મુંબઈ મેરી જાન : જો ગઝની આવ્યો જ ન હોત તો ?


આપણે ફિલમેકર્સને  કોસવામાં શૂરા છીએ. એમાં પણ ખાસ તો ઐતિહાસિક કે પછી કોઈક મહાન ક્લાસિક કૃતિ પર આધારિત ફિલ્મોમાં લેવાતી છૂટછાટ તો કોઈ હિસાબે માન્ય નથી હોતી. જોવાની ખૂબી તો એ છે કે આપણી માહિતી સાથે બંધબેસે તો જ એ ઇતિહાસ સાચો બાકી નહીં એવું જડત્વ પણ ખરું. પણ, મહાન ઇતિહાસકારોની માહિતી ખોટી હોય શકે એ સ્વીકારવી રહી.


એક ઉદાહરણ છે રાજા ભીમદેવ સોલંકી , એમના વિષે લખાયેલી વિગતો અને માહિતી માની લેવા ચાહિયે તો પણ એમનું  જન્મવર્ષ આપણને વિચાર કરતાં મૂકી દે.

એ હકીકત છે કે મુંબઈ ભીમદેવનું નિવાસસ્થાન રહ્યું , પણ કયા ભીમદેવ ? ભીમદેવ પહેલા વિષે ઇતિહાસ લેખે છે.

ઘંટારવ માટે ઉપયોગમાં લેવાતી 200 મણની સોનાની સાંકળ (1 મણ = 20 કિલોગ્રામ ), કિંમતી રત્નો  , સોનાચાંદીની મૂર્તિઓ ,રત્નજડિત આભૂષણો. આ વિગતો સર્વવિદિત છે પણ હવે એમાં પણ મતમતાંતર થઇ રહ્યા છે. એક મત એવો છે કે ગઝનીને કોઈ ખજાનો સોમનાથમાંથી હાંસલ થયો નહોતો એટલે એને ગુસ્સામાં મંદિરનો ખાત્મો બોલાવી દીધો 

સાલ ઈ.સ 1025, જાન્યુઆરી મહિનો. મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું હતું ગુજરાતના હાર્દ એવા સંસ્કૃતિધામ સોમનાથ મંદિર પર.મંદિરનો અઢળક ખજાનો ગઝનીના મોઢામાં લાળ લાવ્યો હશે એ હકીકત છે. લૂંટના આશયથી જ આવેલા ગઝનીએ લૂંટફાટ તો ચલાવી પણ સાથે લોકોને વટલાવ્યા. 30,000 ઊંટના કાફલા ને લાવલશ્કર સાથે આવેલા આ લૂંટારુનો સામનો કરવાને બદલે લોકો સોમનાથ પોતે જ ચમત્કાર કરશે એવી આશામાં હાથ પર હાથ જોડી બેઠા રહ્યા  .


આ વાત પર્શિયન વિદ્વાન ફિલોસોફર પ્રવાસી અલ  બિરુનીએ પોતાના સંસ્મરણોમાં ઉલ્લેખી છે. વધુમાં એ નોંધે છે કે સોમનાથના મંદિરમાં ભારે રક્તપાત સર્જાયો હતો.અંદાજે પચાસ હજારથી વધુ હિંદુઓને રહેંસી નાખ્યા હતા. સામે પક્ષે ગઝનીની છાવણીમાં પણ ખુવારીનો આંક ઓછો નહોતો.




ગઝનીનો સામનો કરી રહેલા રાજા ભીમદેવ પાસે હવે એક જ વિકલ્પ બાકી રહેતો હતો , ભાગી છૂટવાનો. ગઝની જયારે લૂંટમાં મસ્ત  હતો ત્યારે ભીમદેવ સોલંકી પોતાના પાટનગર અણહિલવાડ પાટણ ન જતાં દાહોદ ગોધરા (અત્યારના ) રાજપીપળા , ડાંગનું વન વટાવી મુંબઈના વગડાઉ ટાપુ પર પહોંચી ગયા. તેમની સાથે હતા બચી ગયેલા સૈનિકો , પુરોહિતો અને પાટણના પ્રભુ લોકો(જે હવે પાઠારે પ્રભુ તરીકે જાણીતા છે , અને એટલી હદે મહારાષ્ટ્રીયન છે કે ગુજરાતીનો અંશ ન દેખાય, પહેલું એરોપ્લેન આવિષ્કાર કરનાર રાઈટ બંધુ નહીં આ પાઠારે  પ્રભુ હતા , એ વાત પછી ક્યારેક).

લૂંટ દરમિયાન ગઝનીને જે ખજાનો મળ્યો તેની આછેરી નોંધ ઇતિહાસે લીધી છે. ઘંટારવ માટે ઉપયોગમાં લેવાતી 200 મણની સોનાની સાંકળ (1 મણ = 20 કિલોગ્રામ ), કિંમતી રત્નો  , સોનાચાંદીની મૂર્તિઓ ,રત્નજડિત આભૂષણો. આ વિગતો સર્વવિદિત છે પણ હવે એમાં પણ મતમતાંતર થઇ રહ્યા છે. એક મત એવો છે કે ગઝનીને કોઈ ખજાનો સોમનાથમાંથી હાંસલ થયો નહોતો એટલે એને ગુસ્સામાં મંદિરનો ખાત્મો બોલાવી દીધો અને એટલું જ નહીં 400 જેટલી કન્યાને બંદી બનાવી સાથે લઇ ગયો હતો. 

આ વાતમાં વજન એટલે લાગતું નથી કારણ કે જો ખજાનો ન મળ્યો હોત  તો ગઝની આમ ધામા નાખીને બેસી ના રહ્યો હોતે  . મુસ્લિમ લેખકોએ પોતે જ ગઝનીના પ્રેમની વાતો આલેખી છે તે પ્રમાણે ગઝની પોતાના એક ગુલામનો પ્રેમી હતો (યસ, હોમોસેક્શ્યુઅલ) અને એ જમાનામાં એ ખાસ કરીને સેન્ટ્રલ એશિયામાં નવી નવાઈની વાત નહોતી. ગુલામનો ગુલામ શબ્દપ્રયોગ ત્યારથી જ અસ્તિત્વમાં આવ્યો.


આ લખનાર અન્ય કોઈ નહીં અને મુસ્લિમ લેખકો જ છે જેમના અંદાજ પ્રમાણે એ ગઝનીએ લૂંટેલી સંપત્તિની કિંમત એ વખતે થતી  હતી વીસ લાખ દીનાર.

લૂંટ પછી ગઝની ભાગી ન ગયો. એ ધામો નાખીને પડ્યો તો રહ્યો ને ત્યાં મસ્જિદ બનાવી,  એને લોકોને પોતાના નામ પરથી મોહમદીન બનાવ્યા. મુંબઇનો પ્રામાણિક તવારીખ આલેખનાર ઇતિહાસકાર ગાર્સીયા દાકુન્હા   'ઓરિજીન ઓફ બોમ્બે 'માં નોંધે છે કે મુંબઈને મંદિરો, મહેલો, ન્યાયાલયોની સંસ્કૃતિ જો મળી હોય તો તેનું શ્રેય જાય છે રાજા ભીમદેવને .

ઇતિહાસકારોમાં આજે પણ વિવાદસ્પદ ચરિત્ર આ રાજા ભીમદેવનું છે. 
મરાઠી મહાકાવ્યો પ્રમાણે આ બિમ્બાદેવ (ભીમદેવ) દક્ષિણના દેવગિરિથી આવેલા શાસક હતા ત્યારે પર્શિયન અને મુસ્લિમ ઇતિહાસકાર બામ્બાશાહ એટલે કે ગુજરાતના ભીમદેવ સોલંકીને માને છે. 

આ બંને વાત ગળે ઉતારવી મુશ્કેલ છે. દેવગિરિના બિમ્બાદેવ 13મી સદીમાં આવે છે , ગુજરાતના ભીમદેવ 11મી સદીમાં , એટલે વધુ નિકટ છે પરંતુ એક સમસ્યા ત્યાં છે કે તો પછી જયારે ગઝનીએ સોમનાથની લૂંટ કરી ત્યારે એમની ઉંમર હશે ચાર વર્ષ. એક જ શક્યતા હોય શકે કે ભીમદેવના જન્મવર્ષમાં કોઈક ભૂલ હોય કે પછી નાના ભીમદેવે આ ટાપુ પર એક દાયકો વટાવી રાજદંડ હાથમાં લીધો હોય.
એલિફન્ટાની આ બૌદ્ધ ગુફાઓ કાળથી પર છે. એ કેટલી જૂની છે તેનો નિર્ણય થઇ શક્યો નથી.


અલબત્ત , ગુજરાતથી આવેલા ભીમદેવની થિયરી વધુ સચોટ એટલે લાગે છે કે એમની સાથે આવેલા લોકો હવે પૂરેપૂરા મહારાષ્ટ્રીયન છે છતાં એમની કુળદેવીને માને છે , એ કુળદેવી જે પાટણના પરિવારના કુળદેવી છે. 

રાજા ભીમદેવે સમગ્ર મુંબઈના ( તે વખતે એને મુંબઈ નામ મળ્યું નહોતું ) સાત ટાપુની ઉપર કબ્જો જમાવવાને બદલે માત્ર ઉત્તરના ટાપુ પર જ આધિપત્ય જમાવ્યું  અને રાજધાની સ્થાપી મહિકાવતી , એટલે કે આજનું માહિમ  .

ભીમદેવના આગમન પૂર્વે મુંબઈની ઓળખ હતી તાડી અને વાડીથી  .ભીમદેવે પોતાની સાથે લાવેલા હાથીના કાફલા માટે એક શેલ્ટર નિર્માણ કર્યું  . માતંગ એટલે હાથી અને હાથીનું નિવાસસ્થાન એટલે માતંગાલય , એતળે કે આજનું માટુંગા  .

ભીમદેવે સહુ પ્રથમવાર ન્યાયાલય સ્થાપ્યા , જે આજે અપભ્રંશ થઈને લેખાય છે નાયગાંવ. 

જ્યાં એક સમયે માત્ર આમલી ચીંચ , તાડ , બાવળ અને ખેરના ઝાડનું સામ્રાજ્ય હતું એ હવે મહેલો, બગીચા ન્યાયાલય ને રસ્તાવાળું નગર બની રહ્યું હતું  .

(મુંબઈ આવનાર પાટાણે પ્રભુ પાઠારે પ્રભુ બની ગયા , તેમના કુળદેવી આજે પણ મુંબઈમાં જાણીતા વિસ્તારનું નામ છે  ... એ વિષે વાતો હવે પછી )











ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen