હાઇટ , ગોલ્ડન મેટલ , ઓક્સીડાઈઝ ઈફેક્ટવાળી જ્વેલરી ને આ કિંમતમાં સૌ સસ્તાં કપડાં , જો ગ્રેટ ડ્રેસિંગ   સેન્સ હોય તો ઝારા કે આમ્રપાલી જોડે હરીફાઈમાં ઉતરે  . 

જો કે કોઈપણ મુંબઈગરા માટે આ બધી વાત અજાણી નથી. 
એક સમય હતો , લગભગ 60 ને 70 નો દાયકો જયારે મુંબઈનું અલ્ટીમેટ ફેશન ડેસ્ટિનેશન કોલાબા હતું , જ્યાં ફિલ્મોની હીરોઇનો ખુદ ખરીદી કરવા આવતી હતી. કોલાબાનો એ ગોલ્ડન ટાઈમ તો ક્યારનો અસ્ત થઇ ચુક્યો છે. હવે એ ચીપ શોપિંગમાં લોખંડવાલા , ફેશન સ્ટ્રીટ , લિંકિંગ રોડ સાથે હરીફાઈ કરે છે, હાંફે છે ને ફરી ઉભું થાય છે. 

શોપિંગ વિષે લખવા કરતાં ફોટોગ્રાફ્સ વધુ ન્યાય આપી શકે પણ વાત તો કરવી હતી આ કોલાબા કોઝવેની.

19મી સદીનો ઉદય થઇ રહ્યો હતો , ત્યારે મુંબઈના સાત ટાપુ જોડવાની પ્રક્રિયા પૂર્ણરૂપે આકાર લઇ ચુકી નહોતી . મુંબઈ મેઇનલેન્ડ એટલે કે વરલી ,પરેલ, મઝગાંવ , માહિમ વચ્ચે રેક્લેમેશનનું કામ ચાલુ હતું ક્યાંક ક્યાંક પૂરું પણ થઇ ચૂક્યું હતું. મુંબઈમાં રોજગારીની તક વિકસવા માંડી હતી એટલે વસ્તીવધારો થઇ રહ્યો હતો ને તેવે વખતે જે બે છેલ્લા આઇલેન્ડ જોડાયા તે આ કુલાબા ને ઓલ્ડ વુમન્સ આઇલેન્ડ. આ વિષે તેના અસ્તિત્વ ને ભરણીની વાતો તો પછી ક્યારેક પણ આજે તો તવારીખની નહીં માત્ર ખાણીપીણી ને શોપિંગની વાત છે.

કોલાબાની ગણના આજે પણ કલચરલ હબ તરીકે થાય છે. મુંબઈ શું હતું એનો એક ચિતાર જોવો હોય તો ફોર્ટ અને કોલાબામાં પગપાળા ફરવું જોઈએ. વિએના , જર્મનીમાં છે તેવા ઓર્નામેન્ટલ બિલ્ડીંગ્સ ભારતમાં અન્ય કોઈ શહેરમાં બચ્યા નથી જેવા આ વિસ્તારમાં જળવાયા છે. રીગલ સિનેમા હોય કે સહકારી ભંડાર આવ્યું છે તે બિલ્ડીંગ, એની સામેના બિલ્ડીંગ.

સૌથી ખાસ હોય તો એ છે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ જેને હવે છત્રપતિ શિવાજી સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે પણ લોકોની જીભ પર જૂનું નામ પહેલા આવે. હોટેલ તાજમહાલ , મુંબઈ યુનિવર્સીટી , બોમ્બે હાઈકોર્ટ (આ કોલાબાની પાસે છે પણ વોકિંગ ડિસ્ટન્સ પર) આ તમામ પાર અલાયદા પીસ લખી શકાય એમ છે એ ફરી ક્યારેક. તાજ ઈન્ડો સાર્સનીક સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે. મ્યુઝિયમ પણ એ જ શૈલી પર છે પણ એમાં ક્યાંક ક્યાંક મુઘલ આર્ટ ડોકાય છે..
 આર્ટ ડેકો સ્ટાઇલનું રીગલ સિનેમા હોય કે પછી તાજ મહાલ હોટેલ જે ગેટ વે ઓફ ઇન્ડિયા નિર્માણ થયાના 23 વર્ષ પૂર્વે બંધાઈ ગઈ હતી ભારતીય માટે સૌથી પહેલી હોટેલ, પણ એ પહેલા હતી હોટલ  વોટસન  .એની કહાની તો જેટલી રોચક છે તેટલી દયનીય , એ કોલાબાથી ખાસ દૂર  નથી પણ ગણતરી કાલા ઘોડા વિસ્તારમાં થાય. નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટમાં વર્ષના ગમે એ સમયે કોઈને કોઈ પ્રદર્શન ચાલતાં હોય છે. worth visiting કહેવાય એવા.

આજના કોલાબાની વાત થતી હોય ત્યારે એક ન વિસરાય એવી કાફેની વાત તો આવે જ.
કાફે લિઓપોલ્ડ જ્યાં 26/11માં ટેરર અટેક થયો હતો. લિઓપોલ્ડને  આમ પણ વાચનરસિયાઓ જાણે છે , બહુચર્ચિત નોવેલ શાંતારામને કારણે  . 1871માં બનેલી આ ઈરાની કાફે હાજી ધમધોકાર ચાલે છે તેનું મુખ્ય કારણ ફોરેનર્સ તો ખરા પણ ટેરર એટેક અને શાંતારામે એને એવી તો પબ્લિસિટી આપી છે કે હવે ઇન્ડિયન ટુરિસ્ટ પણ એક જોવાના સ્થળ તરીકે વિઝિટ કરે છે. વળી પછી ઈરાની કાફે એટલે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા  . એવી તો ઘણી કાફે છે. કાફે મોન્ડેગર , કાફે ચર્ચિલ.

1838માં નિર્માણ થયેલું મુંબઈનું કદાચ સૌથી જૂનું ચર્ચ સેન્ટ જ્હોન ઇવાન્ગેલિસ્ટ જેને મુંબઈગરા અફઘાન ચર્ચ તરીકે જાણે છે થોડા અંતરે છે.
વિદેશી માટે સૌથી મોટું જોણું અને હિંદુઓ નાક દબાવીને ભાગી છોટે એવી એક જગ્યા છે સાસૂન ડોકની ફિશ માર્કેટ  . 
મુંબઈની કદાચ સૌથી મોટી , જૂની માર્કેટ છે. ન મનાય એવી વાત છે પણ કેટલાય ટુરિસ્ટ એ જોવા જાય છે. 
આ તો કોલાબાનું ટ્રેલર છે. પિક્ચર તો ત્યાં પગ મુકો પછી શરુ થાય છે. 







ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen