જો તમારું ઘર ગંદુ તો મન ગંદુ



હમણાં એક મિત્રને ત્યાં  અચાનક જવાનું થયું. ઘરના હાલહવાલ જોવા જેવા હતા. લિવિંગ રૂમમાં ધોવાયેલાં કપડાં ધોબીની રાહ જોતાં હોય એમ સોફા પાર બિરાજમાન હતા,  થોડું પાણી ઢોળાયેલું પડ્યું હતું ,  ડૉગીએ પાણી પીતાં ઢોળ્યું હોય કે પછી  ..... , ને બે ડોગી એવા ધમાલ ચડ્યા હતા ને તે પણ સોફા પર. સોફા કુશન્સ જમીન પર પડ્યા હતા. સવારના વંચાઈ ગયેલા છાપાં ફરફર થતાં સાઈડ પર ઢગલો થઈને બેઠાં હતા.  શૂઝ કાઢીને ક્યાં મૂકવા એની કોઈ તાલીમ જ ન મળી  હોય તેમ સોફાની નીચેથી ડોકિયાં કરતા ચપ્પલ પડ્યા હતા. કિચન ને બાથરૂમ તો એથીય જાય એવી અવસ્થામાં હતા. ટોઇલેટની સીટ ભીની, ફ્લોર પર પાણી , કિચનમાં સિંકમાં થોડો ઘણો એંઠવાડ ને સૌથી ડરામણું દ્રશ્ય ભરબપોરે વંદા બાગમાં ફરતા હોય એમ લટાર મારવા નીકળેલા  .

તમને જો એવું લાગ્યું હોય કે મારા ચહેરાના હાવભાવ જોઈ મારી મિત્ર થોડી ક્ષોભિત થઇ હશે તો તમારી ધારણા બિલકુલ ખોટી છે. એને તો ખૂબ જ ઉમળકાભેર આવકાર આપ્યો એટલું જ નહીં સોફા પર પડેલા કપડાં ઉઠાવીને બેસવા માટે જગ્યા પણ કરી આપી ને સલાહ પણ આપી દીધી : આ બધું જોઈને આંખ ને મોઢું બંધ રાખજે.

કિચનની હાલત જોયા પછી ચા કોફી તો ઠીક પાણી પીવાની પણ ઈચ્છા ન થાય. પણ, આ બધી કોઈ નવી નવાઈની વાત નથી. મોટાભાગના લોકોને ત્યાં આવું જ હોય છે. બાકી હોય તેમ ઘર ચોખ્ખું રાખવાનો આગ્રહ રાખનારને  ઘરનો કચરો સીધો બારી બહાર ફગાવતા પણ જોયા છે.
 માત્ર આપણે ઇન્ડિયન જ ગંદા છીએ એવું કહેવું વધુ પડતું છે. હા, પ્રમાણમાં કંઈ ગણા વધુ ગંદા ખરા પણ અહીં કે વિદેશમાં કોઈના ઘરે કે ઓફિસમાં વિના જણાવ્યે પહોંચી ગયા હો તો જોવા જેવી થાય.

આજકાલ  Messy એટલે કે અસ્તવ્યસ્ત , કેર ફ્રી રહેવું કૂલ લેખાય છે. સ્વચ્છતા માટે આગ્રહ કે દુરાગ્રહ ધરાવનાર માટે  intellactual ક્લાસમાં શબ્દ વપરાય છે finicky . એટલે કે ગુજરાતીમાં કહીએ તો ચીકણી , હિન્દીમાં નથચઢી, તુનુકમિજાજી લેખાય છે, અલબત્ત એ '
કૂલ'ને માટે આ વાત નવી નથી પણ કૂલ ને નામે ફૂલ બનતા લોકો માટે જાણવા જેવી ખરી.

દુનિયામાં સૌ પ્રથમ વ્યક્તિ છે જેના નામે એક લાઈફ સ્ટાઇલનું નામ અસ્તિત્વમાં આવ્યું હોય : કોનમેરી , આ શબ્દ મેરી કોન્ડોની સફાઈ સ્ટાઇલ માટે  વપરાય છે


આ ઉબરકૂલ લોકોવાળા  વિશ્વમાં 41 જેટલા દેશમાં ધૂમ મચાવ્યા પછી ઇન્ડિયામાં જેની બોલબાલા વર્તાઈ રહી છે એ પુસ્તકની વાત કરવી છે.
જે પુસ્તકે માત્ર સ્ત્રીઓની જ  નહીં વિશ્વભરમાં ઘણાં  પુરુષોની પણ જિંદગી બદલી નાખી છે એમ કહેવાય છે.
પુસ્તકનું નામ છે The life changing magic of tidying up . સફાઈની જાપનીઝ કળાને વર્લ્ડક્લાસ બનાવી છે એમ કહીયે તો ખૉટું નહીં.
2010માં પ્રગટ થતાં જ બેસ્ટ સેલર બની જનાર આ પુસ્તકની 50 લાખથી વધુ કોપી વેચાઈ ચૂકી છે. ન્યુયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલર્સ પુસ્તકની યાદીમાં આ પુસ્તક લાંબા સમય સુધી ટોપ પર રહ્યું છે.

એવું તો આ પુસ્તકની જાપનીઝ લેખિકા મેરી કોન્ડો શું કહે છે કે વિશ્વના નામાંકિત વ્યક્તિની યાદીમાં સ્થાન મેળવી શકે ?

પુસ્તક છે સફાઈ પર. તમારા ડેસ્કથી લઇ ફ્રિજ, કિચન , શેલ્ફ, કબાટ , બાથરૂમ કઈ રીતે ચોખ્ખા ચણાંક રાખવા.
નવાઈ એ વાતની લાગે કે સાચે આવા પુસ્તક ચાલે ખરાં ?
વાસ્તવિકતા એ છે ચાલે નહીં દોડે, ફેસબુક પર મોટાભાગની મહિલાઓ ફાઈવ મિનિટ્સ ક્રાફ્ટ્સ અને DIY , ડુ ઈટ યોરસેલ્ફ જેવા પેજ સબ્સ્ક્રાઇબ કરે રાખે છે , એમને નવાઈ નહીં લાગે, કારણ એટલું જ કે આ તમામ પેજ પર મેરી કોન્ડોની ઘણી બધી રીતો કોપી પેસ્ટ થઇ છે , અલબત્ત એના નામ વિના  .
મેરી કોન્ડો , જાપનીઝ છે અને એનું કામ છે કન્સલ્ટન્ટનું. પણ ન તો એ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે ન હેલ્થ , એ કન્સલ્ટન્ટ છે સફાઈની. તમારા ડેસ્કથી માંડીને કબાટ, શેલ્ફ, ડ્રેસિંગ ટેબલ્સ , કિચન કઈ રીતે સફાઈબંધ રાખવા એની  .
જો નવાઈ લાગતી હોય તો એ પણ જાણી લો કે એ તમારા ઘરે આવીને એ માટે સલાહ આપવા માટે હેવી ફી ચાર્જ કરે છે , નામાંકિત ડોક્ટર્સ , લોયર્સ કે અન્ય કન્સલ્ટન્ટ કરે તે જ રીતે  . મેરીની અપોઈન્ટમેન્ટ મેળવવી એ જ મોટું કામ છે. એ લગભગ બે વર્ષ સુધી બુક્ડ હોવાનું એક અમેરિકન ચેનલ કહે છે.
રૂપિયા 700ની કિંમત ધરાવતું મેરીનું પુસ્તક કિન્ડલ એડિશનમાં અડધા ભાવે છે અને એની સાથે તાજેતરમાં પ્રકાશિત થયેલું નવું પુસ્તક સ્પાર્ક જોય લે તો એક ભાવમાં બે મળે.

અલબત્ત , પુસ્તકનું હાર્દ છે મુખ્ય પાંચ મુદ્દા પર.
જો તમને તમારૂ જીવન અર્થહીન, રસહીન લાગતું હોય તો એનું કારણ છે તમારી આસપાસનું વાતાવરણ  .
હિન્દૂ ફિલોસોફી કહે છે કે જે અંદર છે તેઓ પડઘો  બ્રહ્માંડ પાડે છે તેવી જ ફિલોસોફી જાપનીઝ પણ છે.
આપણી આસપાસનું વાતાવરણ જ અસ્તવ્યસ્ત , ગંદુ , વિખરાયેલું હોય તો જિંદગી ક્યાંથી નિર્બન્ધ થઇ વહેવાની ?
આપણી આસપાસનું ક્લટર , ઝમેલો મગજને વિચારવા પણ નથી દેતો એવું મેરી કોન્ડોના પુસ્તકનો સૂર છે.

અલબત્ત, વરસાદ જાય ને દિવાળી પાસે હોય ત્યારે વાર્ષિક સફાઈ અભિયાન શું છે ? જો સફાઈ રોજની રોજ થતી હોય તો આવી વાર્ષિક સફાઈની જરૂર જ ન રહે.
એટલું જ નહીં ,સૌથી હોતી અવસ્થા જો કોઈ હોય તો છે Let Go ન કરવાની  .
સેલમાંથી ઢગલો કપડાં લઈને આવ્યા પછી જૂના વસ્ત્ર કાઢી નાખવાનો જીવ ન ચાલે  . જૂની સાડીઓ તો ઠીક લગ્નસમયના બ્લાઉઝ જે કદી ન થવાના હોય પણ ન નીકળે  .
કપડાંથી શરૂઆત થાય પણ જૂના કતરણ , ફોટોગ્રાફ્સ, વાસણો ,કેમેરા , ફોન્સ, કમ્પ્યુટર  .... યાદી બનાવો તો ખ્યાલ આવે કે આપણી પાસે એક બે પાંચ નહીં હજારો ચીજ એવી હોવાની જે છેલ્લા બે, પાંચ ,દસ વર્ષમાં આપણે વાપરી ન હોય.
મેરી કોન્ડોની તાલીમ મૂળ પાંચ મુદ્દા પર છે. 


કોઈ પણ ચીજ વિષે પોતાની જાતને પૂછવા જેવું છે/
* આ ચીજ વસ્તુનો ઉપયોગ શું છે ?
* એ હજી કામમાં આવે છે ?
* એ શા માટે ખરીદાઈ હતી.
*ક્યારે ખરીદી કે ભેટમાં મળી / આવી ?
*હજી એ અહીં કેમ છે ?

ફક્ત શરૂઆત નાના પાયે કરવી રહી. જેમ કે આપણા મેઈલ ઇનબોક્સથી. ફક્ત પોતાની જાતને તપસવાની જરૂર છે. નકામી ઇમેઇલ ડીલીટ કરતા પણ જીવ નહીં ચાલે , જોઈ લેજો  . વાત તો કપડાંથી લઈને વધારાનું વૉશિંગ મશીન કાઢવાની હોય તો શું થાય ?
વાત છે થોડાં સિસ્ટમેટિક થવાની , શિસ્તબદ્ધ થવાની અને લેટ ગો કરવાની.
મેરી કોન્ડો આટલી નાની ઉંમરમાં આ વિષયની ખાં કેવી રીતે બની એ પણ રસપ્રદ છે. એ પણ આપણા જેવી જ સંગ્રહખોર હતી  . નાની હતી ત્યારે જ એકવાર પોતે ઉભા કરેલા ઝમેલામાં એવી અટવાઈ કે નર્વસ બ્રેકડાઉનનો ભોગ બની અને ત્યારે અચાનક બેભાન થઇ ગઈ ત્યારે એને બેભાન અવસ્થામાં કોઈ અવાજ સાંભળ્યો કે લેટ ગો કરતા શીખ.
જો કે એની આ વાત જરા પીઆર ટોક્સ લાગે પણ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ એ સફાઈ માટે જે કહે છે તેમાં ખોટું કશું નથી.
જૂના ચશ્માથી લઇ જૂના કુશન્સ , કર્ટન્સ , ખાસ કરીને કોસ્મેટિક્સ , કપડાં , પેન , ગ્રીટિંગ કાર્ડ્સ, એર ટિકિટ્સ , બોર્ડિંગ પાસીસ ( એની સાથે સંકળાયેલી મેમરીને કારણે મોટાભાગના લોકો સાચવી રાખે છે).જૂનું નકામું ફગાવવાની હિંમત  એકવાર કરી નાખ્યા પછી જે હળવાશ લાગશે તેના પછી વધુને વધુ ક્લટર કાઢવાની પ્રેરણા થશે. (આ પોતે અનુભવીને લખ્યું છે).

એમાં કોઈ શક નથી કે મેરીએ નાની ઉંમરમાં એવી જબરદસ્ત મોટી સિદ્ધિ મેળવી છે જે સામાન્યરીતે કોઈને મળતી નથી. એ વાત જૂદી છે કે સ્વભાવે લો પ્રોફાઈલ હોવાથી પ્રસિદ્ધિથી દૂર ભાગતી રહી છે. કદાચ એ દુનિયામાં સૌ પ્રથમ વ્યક્તિ છે જેના નામે એક લાઈફ સ્ટાઇલનું નામ અસ્તિત્વમાં આવ્યું હોય : કોનમેરી , આ શબ્દ મેરી કોન્ડોની સફાઈ સ્ટાઇલ માટે  વપરાય છે, જે ખરેખર તો જાપાનના પ્રાચીન  શિન્ટો ધર્મ પર આધારિત છે.

કેટલાંક દેશમાં ત્યાંના ધર્મ ધૂરંધરો એ મેરી લોકોને ભરમાવીને શિન્ટો ધર્મનો પ્રચાર કરે છે એવા આક્ષેપ કાર્ય હોવાની
વાત સોશિયલ મીડિયામાં ચગી હતી પણ એથી મેરીને કોઈ ફર્ક નથી પડતો  . એ તો આજે પણ ચૂપચાપ પોતાનું કામ કરે રાખે  છે.

એક ઝલક જોવી હોય તો લિંક પર ક્લિક કરવાનું ન ભૂલશો  .



https://www.youtube.com/watch?v=UElNicTxomo


https://www.youtube.com/watch?v=UElNicTxomo

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen